સિંહસભા (19મી સદીનો ઉત્તરાર્ધ)

January, 2008

સિંહસભા (19મી સદીનો ઉત્તરાર્ધ) : પંજાબી સાહિત્યને લગતી ચળવળ. હિંદુઓના મુખ્ય સમુદાયમાંથી શીખોને જુદા તારવી શકાય તેવી તેમની ધાર્મિક અને સામાજિક જીવનની વિશેષતાઓને પ્રગટ કરીને તેમની આગવી ઓળખ ઊભી કરવાનો આ ચળવળનો ઉદ્દેશ હતો. આ નવી શીખ સંસ્કૃતિના માધ્યમ તરીકે પરંપરાગત હિંદી તથા ઉર્દૂને બદલે પંજાબી ભાષા અપનાવવાનું આવશ્યક ગણવામાં આવ્યું હતું.

18મી સદીના ઉત્તરાર્ધ અને 19મી સદીના પૂર્વાર્ધમાં બ્રિટિશરોનું વર્ચસ્ વધવાના અને તેમની રહેણીકરણીની ભારે અસર વરતાવાના પરિણામ સ્વરૂપે શિક્ષણનો પ્રસાર વધ્યો. શાળા-કૉલેજો, ગ્રંથાલયો, વાચનાલયો ખૂલતાં ગયાં. મુદ્રણાલયો દ્વારા સંખ્યાબંધ ગ્રંથો ને સમાચારપત્રો પ્રગટ થતાં ગયાં. વળી અંગ્રેજી ભાષાનું શિક્ષણ અને સાહિત્યનો અભ્યાસ લોકપ્રિય બન્યાં. પશ્ચિમના સાહિત્ય અને તેની વિચારસરણી તરફનો અભિગમ ખૂલ્યો. સમય જતાં શીખોમાં અસ્મિતાની ભાવના જાગી અને એવી સભાનતા સાથે શીખોમાં સિંહસભાની ચળવળ માટેનું વાતાવરણ અને તે માટેની ભૂમિકા ઊભાં થયાં. ખ્રિસ્તી ધર્મના પ્રચારરૂપ આક્રમણ સામે પોતાની સાંસ્કૃતિક પરંપરાની સુરક્ષા અને જાળવણીના ફળસ્વરૂપ આ સિંહસભા સ્થપાઈ.

ભાઈ દીતસિંહ (1853-1901) સિંહસભા-ચળવળના એક મુખ્ય અગ્રણી રહ્યા. શીખોની પૂજા-આરાધનાની જૂની બ્રાહ્મણી રીતરસમ સામે લડનારા તેઓ પ્રથમ સુધારક બની રહ્યા. ડૉ. ચરણસિંહ (1853-1908) સિંહસભાના એક સ્થાપક હતા. ભાઈ વીરસિંહ (1872-1957) સિંહસભાના સૌથી વધુ પ્રતિષ્ઠિત સાહિત્યકાર લેખાયા. તેઓ અનેક ભાષાઓના જાણકાર હતા અને તેમણે અંગ્રેજી સાહિત્યનો ઊંડો અભ્યાસ કર્યો હતો. આધુનિક પંજાબી સાહિત્યમાં તેમનો ઘણો મોટો ફાળો છે. તેમણે ચળવળના ઉદ્દેશને ધ્યાનમાં રાખીને 18મી સદીના મધ્યભાગમાં મુઘલ સેના સામે શીખોએ ખેડેલ ઐતિહાસિક સંગ્રામમાં કાલ્પનિક ચિત્રો રજૂ કરીને શીખોમાં મર્દાનગી, શૌર્ય અને બલિદાનના આદર્શો પ્રત્યે જાગરૂકતા આણી અને મુસ્લિમ શાસનકર્તાઓનું અત્યાચારી, વ્યભિચારી તથા ત્રાસવાદી એવું વાસ્તવિક સ્વરૂપ બતાવી આપ્યું. શીખ વિચારસરણીના અને ધાર્મિક તત્વજ્ઞાનના હિમાયતી તરીકે તેમણે શીખ ગુરુઓનાં ચરિત્રો દ્વારા ખમીર અને ખુમારીની ભાવના જાગ્રત કરી અને પંજાબીમાં કથાસાહિત્યનો પાયો નાખ્યો. તેઓ અદ્યતન પંજાબી કવિતાના પિતા પણ લેખાયા.

