સિન્દૂર કી હોલી (1933)
January, 2008
સિન્દૂર કી હોલી (1933) : લક્ષ્મીનારાયણ મિશ્રનું એક યથાર્થવાદી સમસ્યા-નાટક. ભારતીય નારીજીવનની અનેક સમસ્યાઓ રજૂ કરતી કૃતિ. નારીના અંતર્મનમાં ઊઠતા દ્વન્દ્વ, જાતીયતા, પ્રેમ, બાળ-વિવાહ, વિધવા-વિવાહ જેવી અનેક સમસ્યાઓ પરની વૈચારિક રજૂઆત કરતા આ નાટકમાં બૌદ્ધિકતા અને સંવેદનશીલતાનો સંયુક્ત પરિચય આપવામાં આવ્યો છે. સાથે સાથે સામાજિક કુરિવાજો અને અન્યાયપૂર્ણ ન્યાયવિધિ તથા ઉચ્ચ પદો પર બેઠેલા લોકોનાં કાળાં કરતૂતોનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ નાટકમાં, ભારતીય તેમજ પાશ્ર્ચાત્ય નાટ્યશિલ્પનો સમન્વય ધ્યાનપાત્ર છે. નાટ્યકથાનો આરંભ ડેપ્યુટી કલેક્ટર મુરારીલાલ અને તેમની એકની એક પુત્રી ચંદ્રકલાથી થાય છે. તેનાં લગ્ન પોતાના સ્વર્ગસ્થ મિત્રના પુત્ર મનોજશંકર સાથે થાય તેમ પિતા ઇચ્છે છે. ચંદ્રકલા પણ મનોજશંકરને ચાહતી હતી; પરંતુ તેના પોતાના પિતાની કહેવાતી આત્મહત્યાના રહસ્યને જાણવા માટે બેચેન મનોજશંકર જાણીજોઈને ચંદ્રકલાની ઉપેક્ષા કરે છે. રજનીકાન્ત મુરારીલાલને મળવા આવે છે અને ચંદ્રકલાના પરિચયમાં આવે છે. ચંદ્રકલા પણ મનોમન યુવક રજનીકાન્ત તરફ આકર્ષાય છે. રજનીકાન્તના પિતાનું મૃત્યુ લગભગ એક વર્ષ પહેલાં થયું હોય છે. રાયસાહેબ ભગવતસિંહ એમની સંપત્તિ હડપ કરવા ઇચ્છે છે. આ માટે તેઓ રજનીકાન્તની હત્યા માટેની યોજના ઘડે છે. મુરારીલાલને લાંચ આપી આખા કેસને રફેદફે કરવા માંગે છે. રજનીકાન્તની હત્યા પણ કરી નાંખવામાં આવે છે. ચંદ્રકલા તો આ દૃશ્ય જોઈ દ્રવિત થઈ જાય છે અને ભાવાવેશમાં હૉસ્પિટલમાં જઈ તેના હાથથી પોતાના માથામાં સિંદૂર ભરી લે છે. આ જ સિંદૂરની હોલી છે. આ દૃશ્ય સાથે જ રજનીકાન્તનું મૃત્યુ થાય છે. નાટકની આ ઘટના મહત્વપૂર્ણ છે. ચંદ્રકલા રજનીકાન્તની સાથે છેલ્લી ક્ષણે પ્રેમવિવાહ કરી તુરત જ વિધવા થઈ જાય છે.
બીજી તરફ મનોરમા બાળ-વિધવા છે. તેનો વિવાહ બાળવયમાં સામાજિક સ્વીકૃતિથી થયેલો છે. તે પ્રેમ અને વિવાહને જુદા માને છે. ચંદ્રકલાથી નારાજ મનોજશંકર મનોરમા તરફ આકર્ષાય છે. તેની સાથે તે લગ્ન કરવા ઇચ્છે છે; પરંતુ મનોરમા એનો પતિના રૂપમાં નહિ, પરંતુ પ્રેમીના રૂપમાં સ્વીકાર કરે છે. વિધવા-વિવાહને બદલે તે વિધવા બની રહેવાનું વધારે કલ્યાણકારી છે તેમ સમજે છે. વિધવા-વિવાહ તો છૂટાછેડા જેવી નવી સમસ્યાઓને જન્મ દે છે. આ સાથે પોતાના પિતા અને રજનીકાન્તની હત્યાનું રહસ્ય છતું થઈ જવાથી મનોજશંકર મુરારીલાલને દોષી ઠરાવી ધિક્કારે છે. આ બધું જોઈને પશ્ર્ચાત્તાપની અગ્નિમાં બળતાં બળતાં પોતાની બધી સંપત્તિ મનોજશંકરને દઈને ચંદ્રકલાની સાથે લગ્ન કરવાનો પ્રસ્તાવ મૂકે છે; પરંતુ મનોજ આ માટે સ્પષ્ટ ના પાડી દે છે. ચંદ્રકલા પણ આનો અસ્વીકાર કરતાં, મનોરમાની જેમ આજીવન વિધવાજીવન જીવવાનો નિર્ણય કરે છે.
વસ્તુવિન્યાસની દૃષ્ટિએ નાટક પરિચય, ઉલઝન અને તર્ક-વિતર્ક – એવા ત્રણ ખંડોમાં વિભક્ત છે. નાટકમાં અનેક કથાનકો સમાંતરે ચાલે છે. પાત્રોનાં અંતર્દ્વન્દ્વનું સફળ ચિત્રણ થયું છે. લેખકના મનોગતની અભિવ્યક્તિ માટે રંગસંકેતો, સંવાદો અને નાટ્યાત્મક વ્યંગ્યોક્તિઓ વગેરેની સુંદર યોજના થઈ છે. કથાનક સીધુંસટ, સરળ અને રંગમંચને અનુરૂપ છે. મિશ્રજીએ પ્રસાદયુગીન હિન્દી નાટ્યમંચ સાથેનું અનુસંધાન સાચવીને તેને એક નવું પરિમાણ આપ્યું છે.
ઓમપ્રકાશ ગુપ્તા
અનુ. વિ. પ્ર. ત્રિવેદી