સિમલા : હિમાચલ પ્રદેશના દક્ષિણ ભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 30° 45´થી 31° 44´ ઉ. અ. અને 77° 00´થી 78° 19´ પૂ. રે. વચ્ચેનો 5,131 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે કુલુ અને મંડી જિલ્લા, ઈશાન અને પૂર્વમાં કિન્નૌર જિલ્લો, પૂર્વ અને અગ્નિ તરફ ઉત્તરાંચલ રાજ્ય, દક્ષિણે સિરમોર જિલ્લો તથા નૈર્ઋત્ય અને પશ્ચિમમાં સોલન જિલ્લો આવેલાં છે. જિલ્લામથક સિમલા જિલ્લાના પશ્ચિમ ભાગમાં આવેલું છે.

ભૂપૃષ્ઠ : ચતુષ્કોણીય આકાર ધરાવતા આ જિલ્લાનું ભૂપૃષ્ઠ પહાડી છે. અહીં આશરે 6,000 મીટર સુધીની ઊંચાઈવાળા પર્વતો આવેલા છે. સિમલા ખાતે જખૂ, ચૈલ નજીક સિયાહ, ચૌપાલ તાલુકામાં ચારુધાર, રોહરુ તાલુકામાં ચાન્સલ, કુમારસેન તાલુકામાં હાતુ તથા સેવની તાલુકામાં સેવની નામનાં શિખરો આવેલાં છે. અહીંની ટેકરીઓ, સાંકડી ઊભી ખીણો, ઊંચાં શિખરો તેમજ દેવદારનાં ગાઢાં જંગલો ભૂપૃષ્ઠની વિવિધતાનો ખ્યાલ આપે છે. પાતળા પડવાળી, નૂતન વયની જમીનો ખેતી માટે ઉપયોગમાં લેવાય છે. જંગલ-સંપત્તિ સરકારને હસ્તક છે. જંગલોમાં દેવદાર, રેઝિન, વાંસ, ચીલ, કૈલ, ફર અને સ્પ્રૂસનાં વૃક્ષો જોવા મળે છે.

સિમલા

જળપરિવાહ : આ જિલ્લામાં સતલજ, પાબર અને ગિરિ નામની નદીઓ આવેલી છે. આ ઉપરાંત, નાનાં-મોટાં નદી-નાળાં આ નદીઓને મળે છે. જિલ્લાની ઉત્તર સીમા પરથી પસાર થતી સતલજ અહીંની મુખ્ય નદી છે.

ખેતી : જિલ્લાની કુલ ભૂમિનો 25 % ભાગ ખેતી માટે ઉપયોગમાં લેવાય છે. અહીંની જમીનો રેતાળ અને માટીવાળી છે. જિલ્લાના કૃષિપાકોમાં ડાંગર, ઘઉં, મકાઈ, બાજરી, જવ અને કઠોળનો સમાવેશ થાય છે. આ ઉપરાંત અહીં સફરજનની જુદી જુદી જાતો, ચેરી, અખરોટ, બદામ, કેરી, પીચ, જરદાળુ, શાકભાજી તથા બીજ માટેના બટાટા પણ થાય છે.

પશુપાલન : આ જિલ્લામાં ખેતી પછીના ક્રમે આવતો વ્યવસાય પશુપાલનનો છે. અહીંનાં મોટાભાગનાં કુટુંબો ગાય, ભેંસ, ઘેટાં-બકરાં, ડુક્કર અને મરઘાં-બતકાં પાળે છે. જિલ્લામાં પશુઓ માટે સ્થાયી તેમજ હરતાં-ફરતાં પશુ-દવાખાનાં અને ચિકિત્સાલયો તથા કૃત્રિમ ગર્ભાધાન-કેન્દ્રો આવેલાં છે.

ઉદ્યોગવેપાર : જિલ્લામાં જુદા જુદા પ્રકારનો કાચો માલ મળતો હોવાથી કુટિર-ઉદ્યોગો અને નાના પાયા પરના એકમો કાર્યરત છે. લુહારીકામ, સુથારીકામ, કુંભારીકામ, દરજીકામ, વણાટકામ તથા મોચીકામ જેવા પરંપરાગત ચાલ્યા આવતા વ્યવસાયોને પણ પ્રોત્સાહન અપાય છે. અહીંનાં જંગલો વન્ય સંપત્તિમાં સમૃદ્ધ છે. તેમાંથી લાટીઉદ્યોગ અને રાચરચીલા માટે લાકડાં તથા રેઝિન અને ટર્પેન્ટાઇન મળી રહે છે. સિમલા ખાતેની ઔદ્યોગિક તાલીમી સંસ્થામાં ડ્રાફ્ટ્સમૅન, સર્વેયર, ફીટર, પ્લમ્બર, વાયરમૅન, ટર્નર, ડ્રાઇવર તથા વિવિધ પ્રકારનાં વાહનો/મશીનો માટે જરૂરી મિકેનિકની તાલીમ અપાય છે. સ્ત્રીઓ માટે સીવણ તથા અન્ય તાલીમ આપવાની સુવિધાઓ ઊભી કરવામાં આવેલી છે. જિલ્લાનાં તાલુકામથકો ખાતે વીજળીનાં સાધનો અને ઉપકરણો, બેકરીની પેદાશો, ઊની શાલ, ફળ પૅક કરવાના ડબ્બા, બિયારણના બટાટા, લાકડાનાં રમકડાં, લાકડીઓ, ભીંતચિત્રો, શણગારચિત્રો તથા વનસ્પતિ-ઔષધોનું ઉત્પાદન લેવાય છે. એ બધાંની નિકાસ પણ કરવામાં આવે છે. ટાયર અને ખાદ્યાન્નની આયાત કરવામાં આવે છે.

