સિક્વોયા : વનસ્પતિઓના અનાવૃતબીજધારી વિભાગના કોનિફરેલ્સ ગોત્રમાં આવેલા ટેક્સોડિયેસી કુળની એક પ્રજાતિ. તે સૌથી મોટી અને પૃથ્વી પર સૌથી પ્રાચીન જીવંત પ્રજાતિ છે. લાખો વર્ષ પૂર્વે આ વૃક્ષો દુનિયાના ઘણા ભાગોમાં વિશાળ જંગલો-સ્વરૂપે ઊગતાં હતાં. તેના જુદા જુદા ઘણા પ્રકારો છે; પરંતુ માત્ર બે જ પ્રકારના વાસ્તવિક (true) સિક્વોયાનું હાલમાં અસ્તિત્વ છે. બંને પ્રકારના સિક્વોયા ‘ધ રેડવૂડ’ અને ‘ધ જાયન્ટ સિક્વોયા’ મુખ્યત્વે કૅલિફૉર્નિયા, યુ.એસ.માં જોવા મળે છે.
દુનિયાનું સૌથી મોટું વૃક્ષ, જનરલ શૅરમેન ટ્રી : તે સિક્વોયા નૅશનલ પાર્ક, કૅલિફૉર્નિયા, યુ.એસ.માં જોવા મળે છે. આ મહાકાય સિક્વોયા 2200 વર્ષથી 2500 વર્ષ જૂનું છે.
રેડવુડ કોસ્ટ અને કૅલિફૉર્નિયા રેડવૂડ તરીકે પણ ઓળખાય છે. તેનું વૈજ્ઞાનિક નામ Sequoia semipervirens છે. તે મધ્ય કૅલિફૉર્નિયાથી માંડી દક્ષિણ ઓરેગોન પૅસિફિક કોસ્ટ પર આવેલા પર્વતોમાં થાય છે. આ વૃક્ષ પ્રમાણમાં હૂંફાળી અને ભેજવાળી આબોહવામાં થાય છે.
તેઓ સૌથી ઊંચાં વૃક્ષો છે. તેઓની ઊંચાઈ 90 મી.થી વધારે અથવા 30 માળના મકાન જેટલાં ઊંચાં હોય છે. તેમની સૌથી નીચેની શાખાઓ જમીનથી 45 મી.થી વધારે ઊંચી હોય છે. તેના થડનો ઘેરાવો 15 મી. જેટલો હોય છે. તેના થડને કોતરી તેમાંથી મોટરકાર પસાર થઈ શકે તેવો રસ્તો બનાવવા છતાં બંને બાજુએ 1.5 મી. જેટલી જગા ફાજલ પડે !
તેની છાલ 15 સેમી.થી 30 સેમી. જાડી અને ઊંડી ખાંચોવાળી હોય છે. તેનો રંગ લાલ-બદામીથી તજ જેવો બદામી હોય છે. તેની છાલમાંથી રાળ (resin) કાઢવામાં આવે છે. તેનું કાષ્ઠ હલકું, ટકાઉ અને આછા લાલ રંગનું હોય છે તેમજ હવામાં ખુલ્લું રહેતાં તે ઘેરા લાલ રંગનું બને છે. એક વૃક્ષ 1,130 ઘમી. જેટલું ઇમારતી લાકડું આપે છે.
રેડવૂડનું કાષ્ઠ ફર્નિચર, પિયાનો જેવાં સંગીતનાં સાધનો, હોડી, ઘર-બાંધકામ, નકશીકામ, પટ્ટ (panel) બનાવવા, રેલવેનાં સ્લીપરો, શીત-અવરોધક તરીકે અને મકાનનું તળ બનાવવામાં ઉપયોગી છે. કાષ્ઠ કીટ-અવરોધક અને ઊધઈ-અવરોધક હોવાથી તેને સડો થતો નથી. વીજળીના થાંભલા, ખેતરની વાડ, લાકડાના પુલ, લાકડાનો વહેર અને પ્લાયવૂડ બનાવવામાં ઉપયોગી છે.
જાયન્ટ સિક્વોયા (તેને ઘણી વાર ‘બીગ ટ્રી’ કે ‘સાયેરા રેડવૂડ’ પણ કહે છે.) કૅલિફૉર્નિયાના સાયેરા નેવાડાના પર્વતોના પશ્ચિમી ઢોળાવો પર 1500 મી.થી 2400 મી.ની ઊંચાઈ પર થાય છે. તેનું વૈજ્ઞાનિક નામ Sequoiadendron giganteum છે.
જાયન્ટ સિક્વોયા એક વખતે મોટાભાગના ઉત્તર ગોળાર્ધમાં થતું હતું. હાલમાં તે માત્ર 70 જેટલાં ઉપવનોમાં થાય છે. તે રેડવૂડ જેટલાં ઊંચાં હોતાં નથી; પરંતુ તેમનાં થડ ખૂબ જાડાં હોય છે. કેટલાંક જાયન્ટ સિક્વોયાના થડના તળિયાના ભાગનો ઘેરાવો 30 મી. જેટલો હોય છે ! સૌથી પહોળા થડનો વ્યાસ લગભગ 5 મી. જેટલો હોય છે. કાષ્ઠના કદના સંદર્ભમાં સૌથી વિશાળ વૃક્ષને ‘જનરલ શૅરમન ટ્રી’ કહે છે. તે સિક્વોયા નૅશનલ પાર્કમાં આવેલું છે અને 84 મી. જેટલું ઊંચું છે. તેના તળિયાનો ઘેરાવો 30 મી.થી વધારે છે. એક અંદાજ પ્રમાણે તે 1400 ઘમી. જેટલું ઇમારતી લાકડું આપશે. બીજું સૌથી વિશાળ જાયન્ટ સિક્વોયા ‘ધ ગ્રીઝલી ઝાયન્ટ’ યોસેમાઇટ નૅશનલ પાર્કના ‘મેરીપોસા’ ઉપવનમાં જોવા મળે છે.
