સિએમલે, ડેવિડ આર. (જ. 22 જાન્યુઆરી 1953, મુતરાપુર, આસામ ) : ઉત્તર-પૂર્વ ભારતના ઇતિહાસ અને શિક્ષણજગતમાં વિશેષ યોગદાન આપનારા ભારતના જાણીતા ઇતિહાસકાર અને શિક્ષણવિદ. જેમને 2025માં પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા છે.

ડેવિડ આર. સિએમલે

તેમણે શિલોંગ સ્થિત સેંટ એડમંડ કૉલેજમાંથી બી.એ.ની ડિગ્રી મેળવી. ત્યારબાદ તેમણે 1976માં એમ.એ. અને 1980માં એમ.ફીલ પૂરું કર્યું. પછી 1985માં તેઓ નૉર્થ ઈસ્ટર્ન હિલ યુનિવર્સિટી(NEHU)માંથી ઇતિહાસમાં પીએચ.ડી. થયા. તેમને નૉર્થ ઈસ્ટર્ન યુનિવર્સિટીમાંથી ત્રીસ વર્ષથી વધુ સમય સુધી ઇતિહાસ વિભાગમાં અધ્યાપનકાર્ય કર્યું અને સંશોધનકાર્યમાં અગ્રેસર રહ્યા. ત્યાં તેમણે વિભાગ અધ્યક્ષ, પરીક્ષા નિયામક, પ્રોફેસર, વાઇસ ચાન્સેલરની ભૂમિકાઓ નિભાવી. 2011માં તેઓ રાજીવ ગાંધી યુનિવર્સિટી ઇટાનગર(અરુણાચલ પ્રદેશ)ના કુલપતિ બન્યા. તેઓ 2012માં યુનિયન પબ્લિક સર્વિસ કમિશનના સભ્ય પછી 2017માં આ જ કમિશનના અધ્યક્ષની જવાબદારી સ્વીકારી. અમેરિકાની યુનિવર્સિટી ઑફ નોટ્રે ડેમ ઇન્ડીઆનામાં વિઝિટિંગ પ્રોફેસર તરીકે પણ તેઓ જતા. ‘ઉત્તરપૂર્વ ભારતમાં બ્રિટિશ શાસન અને નાગાઓ’ અને ‘ખાસીઓ તથા અન્ય સ્થાનિક જાતિઓના ઇતિહાસ’ પર આધારિત થયેલા સંશોધનકાર્યમાં તેમનો મહત્ત્વનો ફાળો છે. તેમનાં પુસ્તકોમાં આ વિષયોનો ઊંડો અભ્યાસ જોવા મળે છે. ભારતીય ઉત્તર પૂર્વ ઇતિહાસના નિષ્ણાત પ્રો. ડેવિડે ઉત્તર પૂર્વ ભારતના ખાસી પહાડિયોમાં બ્રિટિશ વિસ્તારનો વિરોધ કરવામાં મુખ્ય ભૂમિકા ભજવનારા સ્વાતંત્ર્યસેનાની તિરોટ સિંગના અંતિમ દિવસો અને મૃત્યુની ચોક્કસ તારીખ શોધવાનું ઉલ્લેખનીય કાર્ય પણ કરેલ છે. ‘બ્રિટિશ એડમિનિસ્ટ્રેશન ઇન મેઘાલયા : પોલિસી ઍન્ડ પેટર્ન’, ‘ધે ડેરડ ટુ હોપ’, ‘સર્વે ઑફ રિસર્ચ ઇન હિસ્ટરી ઑફ નૉર્થ ઈસ્ટ ઇન્ડિયા’, ‘અર્લી સ્ટેટ્સ ઇન નૉર્થ ઈસ્ટ ઇન્ડિયા’, ‘લેયર્સ ઑફ હિસ્ટરી’, ‘ફેઇથ ઍન્ડ હોપ’ તેમના જાણીતાં પુસ્તકો છે. તેમની ભાષા સરળ અને સાદી છે. અનેક સંશોધકોને તેમણે માર્ગદર્શન આપ્યું છે. ઉત્તરપૂર્વ ભારતના ઇતિહાસને રાષ્ટ્રીય સ્તરે ઉજાગર કરવામાં તેમનો ફાળો ઘણો અગત્યનો છે. પ્રો. ડેવિડ આર. સિએમલેને અભ્યાસ અને સંશોધન માટે ભારત સરકાર તરફથી સ્કૉલરશિપ, યુનિવર્સિટી ઑફ નોટ્રેડેમ ઇન્ડીઆના દ્વારા પોસ્ટ ડૉક્ટર રિસર્ચ સ્કૉલરશિપ, બ્રિટનમાં ઐતિહાસિક સંશોધન માટે ચાર્લ્સ વોલેસ ગ્રાન્ટ, પૅરિસમાં આર્કાઇવલ સંશોધન માટે ઇન્ડો-ફ્રાન્સ કલ્ચરલ એક્સચેન્જ ગ્રાન્ટ મળેલ છે. શિક્ષણ, સાહિત્ય અને ઇતિહાસના વિદ્વાન પ્રો. ડેવિડ ઘણી યુનિવર્સિટી અને શિક્ષણ સંસ્થાઓના બોર્ડમાં પણ તેઓનો સમાવેશ થાય છે. મેઘાલય સરકારના મેઘાલય શિક્ષણ આયોગના તેઓ સલાહકાર છે. પ્રો. ડેવિડ માત્ર ઇતિહાસકાર જ નહીં પણ એક રાષ્ટ્રીય સ્તરના વિચારશીલ સંશોધક છે. જેમણે ભારતના પૂર્વોત્તર પ્રદેશને વૈશ્વિક નકશા પર મૂકવામાં અગ્રણી ભૂમિકા ભજવી છે.

હિના શુક્લ