સિંહા અનુગ્રહ નારાયણ
January, 2008
સિંહા, અનુગ્રહ નારાયણ (જ. 18 જૂન 1887, પોઈઆનવર, જિલ્લો ગયા, બિહાર; અ. 5 જુલાઈ 1957, પટણા) : સ્વાતંત્ર્યસૈનિક, બિહાર રાજ્યના નાણાપ્રધાન અને સમાજસુધારક. તેમનો જન્મ રજપૂત જમીનદાર પરિવારમાં થયો હતો. તેમના પિતાશ્રી વિપુલ શારીરિક તાકાત ધરાવતા હતા અને જિલ્લાના જાણીતા કુસ્તીબાજ હતા. અનુગ્રહ નારાયણના પિતા આધુનિક શિક્ષણ આપવામાં માનતા ન હતા. તેથી ગામની પ્રાથમિક શાળામાંથી તેમણે અભ્યાસ છોડવો પડ્યો; પરંતુ તેમને ભણવાની ઇચ્છા હોવાથી, ઘેરથી નાસી જઈને ઔરંગાબાદની મિડલ સ્કૂલમાં જોડાઈ, 1908માં કોલકાતા યુનિવર્સિટીની એન્ટ્રન્સ પરીક્ષા પ્રથમ વર્ગમાં પાસ કરી. તેમણે પટણા કૉલેજમાંથી ઇંગ્લિશ ઑનર્સ સાથે બી.એ., ઇતિહાસ સાથે 1914માં એમ.એ. અને 1915માં બી.એલ.ની ડિગ્રીઓ મેળવી. 1915માં ભાગલપુરની ટી. એન. બી. કૉલેજમાં વ્યાખ્યાતા તરીકે જોડાયા અને 1916માં છૂટા થઈ પટણાની હાઈકોર્ટમાં વકીલાત શરૂ કરી. 1921માં અસહકારના આંદોલન દરમિયાન તેમણે વકીલાતનો ત્યાગ કર્યો.
સિંહાના જીવન ઉપર તેમની માતા તથા તેમના શિક્ષક વૈદ્યનાથ સિંહનો પ્રભાવ પડ્યો હતો. સિંહા 1910થી 1915 દરમિયાન બિહારી વિદ્યાર્થી પરિષદના મંત્રી હતા ત્યારે બિહારના જાણીતા નેતાઓના પરિચયમાં આવ્યા હતા. ડૉ. રાજેન્દ્રપ્રસાદ સાથે તેમને 1906માં પ્રથમ પરિચય થયો અને તેઓ કાયમના મિત્રો બની ગયા. સિંહા 1917માં ચંપારણમાં ગાંધીજીને મળ્યા અને આજીવન તેમના અનુયાયી બની ગયા.
સિંહાએ ભારતના સ્વાતંત્ર્યસંગ્રામમાં સક્રિય ભાગ લીધો હતો. પટણામાં 1912માં મળેલ કૉંગ્રેસની બેઠક દરમિયાન તેમણે સ્વયંસેવક તરીકે સેવા આપી હતી. 1917માં ચંપારણમાં ગાંધીજી સાથે જોડાઈને ગળીના ખેડૂતોનાં નિવેદનો લેવા માટે તેઓ ત્યાં છ મહિના રોકાયા હતા. બિહાર પ્રાંતિક કૉંગ્રેસ દ્વારા 1920માં ટિળક સ્વરાજ ફંડ ઉઘરાવવા નિમાયેલ સમિતિના તેઓ સહમંત્રી હતા. તેઓ 1921માં અને 1935માં એમ બે વાર બિહાર પ્રાંતિક કૉંગ્રેસ સમિતિના મંત્રી ચૂંટાયા હતા. 192829માં તેઓ બિહાર પ્રાંતિક કૉંગ્રેસ સમિતિના પ્રમુખ હતા. પટણામાં 1928માં મળેલ બિહાર પ્રાંતિક રાજકીય પરિષદમાં તેઓ પ્રમુખસ્થાને હતા. ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસની વિષયવિચારિણી સમિતિના સભ્યપદે તેઓ 1921માં ચૂંટાયા અને 1930 પર્યન્ત તે હોદ્દા પરથી સેવાઓ આપી. તેઓ 1922માં ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસની કારોબારી સમિતિના સભ્ય થયા. 1922માં કૉંગ્રેસના ગયા મુકામે મળેલા અધિવેશનની તથા 1940માં રામગઢ મુકામે મળેલા કૉંગ્રેસના અધિવેશનની સ્વાગત સમિતિના તેઓ મહામંત્રી હતા. 1935માં તેઓ કૉંગ્રેસ પાર્લમેન્ટરી બૉર્ડના સભ્ય બન્યા.
