સિમારુબેસી (Simaroubaceae)
January, 2008
સિમારુબેસી (Simaroubaceae) : વનસ્પતિના દ્વિદળી વર્ગમાં આવેલું એક કુળ. બૅન્થામ અને હૂકરની વર્ગીકરણ-પદ્ધતિમાં તેનું સ્થાન આ પ્રમાણે છે : વર્ગ – દ્વિદળી, ઉપવર્ગ – મુક્તદલા (Polypetalae), શ્રેણી – બિંબપુષ્પી (Disciflorae), ગોત્ર – જિરાનિયેલ્સ, કુળ – સિમારુબેસી. આ કુળમાં 32 પ્રજાતિઓ અને 200 જેટલી જાતિઓ નોંધાયેલી છે. ભારતમાં તેની 6 પ્રજાતિઓ અને 12 જાતિઓ થાય છે. ગુજરાતમાં માત્ર એક જ પ્રજાતિ અને એક જાતિ (Ailanthus excelsa, અરડૂસો) જોવા મળે છે. આ કુળની મોટાભાગની જાતિઓનું વિતરણ ઉષ્ણ અને ઉપોષ્ણકટિબંધમાં થયેલું છે. કેટલીક જાતિઓ સમશીતોષ્ણ પ્રદેશોમાં મળી આવે છે.
Castela, Holocantha, Surina, Simarouba, Picrammia, Alvaradoa અને Ailanthus મુખ્ય પ્રજાતિઓ છે, જે પૈકી Ailanthus એશિયન પ્રજાતિ છે.
આ કુળની ઘણીખરી વનસ્પતિઓ શાખિત વૃક્ષ-સ્વરૂપ ધરાવે છે. પર્ણો સાદાં કે પિચ્છાકાર સંયુક્ત, એકાંતરિક અને અનુપપર્ણીય (exstipulate) હોય છે. કેટલીક વાર 60 સેમી. 90 સેમી. લાંબા પત્રાક્ષ ઉપર દંતુ-રિત પર્ણિકાઓ ગોઠવાયેલી હોય છે; દા.ત., અરડૂસો. પુષ્પવિન્યાસ અગ્રીય કે કક્ષીય, શાખાયુક્ત કલગી (raceme) કે પરિમિત પ્રકારનો જોવા મળે છે. પુષ્પ નિયમિત, ઉભયલિંગી, ક્યારેક એકલિંગી (દા.ત., અરડૂસો), અધોજાયી (hypogynous) અને પંચાવયવી હોય છે. વજ્ર 5 અસમાન વજ્ર પત્રોનું બનેલું હોય છે. તેમનો કલિકાન્તરવિન્યાસ (aestivation) કોરછાદી (imbricate) પ્રકારનો હોય છે. દલપુંજ 5 દલપત્રોનો બનેલો હોય છે. દલપત્રો મુક્ત અંડાકાર કે લંબગોળ અને કોરછાદી હોય છે. કેટલીક વાર વજ્રપત્રો અને દલપત્રો 3ની સંખ્યામાં હોય છે. ઉભયલિંગી અને નરપુષ્પોમાં પુંકેસરચક્ર 10 પુંકેસરોનું બનેલું, દ્વિચક્રીય (5 + 5) અને પ્રતિદ્વિવર્તપુંકેસરી (obdiplostameous) હોય છે. કેટલીક જાતિઓમાં અસંખ્ય પુંકેસરો જોવા મળે છે. પુંકેસરતંતુઓ પાતળા અને પરાગાશય દ્વિખંડી હોય છે. પરાગાશયનું સ્ફોટન લંબવર્તી (longitudinal) રીતે થાય છે. ઉભયલિંગી અને એકલિંગી પુષ્પોમાં સ્ત્રીકેસરચક્ર 4-5 યુક્ત સ્ત્રીકેસરોનું બનેલું હોય છે. બીજાશય ઊર્ધ્વસ્થ અને 1-5 કોટરીય હોય છે. પ્રત્યેક કોટરમાં એક અંડક અક્ષવર્તી જરાયુ પર ગોઠવાયેલું હોય છે. પરાગવાહિની 1-5, મુક્ત કે યુક્ત હોય છે. ફળ, પ્રાવર, વેશ્મસ્ફોટી (schizocarpic) કે સપક્ષ પ્રકારનું હોય છે. ભાગ્યે જ અષ્ઠિલ (drupe) ફળ જોવા મળે છે. બીજ વક્ર ભ્રૂણ અને અલ્પ પ્રમાણમાં ભ્રૂણપોષ ધરાવે છે.
આકૃતિ : સિમારુબેસી : અરડૂસો (Ailanthus excelsa) : (અ) પુષ્પ સહિતની શાખા,
(આ) માદા પુષ્પ, (ઇ) માદા પુષ્પનો ઊભો છેદ, (ઈ) બીજાશયનો છેદ, (ઉ) નર પુષ્પ, (ઊ) ફળ
આ કુળની જાણીતી આર્થિક અગત્યની વનસ્પતિઓ આ પ્રમાણે છે :
1. અરડૂસો રસ્તાની બંને બાજુએ તેમજ જંગલોમાં નૈસર્ગિક રીતે ઊગે છે. તેની છાલનો ઉકાળો કૃમિનાશક છે અને મલેરિયાનું નિયંત્રણ કરે છે. છાલને ગરમ પાણીમાં ઉકાળી સ્નાન કરવાથી ચર્મરોગો મટે છે. તેનો લેપ માથામાં કરવાથી જૂનો નાશ થાય છે. પર્ણનો રસ શરદીમાં ઉપયોગી છે.
2. Quassia amara વિષુવવૃત્તીય અમેરિકાની વનસ્પતિ છે. તેને તેના ચળકતા લાલ રંગનાં સુંદર પુષ્પો માટે ભારતીય ઉદ્યાનોમાં ઉગાડવામાં આવે છે.
3. Ailanthus ultissima, Kirkia acuminata, Picrasma excelsa જેવી વનસ્પતિઓનું કાષ્ઠ ઇમારતી લાકડા માટે ઉપયોગી છે.
વેટ્સ્ટેઇન, રેન્ડલ, હચિન્સન અને હેલિયરે આ કુળને જિરાનિયેલ્સ ગોત્રમાંથી દૂર કરી રુટેલ્સ ગોત્રમાં મૂક્યું છે. આ કુળ રુટેસી કુળથી પર્ણોમાં તૈલીગ્રંથિઓની ગેરહાજરી, એકલિંગી પુષ્પોની હાજરી જેવી બાબતોમાં અલગ પડે છે.
યોગેશ ડબગર