સિકર : રાજસ્થાનના ઈશાન ભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 27° 10´થી 28° 12´ ઉ. અ. અને 74° 44´થી 75° 05´ પૂ. રે. વચ્ચેનો 7,732 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે ઝૂનઝૂનુ જિલ્લો, ઈશાનમાં હરિયાણાની સીમા, પૂર્વ અને દક્ષિણ તરફ જયપુર, નૈર્ઋત્યમાં નાગૌર, પશ્ચિમમાં નાગૌર અને ચુરુ તથા વાયવ્યમાં ચુરુ જિલ્લાઓ આવેલા છે. જિલ્લામથક સિકર જિલ્લાની લગભગ મધ્યમાં આવેલું છે.

ભૂપૃષ્ઠ-જળપરિવાહ : જિલ્લાનું ભૂપૃષ્ઠ મુખ્યત્વે બે વિભાગોમાં વહેંચાયેલું છે : પશ્ચિમ વિભાગ રેતીના ઢૂવાવાળો છે, જ્યારે પૂર્વ તરફનો આશરે અડધો વિભાગ ટેકરીઓથી છવાયેલો છે. જિલ્લાનું ભૂપૃષ્ઠ સમુદ્રસપાટીથી સરેરાશ 432 મીટરની ઊંચાઈએ આવેલું છે. આ જિલ્લામાં કોઈ કાયમી મોટી નદી નથી; ઋતુપર્યંત નાની નદીઓમાં મેધા, કાંટલી, દોહન, કૃષ્ણાવતી અને સાબીનો સમાવેશ થાય છે.

ખનિજસંપત્તિ : જિલ્લામાં ખનિજસંપત્તિનું પ્રમાણ સારું છે. અહીં લોહઅયસ્ક, તાંબાનાં ખનિજો, ઍપેટાઇટ, કૅલ્સાઇટ, ડોલોમાઇટ, પાયરાઇટ, પાયરહોટાઇટ, અબરખ અને શંખજીરું જેવાં ખનિજો તથા ચૂનાખડક મળે છે; આ ઉપરાંત બેરાઇટ, ક્વાર્ટ્ઝ અને સિલિકા રેતી પણ ખોદી કઢાય છે. અહીં મોલિબ્ડિનાઇટ અને કિરણોત્સારી ખનિજો હોવાની શક્યતા છે.

સિકર જિલ્લો

વનસંપત્તિ : જિલ્લામાં જંગલોનું પ્રમાણ ઘણું ઓછું છે. ટેકરીઓના તળેટીભાગોમાં કાંટાળાં ઝાડવાં-ઝાંખરાં તથા મેદાની ભાગોમાં સવાના પ્રકારની વનસ્પતિ તેમજ ઘાસ જોવા મળે છે. અહીંનાં મુખ્ય વૃક્ષોમાં બાવળ, હરિબાવળ, ગોરડિયો, બાવળ, ધાવડો (ધવ), ખેર, કેરડો, ઇંગોરિયો, કેસૂડો, કણજી (પાપડી), ખીજડો (સમી), ગૂગળ, શિરીષ, સીસમ, રગતરોહિડો, લીમડો અને ક્ષુપ વનસ્પતિમાં આકડો, થોર, તેમજ ઘાસ પ્રકારની વનસ્પતિમાં બરુ, ધરો, કાલા ધામણ અને મુંજનો સમાવેશ થાય છે.

ખેતીપશુપાલન : જિલ્લામાં મુખ્યત્વે ખરીફ કૃષિપાકો થાય છે. ઘઉં, બાજરી તથા કઠોળનો તેમાં સમાવેશ થાય છે. ભેંસ, ઘેટાં-બકરાં, ઘોડા, ગધેડાં, ખચ્ચર, ઊંટ, મરઘાં-બતકાં વગેરેનો ઉછેર થાય છે. પશુઓ માટે પશુદવાખાનાં અને ચિકિત્સાલયોની સગવડ છે.

ઉદ્યોગવેપાર : જિલ્લામાં મોટા પાયા પરના ઉદ્યોગો વિકસેલા નથી; પરંતુ કાચો માલ પૂરતા પ્રમાણમાં મળી રહેતો હોવાથી ઉદ્યોગો વિકસાવી શકાય તેમ છે. અહીં આશરે એકસો જેટલા નાના પાયા પરના એકમો આવેલા છે. તેમાં લોહ-પોલાદ, લોખંડનું રાચરચીલું, ધોવાનો સાબુ, આયુર્વેદિક ઔષધો, ખાદ્યતેલ, દાળની મિલો, સુધારેલું સૂતર, રંગો, લીંબુ-પાઉડર, ચિનાઈ માટી, ખનિજોનું કચરણ, ઊની દોરા અને ઊની કાપડનો સમાવેશ થાય છે. કપડાં અને શેતરંજીઓનું ઉત્પાદન લેવાય છે.

