સિનેગૉગ : યહૂદીઓનું ધાર્મિક સ્થાન. ‘સિનેગૉગ’ – એ ગ્રીક શબ્દ છે, જેનો અર્થ થાય છે ‘લોકોની સભા’ (assembly of people) અથવા ‘ઉપાસના માટેની સભા’ (congregation). તે વિશાળ ઇમારત પણ હોઈ શકે અથવા નાનકડો ખાલી ઓરડો પણ હોઈ શકે, જ્યાં લોકો પ્રાર્થના માટે એકઠા થઈ શકે. ઈ. પૂ. છઠ્ઠી સદીમાં બૅબિલૉનથી હાંકી કાઢેલા અને દેશવટો ભોગવતા યહૂદીઓએ મંદિરના સ્થાને તેની શરૂઆત કરી હતી, જ્યાં પ્રાર્થના ઉપરાંત ધાર્મિક ગ્રંથોનું અધ્યયન તથા ધર્મસભાનું આયોજન પણ કરવામાં આવતું. યહૂદીઓના ધર્મ દ્વારા જે કેટલાંક પવિત્ર સ્થાનો માન્ય રાખવામાં કે સ્વીકારવામાં આવ્યાં છે તેમાં સિનેગૉગ એ સૌથી પવિત્ર સ્થળ ગણવામાં આવે છે. વ્યક્તિ માટે જેમ રહેઠાણ તેમ યહૂદી સમુદાય માટે સિનેગૉગની ગણના થાય છે.
ઈ. પૂ. 607માં જેરૂસલેમનું મધ્યસ્થ પ્રાર્થનાસ્થળ નષ્ટ કરવામાં આવ્યું હતું અને યહૂદીઓને અત્રતત્ર વીખરાઈ જવું પડ્યું હતું. ત્યારબાદ જ્યારે જેરૂસલેમનું પુનર્નિર્માણ કરવામાં આવ્યું અને તેમાં યહૂદીઓ માટે નવું મંદિર બાંધવામાં આવ્યું ત્યારે, તે પૂર્વે વીખરાઈ ગયેલા બધા જ યહૂદીઓ તેમની પિતૃભૂમિ પૅલેસ્ટાઇનમાં પાછા જઈ શક્યા ન હતા. પરિણામે જેરૂસલેમમાં જ્યારે ધર્મગ્રંથોનું પઠન થવા લાગ્યું ત્યારે તેનો લાભ બધા યહૂદીઓ લઈ શકે તે શક્ય બન્યું નહિ. તેની અસર રૂપે પૅલેસ્ટાઇનનાં અન્ય નગરોમાં પણ નવાં સિનેગૉગ બાંધવામાં આવ્યાં, જ્યાં સ્થાનિક યહૂદીઓ પ્રાર્થના માટે, ઉપાસના માટે અને ધર્મગ્રંથોના પઠન માટે ભેગા થવા લાગ્યા. તેમની સગવડ માટે તેમના ધર્મગ્રંથોની અનેક હસ્તલિખિત પ્રતો બનાવવામાં આવી. તેમાંથી જૂનામાં જૂની જે પ્રત આજે ઉપલબ્ધ છે તે છઠ્ઠી સદીની છે. સમય જતાં બાકીની નષ્ટ થઈ ગઈ છે. આ રીતે બનાવવામાં આવેલી હસ્તપ્રતોનું પઠન કરવા યહૂદીઓ જે જે સ્થળે ભેગા થતા તે તે સ્થળ સિનેગૉગ જેટલું પવિત્ર ગણાતું. પોતાના મૂળ ધર્મગ્રંથનું જતન કરવા યહૂદીઓએ પ્રાચીન કાળમાં જે જહેમત ઉઠાવી છે તે તેમની મોટામાં મોટી ધાર્મિક સિદ્ધિ ગણવામાં આવે છે.
