સિંહા, સુરજિત (જ. 1 ઑગસ્ટ 1926, કોલકાતા) : ભારતીય માનવશાસ્ત્રી. તેઓ મુખ્યત્વે ભારતના ઓરિસાના આદિવાસીઓ તથા મધ્યપ્રદેશના બસ્તર વિસ્તારમાં સંશોધનકાર્યથી જાણીતા છે. તેમણે અમેરિકન માનવશાસ્ત્રી રેડફિલ્ડની લોક-ગ્રામ શહેરી સાતત્યની વિભાવનાને આધારે ભારતીય સમાજના અભ્યાસ માટે એક આગવા સંશોધનાત્મક અભિગમને વિકસાવવાનો પ્રયત્ન કર્યો છે.
કોલકાતા યુનિવર્સિટીમાં એમ.એસસી. કર્યા પછી તેમણે અમેરિકામાં શિકાગો યુનિવર્સિટીમાં ખ્યાતનામ માનવશાસ્ત્રી રૉબર્ટ રેડફિલ્ડ પાસે પીએચ.ડી. કર્યું. પછી 1953માં ભારત પરત આવી કોલકાતા યુનિવર્સિટીમાં વ્યાખ્યાતા બન્યા. 1955-56માં રિસર્ચ ઍસોસિયેટ બન્યા. 1961-1962માં શિકાગો યુનિવર્સિટીમાં મુલાકાતી પ્રાધ્યાપક રહ્યા. 1963-64માં સેન્ટર ફૉર એડવાન્સ સ્ટડીઝ ઇન બિહેવિયરલ સાયન્સ – સ્ટેન્ફર્ડ યુનિવર્સિટીમાં ફેલો રહ્યા. 1964-65માં વિશ્વભારતી યુનિવર્સિટીમાં એગ્રિકલ્ચર સોશિયલ સાયન્સ કૉલેજમાં આચાર્ય રહ્યા. 1965-66 ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ મૅનેજમેન્ટમાં પ્રોફેસર રહ્યા. 1966-73 દરમિયાન ડ્યૂક યુનિવર્સિટીમાં મુલાકાતી ઍસોસિયેટ પ્રોફેસર રહ્યા. 1967-75 સુધી ઍન્થ્રૉપૉલૉજિકલ સર્વે ઑવ્ ઇન્ડિયામાં જોઇન્ટ ડિરેક્ટર અને પછી ડિરેક્ટર તરીકે રહ્યા.
સંશોધનકાર્ય : (1) તેમણે રૉબર્ટ રેડફિલ્ડનાં સંશોધનોમાંથી પ્રેરણા લઈને 1957માં સૌપ્રથમ ઓરિસાની ભૂમિજ જનજાતિ અને તેની હિન્દુ જ્ઞાતિઓ સાથેની આંતરક્રિયાના સંદર્ભમાં આદિવાસીઓના તે જ્ઞાતિઓ સાથેના ને તે સાથે રાજપૂત જ્ઞાતિઓ સાથેના સંબંધોના સાતત્ય બાબતે સંશોધન કાર્ય કર્યું. આમ, ભારતમાં આદિવાસી જાતિઓ હિન્દુ જ્ઞાતિઓના સંપર્કમાં આવવાને કારણે તેમની જ્ઞાતિમાં થતા રૂપાંતરણની પ્રક્રિયાને સ્પષ્ટ કરવાનો પ્રયત્ન કર્યો. (2) ભારતમાં કેટલીક નીચલી જ્ઞાતિઓ અને આદિવાસી જાતિઓમાં સાંસ્કૃતિક સામ્ય જોવા મળે છે. ખાસ કરીને અલૌકિકવાદ, દેવી-દેવતાની પૂજા, ભૂત-પ્રેતમાં વિશ્વાસ વગેરે બાબતમાં. તેથી કેટલાક અભ્યાસીઓ આદિવાસી સમાજોનું જ્ઞાતિઓમાં રૂપાંતર થવાની પ્રક્રિયાની રજૂઆત કરે છે. ડૉ. સિંહા તે સાચું ન હોવાનું જણાવે છે. જનજાતિઓમાં પર્યાવરણીય તેમજ વસ્તી, અર્થવ્યવસ્થા-રાજ્યવ્યવસ્થા-વિષયક એવી ઘણી લાક્ષણિકતાઓ છે જે તેમને અન્ય જ્ઞાતિઓથી સ્પષ્ટ રીતે જુદા પાડે છે. તેમનાં સાંસ્કૃતિક તત્વોની ઓળખ હજુ આ બધા દ્વારા સ્પષ્ટ થાય છે.
(3) વળી ડૉ. સિંહાએ દેશી રાજ્યો અને સામાજિક ગતિશીલતાનાં દબાણો, પૂજારી જેવાં માધ્યમો, સાંસ્કૃતિક કાર્યક્રમો વગેરે દ્વારા સામાજિક તાણા-વાણામાં પ્રાદેશિક સાર્વભૌમિકીકરણ અને સાંસ્કૃતિક સમન્વયની જોવા મળતી પ્રક્રિયાનું પણ વિશ્લેષણ કર્યું છે.
(4) ઍન્થ્રૉપૉલૉજિકલ સર્વે ઑવ્ ઇન્ડિયામાં (1967-70) તેઓ હતા તે દરમિયાન માનવશાસ્ત્રી વૈદ્યનાથ સરસ્વતી સાથે મળીને તેમણે કાશીના સાધુઓ વિશેનો એક સુંદર અભ્યાસ આપ્યો હતો.
અરવિંદ ભટ્ટ