સિમલા કરાર : ભારત અને પાકિસ્તાન વચ્ચે લાંબા ગાળાની શાંતિ સ્થાપવા માટે 3જી જુલાઈ, 1972ના રોજ સિમલા ખાતે થયેલો કરાર. ભારત અને પાકિસ્તાનના સંબંધોમાં વારંવાર સિમલા કરારનો ઉલ્લેખ થાય છે. પ્રશ્ન એ છે કે આ કરાર પર બંને દેશોના વડાઓએ સહી કર્યા પછી ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોના સંચાલનમાં તેને સીમાચિહનરૂપ ગણ્યો છે ખરો ? તેને આધારે ભારત અને પાકિસ્તાનના સંબંધોમાં સુધાર થયો છે ખરો ? આ કરાર જાહેર મુત્સદ્દીગીરી કે પ્રચારનો ભાગ તો નથી ને ? બંને દેશો આ કરારના અમલ માટે કેટલી નિષ્ઠા ધરાવે છે ? ભારત અને પાકિસ્તાનના સંબંધના કાયમી સુધાર માટે સિમલા કરાર સિવાય અન્ય વિકલ્પો છે ખરા ? સિમલા કરારનું મહત્વ માત્ર પ્રાસંગિક તો નથી ને ? સિમલા કરારને આ બંને દેશોના આંતરિક રાજકારણના સંદર્ભમાં કઈ રીતે મૂલવી શકાય ? આવા અનેક પ્રશ્નો આ કરારના સંબંધમાં થતા રહ્યા છે.

સિમલા કરારની પૂર્વભૂમિકા રૂપે બંને દેશોના નેતાઓ અને તેમના પ્રતિનિધિઓએ દુનિયાના વિવિધ દેશોની મુલાકાતો લીધી હતી; પરંતુ તેમણે કોઈ વિદેશી પાટનગરને સ્થાને બંને દેશોમાંથી જ કોઈ સ્થળને પસંદ કરવા અંગેની સંમતિ દર્શાવી હતી. આ બંનેના વિશેષ દૂતો ડી. પી. ધર અને અઝીઝ અહમદ આ પહેલાં ઇસ્લામાબાદમાં મળ્યા હતા અને સિમલા-મંત્રણા માટેની પૂર્વભૂમિકા બાંધી હતી. તેમણે સિમલા-મંત્રણા માટેની કાર્યસૂચિ અને સિદ્ધાંતો પણ નક્કી કર્યાં હતાં.

ત્રીજી જુલાઈ, 1972ના રોજ થયેલા આ કરારની છ કલમો હતી; પણ બાંગ્લાદેશના યુદ્ધના પરિણામે ઉદભવેલા પ્રશ્નો અને ભારત અને પાકિસ્તાન વચ્ચે આવાં યુદ્ધો નિવારવા માટેની બધી જોગવાઈઓ(જેમને વિશે બંને પક્ષો સંમત હતા એવી)નો એમાં સમાવેશ કરાયો હતો. કરારનો હેતુ મૈત્રીભર્યા અને સુમેળવાળા સંબંધો સ્થાપવાનો અને ઉપખંડમાં લાંબા ગાળા સુધી ચાલે એવી શાંતિ સ્થાપવાનો હતો. જોકે આ બંને હેતુઓ સિદ્ધ થયા હોય એવું છેલ્લાં પચ્ચીસ વર્ષના ઇતિહાસ પરથી લાગતું નથી. વિવિધ પ્રકારના સંઘર્ષો સિમલા કરાર પછીની શાંતિપ્રક્રિયાથી પણ નિવારી શકાયા નથી. તણાવો, હરીફાઈ, કારગિલ યુદ્ધ વગેરે બંને દેશોના સંબંધો આડે જોવા મળે છે. એટલું ખરું કે બાંગ્લાદેશમાં આ પ્રકારનું લાંબું યુદ્ધ કે અણુયુદ્ધ બે વચ્ચે નજરે પડ્યાં નથી. જોકે તેનો યશ અણુશસ્ત્રોને કે તેના ઉપયોગની બીકને જ આપવો પડે, સિમલા કરારને નહિ. આમ છતાં સિમલા કરારનું પોતાનું આગવું મહત્વ તો છે જ.

