સિત્યોતેર દેશોનું જૂથ

January, 2008

સિત્યોતેર દેશોનું જૂથ (G. 77 – Group of Seventyseven) : વ્યાપાર અને વિકાસ માટેનું વિકસતા દેશોએ રચેલું જૂથ. અન્કટાડ(UNCTAD – United Nations Conference on Trade and Development)ની 1964માં મળેલી પ્રથમ બેઠકના અંતે 15 જૂન, 1964ના રોજ સિત્યોતેર દેશોના જૂથનું નિર્માણ થયું. ભારત, બ્રાઝિલ, આર્જેન્ટીના, ડોમિનિકન રિપબ્લિક, ક્યૂબા, ઇજિપ્ત, દક્ષિણ આફ્રિકા, ઇન્ડોનેશિયા, સિંગાપોર, થાઇલૅન્ડ જેવા ઘણા વિકસતા દેશો તેના સભ્યો છે. આ દેશોના પ્રધાનોની પ્રથમ બેઠક ઑક્ટોબર, 1967માં મળી. જેણે ‘અલ્જિરિયર્સ ચાર્ટર’ (charter of Algeriars) સ્વીકાર્યો. તેમાંથી જૂથનું કાયમી આંતરરાષ્ટ્રીય માળખું ઊભું થયું, જેમાં અનેક શાખાઓનો પણ સમાવેશ થતો હતો. આજે આ જૂથનું સભ્યપદ 130નું થયું છે; જોકે તેનું આગળનું નામ તેના ઐતિહાસિક મહત્ત્વને કારણે જાળવી રાખવામાં આવ્યું છે.

વિકાસશીલ દેશોનું આ સૌથી મોટું જૂથ છે; જેમાં તેમના વિચારો વ્યક્ત થાય છે અને જે તેમને પોતાનાં આર્થિક હિતોને આગળ વધારવા માટે મંત્રણાનું સાધન પૂરું પાડે છે અને દક્ષિણ-દક્ષિણ દેશોના સહકાર (દક્ષિણ ગોળાર્ધના વિકાસશીલ દેશો વચ્ચેના સંબંધો) માટેની તક પૂરી પાડે છે.

આ જૂથમાં અધ્યક્ષનું પદ મહત્ત્વનું છે અને તે સ્થાન આફ્રિકા, એશિયા, લૅટિન અમેરિકા અને કૅરેબિયન દેશોને વારાફરતી આપવામાં આવે છે. અધ્યક્ષપદની મુદત એક વર્ષની હોય છે. 2007ના વર્ષનું અધ્યક્ષપદ પાકિસ્તાન હસ્તક છે. પાકિસ્તાનના યુનો માટેના કાયમી પ્રતિનિધિ મુનીર અક્રમ અત્યારે આ જૂથના અધ્યક્ષ છે.

દક્ષિણની શિખર પરિષદ એ જી. સિત્યોતેરના જૂથની નિર્ણય લેનારી સંસ્થા છે. પ્રથમ શિખર પરિષદ 2000માં હવાના ખાતે અને બીજી દોહામાં 2005માં મળી હતી. ત્રીજી પરિષદ આફ્રિકામાં 2010માં મળશે.

જી. સિત્યોતેરના વિદેશ પ્રધાનોની બેઠક યુનોની મહાસભાની વાર્ષિક બેઠક મળે ત્યારે ન્યૂયૉર્કમાં મળે છે. આ સિવાય અન્કટાડ, યુનીડો અને યુનેસ્કોની પરિષદોની બેઠકોની તૈયારી માટે પ્રધાનોની વિભાગીય બેઠકો (sectoral meetings) પણ મળે છે.

જી. સિત્યોતેરની પ્રવૃત્તિઓના સંચાલન માટેનાં નાણાં સભ્ય દેશોના ફાળામાંથી મળે છે.

જી. સિત્યોતેર યુનોની મહાસભામાં ઠરાવો રજૂ કરે છે અને નિર્ણયો લેવામાં ઉપક્રમ દર્શાવે છે. સંયુક્ત જાહેરાતો, કાર્યક્રમો અને વિકાસની બાબતમાં સૌની સંમતિથી દસ્તાવેજો બહાર પાડે છે. 1967ની અલ્જિરિયર્સની જાહેરાત પછી વખતોવખત મનીલા, મૅક્સિકો શહેર, ન્યૂયૉર્ક, કરાકાસ, બ્યૂએનૉસ આઇરિસ, કેરો, તહેરાન, હવાના, જાકાર્તા, બાલી, દોહા, હૉંગકૉંગ ખાતે જાહેરાતો બહાર પડી છે. 2006માં વિજ્ઞાન અને ટૅકનૉલૉજીના પ્રધાનોએ રિયો-ડી-જાનેરો ખાતે જાહેરાત બહાર પાડી હતી.

જી. સિત્યોતેર દક્ષિણ-દક્ષિણ સહકારના ભાગ રૂપે સંયુક્ત પ્રૉજેક્ટ પણ કરે છે અને આ દેશો વચ્ચે વેપાર વધારવા માટે પ્રયાસો કરે છે. તેની 2000માં મળેલી બેઠકમાં પ્રથમ વાર રાજ્ય કે સરકારના વડાઓએ ભાગ લીધો હતો.

જી. સિત્યોતેરના સંસ્થાકીય માળખાના વિસ્તારમાંથી ચોવીસના જૂથનો જન્મ થયો છે. વૉશિંગ્ટન ડી.સી. ખાતે આ જૂથ આંતરરાષ્ટ્રીય નાણાભંડોળ (IMF) અને વિશ્વબૅંક (World Bank) તરફથી વિકાસશીલ દેશોને વધુ ન્યાય મળે એ માટે પ્રયત્ન કરે છે. 2000ની સાલમાં આ જૂથે દેવામાં રાહતનો પ્રશ્ન ઉપાડ્યો હતો અને આ માટે વિકસિત દેશો તરફથી મોટું પ્રદાન મળે તે પર ભાર મૂક્યો હતો. વિકાસશીલ દેશોમાં પણ સૌથી નબળા દેશોને આર્થિક ન્યાય મળે એ માટે તેમણે આગ્રહ રાખ્યો છે.

વિકાસશીલ દેશોની આર્થિક અને રાજકીય સત્તા વધે અને દક્ષિણના દેશો વચ્ચે સહકાર વધે એ જી. સિત્યોતેરનું ધ્યેય છે, પણ એમાં અવરોધો છે. વિકાસશીલ દેશોમાં એકતાનો અભાવ ધ્યાન ખેંચે એવો છે. આથી તેમણે યોગ્ય વ્યૂહરચના અપનાવવી પડશે.

હવાના ખાતે મળેલી શિખર પરિષદે સમાન હિતોના (વિકાસશીલ દેશો વચ્ચે) ચાર વિષયો દર્શાવ્યા છે : વૈશ્ર્વિકીકરણ, જ્ઞાનનો વિસ્તાર અને ટૅક્નૉલૉજીનો વિસ્તાર, દક્ષિણ-દક્ષિણ સહકાર તથા દક્ષિણ અને ઉત્તર વચ્ચેનો સહકાર.

મહેન્દ્ર ઠા. દેસાઈ