સિદ્ધાંતશેખર
January, 2008
સિદ્ધાંતશેખર : શ્રીપતિનો જ્યોતિષશાસ્ત્રનો એક પ્રમાણિત ગ્રંથ. ભાસ્કરાચાર્યે શ્રીપતિના ‘સિદ્ધાંતશેખર’ ગ્રંથનો ઉલ્લેખ કર્યો છે. ‘જ્યોતિષદર્પણ’ (શક 1479) નામના મુહૂર્તગ્રંથ અને ‘સિદ્ધાંત-શિરોમણિ’ની ‘મરીચિ’ નામની ટીકામાં તેમનાં વચનો છે. ‘સિદ્ધાંત-શેખર’ અને ‘ધીકોટિકરણ’ નામના ગ્રંથો શ્રીપતિએ રચેલા છે. ‘રત્નમાલા’ નામે ‘મુહૂર્તગ્રંથ અને ‘જાતકપદ્ધતિ’ નામે જાતકગ્રંથો પણ તેમના નામે છે. તેમનાં ચંદ્ર-સૂર્યગ્રહણનાં પ્રકરણો (19 શ્લોકો) આનંદાશ્રમ, પુણેથી પ્રસિદ્ધ થયાં છે.
શ્રીપતિના જીવનકાળ વિશે કોઈ વિગતો મળતી નથી. તેમના કાળ વિશે લખાયેલા નાનકડા ‘ત્રોટક કરણ’માં ગણિત માટેનો આરંભકાળ શક 961 લીધો છે. તે ઉપરથી તેમના સમયનું અનુમાન થઈ શકે છે.
ગ્રહણ સંબંધિત પ્રકરણો ઉપરની નાનકડી ટીકામાં આપેલાં ઉદાહરણો શક 1532 અને 1593 છે. આથી એમ લાગે છે કે તે કરણ એ સમયમાં ભારતના કેટલાક પ્રદેશોમાં પ્રચારમાં હશે. શ્રીપતિનાં ‘રત્નમાલા’ અને ‘જાતકપદ્ધતિ’ કાશીમાં છપાયાં છે. તેની ઉપર મહાદેવે ‘મહાદેવી’ નામે ટીકા લખી છે. ‘રત્નમાલા’ની ટીકામાં મહાદેવે જણાવ્યા પ્રમાણે શ્રીપતિનું ગોત્ર કાશ્યપ હતું. તેમના દાદાનું નામ કેશવ હતું અને તેમના પિતાનું નામ નાગદેવ હતું.
શ્રીપતિ કહે છે કે ‘રત્નમાલા’ લલ્લના ‘રત્નકોશ’ના આધારે રચ્યો હતો. ‘ધીકોટિકરણ’ ઉપરથી પણ તે લલ્લના આર્યપક્ષનો અનુયાયી લાગે છે.
શ્રીપતિનો ‘સિદ્ધાંતશેખર’ ગ્રંથ મળતો નથી. તેનાં કેટલાંક ઉદ્ધરણો જ મળે છે. તે ઉપરથી સમજાય છે કે મધ્યમ માનથી અધિકમાસનો નિર્ણય થતો હતો. ભાસ્કરાચાર્યે ક્ષય માસનો ઉલ્લેખ કર્યો છે. મધ્યમ માનથી ગણના કરતાં ક્ષયમાસ આવતો નથી. આથી લાગે છે કે સ્પષ્ટ માનની ગણનાથી ક્ષયમાસ અને અધિકમાસ બંને ઊપજે છે.
આ સિવાય શ્રીપતિ કે ‘સિદ્ધાંતશેખર’ વિશે કોઈ જ વિગત મળતી નથી.
દશરથલાલ ગૌ. વેદિયા