સિકર્ટ, વૉલ્ટર રિચાર્ડ (. 31 મે 1860, મ્યૂનિક, જર્મની; . 22 જાન્યુઆરી 1942, બાથ, સમર્સેટ, બ્રિટન) : બ્રિટનના અગ્રણી પ્રભાવવાદી ચિત્રકાર. 1881માં લંડન ખાતેની સ્લેડ સ્કૂલ ઑવ્ આર્ટમાં ચિત્રકલાના અભ્યાસ માટે સિકર્ટ દાખલ થયા. 1882માં તેઓ અમેરિકન પ્રભાવવાદી ચિત્રકાર વિસ્લરના શિષ્ય બન્યા.

વૉલ્ટર રિચાર્ડ સિકર્ટ

1883માં તેઓ પૅરિસ ગયા અને ત્યાં પ્રભાવવાદી ચિત્રકાર દેગાના શિષ્ય બન્યા. આ કલા-અભ્યાસ પૂરો કરીને સિકર્ટ લંડન પાછા ફર્યા અને ચિત્રો આલેખવાં શરૂ કર્યાં. લંડન ખાતે યોજાતા સંગીતના જલસાઓ તેમનો પ્રથમ વિષય બન્યા. તેમાં તેઓ સંગીતના ગાયનવાદન ઉપરાંત શ્રોતાઓના ચહેરા પરના હાવભાવ અને શરીરની અંગભંગિ દ્વારા પ્રત્યાઘાતને આલેખતા. એમનાં આવાં ચિત્રો શ્રેષ્ઠ ગણાય છે. ‘એનુઈ’ 1885થી 1905 સુધી સિકર્ટ વેનિસમાં રહ્યા. 1905માં લંડન પાછા ફરી ચિત્રકારો ઑગસ્ટસ જૉન અને લુચિયો પિસારો (Lucien Pissarro) સાથે 1911માં તેમણે કલાકારજૂથ ‘કૅમ્ડન ટાઉન’ની સ્થાપના કરી. 1913માં તેમણે કલાકારજૂથ ‘લંડન’ની સ્થાપના કરી. 1920 પછી તેમણે પ્રસંગોપાત્ત, કલાવિવેચન લખ્યું. ફ્રેંચ પ્રભાવવાદી ચિત્રકાર દેગાના કલાના વિષયોને લગતા તેમજ આલેખનને લગતા સિદ્ધાંતોને સિકર્ટ છેક સુધી વફાદાર રહ્યા. સિકર્ટનાં મૌલિક ચિત્રો પણ દેગાની કલાષ્ટિથી પૂરાં પ્રભાવિત છે.

અમિતાભ મડિયા