બાબા નૌંધ સિંહે (1946) તત્કાલીન આર્થિક-સામાજિક સમસ્યાઓ અને સંઘર્ષો રજૂ કર્યાં. મોહતસિંહ વૈદ્ય (1889-1936) અને તેમના ભાઈ ચરણસિંહ ‘શહીદ’ (1887-1935) તથા પૂરણસિંહે (1881-1931) સઘળી જૂની પરંપરાઓ તોડી મુક્ત કાવ્યશૈલીમાં ગરીબ, ભૂખ્યાં અને નિર્ધન જનોનું ચિત્ર રજૂ કરીને અભદ્ર શીખ જાગીરદારોનાં કરતૂતો છતાં કરીને શાંતિ અને સંતોષની ઝંખના કરી. ફિરોદ દિન શર્ફ (1889-1995) અને ગુરુમુખસિંહ ‘મુસાફિર’ (1899-1975) જેવા કવિઓ, નાનકસિંહ (1897-1972) જેવા નવલકથાકારોએ રાષ્ટ્રવાદી સુધારક તરીકે સમાજવાદનો આદર્શ રજૂ કર્યો; જ્યારે ગુરુબક્ષસિંહે (1895-1971) તેમના ગ્રંથો દ્વારા જીવનનાં વિવિધ ક્ષેત્રોમાં – ધર્મ, સામાજિક સંબંધો અને કૌટુંબિક જીવનમાં વિચાર અને કાર્યના ઉદારમતવાદી વલણની હિમાયત કરી. મોહનસિંહે (1906-1978) તેમના ‘વડા વેલા’ (1948) અને ‘આવાઝેં’ (1950) જેવા કાવ્યસંગ્રહો દ્વારા વિશેષભાવે સામ્યવાદી વલણ દાખવ્યું. અમૃતા પ્રીતમે તેમના કાવ્યસંગ્રહો દ્વારા સ્ત્રીવર્ગના સમાન હકની હિમાયત કરી, પુરુષોના સ્ત્રીઓ પ્રત્યેના વ્યવહાર અંગે સંવેદનશીલ પ્રત્યાઘાતો આપી, મર્મભેદી કટાક્ષો કરી પ્રગતિવાદી વલણો તરફનો ઝોક દાખવ્યો. સુરેન્દ્રસિંહ નારુલાએ તેમની નવલકથાઓ દ્વારા શહેરી જીવનની સભ્યતા અભિવ્યક્ત કરી. નરેન્દ્રપાલસિંહે સામંતશાહી અસ્થિરતા અને પૂર્વગ્રહો વચ્ચે પંજાબી સ્ત્રીઓનું અતિપ્રભાવશાળી ચિત્રાંકન રજૂ કર્યું. દિલીપ કૌર ટિવાણા(1935)એ ટૂંકી વાર્તાઓ અને નવલકથામાં કાઠું કાઢ્યું. ગુરુ દયાલસિંહે (1933) નવલકથાઓ દ્વારા પંજાબના માળવા પ્રદેશના ગ્રામીણ જીવનનું પ્રભાવશાળી ચિત્ર રજૂ કર્યું અને ઉચ્ચ વર્ણ દ્વારા અનુસૂચિત જાતિ પર થતા દમનને છતું કર્યું. કરતારસિંહ દુગ્ગલે (જ. 1917) નાટ્યકાર તરીકે પ્રભાવ પાડ્યો. હરચરણસિંહે (1924) પંજાબી સમાજ આગળ ધાર્મિક નાટકોથી શીખ સમાજમાં નવી લહેર જગાડી. બળવંતસિંહ ગાર્ગી(1916)એ પણ વિવિધ પ્રકારનાં નાટકો આપ્યાં.

સુજાન સિંહ (1909), સંતસિંહ શેખાન (1908) અને કરતારસિંહ દુગ્ગલે (1917) પ્રગતિશીલતાના દ્યોતક વાર્તાસંગ્રહો આપ્યા. આમ સિંહ અવટંકી પંજાબી સાહિત્યકારોની બનેલી આ સભાનું વૈવિધ્યપૂર્ણ કિસ્સાઓ, વાર્તાસંગ્રહો, નવલકથાઓ, કાવ્યસંગ્રહો અને નાટકોમાં અત્યંત મહત્વનું પ્રદાન રહ્યું. આ સાહિત્યે શીખોમાં ક્ષાત્રધર્મી શૌર્યની અને ધર્મની નૈતિક શ્રેષ્ઠતાની ભાવના જાગ્રત કરી. છેવટે આ ઉન્નત પ્રયાસ પંજાબી ભાષાને સરકારી માન્યતા અપાવવાનો અને પંજાબી સાહિત્ય અકાદમી સ્થાપવાનો હતો; જેથી કરી શૈક્ષણિક, સામાજિક અને રાજકીયની સાથોસાથ સાહિત્યિક જાગરૂકતા પેદા કરી શકાય.

બળદેવભાઈ કનીજિયા