જાયન્ટ સિક્વોયાનું કાષ્ઠ અત્યંત બરડ હોય છે. તેથી ઇમારતી લાકડા તરીકે તેનો બહુ ઓછો ઉપયોગ થાય છે. તેના રાક્ષસી કદને કારણે તેને કાપવું વ્યવહારુ ગણાતું નથી.
કેટલાંક જાયન્ટ સિક્વોયા હજાર વર્ષ જૂનાં છે. એક અંદાજ પ્રમાણે, જનરલ શૅરમન ટ્રી 2200થી 2500 વર્ષ જૂનું છે. તેમને ધારાકીય રક્ષણ અપાયું તે પૂર્વે એક સૌથી જૂનું અને સૌથી મોટું જાયન્ટ સિક્વોયા કાપવામાં આવેલું. તેનાં વૃદ્ધિ-વલયો (growth-rings) ગણતાં તે ઈ. સ. પૂર્વે 1305 વર્ષ (3305 વર્ષ) જૂનું માલૂમ પડ્યું હતું.
જાયન્ટ સિક્વોયા સદાહરિત (evergreen) વૃક્ષ છે અને શલ્ક (scale) જેવી નાની સોયો ધરાવે છે. આ સોયો વધતેઓછે અંશે શાખાઓને સમાંતર રહે છે. તેની ટોચ અણીદાર હોય છે. શંકુઓ કાષ્ઠીય અને અંડાકાર હોય છે. તેઓ 5થી 8 સેમી. લાંબા હોય છે. દરેક શંકુ નાનાં અસંખ્ય બીજ ધરાવે છે. બીજ બે વર્ષે પરિપક્વ થાય છે. તેઓ 6 મિમી. જેટલાં લાંબાં હોય છે.
જાયન્ટ સિક્વોયા ખૂબ ટકાઉ હોય છે. ખૂબ મોટી ઉંમર, રોગ કે કીટકોના આક્રમણથી આ વૃક્ષો નાશ પામ્યાં હોય તેવી કોઈ માહિતી નથી. જોકે વીજળીને કારણે સૌથી વિશાળ સિક્વોયા વૃક્ષોના અગ્રભાગો નાશ પામે છે.
ડોન્ રેડવૂડ સિક્વોયાનું એકમાત્ર જાણીતું ગાઢ સંબંધી છે. તેનું વૈજ્ઞાનિક નામ Metasequoia glyptostroboides છે. વૈજ્ઞાનિકો માનતા હતા કે લાખો વર્ષો પૂર્વે તે લુપ્ત થયું છે. તેઓએ અશ્મીઓ પરથી જ આ વૃક્ષની માહિતી મેળવી હતી; પરંતુ 1941માં ચીની વન-અધિકારી ત્સાઉ કાને મધ્ય ચીનની ખીણમાં મોટું વૃક્ષ શોધી કાઢ્યું. 1946માં બે વનસ્પતિશાસ્ત્રીઓ, હ્સેન-હ્સુ હુ અને વાન-ચુન ચેંગે આ વૃક્ષને ડૉન્ રેડવૂડ તરીકે ઓળખાવ્યું. આ વૃક્ષ-જાતિ 2 કરોડ વર્ષ પહેલાં લુપ્ત થઈ હતી; છતાં તે કેટલાક વિસ્તારોમાં ઊગે છે.
જીવંત ડોન્ રેડવૂડ ચીનના સીયુઆન અને હુબેઈ પ્રાંતોમાં થાય છે. તેનાં અશ્મીઓ કૅલિફૉર્નિયા, ગ્રીનલૅન્ડ, સાઇબેરિયા અને જાપાનમાંથી પ્રાપ્ત થયાં છે.
વાસ્તવિક સિક્વોયાથી વિપરીત ડોન્ રેડવૂડ પર્ણપાતી (deciduous) છે. તે દરેક પાનખરમાં પર્ણો ખેરવે છે અને વસંત ઋતુમાં ફરીથી પર્ણો બેસે છે. વળી, અન્ય સિક્વોયાથી વિરુદ્ધ ડોન્ રેડવૂડના શંકુઓ લાંબા, નગ્ન દંડ પર આવેલા હોય છે. સિક્વોયામાં સોયો ધરાવતી શાખા પર શંકુઓ આવેલાં હોય છે.
ડોન્ રેડવૂડનું પ્રસર્જન અન્ય સિક્વોયાની જેમ બીજ દ્વારા થાય છે. તેનું વાવેતર પૅસિફિકના ઈશાન અને અગ્નિ અલાસ્કામાં કરવામાં આવ્યું છે.
ભારતમાં સિક્વોયા થતું નથી. તેના ઉછેર માટે હાલમાં વૈજ્ઞાનિકો પેશી-સંવર્ધન-પદ્ધતિનો ઉપયોગ કરે છે.
જૈમિન વિ. જોશી
બળદેવભાઈ પટેલ