સિમલા કરારની રૂએ કાયમી શાંતિની સ્થાપના માટે નક્કી થયું કે —

(1) બંને રાજ્યોએ તેમના સંબંધોનું સંચાલન યુનોના ખતપત્રના સિદ્ધાંતો અનુસાર કરવું. (2) મતભેદો ઉકેલવા દ્વિપક્ષી મંત્રણા કે બીજાં શાંતિમય સાધનોનો ઉપયોગ કરવો. (3) બંનેએ એકબીજાની પ્રાદેશિક એકતા અને સાર્વભૌમત્વને માન આપવું અને એકબીજાના આંતરિક મામલામાં દરમિયાનગીરી ન કરવી.

તાત્કાલિક ધોરણે એકબીજાની વિરુદ્ધનો પ્રચાર બંધ કરીને, બંનેએ એકબીજા સાથેના સંપર્ક-વ્યવહાર(communication)ની પુન:સ્થાપના કરવાનું નક્કી કર્યું.

બંનેએ પોતપોતાનાં લશ્કરી દળોને પોતાના તરફની આંતરરાષ્ટ્રીય સરહદની અંદર ખેંચવાનું નક્કી કર્યું. જમ્મુ અને કાશ્મીરમાં 17 ડિસેમ્બર, 1971ની અંકુશરેખાને બંનેએ માન આપવાનું નક્કી કર્યું. (પછી આવા ઝઘડા અંગેનું પોતપોતાનું વલણ ગમે તે હોય.) આ રેખાને બદલવા બળપ્રયોગ ન કરવાનું પણ બંનેએ કબૂલ્યું. કરારને મંજૂરી મળે પછી બંનેએ પોતપોતાનાં લશ્કરી દળોને પાછાં ખેંચી લેવાનું કામ એક માસમાં પૂર્ણ કરવાનું હતું. ટીકાકારોએ આ કબૂલાતમાં ભારતને ખોટ ગઈ છે એવું કહ્યું; કારણ આ પ્રક્રિયામાં પાકિસ્તાનની તુલનામાં વધુ મોટો અને મહત્વનો વિસ્તાર ભારતે જતો કરવાનો હતો. કાશ્મીરના પ્રશ્ન અંગેના પાકિસ્તાનના મૂળભૂત વલણમાંના બદલાવના સંદર્ભમાં જ ભારતના આ ભોગને વાજબી ગણી શકાય. સરકારનું વલણ આ સંદર્ભમાં એવું હતું કે પાકિસ્તાનની હારના સંદર્ભમાં ઊભા થયેલા આંતરિક અસંતોષને જ આપણે આમ કરીને વધાર્યો હોત અને પાકિસ્તાન સાથે લાંબા ગાળાની શાંતિ સ્થાપવાના ભારતના ધ્યેયની વિરુદ્ધનું જ આ પગલું બનત. જોકે આમ કરીને પણ ભારત લાંબા ગાળાની શાંતિ તો સ્થાપી શક્યું નથી; પરંતુ ત્યારના સંજોગોમાં સરકારે પરિસ્થિતિને અલગ રીતે જોઈ હતી. ઉદારતા બતાવવાથી કાયમી શાંતિ સ્થપાવાની તકો તેમને ઊજળી લાગતી હતી. આવી માન્યતા માટે તેમનાં કારણો હતાં :

(અ) પાકિસ્તાનના પરાજયથી તેમના લશ્કરી તંત્ર અને પ્રતિષ્ઠાને મોટો ફટકો પડ્યો હતો.

(આ) બાંગ્લાદેશનો વિસ્તાર ગુમાવવાની અસરો બહોળી હતી.

(ઇ) ભુટ્ટોને કારણે પાકિસ્તાનના આંતરિક માળખામાં લોકશાહીના વિકાસ માટેની તકો ઊભી થઈ હતી, ધારણા (1) અને ધારણા (3) એ હતી કે પાકિસ્તાન મોટેભાગે લશ્કરી શાસકોને આધીન રહેવાથી જ ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં તણાવ રહેતો હતો અને યુદ્ધો થતાં હતાં.

(ઈ) પાકિસ્તાને બાંગ્લાદેશનો વિસ્તાર ગુમાવ્યો હોવાથી અમેરિકા અને ચીન જેવા મિત્રો નહિ પણ ભારત સાથેનો સંવાદ જ પાકિસ્તાન ને ભારત વચ્ચેના પ્રશ્નોનો ઉકેલ લાવવામાં મદદ કરી શકે એવી માન્યતા ઊભી થવાની આસ્થા હતી.