પરિવહન : જિલ્લાનું ભૂપૃષ્ઠ પહાડી હોવાથી અહીં રેલમાર્ગો વિકસ્યા નથી. 1905થી કાલકા-સિમલા રેલમાર્ગ ચાલે છે. રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. 22 આ જિલ્લામાંથી પસાર થાય છે. બધાં જ તાલુકામથકો તેમની નજીકનાં ગામડાં સહિત સડકમાર્ગોથી સંકળાયેલાં છે. અવરજવર માટે બસ અને જીપનો વિશેષ ઉપયોગ થાય છે. જિલ્લામથક સિમલા, દિલ્હી, પંજાબ, હરિયાણા, ઉત્તરાખંડ, ઉત્તરપ્રદેશ, ચંદીગઢ, જમ્મુ-શ્રીનગર સાથે સડકમાર્ગો મારફતે જોડાયેલું છે.

પ્રવાસન : સિમલા, ચાબા, કુફરી, નાલદેહરા, નારકંડા, રામપુર, સરહાન, રોહરુ, કોટગઢ અને હાટકોટી સ્થળો ધાર્મિક તેમજ ઐતિહાસિક દૃષ્ટિએ મહત્વનાં છે.

1. ચાબા : સતલજ નદીના ડાબા કાંઠા પર આવેલા આ સ્થળ પર 1910માં ઊર્જામથક સ્થપાયેલું છે. ત્યાંથી પીવાનું પાણી અને વીજળી પુરવઠો મળી રહે છે.

2. કુફરી : સિમલાથી 13 કિમી. અંતરે 22 નંબરના રાષ્ટ્રીય ધોરી માર્ગ પર આવેલું આ સ્થળ રમતગમતના ક્ષેત્રે, વિશેષે કરીને સ્કીઇંગ માટે જાણીતું છે. 1953થી અહીં શિયાળુ સ્પૉટર્સ ક્લબ કાર્યરત છે. આ ક્લબ ખાતે રહેવાની વ્યવસ્થા પણ ઉપલબ્ધ છે. અહીંની ઉનાળુ આબોહવા ખુશનુમા રહે છે.

3. નાલદેહરા : સિમલાથી 25 કિમી. અંતરે, સિમલાસેવની માર્ગ પર આવેલું આ સ્થળ ઉજાણી-સ્થળ તેમજ ગોલ્ફ-કોર્સ તરીકે લોકપ્રિય છે. બ્રિટિશ શાસન દરમિયાન લૉર્ડ કર્ઝને તે વિકસાવેલું. તેમને આ સ્થળ એટલું બધું પસંદ પડી ગયેલું કે તેમણે તેમની પુત્રીના નામ પરથી આ સ્થળનું નામ પાડેલું.

4. નારકંડા : સિમલાથી 64 કિમી. અંતરે 22 નંબરના રાષ્ટ્રીય ધોરી માર્ગ પર આવેલું આ સ્થળ સમુદ્રસપાટીથી 2,900 મીટર ઊંચાઈ ધરાવે છે. આજુબાજુ ગીચ જંગલથી ઘેરાયેલું, 3,300 મીટરની ઊંચાઈ ધરાવતું અહીંનું હાતુ શિખર પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. અહીંથી ઉત્તર તરફ આવેલાં ગિરિશિખરો તથા હિમ-આચ્છાદન જોવા પ્રવાસીઓ હાતુ શિખર પર આવે છે. નારકંડા ખાતે પ્રવાસીઓ માટે જરૂરી સુવિધાઓ ઊભી કરાયેલી છે. શિયાળા દરમિયાન અહીં સ્કીઇંગ રમાય છે.

