સિઝાલ્પિનિયેસી

January, 2008

સિઝાલ્પિનિયેસી : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલ ફેબેસી (લેગ્યુમિનોઝી) કુળનું એક ઉપકુળ. બૅન્થામ અને હૂકરની વર્ગીકરણ-પદ્ધતિમાં તેનું સ્થાન આ પ્રમાણે છે : વર્ગ – દ્વિદળી, ઉપવર્ગ – મુક્તદલા (Polypetalae), શ્રેણી – કેલિસીફ્લૉરી, ગોત્ર – રોઝેલ્સ, કુળ – ફેબેસી, ઉપકુળ – સિઝાલ્પિનિયેસી. એક મત પ્રમાણે, આ કુળ લગભગ 135 પ્રજાતિઓ અને 2,800 જાતિઓનું બનેલું છે. અન્ય એક મત પ્રમાણે, તે 180 પ્રજાતિઓ અને 3,000 જાતિઓ ધરાવે છે. BSI(Botanical Survey of India)ના સર્વેક્ષણ મુજબ, ભારતના પશ્ચિમી સીમાવર્તી વિસ્તારો અને ઉષ્ણ પૂર્વહિમાલયમાં 23 પ્રજાતિઓ અને 84 જાતિઓ મળી આવે છે. 6 પ્રજાતિઓ અને 15 જાતિઓ દ્વીપકલ્પીય ભારત(Peninsular India)ની સ્થાનિક (endemic) છે. ગુજરાતમાં તેની 12 પ્રજાતિઓ અને 38 જાતિઓ નોંધાઈ છે. આ ઉપકુળ ને પ્રજાતિઓને 9 જનજાતિઓ(tribes)માં વર્ગીકૃત કરવામાં આવે છે. તે વિષુવવૃત્ત અને ઉષ્ણકટિબંધીય પ્રદેશો ઉપરાંત ઉત્તર અમેરિકામાં પણ વિપુલ પ્રમાણમાં થાય છે.

આ કુળની મોટી પ્રજાતિઓમાં Cassia (580 જાતિઓ, ભારતમાં 20 જાતિઓ), Bauhinia (250 જાતિઓ, ભારતમાં 40 જાતિઓ) અને Caesalpinia(150 જાતિઓ, ભારતમાં 10 જાતિઓ)નો સમાવેશ થાય છે.

સિઝાલ્પિનિયેસી કુળની ઘણીખરી જાતિઓ કાષ્ઠીય છે. કેટલીક જાતિઓ વૃક્ષસ્વરૂપ [દા.ત., આમલી (Tamarindus), અશોક (Saraca)]; અન્ય કેટલીક જાતિઓ ક્ષુપસ્વરૂપ [દા.ત., ગલતોરો (Caesalpinia pulcherimma)] અથવા કંટકીય લતા [દા.ત., Caesalpinia sepiaria]; શાકીય [દા.ત., કુંવાડિયો (Cassia tora)] કે ભૂપ્રસારી શાકીય [દા.ત., Cassia pumila] હોય છે. પર્ણો મોટેભાગે સમપીંછાકાર (paripinnate), સંયુક્ત એકાંતરિક અને ઉપપર્ણીય (stipulate) હોય છે અને પીનાધાર પર્ણતલ ધરાવે છે. Bauhiniaમાં સાદાં પર્ણો જોવા મળે છે. રામબાવળ(Parkinsonia)-માં પત્રાક્ષ ચપટો પર્ણ જેવો બને છે, જેને દાંડીપત્ર (phyllode) કહે છે.

સિઝાલ્પિનિયેસી : ગરમાળો (Cassia fistula) : (અ) પુષ્પવિન્યાસ સહિતની શાખા, (આ) પુષ્પ, (ઇ) પુંકેસરચક્ર અને સ્ત્રીકેસરચક્ર, (ઈ) પુષ્પનો ઊભો છેદ, (ઉ) ફળ