(ઉ) પાકિસ્તાનના લશ્કરી સાથી અમેરિકાની વિયેટનામ યુદ્ધમાં હારને લીધે તેની પ્રતિષ્ઠાને હાનિ પહોંચી હતી.

(ઊ) પાકિસ્તાનના નેતાઓ અને પ્રજાને ખ્યાલ આવી ગયો હશે કે ભારત સાથેના સંઘર્ષની નીતિ નુકસાનકારક નીવડે છે.

સિમલા કરારને જાન્યુઆરી, 1966માં થયેલા તાશ્કંદ કરાર સાથે સરખાવીએ તો સિમલા કરાર તાશ્કંદની જેમ કોઈની મધ્યસ્થી (સોવિયેત સંઘ) વિના થયો હતો. તાશ્કંદ કરારમાં બંને સરકારોએ પોતાનાં દળો 1949ની યુદ્ધવિરામની રેખા સુધી ખેંચવાનાં હતાં. આની તુલનામાં સિમલા કરાર મુજબ બંને દેશોએ તેમનાં દળો 17 ડિસેમ્બરની નવી અંકુશરેખા સુધી પાછાં ખેંચવાનાં હતાં. બાંગ્લાદેશના યુદ્ધમાં કરેલા વધુ સારા દેખાવથી ભારત સિમલા ખાતે વધુ આત્મવિશ્વાસથી વર્તી શક્યું હતું.

કરારના અમલ પછી લશ્કરી દળોની પીછેહઠની કામગીરી ખાસ કરીને ભારતને પક્ષે થોડી લાંબી ચાલી, કારણ કે ભારતનાં લશ્કરી દળો કૅન્ટોનમૅન્ટથી દૂર હતાં; જ્યારે પાકિસ્તાનનાં દળો સરહદની નજીક હતાં. વળી ભારતે 5139 ચોરસ માઈલ જેટલો વિસ્તાર ખાલી કરવાનો હતો, જ્યારે પાકિસ્તાને 69 ચોરસ માઈલ જેટલો વિસ્તાર જ ખાલી કરવાનો હતો. વળી અંકુશરેખાના અર્થઘટન અંગે પણ મતભેદો થયા. છેવટે એવું નક્કી થયું કે સમગ્ર યુદ્ધવિરામ-રેખાનું યુદ્ધ પછીની પરિસ્થિતિના સંદર્ભમાં પુન: આંકન થવાનું હતું. લશ્કરી દળોની પીછેહઠની પ્રક્રિયા 15 સપ્ટેમ્બર સુધી (દસ દિવસ મોડી) પૂરી કરવાનું નક્કી થયું. અંકુશરેખા કદાચ વાસ્તવિક આંતરરાષ્ટ્રીય રેખા બને એ શક્યતાને લક્ષમાં રાખી હોવાથી પણ અંકુશરેખા આંકવામાં મોડું થયું. વાસ્તવમાં 16 ડિસેમ્બર, 1972ના રોજ લશ્કરી દળોને પાછા હઠાવવાનું કામ પૂર્ણ થયું. એ સાથે જૂની યુદ્ધવિરામરેખાનો અંત આવ્યો. હવે યુનોના નિરીક્ષકોને જૂની યુદ્ધવિરામરેખાનો અંત આવતાં કોઈ કામગીરી રહી ન હતી. એ સાથે જમ્મુ અને કાશ્મીરનો પ્રશ્ન વાસ્તવમાં દ્વિપક્ષી પ્રશ્ન બન્યો.

ડી. પી. ધરે ‘Indira Gandhi, the Emergency and Indian Democracy’ નામના પુસ્તકમાં સિમલા કરારની પૂર્વભૂમિકા, પ્રક્રિયા અને કરારનું પૃથક્કરણ કર્યું છે. એક મહત્વની વાત એ છે કે શરૂઆતમાં પાકિસ્તાન ભારત અને પાકિસ્તાન વચ્ચેના પાયાના (basic) પ્રશ્નોની ચર્ચા કરવા અંગે સંમત ન હતું; પરંતુ છેવટે પાયાનો (જમ્મુ અને કાશ્મીર) પ્રશ્ન સલાહકારોના વાર્તાલાપમાં અને બંને નેતાઓની ચર્ચામાં આવ્યો જ હતો. પાકિસ્તાનની માન્યતા શરૂઆતમાં એવી હતી કે લાગણીસભર પ્રશ્નોને બાજુમાં મૂકી, બીજા પ્રશ્નો પર સંમતિ સાધી, મૈત્રીભર્યું વાતાવરણ ઊભું કરી છેવટે પાયાના પ્રશ્ન અંગે સંમતિ સાધી શકાય. એ નોંધનીય છે કે છેલ્લાં થોડાં વર્ષોમાં ભારતે આવું વલણ અપનાવ્યું હતું અને પાકિસ્તાને પાયાના પ્રશ્નોને પહેલાં હલ કરવા પર ભાર મૂક્યો હતો. છેવટે મંત્રણા માટે બધા જ પ્રશ્નોને સાથે લઈને, વિવિધ પ્રશ્નો અંગે મંત્રણા કરવા વિવિધ જૂથોની રચના કરવાનું વલણ વર્તમાન સમયમાં અપનાવવામાં આવ્યું છે.