સિંહાએ અનેક જાહેર હોદ્દા પર રહીને સેવાઓ આપી હતી. 1921માં તેઓ પટણા મ્યુનિસિપલ કૉર્પોરેશનના ઉપાધ્યક્ષ હતા. ગયા ડિસ્ટ્રિક્ટ બોર્ડના અધ્યક્ષનો હોદ્દો સંભાળવા તેમણે કૉર્પોરેશનમાંથી રાજીનામું આપ્યું. 1925માં તેઓ ધારાસમિતિમાં કૉંગ્રેસ-પક્ષના સભ્ય હતા. ભૂકંપથી પુષ્કળ નુકસાન થયું હોવાથી 1934માં રાહતકાર્યોનું સંયોજન કરવા રચાયેલ બિહાર મધ્યસ્થ રાહતસમિતિના મહામંત્રી તરીકે તેમણે કામ કર્યું. નવેમ્બર 1934માં પટણાશાહાબાદ મતદાર મંડળમાંથી તેઓ મધ્યસ્થ ધારાસભાના સભ્ય તરીકે ચૂંટાયા. 1937માં પ્રાંતોમાં કૉંગ્રેસનાં પ્રધાનમંડળોની રચના થઈ ત્યારે તેઓ બિહારમાં નાણાં, વેપાર, સ્થાનિક સ્વરાજ, મજૂર અને જાહેર બાંધકામ વિભાગોના પ્રધાન બન્યા. 1946માં બિહારમાં પ્રધાનમંડળની રચના થઈ ત્યારે તેઓ નાણાં, પુરવઠો, અન્ન અને મજૂર વિભાગોના પ્રધાન બન્યા. જુલાઈ, 1957માં તેમનું અવસાન થતાં સુધી નાણાખાતાનો હવાલો તેમણે સંભાળ્યો હતો.
સ્વાતંત્ર્યસંગ્રામ દરમિયાન, 26 જાન્યુઆરી, 1933ના રોજ પટણામાં જાહેર સભામાં કૉંગ્રેસનું સ્વતંત્રતાનું પ્રતિજ્ઞાવાચન કરતાં તેમની ધરપકડ કરીને તેમને 15 મહિનાની સખત કેદની સજા ફરમાવવામાં આવી હતી. બ્રિટિશ સરકારના યુદ્ધના હેતુઓની જાહેરમાં ટીકા કરવા માટે નવેમ્બર, 1940માં પટણામાં તેમની ધરપકડ કરવામાં આવી; પરંતુ થોડા સમય બાદ મુક્ત કરવામાં આવ્યા હતા. ‘હિંદ છોડો’ ચળવળ શરૂ થતાં, 11 ઑગસ્ટ, 1942ના રોજ તેમની ધરપકડ કરીને અટકાયતમાં રાખવામાં આવ્યા હતા.
સિંહા જ્ઞાતિનાં નિયંત્રણો દૂર કરવાના તથા અસ્પૃશ્યતાનિવારણના હિમાયતી હતા. 1927-28માં બિહારમાં સ્ત્રીઓની પરદાપ્રથા દૂર કરવાના આંદોલનના તેઓ સક્રિય સમર્થક હતા અને પોતાની પત્નીનો પરદો દૂર કરાવ્યો હતો. તેઓ મહિલાશિક્ષણની પણ તરફેણ કરતા હતા અને પોતાના પરિવારની મહિલાઓને શિક્ષણ આપ્યું હતું. તેઓ હિંદુ-મુસ્લિમ એકતાના હિમાયતી હતા અને સર્વધર્મસમાનતામાં માનતા હતા. તેઓ ભાષાવાર રાજ્યોની રચનાની તરફેણમાં હતા.
તેઓ શિક્ષણમાં ઊંડો રસ ધરાવતા હતા અને અસહકારની ચળવળ દરમિયાન બિહાર વિદ્યાપીઠમાં અધ્યાપક તરીકે જોડાયા હતા. તેઓ સામ્રાજ્યવાદ વિરોધી, મૂડીવાદ અને ઇજારાશાહીના વિરોધી તથા જાહેર વિભાગની તરફેણ કરતા હતા. સિંહા પટણાથી પ્રગટ થતા અંગ્રેજી દૈનિક ‘સર્ચલાઇટ’ના બૉર્ડ ઑવ્ ડિરેક્ટર્સમાં ઘણાં વર્ષો સુધી હતા. તેમાં કેટલીક વાર તેઓ લેખો લખતા હતા.
પટણામાં અનુગ્રહ નારાયણ સિંહા ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ સોશિયલ સ્ટડીઝ છે. વળી બિહારમાં કેટલીક કૉલેજો અને કેટલાક માર્ગો સાથે તેમનું નામ જોડવામાં આવ્યું છે.
જયકુમાર ર. શુક્લ