સિડેરાઇટ : લોહ કાર્બોનેટ. કૅલ્સાઇટ સમૂહનું ખનિજ. રાસા. બં. : FeCO3. લોહપ્રમાણ 48.2 %. સ્ફ. વ. : હૅક્ઝાગોનલ-ર્હૉમ્બોહેડ્રલ સમમિતિધારક, કૅલ્શાઇટ જેવી સ્ફટિક રચના. સ્ફ. સ્વ. : સ્ફટિકો સામાન્યત: ર્હૉમ્બોહેડ્રલ; મેજ આકાર, પ્રિઝમેટિક, સ્કેલેનોહેડ્રલ પણ હોય. સ્ફટિક-ફલકો ક્યારેક વળેલા હોય; દળદાર, સ્થૂળથી સૂક્ષ્મદાણાદાર પણ મળે; ક્વચિત્ ગોલક જેવા કે દ્રાક્ષના ઝૂમખા જેવા મળે; જ્યારે સિલિકા કે માટી સાથે ભેળવણીવાળા હોય ત્યારે પાષાણવત્ કઠણ કે કાંકરીમય બની રહે. યુગ્મતા ઓછા પ્રમાણમાં મળે. પારભાસકથી ઉપપારભાસક. સંભેદ : (1011) પૂર્ણ. ભંગસપાટી : ખરબચડીથી વલયાકાર, બરડ. ચમક : કાચમય, મૌક્તિક કે રેશમી; મૃણ્મય અને પાષાણવત્ પ્રકારોમાં નિસ્તેજ. રંગ : ઝાંખો-પીળો, પીળો-રાખોડી, ઝાંખો-લીલો, લીલો-રાખોડી, ભસ્મવત્ રાખોડી, રાતો-કથ્થાઈ, કાળો-કથ્થાઈ; ભાગ્યે જ રંગવિહીન કે સફેદ હોય. કઠિનતા : 3.75થી 4.25. વિ. ઘ. : 3.96. પ્રકા. અચ. : = 1.8728, ω = 1.6331. પ્રકા. સંજ્ઞા : -Ve.
સિડેરાઇટ
પ્રાપ્તિસ્થિતિ : સ્તરબદ્ધ જળકૃત નિક્ષેપોમાં બહોળા પ્રમાણમાં મળે; ઉષ્ણજળજન્ય ધાતુખનિજ શિરાઓમાં અસાર ખનિજ (gangue) તરીકે મળે; બેસાલ્ટ સાથે મળે; પૅગ્મેટાઇટમાં ક્વચિત્ મળે; અમુક વિકૃત ખડકોમાં પણ મળે. ફેરસ કાર્બોનેટથી બનેલા આ ખનિજમાં તેમાં રહેલા લોહનું મૅગ્નેશિયમ અને મૅગેનીઝ દ્વારા પ્રતિસ્થાપન થતું હોય છે. ચૂનાખડકો સાથે સંકળાયેલું મળે ત્યારે ચૂનાખડકો પર થતી લોહયુક્ત દ્રાવણોની પ્રક્રિયાથી તે બનેલું હોય છે. અહીં કૅલ્શિયમને બદલે લોહનું સમપ્રમાણમાં થતું વિસ્થાપન સમજી શકાય છે અને નક્કી કરી શકાય છે, જે તાપમાનના પરિબળના પ્રાપ્ય પ્રમાણ મુજબ વૃદ્ધિ પામતું જણાયું છે.
પ્રાપ્તિસ્થાનો : યુ.એસ., કૅનેડા (કાર્બોનેટાઇટ સાથે), ગ્રીનલૅન્ડ, ઉત્તર આફ્રિકા, બ્રાઝિલ (મિનાસ ગુરેઇસ), ઇંગ્લૅન્ડ, જર્મની, સ્પેન, ઑસ્ટ્રિયા, ફ્રાન્સ, ઇટાલી, ભારત વગેરે. ગુજરાતમાં સિડેરાઇટનો કુલ અનામત જથ્થો 46 લાખ ટન હોવાનો અંદાજ મૂકવામાં આવેલો છે. તે કચ્છ (લખપત, માંડવી) અને ભાવનગર(ભાવનગર અને ઘોઘા નજીક)માં મળે છે.
ગિરીશભાઈ પંડ્યા