પાકિસ્તાનના સિમલા કરાર સમયના વલણ માટે તેની તાત્કાલિક જરૂરિયાત જવાબદાર હતી; જેમ કે, યુદ્ધ દરમિયાન ભારતે પાકિસ્તાનના કબજે કરેલા યુદ્ધકેદીઓની મુક્તિ. જોકે ભારત આ સૂચનો સ્વીકારતા પહેલાં પાકિસ્તાન બાંગ્લાદેશને એક સ્વતંત્ર રાજ્ય તરીકે માન્યતા આપે એવો આગ્રહ રાખતું હતું. આ ઉપરાંત યુદ્ધ દરમિયાન ભારતે કબજે કરેલા વિસ્તારો પાછા મેળવવા એ પાકિસ્તાનને માટે સૌથી મહત્વનું હતું.

ભારત તાશ્કંદ કરારનું પુનરાવર્તન થાય એમ ઇચ્છતું હતું; પરંતુ 1965ના યુદ્ધથી ઊભા થયેલા પ્રશ્નો જ સર્વસ્વ બની ગયા હતા. આથી ઝુલ્ફિકારઅલીને પાયાના પ્રશ્નોની ચર્ચા માટે સંમતિ આપવી પડી. શ્રી ધરના મંતવ્ય મુજબ બળથી જમ્મુ અને કાશ્મીરના પ્રશ્નો હલ થઈ શકે નહિ એની ખાતરી ભુટ્ટોને થઈ ગઈ હતી અને ‘જૈસે થે’ની પરિસ્થિતિ કાશ્મીરને માટે કાયમી ઉકેલ બને એ સ્વીકારવા તે તૈયાર હતા પણ તેમના પક્ષે બે મર્યાદાઓ હતી : (1) લશ્કરી તંત્ર આ ઉકેલને સ્વીકારે એમ ન હતું; (2) સિમલા કરારને તે એવા કરારનું સ્વરૂપ આપવા માગતા હતા, જેને પાકિસ્તાનનાં બધાં જ રાજકીય તત્ત્વો સર્વસંમતિથી સ્વીકારે. તાત્કાલિક અંકુશરેખાને આંતરરાષ્ટ્રીય સરહદ બનાવવાનું આથી પણ શક્ય ન હતું.

વળી ભારતીય પ્રતિનિધિ મંડળ(ડૅલિગૅશન)નું અધ્યક્ષપદ હવે પી. એન. હક્સરના હાથમાં હતું, જે જવાહરલાલ નેહરુની જેમ ઇતિહાસના વર્તમાન પર પ્રભાવ અને પદાર્થપાઠમાં વધુ પડતો વિશ્વાસ રાખતા હતા અને જમ્મુ અને કાશ્મીરના પ્રશ્નના (અંકુશરેખાને કાયમી આંતરરાષ્ટ્રીય રેખામાં બદલવાના) ભારતતરફી ઉકેલથી વર્સાઈની સંધિથી જર્મનીમાં વેરવૃત્તિ ઊભી થઈ હતી એવી જ ભાવના પાકિસ્તાનમાં પેદા થશે એવા ભયથી પીડાતા હતા. શ્રીમતી ગાંધી પણ પાકિસ્તાન સાથે સમાધાન ઠોકી બેસાડવાના મતનાં ન હતાં. આ ઉપરાંત અંકુશરેખાને કાયમી આંતરરાષ્ટ્રીય સરહદ બનાવવાનો અર્થ સમગ્ર કાશ્મીર પર ભારતનો દાવો જતો કરવો એવો થાય, જે આંતરિક રાજકારણની દૃષ્ટિએ તેમને ફાયદાકારક લાગતું ન હતું.