અહીંથી ખાદ્યાન્ન, કઠોળ, ઊન, ઘેટાં-બકરાં, ચૂનાખડક, કૅલ્શાઇટ-ડોલોમાઇટનું ચૂર્ણ અને ક્વાર્ટ્ઝની નિકાસ થાય છે; જરૂરી અન્ય ખાદ્યાન્ન, ખાંડ, ઔદ્યોગિક યંત્રસામગ્રી, બાંધકામસામગ્રી, રસાયણો, દવાઓ, કાપડ અને ઉપભોક્તા ચીજ-વસ્તુઓની આયાત થાય છે.

પરિવહન : જિલ્લામાં રાષ્ટ્રીય ધોરી માર્ગો, રાજ્ય ધોરી માર્ગો તથા જિલ્લા માર્ગોની પૂરતી સગવડ છે. સડકમાર્ગોની લંબાઈ આશરે 1000 કિમી. જેટલી છે. ઉત્તર વિભાગીય રેલમાર્ગ આ જિલ્લામાંથી પસાર થાય છે, તેના પર 26 જેટલાં રેલમથકો આવેલાં છે.

વસ્તીલોકો : 2001 મુજબ આ જિલ્લાની વસ્તી 22,87,229 છે, તે પૈકી પુરુષો અને સ્ત્રીઓનું સંખ્યાપ્રમાણ અનુક્રમે 53 % અને 47 % જેટલું તથા ગ્રામીણ અને શહેરી વસ્તીનું પ્રમાણ આશરે 80 % અને 20 % જેટલું છે. જિલ્લામાં હિન્દુ-મુસ્લિમ વસ્તી વિશેષ છે; જ્યારે ખ્રિસ્તી, શીખ, જૈન અને બૌદ્ધોનું પ્રમાણ ઓછું છે. અહીં હિન્દી, રાજસ્થાની અને ઉર્દૂ ભાષાઓ બોલાય છે. જિલ્લામાં પ્રાથમિકથી ઉચ્ચ શિક્ષણની વ્યવસ્થા પૂરતા પ્રમાણમાં છે, તેમ છતાં સાક્ષરતાનું પ્રમાણ માત્ર 35 % જેટલું જ છે. આ ઉપરાંત વાચનાલયો, જાહેર પુસ્તકાલયો, સ્ટેડિયમ અને સભાગૃહો, નાટ્યગૃહો તથા સમાજગૃહો આવેલાં છે. જિલ્લામાં આયુર્વેદિક, ઍલૉપથિક, હોમિયોપથિક તેમજ યુનાની દવાખાનાંની તથા પ્રસૂતિગૃહો, કુટુંબ-નિયોજન કેન્દ્રો, ક્ષય-ચિકિત્સાલય, પ્રાથમિક સ્વાસ્થ્ય સારવાર કેન્દ્રો/ઉપકેન્દ્રોની સુવિધા છે. ગામડાંની સંખ્યાની સરખામણીમાં શિક્ષણની, તબીબી સેવાની, પોસ્ટ/તારકચેરીની, વીજળીની સુવિધાઓ પૂરતા પ્રમાણમાં મળે છે. વહીવટી સરળતાની દૃષ્ટિએ જિલ્લાને 6 તાલુકાઓમાં અને 8 સમાજવિકાસ-ઘટકોમાં વહેંચેલો છે. જિલ્લામાં 9 નગરો અને 946 (15 વસ્તીવિહીન) ગામડાં આવેલાં છે.

પ્રવાસન : સિકરથી આશરે 11 કિમી.ને અંતરે હર્ષગિરિ ટેકરીઓમાં ઐતિહાસિક અને પુરાતત્વની દૃષ્ટિએ જોવાલાયક શિવમંદિર આવેલું છે. તેમાં મળતા લેખ મુજબ તે 973માં ચૌહાણ રાજા વિગ્રહરાજ બીજાએ બંધાવેલું. આજે તો તે ખંડિયેર હાલતમાં છે; પરંતુ તેની શિલ્પકલા બેનમૂન છે. મંદિરની કેટલીક મૂર્તિઓ અજમેરના સંગ્રહસ્થાનમાં જળવાયેલી જોવા મળે છે. હર્ષગિરિ ટેકરીના મથાળેથી સૂર્યાસ્તનું દૃશ્ય તેમજ રાઈવાસ સરોવર માણવાલાયક છે. સિકરથી માત્ર પાંચ જ કિમી.ને અંતરે સિકર-હર્ષ માર્ગ પર આવેલા સનવાલી સ્થળે સિકરના જૂના શાસકોએ બંધાવેલી ભવ્ય ઇમારતો અને બગીચા પણ જોવાલાયક છે. સિકરથી આશરે 29 કિમી.ને અંતરે આવેલું જીનમાતાનું મંદિર ત્યાં ભરાતા ચૈત્રી અને આસો માસના મેળાઓ માટે જાણીતું છે. તે વખતે અહીં લાખો યાત્રીઓની અવરજવર રહે છે. સિકરથી 60 કિમી.ને અંતરે સકરાઈ માતાનું પ્રાચીન ધાર્મિક સ્થળ આવેલું છે. અહીંનું સકરાઈ દેવીનું મંદિર 692માં ચૌહાણ રાજા દુર્લભરાજે બંધાવેલું. આ સ્થળ ત્રણ બાજુએ ટેકરીઓથી ઘેરાયેલું છે. શ્યામગઢના ઠાકુરે અહીં બનાવરાવેલા બગીચા ખૂબ જ રમણીય અને આકર્ષક છે.

