સિકંદર : ચલચિત્ર. નિર્માણવર્ષ : 1941. ભાષા : હિંદી. શ્વેત અને શ્યામ. દિગ્દર્શક : સોહરાબ મોદી. કથા અને ગીતો : પંડિત સુદર્શન. સંગીત : રફીક ગજનવી અને મીરસાહેબ. છબિકલા : વાય. ડી. સરપોતદાર. મુખ્ય કલાકારો : પૃથ્વીરાજ કપૂર, સોહરાબ મોદી, ઝહૂર રાજા, શાકિર, કે. એન. સિંઘ, વનમાલા.
અભિનેતા અને નિર્માતા-દિગ્દર્શક સોહરાબ મોદીએ આ ચિત્રનું સર્જન કરીને એ જમાનામાં એક મોટા ગજાના દૂરંદેશી સર્જક તરીકે તેની પોતાની ધાક જમાવી દીધી હતી. એ સમયે મોટા ફલક પર લખલૂટ ખર્ચ કરીને ચિત્રો બનાવવાનું ચલણ નહોતું, પણ આ ચિત્રે એ પરંપરા શરૂ કરી હતી. ‘સિકંદર’ની વાર્તા વિશ્વ પર ફતેહ કરવા નીકળેલા ગ્રીક યોદ્ધા સિકંદરની જાણીતી કથા છે, જેમાં મુખ્ય પ્રસંગ ભારતમાં રાજા પુરુ સાથેના તેના યુદ્ધ અને પુરુને હરાવ્યા પછીના પ્રસંગો છે. ચિત્રમાં યુદ્ધ સમયે પુરુનું હસ્તી દળ અને સિકંદરના અશ્વદળનાં દૃશ્યો ખૂબ પ્રભાવશાળી બન્યાં છે. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ચિત્ર-નિર્માણમાં ફિલ્મનો કાચો માલ વાપરવા અંગે ઘણાં નિયંત્રણો અંગ્રેજ સરકારે લાદ્યાં હતાં. ખાસ તો ચિત્રની લંબાઈ 3352.8 મીટર (11 હજાર ફૂટ) તથા અવધિ બે કલાકથી વધુ ન રાખવી તે મુખ્ય હતાં. આ ચિત્રના નિર્માણસમયે બીજું વિશ્વયુદ્ધ ચાલી રહ્યું હતું, પણ તેમાં બ્રિટને હજી પૂરેપૂરી રીતે ઝંપલાવ્યું નહોતું, તેને કારણે નિયંત્રણો તેને નડ્યાં નહોતાં અને તેની લંબાઈ 3352.8 મીટર(11 હજાર ફૂટ)થી વધુ રાખી શકાઈ હતી. જોકે બ્રિટિશ સરકારને આ ચિત્ર સામે બીજો વાંધો પડ્યો હતો. ચિત્રમાં સિકંદરના સૈનિકો તેની સામે જે વિદ્રોહ કરે છે તે સરકારને પસંદ ન પડતાં લશ્કરી છાવણીઓ હોય ત્યાં આ ચિત્ર દર્શાવવા પર પ્રતિબંધ લાદી દેવાયો હતો. આ ચિત્રના સંવાદોમાં દેશભક્તિ છલોછલ હતી તે પણ સરકારને પસંદ પડ્યું નહોતું. સિકંદરના પાત્રમાં પૃથ્વીરાજ કપૂર અને પુરુના પાત્રમાં સોહરાબ મોદીના નાટકીય ઢબના સંવાદોની રમઝટ આ ચિત્રનું મુખ્ય આકર્ષણ બની રહી હતી.
હરસુખ થાનકી