સિનસિનાટી (Cincinnati)
January, 2008
સિનસિનાટી (Cincinnati) : યુ.એસ.ના ઓહાયો રાજ્યના નૈર્ઋત્ય ભાગમાં ઓહાયો નદીકાંઠે આવેલું શહેર. ભૌગોલિક સ્થાન : તે 39° 8´ ઉ. અ. અને 84° 30´ પ. રે.ની આજુબાજુનો 206 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. ‘ધ ક્વીન સિટી’, ‘ધ ક્વીન ઑવ્ ધ વેસ્ટ’, ‘ધ સિટી ઑવ્ સેવન હિલ્સ’ જેવાં વિવિધ ઉપનામોથી ઓળખાતું, સાત ટેકરીઓથી ઘેરાયેલું આ શહેર સમુદ્ર-સપાટીથી 147 મીટરની ઊંચાઈ પર વસેલું છે. આ શહેર ‘સિનસી’ (Cincy) નામથી વધુ જાણીતું બન્યું છે.
આબોહવા : આ શહેર સમશીતોષ્ણ કટિબંધમાં, દેશના અંતરિયાળ ભાગમાં આવેલું હોવાથી તેની આબોહવા ખંડીય પ્રકારની ગણાય છે. ઉનાળામાં દિવસે ગરમી અને રાત્રે ઠંડીનો અનુભવ થાય છે. અહીંનું સરેરાશ વાર્ષિક તાપમાન 12° સે. જેટલું રહે છે. જુલાઈ અને જાન્યુઆરી માસનાં તાપમાન અનુક્રમે 19°થી 30° સે. તથા – 6°થી 4° સે. જેટલાં રહે છે. આજ સુધીમાં મહત્તમ અને લઘુતમ વિક્રમ તાપમાન અનુક્રમે 39.4° સે. અને – 32° સે. જેટલાં નોંધાયેલાં છે. અહીં સરેરાશ વરસાદ 1,040 મિમી. જેટલો પડે છે. શિયાળામાં તાપમાન નીચું જાય ત્યારે સરેરાશ 584 મિમી. જેટલી હિમવર્ષા પણ થાય છે. શહેરની આજુબાજુમાં સ્વીટગમ અને વૉલ લિઝાર્ડ જેવી ખંડીય પ્રકારની વનસ્પતિ જોવા મળે છે.
સિનસિનાટી શહેરનું એક દૃશ્ય
યુ.એસ.ના મધ્ય પશ્ચિમ ભાગમાં આવેલું આ શહેર તેના મોકાના સ્થાનને કારણે ઔદ્યોગિક-વેપારી મથક બની રહ્યું છે. અંદાજે એક હજાર જેટલી વેપારી પેઢીઓ અહીં કામ કરે છે. યુ.એસ.ના વેપાર-વિકાસવાળાં મુખ્ય 25 શહેરોમાં સિનસિનાટી શહેરનો પણ સમાવેશ થાય છે. અહીં સાબુ, યંત્રો, રમતગમતનાં સાધનો બનાવવાના એકમો આવેલા છે.
આ શહેરમાંથી પસાર થતા ત્રણ રાષ્ટ્રીય ધોરી માર્ગો રાજ્યના 75 જેટલા ધોરી માર્ગો સાથે સંકળાયેલા છે. આ શહેરને નૅશનલ પૅસેન્જર રેલમાર્ગનો પણ લાભ મળે છે. અહીં નૉર્ધન કૅન્ટકી ઇન્ટરનૅશનલ ઍરપૉર્ટ આવેલું છે. આ ઉપરાંત ખાનગી વિમાની સેવાર્થે નાનાં હવાઈ મથકો પણ ઊભાં કરાયાં છે. શહેર માટે મેટ્રો સિટી બસ વ્યવસ્થા તથા ભૂગર્ભીય રેલમાર્ગનું આયોજન કરવામાં આવેલું છે. નજીકનાં અન્ય શહેરો સાથે સંપર્ક જળવાઈ રહે તે હેતુથી ઓહાયો નદી પર બે પુલનું નિર્માણ કરવામાં આવ્યું છે.
2005 મુજબ આ શહેરની કુલ વસ્તી 3,31,310 જેટલી છે. પ્રતિ કિમી.દીઠ વસ્તીગીચતા 1,607 વ્યક્તિની છે. શહેરમાં પ્રાથમિકથી ઉચ્ચતર શિક્ષણની તેમજ ચિકિત્સાલયોની વ્યવસ્થા ઉપલબ્ધ છે. શહેરમાંથી બે વર્તમાનપત્રો પ્રગટ થાય છે. રેડિયો, ટીવી. તેમજ રમતગમતનાં મેદાનોની સુવિધા પણ છે.
સિનસિનાટી ઓહાયો રાજ્યનું ત્રીજા તથા યુ.એસ.માં 56મા ક્રમનું મોટું શહેર છે. અહીં પ્રાણીસંગ્રહાલય, વનસ્તપતિ-ઉદ્યાન તથા ફાઉન્ટન-સ્ક્વેરનું સ્થાપત્ય જોવાલાયક છે.
નીતિન કોઠારી