સિંહ, રાજનાથ (જ. 10 જુલાઈ 1951, બાભોરા, ઉત્તર પ્રદેશ) : ભારતીય જનતા પાર્ટીના 8મા અધ્યક્ષ અને ભારતના 29મા સંરક્ષણ પ્રધાન.

તેમનો જન્મ ખેડૂત પરિવારમાં થયો હતો. પિતા રામ બદન સિંહ અને માતા ગુજરાતી દેવી. તેમણે પ્રાથમિક શિક્ષણ તેમના ગામની સ્થાનિક શાળામાંથી મેળવ્યું અને ગોરખપુર યુનિવર્સિટીમાંથી ભૌતિકશાસ્ત્રમાં અનુસ્નાતકની પદવી મેળવી. તેઓ તેમના વિદ્યાર્થી જીવનથી જ તેજસ્વી વિદ્યાર્થી હતા. તેમણે ભૌતિકશાસ્ત્રના લેક્ચરર તરીકે કામ કર્યું હતું. તેઓ 13 વર્ષની વયે 1964થી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાયા. 1972માં મિર્ઝાપુરના સહ કાર્યવાહ બન્યા. 1974માં રાજકારણમાં જોડાયા. 1969થી 1971સુધી ગોરખપુરમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના સંગઠન સચિવ હતા. 1974માં ભારતીય જનસંઘના મિર્ઝાપુર એકમના સચિવ હતા. 1975માં 24 વર્ષની વયે જનસંઘના જિલ્લા અધ્યક્ષ બન્યા. કટોકટી દરમિયાન 1975માં તેમની ધરપકડ પણ કરવામાં આવી હતી અને 2 વર્ષની જેલ થઈ હતી. જેલમાંથી મુક્ત થયા પછી તેઓ જનતા પાર્ટીમાં જોડાયા

1977માં મિર્ઝાપુરથી વિધાનસભાના સભ્ય તરીકે ચૂંટાયા. 1980માં ભાજપમાં જોડાયા. તેઓ 1984માં ભાજપ યુવા પાંખના પ્રદેશ પ્રમુખ, 1986માં રાષ્ટ્રીય મહાસચિવ અને 1988થી 1990 સુધી ભારતીય જનતા યુવા મોરચાના પ્રમુખ હતા. તેઓ ઉત્તર પ્રદેશ વિધાન પરિષદમાં પણ ચૂંટાયા હતા. 1991માં જ્યારે ભારતીય જનતા પાર્ટીએ ઉત્તર પ્રદેશમાં પ્રથમ વખત તેની સરકાર બનાવી ત્યારે તેઓ શિક્ષણમંત્રી બન્યા હતા. શિક્ષણમંત્રી તરીકેના કાર્યકાળમાં તેમણે વિજ્ઞાનના ગ્રંથોનું આધુનિકીકરણ કર્યું હતું અને અભ્યાસક્રમમાં વૈદિક ગણિતનો સમાવેશ કર્યો હતો. 1991માં તેમણે ઇતિહાસના ગ્રંથો ફરીથી લખાવ્યા. તેમણે વિદેશી ભાષાઓને બદલે માતૃભાષાને પુનર્જીવિત કરવા પર પણ ધ્યાન કેન્દ્રિત કર્યું, એપ્રિલ 1994માં તેઓ રાજ્યસભામાં ચૂંટાયા. 25 માર્ચ 1997ના રોજ તેઓ ઉત્તર પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ બન્યા. 2000થી 2002 સુધી ઉત્તર પ્રદેશના 19મા મુખ્યમંત્રી હતા. તેઓ 2009થી 2014 સુધી ગાઝિયાબાદથી અને 2014થી લખનૌ લોકસભાના સાંસદ છે. તેઓ 1994થી 2001 અને 2002થી 2008 સુધી રાજ્યસભાના સભ્ય પણ હતા. તેઓ 2014થી લોકસભાના ઉપનેતા છે. તેઓ 2005થી 2009 અને 2013થી 2014 સુધી ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ હતા. 1999થી 2000 સુધી રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવેના કેન્દ્રીય કેબિનેટ પ્રધાન અને 2003થી 2004 સુધી કેન્દ્રીય કૃષિ મંત્રી હતા. તેઓ 2014થી 2019 સુધી પ્રથમ મોદી સરકારમાં 30મા ગૃહમંત્રી હતા. તેઓ 31 મે 2019 ના રોજ ભારતના સંરક્ષણ પ્રધાન બન્યા.

અનિલ રાવલ