આથી પી. એન. ધરના મત મુજબ અંકુશરેખાને કાયમી આંતરરાષ્ટ્રીય સરહદ બનાવવાનું સિમલા ખાતે બિનઔપચારિક રીતે સ્વીકારાયું હતું; પરંતુ તેને લિખિત સ્વરૂપે કરારના ભાગ રૂપે કે બીજી રીતે દર્શાવવામાં આવ્યું નહિ; પરંતુ મંત્રણાનું આવું જ અર્થઘટન કેટલાકે કર્યું. પિટર હેગલહર્સ્ટે ‘The Times’ (London)માં લખ્યું ‘……. કરાર એવું પણ દર્શાવે છે કે બંને પક્ષોએ ડિસેમ્બરના અંતમાં યુદ્ધ પત્યું ત્યારની યુદ્ધવિરામરેખાનો સ્વીકાર કર્યો છે અને તેને કાયમી શાંતિરેખામાં બદલવાનું નક્કી કર્યું છે.’ (P. N. Dhar, p. 195). ભુટ્ટોએ વિભાજિત કાશ્મીરનું કાનૂનીકરણ કરવાની પ્રક્રિયાની ચર્ચા કરી હતી. આમ શ્રી પી. એન. ધરના મત મુજબ સિમલા કરારમાં કાશ્મીરના પ્રશ્નના નિરાકરણ માટે વ્યવસ્થા જ ન હતી; તોપણ તેના ઉકેલનો સમાવેશ તેમાં થયો હતો. જો સિમલા કરાર પ્રમાણે કાશ્મીરના પ્રશ્નનો ઉકેલ આવ્યો હોત તો કાશ્મીર એ વાસ્તવમાં ભારતનો આંતરિક પ્રશ્ન બની જાત. જોકે જ્યારે શ્રી પી. એન. ધરે ઉપરની હકીકતોનું બયાન 1995માં ‘Times of India’માં બે લેખો લખીને કર્યું ત્યારે પાકિસ્તાની નેતાઓએ કાં તો આવી કોઈ સમજૂતીનો ઇનકાર કર્યો યા તેને ભુટ્ટોની ચાલાકીના ઉદાહરણ તરીકે ગણાવી, જેમાં ભુટ્ટો કોઈ પણ લિખિત સમજૂતી કરવામાંથી છટકી ગયા હતા.

પાકિસ્તાને ઘૂસણખોરો મોકલીને સિમલા કરારની અંકુશરેખાનો ભંગ વારંવાર કર્યો છે. શું પાકિસ્તાને ભારતને છેતર્યું હતું ? શું ભારતે જે રણમેદાનમાં પ્રાપ્ત કર્યું હતું તે મંત્રણાના ટેબલ પર ગુમાવ્યું હતું ?

જો ટૂંકા ગાળાનો વિચાર કરવામાં આવે તો જે ભારતે આપ્યું તે આપવા માગતું જ હતું, જેમ કે, વિસ્તારો, યુદ્ધકેદીઓ જે પાકિસ્તાનને જોઈતા હતા. પાકિસ્તાને બાંગ્લાદેશને માન્યતા આપી, જેમાં ભારતને રસ હતો; પરંતુ પાકિસ્તાને એ કાર્ય ઢીલથી અને પોતાની રીતે કર્યું હતું.

આ કરારથી લાંબા ગાળાની દૃષ્ટિએ ભારતની એક મોટી સિદ્ધિ એ હતી કે પાકિસ્તાનના વિભાજનથી તેની શક્તિ ઘટી; પરંતુ તે એક ટૂંકા ગાળાની સિદ્ધિ સાબિત થઈ, કારણ કે અણુશસ્ત્રો બનાવીને પાકિસ્તાને ભારતના સમકક્ષ બનવાનો પ્રયત્ન કર્યો. વળી બાંગ્લાદેશના સર્જનમાં ભારતનું પ્રદાન હોવા છતાં તેની સાથેના સંબંધો સમસ્યારૂપ જ રહ્યા.

કાશ્મીરના પ્રશ્નના કાયમી ઉકેલની નિષ્ફળતા એ સિમલા કરારની સૌથી મોટી નિષ્ફળતા છે. શ્રી પી. એન. ધરના મત મુજબ સિમલા કરારમાં કાશ્મીર અંગેની બિનઔપચારિક સંધિનો ઔપચારિક રીતે સમાવેશ કરવો જોઈતો હતો.

