સિંહ, સોનમણિ (જ. 1929, ઇમ્ફાલ) : મણિપુરી ભાષાના આ સાહિત્યકારની રચના ‘મમાઙ્થોઙ્ લોલ્લબદી મનીથોઙ્દા લાકઉદના’ને 1988ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર અપાયો હતો. કોલકાતા યુનિવર્સિટીમાંથી એમ.એ.ની ડિગ્રી મેળવ્યા પછી તેઓ ઇન્ડિયન એડ્મિનિસ્ટ્રેટિવ સર્વિસમાં જોડાયા અને ત્યાંથી નિવૃત્ત થયા.
‘બખાલ સાઇરેઙ્’ નામનો તેમનો પ્રથમ કાવ્યસંગ્રહ 1949માં પ્રકાશિત થયો. તેમનાં પ્રગટ થયેલાં 16 પુસ્તકોમાં 9 કાવ્યસંગ્રહો, ટૂંકી વાર્તાના 5 સંગ્રહો, એક નવલકથા અને એક પ્રકીર્ણ લેખસંગ્રહનો સમાવેશ થાય છે.
તેમની પુરસ્કૃત કૃતિમાં 18 ટૂંકી વાર્તાઓ છે. તેમાં સામાન્ય રીતે મણિપુરવાસીઓનું જીવન તથા ખાસ કરીને સમકાલીન જીવનની મૂલ્ય-અવનતિ આલેખાયાં છે. કેટલીક વાર્તાઓમાં પ્રણય, ગરીબોની વ્યથા, માનવ-અહંકાર તથા મૈત્રેયી સંસ્કૃતિનું નવજાગરણ વગેરે જેવા વિષયો પણ આલેખાયા છે. લેખકની રચનારીતિ વેધક અને અર્થપૂર્ણ છે. તેમની ભાષા સંક્ષિપ્ત અને મુદ્દાસરની છે. સાંપ્રત પરિસ્થિતિ વિશેની લેખકની ઊંડી સૂઝ તથા તેના આલેખનમાં તેમણે દર્શાવેલા કૌશલ્ય બદલ આ કૃતિ પુરસ્કાર માટે પસંદગી પામી હતી.
મહેશ ચોકસી