સિંહ શિવાંગી (જ. 15 માર્ચ 1995, ફતેહાબાદ, મુઝફ્ફરપુર, બિહાર) : રાફેલ ફાઇટર એરક્રાફ્ટ ઉડાડનાર પ્રથમ અને એકમાત્ર મહિલા પાઇલટ.
પિતા હરિ ભૂષણ સિંહ અને માતા પ્રિયંકા સિંહ. તેણે ગંગટોકની સિક્કિમ મણિપાલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટૅક્નૉલૉજીમાંથી મિકેનિકલ એન્જિનિયરિંગમાં બેચલર ઑફ ટૅક્નૉલૉજીની પદવી મેળવી. તેણે જયપુરમાં માલવિયા નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટૅક્નૉલૉજીમાં વધુ અભ્યાસ કર્યો છે. બાળપણમાં તેણે તેના ગામમાં એક રાજકીય મેળાવડામાં હાજરી આપવા માટે હેલિકોપ્ટરમાં આવેલા રાજકારણીને જોયો. આ ઘટનાએ તેને પાઇલટ બનવાની પ્રેરણા આપી. શિવાંગી સિંહ ઉત્તર પ્રદેશના વારાણસીની રહેવાસી છે.
શિવાંગી સિંહ 2017માં ભારતીય વાયુસેનામાં જોડાઈ હતી અને ઇન્ડિયન એર ફોર્સની મહિલા ફાઇટર પાઇલટ્સની બીજી બેચમાં તેને સ્થાન આપવામાં આવ્યું હતું. રાફેલ ઉડાડતાં પહેલાં તેણે મિગ-21 બાઇસન એરક્રાફ્ટ પણ ઉડાવ્યું હતું. તેને ભારતીય નૌકાદળમાં શોર્ટ સર્વિસ કમિશન (એસએસસી)-પાયલટ એન્ટ્રી સ્કીમ હેઠળ સામેલ કરવામાં આવી હતી. ડિસેમ્બર 2019માં તે ઇન્ડિયન નેવલ એર સ્ક્વોડ્રન 550 ખાતે ડોર્નિયર એરક્રાફ્ટ ઉડાડવાનું શીખી. તે ભારતીય નૌકાદળના પ્રથમ ત્રણ પાયલોટની બેચમાં સામેલ છે. તે ફ્રાન્સમાં ઓરિઅન યુદ્ધ અભ્યાસમાં ભાગ લેનાર ભારતીય વાયુસેના (IAF)ની ટુકડીનો ભાગ હતી. તે રાફેલ સ્ક્વોડ્રનની પ્રથમ મહિલા ફાઇટર પાઇલટ છે અને પંજાબના અંબાલા સ્થિત એરફોર્સની ગોલ્ડન એરો સ્ક્વોડ્રનનો ભાગ છે.
અનિલ રાવલ