અહીંના ઉપવિભાગીય મુખ્ય મથક નીમ-કા-થાણાથી આશરે 15 કિમી.ને અંતરે ગણેશ્વર નામનું ધાર્મિક સ્થળ આવેલું છે. અહીં ગરમ પાણીના ઝરા છે, જેમાં સ્નાન કરવાથી ચામડીના રોગથી મુક્ત થવાય છે એવી માન્યતા પ્રવર્તે છે. આ ઉપરાંત ગણેશ્વર ખાતેથી ઈ. પૂ. 2800-2000ના અરસાની તામ્રયુગ સંસ્કૃતિના અવશેષો મળી આવ્યા છે. તે પૈકી 2000થી વધુ સંખ્યામાં તાંબાનાં હથિયારો/ઓજારો પણ મળ્યાં છે, જે પ્રાચીન સંસ્કૃતિનો ખ્યાલ આપી જાય છે.

દાંતા રામગઢથી 48 કિમી.ને અંતરે આવેલા ખટુ શ્યામજી નામના ગામમાં સફેદ આરસમાંથી બનાવેલું બબ્રુવાહનનું મંદિર અથવા શ્યામજી મંદિર આવેલું છે. અહીં એક મોટું તળાવ તેમજ બગીચા અને ધર્મશાળાઓ પણ છે. આ ઉપરાંત શ્રી માધોપુર તાલુકામાં કાનવત ગામથી પાંચ કિમી.ને અંતરે 35 ચોકિમી.ના વિસ્તારમાં પથરાયેલું પીતમપુરી સરોવર આવેલું છે. ચોમાસું પૂરું થતાં આ સરોવર ત્યાં આવતાં યાયાવર પક્ષીઓ જોવા માટે આકર્ષણનું કેન્દ્ર બની જાય છે.

સિકર (નગર) : સિકર નગર 1687માં વસ્યું હોવાનું કહેવાય છે. આ નગરમાં ગોપીનાથજીનું મંદિર, રઘુનાથજીનું મંદિર, બડા જૈન મંદિર તથા હજરત શાહ વલી મોહમ્મદ ચિશ્તીની દરગાહ આવેલાં છે. દરગાહ ખાતે દર વર્ષે મેળો ભરાય છે. જાણીતી ભવ્ય ઇમારતોમાં રાવ રાજાનો મહેલ, માધો નિવાસ કોઠી તથા વિક્ટોરિયા મેમોરિયલ હૉલનો સમાવેશ થાય છે. સિકરના ઠાકુર રાજાની મિલકત ગણાતા અહીંના આ મહેલમાં પુરાતત્વીય મહત્વ ધરાવતાં કલાના નમૂનાઓરૂપ મૂર્તિઓ અને બાવલાં જળવાયેલાં છે. આ ઉપરાંત અહીં સ્વર્ગસ્થ જમનાલાલ બજાજની યાદમાં બજાજ મેમોરિયલ નામની જાહેર ઇમારત પણ છે.

વારતહેવારે આ જિલ્લાનાં ધાર્મિક સ્થળો પર મેળા યોજાય છે, ઉત્સવો થાય છે અને ખરીદીનાં બજાર પણ ભરાય છે.

ઇતિહાસ : જિલ્લાનું નામ સિકર જિલ્લામથક પરથી પાડેલું છે; પરંતુ જિલ્લામથકનું નામ કેવી રીતે ઊતરી આવ્યું તેની માહિતી ઉપલબ્ધ થતી નથી. આઝાદી પછી રાજસ્થાનનું રાજ્ય અસ્તિત્વમાં આવ્યું તે અગાઉ આજના સિકર જિલ્લાનો ભાગ જયપુરના દેશી રાજ્યનો હિસ્સો હતો. આ જિલ્લાની રચના 1949માં કરવામાં આવેલી છે.

ગિરીશભાઈ પંડ્યા