5. રામપુર : સિમલાથી 132 કિમી. અંતરે 22 નંબરના રાષ્ટ્રીય ધોરી માર્ગ પર, સતલજ નદીકાંઠે; સમુદ્રસપાટીથી આશરે 800 મીટર ઊંચાઈ પર તે વસેલું છે. તે જિલ્લાનું ઉપવિભાગીય વડું મથક પણ છે. રામપુર અહીંના વિસ્તારનું મહત્વનું વેપારી-મથક હોવાથી દર વર્ષે નવેમ્બરના બીજા અઠવાડિયામાં મોટો મેળો ભરાય છે, તેમાં વેપારીઓ તેમજ જિલ્લાના લોકો ભાગ લે છે. શાલ, ચાદરો, ઊન, ચિલગોજા, સૂકાં ફળો અને ટટ્ટુઓનો વેપાર થાય છે. અહીં શિવનું તથા લક્ષ્મીનારાયણનું પ્રાચીન તિબેટી મંદિર આવેલું છે તેમાં વિરાટ કદનું પ્રાર્થનાચક્ર છે. નગરમાં જૂના શાસકોએ બંધાવેલા મહેલો જોવાલાયક છે.

6. સરહાન : રામપુરથી 45 કિમી. અંતરે જૂના હિન્દુસ્તાન-તિબેટ માર્ગ પર આવેલા આ સ્થળે ઐતિહાસિક દૃષ્ટિએ મહત્વનું ભીમાકાલીનું મંદિર જોવાલાયક છે. અગાઉના સમયમાં અહીં નરબલિ ચઢાવવાની પ્રથા હતી.

7. રોહરુ : સિમલાથી ઉત્તર તરફ 130 કિમી. અંતરે, પાબર નદીકાંઠે આવેલું આ સ્થળ જિલ્લાનું ઉપવિભાગીય મથક છે. અહીં ટ્રાઉટ માછલીનું સંવર્ધન કરાય છે.

8. કોટગઢ : નારકંડાથી આશરે 17 કિમી. અંતરે જૂના હિન્દુસ્તાન-તિબેટ માર્ગ પર આવેલા આ સ્થળે સફરજન અને ચેરીની વાડીઓ આવેલી છે.

9. હાટકોટી : આ સ્થળ સિમલા-રોહરુ માર્ગ પર આશરે 115 કિમી. અંતરે 1,200 મીટરની ઊંચાઈ પર વસેલું છે. પાબર નદી અહીંથી 3 કિમી.ને અંતરેથી પસાર થાય છે. દુર્ગાદેવીના પ્રાચીન મંદિર માટે તે જાણીતું છે. નવરાત્રિ દરમિયાન અહીં ઘણા લોકો દર્શનાર્થે આવે છે.

આ જિલ્લામાં ઘણાં સ્થળો પર મેળાઓ ભરાય છે, ઘણા લોકો તેમાં ઉત્સાહભેર ભાગ લે છે.

વસ્તી : 2001 મુજબ આ જિલ્લાની વસ્તી 7,21,745 જેટલી છે. તે પૈકી પુરુષો અને સ્ત્રીઓનું પ્રમાણ અનુક્રમે 53 % અને 47 % જેટલું તથા ગ્રામીણ અને શહેરી વસ્તીનું પ્રમાણ અનુક્રમે 80 % અને 20 % જેટલું છે. જિલ્લામાં હિન્દુઓની વસ્તી વિશેષ છે; જ્યારે મુસ્લિમ, ખ્રિસ્તી, શીખ, જૈન અને બૌદ્ધ લોકોનું પ્રમાણ ઓછું છે. જિલ્લામાં હિન્દી અને પહાડી ભાષાઓ બોલાય છે. સાક્ષરતાનું પ્રમાણ 55 % જેટલું છે. જિલ્લામાં, મુખ્યત્વે સિમલા ખાતે, ઉચ્ચ શિક્ષણની કૉલેજો આવેલી છે. જિલ્લામથક અને તાલુકામથકો ઉપરાંત આશરે 15 % ગામડાંઓમાં તબીબી સેવાની વ્યવસ્થા છે. વહીવટી સરળતાની દૃષ્ટિએ જિલ્લાને 17 તાલુકા અને 8 સમાજ-વિકાસ ઘટકોમાં વહેંચેલો છે. જિલ્લામાં 11 નગરો અને 2,597 (286 વસ્તીવિહીન) ગામડાં આવેલાં છે.

ઇતિહાસ : સિમલા વિભાગનાં જૂનાં 19 પહાડી રાજ્યો હિમાચલ પ્રદેશમાં જોડાઈ જવાથી સિમલા જિલ્લો બનેલો છે. 1972ના સપ્ટેમ્બરની પહેલી તારીખે રાજ્યના જિલ્લાઓની પુનર્વ્યવસ્થા કરતાં આ જિલ્લો અસ્તિત્વમાં આવેલો છે.

