સિગારેટ બીટલ : તમાકુની બનાવટો અને બીને નુકસાન પહોંચાડનાર ઇયળ કે ડોળને પેદા કરનાર બીટલ. કીટવર્ગના ઢાલપક્ષ (coleoptera) શ્રેણીના એનોબિડી (anobidae) કુળમાં તેનો સમાવેશ થતો હોવાથી આ કીટકનું વૈજ્ઞાનિક નામ લેસિયોડર્મા સેરિકોર્ની (Lasioderma serricorne Fab.) છે. આછા બદામી ભૂખરા કે રાતા બદામી રંગના ગોળાકાર આ કીટકનું માથું અને વક્ષ નીચેની બાજુએ કાટખૂણે નમેલાં હોવાથી ઉપરથી ખૂંધ નીકળી હોય તેવો દેખાવ ધરાવે છે. તેની પ્રથમ જોડ પાંખ સુંવાળી હોય છે અને તેના પર નાના નાના વાળ આવેલા હોય છે. શૃંગિકા એકસરખી જાડાઈની કરવત-આકારની હોય છે, જે તેના શરીરની અડધી લંબાઈની હોય છે. પુખ્ત કીટક 2થી 3 મિમી. જેટલું લાંબું હોય છે. માદા કીટક પીળાશ પડતા સફેદ કે મલાઈ રંગનાં લગભગ 30 જેટલાં ગોળાકાર ઈંડાં મૂકે છે. ઈંડાં 0.5 મિમી. લાંબાં હોય છે. ઈંડા-અવસ્થા 9થી 14 દિવસની હોય છે. ઈંડાં સેવાતાં તેમાંથી નીકળતો ડોળ (ગ્રબ) સફેદ રંગનો અંગ્રેજી ‘સી’ આકારનો હોય છે અને નાના નાના વાળ ધરાવે છે. પુખ્ત ડોળ પીળાશ પડતા સફેદ રંગનો 6થી 7 મિમી. લાંબો અને તેનું શરીર વાળથી ઢંકાયેલું હોય છે. માથું ઘાટા બદામી રંગનું હોય છે. ડોળ સંગ્રહેલ તમાકુને, તેનાં બીજ અને તેની બનાવટો ખાઈને નુકસાન કરે છે. ડિંભઅવસ્થા 17થી 29 દિવસની હોય છે. તે કોશેટા રેશમી તાંતણાઓમાં બનાવે છે. તે નાના નાના ખોરાકના ટુકડાઓ ચોંટવાથી ઢંકાયેલા જોવા મળે છે. તેની અવસ્થા બેથી આઠ દિવસની હોય છે. આ જીવાત તમાકુ ઉપરાંત હળદર, સૂંઠ, કોકો, અફીણ, જીરું, રાતી પીપર, કેસર, અજમો, જાયફળ વગેરે સંગ્રહેલ મરીમસાલામાં પણ નુકસાન કરે છે. ધાણાના બીજને પ્લાસ્ટિક-કોટેડ કંતાનની કોથળીમાં અથવા 35 માઇક્રોનના હાઈ-ડેન્સિટી પૉલિથીનની કોથળીમાં સંગૃહીત કરવાથી દશ મહિના સુધી સિગારેટ બીટલ સામે તેને રક્ષણ પૂરું પાડી શકાય છે.

ટેનેબ્રિયોઇડસ મોરિટાનિયસ (Tenebroides mauritanius) નામની પરભક્ષી બીટલની ઇયળો (ડોળ) સિગારેટ બીટલના કોશેટા (પ્યુપા) ખાઈને જીવે છે. વળી કેટલીક પાનકથીરી (mites) એનાં ઈંડાં ખાઈને જીવે છે. જૈવિક નિયંત્રણ(biological control)થી સિગારેટ બીટલનું નિયંત્રણ શક્ય બને છે.

પરબતભાઈ ખી. બોરડ

ધીરુભાઈ મનજીભાઈ કોરાટ