પુષ્પવિન્યાસ અગ્રીય કલગી (raceme) [દા.ત. Delonix] કે સંયુક્ત કલગી [દા.ત., અશોક] કે કક્ષીય તોરો (corymb) [દા.ત., Cassia] પ્રકારના જોવા મળે છે. પુષ્પ અનિયમિત, દ્વિલિંગી, ભાગ્યે જ એકલિંગી (દા.ત., ગ્લેડીસ્ટિયા), પરિજાયી (perigynous), પંચાવયવી, નિપત્રી (bracteate) અને સદંડી હોય છે. વજ્ર 5 વજ્રપત્રોનું બનેલું હોય છે. કોઈક વાર 4 વજ્રપત્રો જોવા મળે છે. વજ્રપત્રો મુક્ત કે યુક્ત, આચ્છાદિત કે ધારાસ્પર્શી હોય છે. અશોકમાં વજ્રપત્રો દલપુંજ સદૃશ (petaloid) હોય છે. દલપુંજ 5 દલપત્રોનો બનેલો હોય છે. આમલીમાં 3 દલપત્રો હોય છે. અશોકમાં દલપુંજનો અભાવ હોય છે. દલપત્રોનો કલિકાન્તરવિન્યાસ કોરછાદી (imbricate) પ્રકારનો જોવા મળે છે. પુંકેસરચક્ર 10 સમાન કે અસમાન પુંકેસરોનું બનેલું હોય છે. ક્વચિત્ 7 પુંકેસરો જોવા મળે છે. કેસિયા પ્રજાતિમાં 4 સૌથી મોટાં, 3 મધ્યમ કદનાં અને 3 સૌથી નાનાં પુંકેસરો જોવા મળે છે. ત્રણ સૌથી નાનાં પુંકેસરો વંધ્ય હોય છે. પરાગાશય દ્વિખંડી અને તલલગ્ન (basifixed) હોય છે. તેનું સ્ફોટન લંબવર્તી રીતે થાય છે. સ્ત્રીકેસરચક્ર એક સ્ત્રીકેસરનું બનેલું હોય છે. બીજાશય અર્ધઅધ:સ્થ, ટૂંકા કે લાંબા જાયાંગધર (gynophore) પર આવેલું અને એકકોટરીય હોય છે. અંડકો ધારાવર્તી (marginal) જરાયુ પર ગોઠવાયેલાં હોય છે. પરાગવાહિની એક અને અગ્રીય (terminal) હોય છે. ફળ શિંબી (legume) પ્રકારનું હોય છે. બીજ અભ્રૂણપોષી (nonendospermic) હોય છે.

પુષ્પીય સૂત્ર :

આ કુળની આર્થિક ઉપયોગિતા આ પ્રમાણે છે : (1) Bauhinia malbarica, આસુંદરો (B. racemosa), દેવકંચન (B. purpurea) અને દીવીદીવી (Caesalpinia coriarea), C. digyna, C. sepiaria જેવી જાતિઓની છાલમાંથી ટેનિન મેળવવામાં આવે છે.

(2) આસુંદરો, રક્તકંચન (B. variegata), B. acuminata, દેવકંચન, ગલતોરો, ગુલમહોર (Delomix regia), ગરમાળો (Cassia fistula), C. nodosa, C. marginata, C. suratens, C. alata, C. siamea, રામબાવળ, અશોક જેવી જાતિઓ શોભાની વનસ્પતિઓ તરીકે ઉદ્યાનોમાં ઉગાડવામાં આવે છે.

(3) પીળો આસુંદરો(Bauhinia tomentosa)નાં પર્ણો બીડી બનાવવા માટે વપરાય છે અને તેની છાલમાંથી દોરડાં બનાવવામાં આવે છે.

(4) દેવકંચન અને રક્તકંચનનાં પુષ્પો શાકભાજી તરીકે અને ફળનો ખાટો ગર દાળશાક અને ચટણી બનાવવામાં ઉપયોગી છે. તેનું કાષ્ઠ કૃષિનાં સાધનો બનાવવામાં વપરાય છે.

(5) પતંગ(Caesalpinia sapan)ના કાષ્ઠમાંથી રતાશ પડતો નારંગી રંગ પ્રાપ્ત થાય છે. તેનો ઉપયોગ સૂતર, રેશમ અને ઊન રંગવામાં થાય છે.

(6) અંજન(Hardwickia binata)નું કાષ્ઠ ગાડાની ધૂંસરી, પૈડાં, હળ, પાટડા બનાવવામાં અને બાંધકામમાં ઉપયોગી છે.

(7) કાચકા(Caesalpinia crista)નાં શુષ્ક બીજનો ભૂકો શક્તિદાયક અને કૃમિનાશક ગણાય છે. તે આંતરડાંના રોગ ઉપર અકસીર છે. સંધેશરા(Delonix elata)ની છાલ અસ્થિભંગ ઉપર, હાડકાંના સોજામાં અને સંધિવામાં ઉપયોગી છે. અશોકની છાલ મૂત્રજનનરોગો પર વપરાય છે. તેનો અર્ક સ્ત્રીના પ્રદરરોગને મટાડે છે અને માસિક નિયમિત કરે છે. અશોકારિષ્ટ ઔષધ બનાવવામાં તે ઉપયોગી છે.

યોગેશ ડબગર