સિકા, વિટોરિયો દ (જ. 7 જુલાઈ, સોરા, લેટિયમ, ઇટાલી; અ. 13 નવેમ્બર 1974) : ઇટાલિયન ચલચિત્રસર્જક. વિશ્વસિનેમા પર પોતાની આગવી શૈલીનો પ્રભાવ પાડનાર ઇટાલિયન સર્જક નવવાસ્તવવાદના પ્રણેતા હતા. તેમણે રજતપટને એક નવી દિશા આપી હતી. અભિનય અને દિગ્દર્શન – આ બંને ક્ષેત્રે તેમણે કાબેલિયત હસ્તગત કરી હતી. તેમણે કારકિર્દીનો પ્રારંભ તો નામું લખવાનું કામ કરીને કર્યો હતો, પણ નાટકો તરફના લગાવને કારણે થોડા જ સમયમાં પહેલાં નાટકોમાં અને પછી ચલચિત્રોમાં અભિનયક્ષેત્રે પદાર્પણ કર્યું. અભિનેતા તરીકે તેમનું પ્રથમ ચિત્ર ‘લા અફેર ક્સેમેન્શ’ (1922) હતું. તેઓ 21 વર્ષના થયા ત્યાં સુધીમાં તો અભિનેતા તરીકે તેમણે ધાક જમાવી દીધી હતી. લગભગ એક દાયકા સુધી અભિનેતા રહ્યા. પછી 1940માં તેમણે પહેલી વાર એક ચિત્ર ‘રોઝ સ્કાર્લેટ’નું દિગ્દર્શન કર્યું. એ પછી તેમણે બે-ત્રણ ચિત્રો બનાવ્યાં, પણ તેમની અંદરનો પ્રતિબદ્ધ ચિત્રસર્જક 1944માં નિર્માણ પામેલા ચિત્ર ‘લા પૉર્ટ દેલ સિયેલો’માં મુખર થઈ ઊઠ્યો.
વિટોરિયો દ સિકા
આ ચિત્રને વિશ્વયુદ્ધની ત્રાસદાયી પૃષ્ઠભૂમિમાં બનાવાયું હતું. આ ચિત્રે સમીક્ષકોને ખૂબ પ્રભાવિત કર્યા હતા. જોકે આંતરરાષ્ટ્રીય ફલક પર તેમને જે ચિત્ર લઈ ગયું તે હતું ‘બાઇસિકલ થીફ’ (1948). આ ચિત્ર વિશ્વસિનેમાનાં પ્રશિષ્ટ ચિત્રોમાં કાયમી સ્થાન ધરાવે છે. આ ચિત્રે નવવાસ્તવવાદનો નવો ચીલો કંડાર્યો અને ભારતમાં બિમલ રૉય સહિતના દુનિયાભરના ચિત્રસર્જકો પર પ્રભાવ છોડ્યો. યુદ્ધોત્તર કાળમાં ઇટાલીની ખૂબ ખરાબ દશા તેમાં નિરૂપાઈ હોઈ સરકારે મહામુસીબતે તેને પ્રદર્શન માટે મંજૂરી આપી હતી; પણ બીજા એક ખ્યાતનામ ઇટાલિયન ચિત્રસર્જક અને લેખક જવાતિની સાથે મળીને તેમણે બનાવેલા ચિત્ર ‘શિયુસિયા’ને કાન ચલચિત્ર મહોત્સવમાં જતાં ઇટાલીની સરકારે અટકાવ્યું હતું. તેમાં નિરૂપાયેલા સ્ત્રી-પુરુષસંબંધો સામે સખત વાંધો ઉઠાવાયો હતો. તેમ છતાં સિકાએ ચિત્રનિર્માણની પોતાની શૈલી જરાય બદલી નહોતી અને સંજોગો સામે ઝઝૂમતા સામાન્ય માણસને જ પોતાના ચિત્રમાં કેન્દ્રમાં તેમણે રાખ્યો હતો. 1957માં ચિત્ર ‘ફેરવેલ ટુ આર્મ્સ’માં તેમને શ્રેષ્ઠ સહઅભિનેતા તરીકે ઓસ્કારનું નામાંકન મળ્યું હતું. 1960માં સિકાએ ઇટાલિયન અભિનેત્રી સોફિયા લૉરેનની જે પડદા પરની છબિ હતી તેના કરતાં વિપરીત અને ગંભીર ભૂમિકામાં રજૂ કરી ‘ટુ વીમેન’ ચિત્ર બનાવ્યું હતું. આ ચિત્રે સોફિયાને શ્રેષ્ઠ અભિનેત્રીનો ઓસ્કાર અપાવ્યો હતો.
નોંધપાત્ર ચિત્રો : ‘રોઝ સ્કાર્લેટ’ (1940), ‘ડુ યુ લાઇક વુમન ?’ (1941), ‘ધ ચિલ્ડ્રન આર વૉચિંગ અસ’ (1944), ‘ધ ગેટ ઑવ્ હેવન’ (1945), ‘શિયુસિયા’ (1946), ‘ધ બાઇસિકલ થીફ’ (1948), ‘મિરેકલ ઇન મિલાન’ (1951), ‘ઇટ હૅપન્ડ ઇન પાર્ક’ (1953), ‘ધ રૂફ’ (1956), ‘ટુ વીમેન’ (1960), ‘ધ લાસ્ટ જજમેન્ટ’ (1961), ‘યસ્ટરડે, ટુડે ઍન્ડ ટુમોરો’ (1963), ‘મૅરેજ ઇટાલિયન સ્ટાઇલ’ (1964).
હરસુખ થાનકી