સિદ્ધાર્થ બુદ્ધ (નાટક) : નાટ્યકાર નૃસિંહ વિભાકરનું નાટક. તે ઈસવીસન 1914માં શ્રી આર્ય નાટ્ય સમાજે સૌપ્રથમ કરાંચીમાં ભજવ્યું હતું. કર્તાનું આ પહેલું નાટક છે. વ્યવસાયી રંગભૂમિના એ જમાનાનાં નાટકોને મુકાબલે આ નાટકની ભાષા વધુ સ્વાભાવિક અને ચોટદાર છે. નાટ્યકાર વિભાકરનું રણકાવાળું ગદ્ય અને નવતર શૈલીનો આ નાટક સારો નમૂનો છે.

ઈસવીસન 1917માં જ્ઞાનવર્ધક પુસ્તકમાળાએ આ નાટક ‘સિદ્ધાર્થ કુમાર’ અથવા ‘ભગવાન ગૌતમ બુદ્ધ’ એ નામે છપાવી પ્રસિદ્ધ કર્યું છે. કવિ વિભાકર આ સમયે જાતે સક્રિયપણે ગુજરાતી રંગભૂમિને નવી દૃષ્ટિ આપવા માગતા હતા. આ જ સમયે શ્રી મોરબી આર્ય સુબોધ નાટક મંડળીએ બુદ્ધને વિષ્ણુના અવતાર રૂપે રજૂ કર્યા હતા. આ નાટકમાં કર્તાએ બુદ્ધના મહત્વના જીવનપ્રસંગો રજૂ કર્યા છે.

અસિત ઋષિ સિદ્ધાર્થના ભવિષ્યનું કથન કરે છે. રાજા શુદ્ધોધન રાજકુમારને સુંદરી યશોધરા સાથે પરણાવે છે. રાહુલનો જન્મ થાય છે. નગરભ્રમણસમયે વૃદ્ધ, રોગીનું મૃત્યુ તથા શ્રમણના દર્શનથી વ્યથિત બનેલ કુમાર સર્વસ્વનો ત્યાગ કરી શાક્યમુનિ બુદ્ધ બને છે. અંગુલીમાલ અને આમ્રપાલીનો પણ અનુક્રમે શિષ્ય અને શિષ્યા તરીકે તેઓ સ્વીકાર કરે છે. યશોધરાનો શિષ્યા તરીકે સ્વીકાર કરવા સાથે અંતે બુદ્ધ સ્વમુખે તેની મહત્તાનો પણ સ્વીકાર કરે છે. નાટકમાં બુદ્ધની પ્રેમજનિત કરુણાનો વિજય બતાવ્યો છે.

કર્તાની મહેચ્છા રંગભૂમિને સંસ્કારવાની હતી. આ નાટક રંગભૂમિ ઉપર ભજવવા માટે લખાયું હતું, એટલે ભજવણી અંગેના કર્તાના ખ્યાલો એમાં પ્રવેશ્યા છે. મુખ્ય કથાની સાથે નાયક-નાયિકાના પ્રેમજીવનથી ભિન્ન ઉપપ્રસંગો પણ છે; જેમાં શૃંગારરસ છલકે છે. આના પરિણામે પાત્રસંખ્યા વધી છે. બુદ્ધના ગૃહત્યાગ પછી નાટકમાં કરુણરસ જામે છે; પરંતુ એમાં પ્રગાઢ મનોમંથન નથી. આ નાટકને સંસ્કારી પ્રેક્ષક વર્ગે આવકાર્યું હતું. વ્યવસાયી રંગભૂમિની નાટ્યપ્રવૃત્તિનું સાહિત્યિક દૃષ્ટિએ દસ્તાવેજી મૂલ્ય જેવું આ નાટક છે.

દિનકર ભોજક