સિચિયોલાન્તે, સેર્મોનેત જિરોલામો (Siciolante, Sermoneta Girolamo) (જ. 1521; અ. 1575) : ઇટાલિયન રેનેસાંસ-ચિત્રકાર. રોમમાં ચિત્રકાર પેરિનો દેલ વાગા હેઠળ તેમણે કલા-અભ્યાસ કરેલો; પરંતુ તેમના પુખ્તકાળના સર્જન ઉપર માઇકૅલેન્જેલો અને સેબાસ્તિનો પિયોમ્બોનો પ્રભાવ જોવા મળે છે, જેમાં માનવભાવોની અભિવ્યક્તિ સંયમપૂર્ણ છે. રોમનાં ઘણાં ચર્ચમાં તેમણે ભીંતચિત્રો ચીતર્યાં, જેમાંથી ‘વર્જિન ઍન્ડ ચાઇલ્ડ વિથ સેઇન્ટ્સ’, ‘ક્રૂસિફિકેશન’ તથા સેન્ટ માર્તિનો મેગ્વારે ચર્ચનું વેદીચિત્ર શ્રેષ્ઠ ગણાયાં છે.
અમિતાભ મડિયા