સિમા (Sima)
January, 2008
સિમા (Sima) : પૃથ્વીના પોપડાનું નિમ્ન પડ. પ્રધાનપણે સિલિકા અને મૅગ્નેશિયા(SiO2 અને MgO)ના બંધારણવાળાં ખનિજઘટકોથી બનેલો પોપડાનો નીચે તરફનો વિભાગ. તેની ઉપર તરફ સિયલ (Sial) અને નીચે તરફ ભૂમધ્યાવરણનાં પડ રહેલાં છે. બેઝિક ખડકોના બંધારણવાળું પોપડાનું આ પડ ખંડોમાં સિયલની નીચે રહેલું હોય છે; પરંતુ મહાસાગરોમાં, વિશેષે કરીને પૅસિફિક મહાસાગરમાં તો તે સાગરના તળભાગ(8થી 10 કિમી.)થી જ શરૂ થાય છે. મુખ્યત્વે તો તે બેસાલ્ટ બંધારણવાળું હોય છે, તેની વિશિષ્ટ ઘનતા 3.00 જેટલી હોય છે, તેમ છતાં કોઈ એક જગાએ તે પેરિડોટાઇટ (વિ. ઘ. 3.3) બંધારણ ધરાવતું હોવાનું પણ જાણવા મળેલું છે. સિયલ પડની જાડાઈ 30થી 35 કિમી. જેટલી હોય છે, તેથી ‘સિમા’ પડ 30/35 કિમી.ની ઊંડાઈએથી શરૂ થઈને 70 કિમી. અને ક્યાંક 100 કિમી.ની ઊંડાઈ સુધી વિસ્તરેલું હોય છે. આ પડના ખડકો મોટેભાગે સિલિકોન (Si) અને મૅગ્નેશિયમ (Mg) જેવાં તત્ત્વોથી સમૃદ્ધ હોવાથી તેને ‘સિમા’ નામ અપાયેલું છે. ઊંડાઈના સ્થાનભેદે સિમાસિયલ વચ્ચે ‘સિયલ્મા’ નામનું સંક્રાંતિ પડ પણ હોઈ શકે છે. (વધુ માહિતી માટે જુઓ, ‘પૃથ્વી’ અધિકરણમાં પોપડો.)
ગિરીશભાઈ પંડ્યા