સિદ્ધાંતતત્વવિવેક
January, 2008
સિદ્ધાંતતત્વવિવેક : સિદ્ધાંત જ્યોતિષશાસ્ત્રનો એક પ્રમાણિત ગ્રંથ. ‘સિદ્ધાંતતત્વવિવેક’ કમલાકરનો પ્રસ્થાપિત સિદ્ધાંત પણ છે.
વિદર્ભ દેશના પાથરી નામના ગામની પશ્ચિમે લગભગ અઢી યોજન દૂર ગોદા નદીના કિનારે આવેલા સોલા ગામનું એક વિદ્વત્કુલ કાશી જઈને વસ્યું હતું. આ કુળમાં વિષ્ણુ નામના પુરુષના કુળમાં પ્રસિદ્ધ ટીકાકાર વિશ્વનાથ અને ‘સિદ્ધાંતતત્વવિવેક’કારનો જન્મ શકસંવત 1530માં થયો હતો. શકસંવત 1580માં સૂર્યસિદ્ધાંતને અનુસરીને આ ‘સિદ્ધાંતતત્વવિવેક’ ગ્રંથ રચ્યો હશે. તેઓ સૂર્યસિદ્ધાંતના પુરસ્કર્તા હતા. તેમણે સૂર્યસિદ્ધાંતમાંથી ભગણમાન લીધું છે. કેટલાક શ્લોકો તો સૂર્યસિદ્ધાંતના જ છે. મધ્યમ, સ્પષ્ટ, ત્રિપ્રશ્ન, બિંબ, છાયા, શૃંગોન્નતિ, ઉદયાસ્ત, પર્વસંભવ, ચંદ્રગ્રહણ, સૂર્યગ્રહણ, ભગ્રહયુતિ, પાત અને મહાપ્રશ્ન જેવા તેર અધિકારોમાં આ સિદ્ધાંતગ્રંથ વહેંચાયો છે. તેના કુલ 3,024 શ્લોકો છે. વચ્ચે વચ્ચે ઘણા ગદ્ય પરિચ્છેદો છે. મુખ્ય ભાગોની જે ઉપપત્તિ આપી નથી, તે ‘શેષવાસના’ નામે પ્રકરણમાં છે. કાશીની બનારસ સિરીઝમાં સુધાકર દ્વિવેદીએ આ ગ્રંથનું સંપાદન કર્યું છે.
સંપાતગતિને લીધે ધ્રુવનક્ષત્રનું સ્થાન અસ્થિર હોવાની નવી બાબત તેમણે જણાવી છે. પૃથ્વીની સપાટીમાં પાણીથી વ્યાપેલો ભાગ ઘણો છે અને પાણીની બહાર થોડો ભાગ હોવાનો મત યવનમત તરીકે તેમણે દર્શાવ્યો છે. યામ્યોત્તર વૃત્તથી પૂર્વાપર અંશાત્મક અંતર, જેને રેખાંશ તરીકે ઓળખવામાં આવે છે તેને તેમણે ‘તુલાંશ’ નામ આપ્યું છે. વિષુવવૃત્ત ઉપર ખાલદત્ત નામે નગરને મુખ્ય યામ્યોત્તર ઉપર કલ્પી તેમણે વીસ નગરોના અક્ષાંશ-રેખાંશ આપ્યા છે. ‘ત્રિપ્રશ્ર્નાધિકાર’ અને ‘ગ્રહણાધિકાર’માં તેમણે કેટલાક નવીન પ્રકાર આપ્યા છે. તેઓ કહે છે કે યવનોએ શુક્રકૃત સૂર્યબિંબ જોયું છે. વરસાદ, કરા, ધરતીકંપ, અસ્ત તારા વગેરેનાં કારણો તેમણે આપ્યાં છે. અલબત્ત, તે બરાબર નથી, છતાં તે સંપૂર્ણ રીતે અજ્ઞાનયુક્ત નથી જ. તેમનાં આ કારણો સત્યની વધુ નજીક જણાય છે. અંકગણિત, બીજગણિત, ભૂમિતિ, માપકરણ અને જયાસાધન વિશે પણ તેમણે નવા પ્રકારો આપ્યા છે. બીજા સિદ્ધાંતોમાં 3,438 ત્રિજ્યા માની છે. તેમાં માત્ર 3.75 અંશની ભુજ ત્રિજ્યા છે; જ્યારે કમલાકરે 60 ત્રિજ્યા માની છે. તેમણે દરેક અંશની એક ત્રિજ્યા કલ્પી છે. ગ્રહભોગ ઉપરથી વિષુવાંશ કલ્પી તે ઉપરથી સારણી આપી છે. આ ગ્રંથમાં નવીન શોધવૃદ્ધિ થઈ નથી.
કમલાકરનો ભાઈ દિવાકર તેનો ગુરુ હતો. કમલાકર સાર્વભૌમકાર મુનીશ્વરના ભારે વિરોધી હતા. કદાચ આ જ કારણે તેમણે ભાસ્કર ગ્રંથોનો પણ વિરોધ કરવા માંડ્યો હતો. તેમના કનિષ્ઠ ભાઈ રંગનાથે મુનીશ્વરના ‘ભંગી’ ખંડનું ‘ભંગી-વિભંગી’ નામે ખંડન કર્યું છે.
આમ કમલાકરનો ‘સિદ્ધાંતતત્વવિવેક’ ગ્રંથ જ્યોતિષશાસ્ત્રનો પ્રમાણભૂત કે માન્ય સિદ્ધાંતગ્રંથ છે.
દશરથલાલ ગૌ. વેદિયા