આ નિષ્ફળતા માટે અમુક પ્રમાણમાં શ્રી ધર ભુટ્ટો અને અઝીઝ અહમદની અલગ અલગ શૈલીને જવાબદાર ગણે છે. ભુટ્ટોએ રાજપુરુષનું વલણ અપનાવ્યું હતું. ‘પોતે સમજૂતી કરવા માગે છે, પણ સ્થાનિક પરિબળોનું શું ? માટે બિનલિખિત અને ધીમે ધીમે જ આ પ્રશ્ન ઊકલી શકે’ એવું વલણ અપનાવ્યું. અઝીઝે હઠીલું અને આક્રમક વલણ અપનાવી ‘કાશ્મીરનો સૂચિત ઉકેલ શક્ય બને એમ નથી’ એમ જણાવી દીધું. આથી લિખિત સમજૂતી ભુટ્ટો કેવી રીતે કરે ? – એવી સમજ ભારતે દર્શાવી. ભારતનું મંત્રણામંડળ રક્ષણાત્મક (defensive) સ્થિતિમાં આવી ગયું. શ્રી પી. એન. ધરના મત મુજબ ભારતીય ટીમને જીતની પરિસ્થિતિ ફાવતી ન હતી. વિજેતાઓએ તો સૌજન્ય, ઉદારતા, પરિવર્તનશીલતા દાખવવી પડે. કદાચ ઐતિહાસિક અનુભવોએ ભારતને હાર જીરવતાં શીખવ્યું છે, જીત માણતાં કે તેનો ઉપયોગ કરતાં શીખવ્યું નથી.

ભારત અને પાકિસ્તાન વચ્ચેનો સંઘર્ષ શેને કારણે છે ? ધર્મ અને બિનસાંપ્રદાયિકતા વચ્ચેનો એ સંઘર્ષ છે ? એક અસમાન રાષ્ટ્રનો બીજા મોટા રાષ્ટ્ર જેવો બનવા માટેનો સંઘર્ષ છે ? તે ઇતિહાસની એક અનિર્ણીત વ્યથા છે ? એક પ્રદેશ માટેનો તે ઝઘડો છે ? સંઘર્ષનું મૂલ્યાંકન મૂલ્યાંકનકાર કદાચ પોતપોતાનાં મૂલ્યો અનુસાર કરશે; પરંતુ જવાહરલાલ નહેરુના સમયથી એવા ઉકેલના પ્રયત્નો થયા છે. તેની નિષ્ફળતાનાં કારણોનું પૃથક્કરણ આક્ષેપબાજીમાં પરિણમે છે. સંઘર્ષ જારી છે. તેના ઉકેલ માટેનો એક નિષ્ફળ પ્રયત્ન હતો – તાશ્કંદ કરાર. શું સિમલા કરારની પણ આ જ દશા થશે ? કાશ્મીરના પ્રશ્નનો ઉકેલ ગૂંચવણભર્યો રહેવાનો ? કાનૂની રીતે સાર્વભૌમ રાષ્ટ્રો આંતરરાષ્ટ્રીય દબાણોને અધીન નથી, પણ તેનાથી પર પણ નથી. કાશ્મીરના પ્રશ્નના પક્ષકારો અનેક છે. સમયનાં વહેણોએ, સરકારોની નીતિઓએ આ પ્રશ્નને પેચીદો બનાવ્યો છે. સિમલા કરારે ભારત અને પાકિસ્તાનને શ્વાસ લેવા માટેનો અવકાશ આપ્યો હતો પણ પ્રશ્નોના ઉકેલો આપ્યા નથી.

સિમલા કરારના બે હકારાત્મક પ્રદાનો અવગણી શકાય એમ નથી : (1) માત્ર આંતરરાષ્ટ્રીય માર્ગદર્શન કે દબાણથી ભારત અને પાકિસ્તાન વચ્ચેના પ્રશ્નો ઊકલશે નહિ. કમસે કમ ભારત અને પાકિસ્તાનની સંમતિ અનિવાર્ય છે; (2) બળથી કે છળકપટથી ભારત અને પાકિસ્તાનના સંબંધોના પ્રશ્નો ઊકલી જશે એવું માનનારા બંને દેશોમાં છે; પરંતુ અનુભવે આ માન્યતાને ખોટી ઠેરવી છે.

મહેન્દ્ર ઠા. દેસાઈ