સિપ્પી રમેશ
January, 2008
સિપ્પી, રમેશ (જ. 23 જાન્યુઆરી 1947, કરાંચી, પાકિસ્તાન) : ચલચિત્ર-સર્જક. શાળામાં ભણતા ત્યારથી સ્ટુડિયોમાં જતા-આવતા રહેતા, ચિત્રોનાં શૂટિંગ રસપૂર્વક જોતા. મોટા થઈને પોતે સારાં ચિત્રો બનાવશે એવો નિર્ધાર મનોમન થતો જતો હતો તેને કારણે અભ્યાસમાં મન ચોંટતું નહોતું; પણ ચિત્રોના નિર્માતા-દિગ્દર્શક પિતા જી. પી. સિપ્પીએ તેમને લંડન સ્કૂલ ઑવ્ ઇકૉનૉમિક્સમાં મોકલવાનો નિર્ણય કર્યો હતો.
રમેશ સિપ્પી
તેઓ ગયા પણ ખરા, પણ અભ્યાસ અધૂરો છોડીને પરત આવી ગયા અને પિતા સાથે ચિત્રનિર્માણમાં રસ લેવા લાગ્યા. પ્રારંભે તેઓ ‘બ્રહ્મચારી’ના ચલચિત્રમાં કાર્યકારી નિર્દેશક બન્યા. એ વખતે તેમની ઉંમર 17 વર્ષની હતી. તેઓ વર્ષ 2007 સુધી વીસથી વધુ ચિત્રોનું દિગ્દર્શન કરી ચૂક્યા છે, જેમાં ભારતીય ચલચિત્રોના ઇતિહાસમાં સીમાચિહનરૂપી બની ગયેલા ‘શોલે’નો પણ સમાવેશ થાય છે. બીજા કરતાં કંઈક જુદી રીતે ચિત્ર બનાવવા દરેક વખતે કોઈક નવો વિષય લઈને તેની નવી રીતે માવજત કરવાનો તેઓ પ્રયાસ કરતા રહે છે. વિષયનું પુનરાવર્તન ન થાય એની પણ કાળજી તેઓ રાખતા હોય છે. ટેલિવિઝન માટે બનાવેલી ધારાવાહિક ‘બુનિયાદ’ તેમના માટે અંગત રીતે વિશેષ એટલા માટે હતી કે તેઓ હાલના પાકિસ્તાનમાં કરાંચીમાં જન્મ્યા હતા અને તેમનો પોતાનો પરિવાર ભાગલાની પીડા ભોગવી ચૂક્યો હતો. આ ધારાવાહિકના નિર્માણ દરમિયાન જ તેઓ અભિનેત્રી કિરણ જુનેજાની નિકટ આવ્યા અને તેમની સાથે લગ્ન કરી લીધાં હતાં, જે તેમનાં બીજાં લગ્ન હતાં. પ્રથમ લગ્નથી તેમને બે પુત્રીઓ અને એક પુત્ર છે. તેમનો પુત્ર રોહન સિપ્પી પણ દિગ્દર્શક બન્યો છે.
તેમનાં નોંધપાત્ર ચિત્રો : ‘અંદાઝ’ (1971), ‘સીતા ઔર ગીતા’ (1972), ‘શોલે’ (1975), ‘શાન’ (1980), ‘શક્તિ’ (1982), ‘સાગર’ (1985), ‘બુનિયાદ’ (ટીવી ધારાવાહિક, 1987), ‘ભ્રષ્ટાચાર’ (1989), ‘અકેલા’ (1991), ‘ઝમીન’ (1995), ‘ઝમાના દીવાના’ (1995).
હરસુખ થાનકી