સિનેગૉગ, પુણે
વિશ્વમાં જ્યાં જ્યાં સિનેગૉગ ઊભાં કરવામાં આવ્યાં છે ત્યાં ત્યાં તે દરેકમાં કેટલાંક સમાન અને વિશિષ્ટ પ્રતીકો જોવા મળે છે. તેમાં સૌથી જાણીતું પ્રતીક છે ‘ARK’, જેમાં યહૂદીઓ માટેના ધાર્મિક આચારવિચારના લખોટા ભૂંગળમાં સુરક્ષિત રાખેલા હોય છે. તેની યહૂદીધર્મના અનુયાયીઓ પૂજા-પ્રાર્થના કરતા હોય છે. જે જગ્યાએ આ લખોટા મૂકવામાં આવેલા હોય છે તે ‘ARK’ની બરાબર સામે અથવા તો દરવાજાની અંદર સુંદર નકશીકામ કરેલો પડદો લટકાવવામાં આવે છે. ARKની ઉપરના ભાગમાં બે મેજ હોય છે, જેના પર ઈશ્વરની ‘દસ આજ્ઞાઓ’(Ten Commandments)ની નકલો મૂકેલી હોય છે. તેની જોડે સતત પ્રકાશ આપતી દીવી બળતી હોય છે, જે ઈશ્વરની ઉપસ્થિતિનું પ્રતીક ગણાય છે. આ દીવીને હિબ્રૂ ભાષામાં ‘Ner-Tamid’ કહેવામાં આવે છે. જે પેટીમાં યહૂદીઓના ધર્મગ્રંથો રાખેલા હોય છે તે ‘ટેબા’ (Tebah) અર્થાત્ ‘પવિત્ર આર્કની સંદૂક’ (The Box of the Holy ARK) નામથી ઓળખાય છે. યહૂદી દેવળના પૂજાગૃહ માટે બાઇબલમાં આ ખાસ પ્રકારની ડિઝાઇન નિર્ધારિત કરેલી છે. ત્યારબાદ ધર્મગ્રંથોના પઠન-સમયે ગ્રંથ મૂકવા માટે એક મેજ હોય છે, જેને ‘Alarmar’ કહેવામાં આવે છે, જે સિનેગૉગના મધ્યમાં મૂકેલું હોય છે. તેને યજ્ઞકર્મના સ્થળનું પ્રતીક (Altar) ગણવામાં આવે છે. સિનેગૉગના જે સ્થળેથી પ્રાર્થના ગવાતી/બોલાતી હોય છે તે વ્યાસપીઠને ‘બિમા’ (Bimah) કહેવામાં આવે છે. જે ગોખલામાં ‘આર્ક’ (ARK) મુકાય છે તેને હેકલ (Hechal) અથવા કોડેશ (Kodesh) કહેવામાં આવે છે. આ ઉપરાંત દરેક સિનેગૉગમાં જ્યાં હેકલ હોય છે તેની અંદરના ભાગમાં એક ભૂંગળ હોય છે, જેમાં યહૂદીઓના સર્વપ્રથમ લખાયેલા બાઇબલની ચાર નકલોનું કોતરકામ કરેલું હોય છે અને તેને ‘સેફર તોરા’ (Safer Torah) કહેવામાં આવે છે. આ લખાણ લખવા કે કોતરવા માટે એક ખાસ પ્રકારની પેન તથા શાહીનો ઉપયોગ થાય છે, જેથી તે હાથથી ચોકસાઈથી લખી કે કોતરી શકાય. ધર્મગ્રંથનું પઠન કરતી વેળાએ ચોક્કસ જે ભાગનું પઠન કરવાનું હોય માત્ર તે ભાગ વાંચનારની નજર સમક્ષ સ્થિર રહે તે માટે બિમાને એક સ્ટૅન્ડ પર સજ્જડપણે બેસાડવામાં આવે છે અને જરૂરિયાત મુજબ ધર્મગ્રંથનાં પાનાં ચક્રાકારે ફેરવવામાં આવે છે.
સિનેગૉગમાં ચોવીસ કલાક દરમિયાન ત્રણ વાર પૂજા-પ્રાર્થના કરવામાં આવતી હોય છે : સવારે, બપોરે અને સંધ્યાકાળે. યહૂદીઓના જે ગોર પ્રાર્થના કરે છે તેને ‘હઝન’ (Hazan) કહેવામાં આવે છે. દર શનિવારે એટલે કે સબાથની સવારમાં તોરામાંથી એક ભાગનું પઠન કરવાનો રિવાજ છે. સિનેગૉગનું જે સ્થળ પઠન કરવા માટે મુકરર કરેલું હોય છે તે સ્થળ સુધી યહૂદીઓની ધાર્મિક પોથીને સંપૂર્ણ આદર સાથે વિધિપૂર્વક સરઘસ-આકારે લઈ જવાય છે.
સિનેગૉગના બે મુખ્ય પ્રકાર છે : રૂઢિચુસ્ત સિનેગૉગ અને સમય મુજબ સુધારણા સ્વીકારતાં (Liberal) સિનેગૉગ.
ભારતમાં સર્વપ્રથમ સિનેગૉગ 1796માં શામજી હસાજી નામના સદગૃહસ્થે મુંબઈમાં બાંધ્યું હતું. મૈસૂરની બીજી લડાઈમાં ટીપુ સુલતાને તેમને કેદ કર્યા હતા, જેમાંથી મુક્ત થયા પછી તેમણે મુંબઈના ડોંગરી વિસ્તારમાં તે બાંધ્યું હતું. જે માર્ગ પર આ સિનેગૉગ છે તે માર્ગ ‘સૅમ્યુઅલ સ્ટ્રીટ’ નામથી ઓળખાય છે. આ સિનેગૉગ ‘શારહરાહિમિમ’ (ShaarHarahimim) એટલે કે ‘કરુણાનું પ્રવેશદ્વાર’ (The Gate of Mercy) – એ નામથી ઓળખાય છે. 1860માં તેનો વિસ્તાર કરવામાં આવ્યો હતો. યહૂદીઓના દેવળ તરીકે આજે પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે.
સમગ્ર ભારતમાં જુદા જુદા સ્થળે 21 જેટલા સિનેગૉગ છે. તેમાંથી ગુજરાતમાં એક, દિલ્હીમાં એક, કોલકાતામાં ચાર અને બાકીનાં મહારાષ્ટ્રમાં (મુંબઈ અને રાયગડ જિલ્લામાં) આવેલાં છે.
આયવન રુબિન્સ
અનુ. બાળકૃષ્ણ માધવરાવ મૂળે