બ્રિટિશ શાસન અગાઉ આ સ્થળે કોલસો બનાવનારાઓની વસાહત હતી. બ્રિટિશ શાસન વખતે અંગ્રેજોને આ સ્થળ તેની આજુબાજુનાં કુદરતી રમણીય દૃશ્યોને કારણે પસંદ પડવાથી અહીં આવાસો તૈયાર કરાયા અને એ રીતે ક્રમશ: નગરમાં ફેરવાતું ગયું.

આ ઉપરાંત અહીંના આજુબાજુના ભાગને લશ્કરી મથક તરીકે પણ વિકસાવવામાં આવ્યો. અંગ્રેજ અધિકારીઓને અહીંની આબોહવા અનુકૂળ પડવાથી 1864માં જ્યારે લૉર્ડ લૉરેન્સ સુપ્રીમ કાઉન્સિલના સભ્યો સાથે અહીં આવ્યા તે પછીથી 1871માં તેને ભારતનું ઉનાળુ પાટનગર બનાવવામાં આવ્યું. 1871થી 1947 સુધી તેને ઉનાળુ પાટનગરનો દરજ્જો મળેલો રહ્યો. 1947 પછીથી પણ તે પંજાબ સરકારનું મુખ્ય વહીવટી મથક રહેલું. ચંદીગઢ પાટનગર તરીકે તૈયાર થયું ત્યાં સુધી પંજાબ સરકારની વહીવટી પાંખ અહીં કાર્ય કરતી રહેલી. આજે સિમલા હિમાચલ પ્રદેશનું પાટનગર છે. – 1972માં અહીં ભારત-પાકિસ્તાન વચ્ચે ‘સિમલા કરાર’ થયેલો.

સિમલા (શહેર) : હિમાચલ પ્રદેશનું રાજધાનીનું મથક. ભૌગોલિક સ્થાન : 31° 06´ ઉ. અ. અને 77° 13° પૂ. રે.. તે દિલ્હીથી 280 કિમી.ને અંતરે ઉત્તર તરફ વસેલું છે. આ શહેરના જુદા જુદા ભાગો 2,012 થી 2,438 મીટરની ઊંચાઈ પર વહેંચાયેલા છે. મુખ્ય શહેરથી આશરે 5 કિમી.ને અંતરે જુતોઘ ખાતે લશ્કરી છાવણી આવેલી છે. અહીંથી કસૌલી, સબાથુ, દગ્શાઈ અને સોલન જેવાં જાણીતાં સ્થળો નજીકમાં છે. સિમલા ભારતનું ઘણું જ મહત્વનું ગિરિનગર (hill station) ગણાય છે.

આ શહેરમાં સ્નાતક મહાવિદ્યાલય, મહિલા પ્રશિક્ષણ કૉલેજ, સ્ટાફ એકૅડેમિક કૉલેજ તથા શાળાઓની સુવિધા ઉપલબ્ધ છે.

1819માં અહીં અંગ્રેજોએ સર્વપ્રથમ આવાસો બનાવેલા. 1840થી 1939 સુધી તે ભારતનું પંજાબ સરકારનું ગ્રીષ્મકાલીન પાટનગર રહેલું. બીજા વિશ્વયુદ્ધનો પ્રારંભ થતાં, રાજકીય પાટનગર તો દિલ્હી રહેલું; પરંતુ અન્ય જરૂરી વહીવટી કાર્યો માટે સિમલા ખાતે કચેરીઓનું કામ ચાલતું. ભારત આઝાદ થયા બાદ 1947થી 1953 સુધી (ચંદીગઢનું નવું પાટનગર બન્યું ત્યાં સુધી) તે પંજાબ સરકારનું મુખ્યાલય રહેલું.

આ શહેર ઉત્તર ભારતનું ઘણું મહત્વનું પ્રવાસી મથક પણ છે. અહીં અવરજવર કરતા પ્રવાસીઓ માટે હોટેલોની સગવડો ઊભી કરવામાં આવેલી છે. સિમલા આજુબાજુનાં ભારતીય શહેરો સાથે રેલમાર્ગે તેમજ સડકમાર્ગે સંકળાયેલું છે. રેલમાર્ગ કાલકા થઈને પસાર થાય છે. કાલકાથી સિમલા સુધીમાં 103 જેટલાં બોગદાંમાંથી રેલમાર્ગ પસાર થાય છે.

અહીંનાં જાન્યુઆરી અને જુલાઈનાં લઘુતમ અને મહત્તમ તાપમાન અનુક્રમે સરેરાશ 1° સે. અને 19° સે. જેટલાં રહે છે. સરેરાશ વાર્ષિક વરસાદ 1,600 મિમી. જેટલો પડે છે. શિયાળા દરમિયાન હિમવર્ષા પણ થાય છે.

1991 મુજબ સિમલાની વસ્તી 1,10,360 છે.

ગિરીશભાઈ પંડ્યા