સિંહાલી ભાષા અને સાહિત્ય
January, 2008
સિંહાલી ભાષા અને સાહિત્ય : ઇન્ડો-આર્યન ભાષાકુળની, શ્રીલંકા(પહેલાં સિલોન)માં બોલાતી ભાષા. અંગ્રેજીમાં Sinhalese કે Singhalese કે Cingalese તરીકે ઓળખાય છે. ઉત્તર ભારતમાંથી આશરે ઈ. પૂ. પાંચમી સદીમાં તે શ્રીલંકામાં દાખલ થયેલી. ભારતના મુખ્ય ભાગથી તેનો સંબંધ તૂટી જતાં સિંહાલી ભાષાનો વિકાસ પોતાની આગવી રીતે થયો હતો. જોકે તેના પર પાલી ભાષાની અસર વરતાય છે. પાલી સિલોનના બૌદ્ધધર્મીઓના પવિત્ર ગ્રંથોની ભાષા છે. કંઈક અંશે સંસ્કૃતની પણ તેના પર અસર થઈ છે. દ્રવિડની એટલે કે દક્ષિણ હિંદની ભાષાઓની અસર તેમાંથી મળેલા શબ્દો ઉપરથી જાણવામાં આવે છે. તમિળ ભાષાના શબ્દો સિંહાલીમાં મોટી સંખ્યામાં છે. સિંહાલી ભાષામાં મળી આવતા શિલાલેખોમાં બ્રાહ્મીની અસર ઈ. પૂ. 200થી દૃષ્ટિગોચર થાય છે. 1250થી સાહિત્યની સિંહાલી ભાષા પ્રગટે છે. ત્યારપછી તે એકધારી પ્રયોજાતી રહી છે. જોકે, આધુનિક સિંહાલી જૂની સિંહાલીથી સારી પેઠે જુદી પડે છે. બૌદ્ધ ધર્મને લગતું સાહિત્ય તેમાં લખાયું છે. 20મી સદીમાં ધર્મથી જુદા આધુનિક વિષયો પણ સિંહાલીમાં રચાયા છે. આધુનિક સિંહાલીને પોતાની લિપિ છે. લક્ષદ્વીપ અને માલદ્વીપ ટાપુઓમાં તેની બોલીઓનો ઉપયોગ થાય છે. મોટાભાગના સિંહાલી કૃષિ સાથે સંકળાયેલા છે. દક્ષિણ અને પશ્ચિમ દરિયાકિનારાના સિંહાલીઓ પર યુરોપની સંસ્કૃતિની પ્રબળ અસર છે. જોકે ઉચ્ચ પ્રદેશોમાં રહેતા કેન્ડયાન સિંહાલી વધારે જુનવાણી અને પરંપરાગત વિચારસરણીને વરેલા છે. થોડાક ખ્રિસ્તીઓને બાદ કરતાં મોટાભાગના સિંહાલીઓ બૌદ્ધધર્મીઓ છે. સિંહાલીઓમાં કૌટુંબિક જાતિભેદ અને પોતપોતાના ધંધા ઉપર નિર્ભર કુળપ્રથા છે. રોટીબેટીનો વ્યવહાર પોતપોતાની જ્ઞાતિમાં થાય છે. મામા અને ફુઆનાં કુટુંબોમાંથી પુત્રપુત્રીઓનાં લગ્ન થતાં હોય છે. એકપત્નીવ્રત પ્રથામાં કુટુંબ એટલે માતા-પિતા અને બાળકો. કાંદયાન્સ એક કરતાં વધુ પત્ની કે પતિ કરવાની પ્રથા છે.
સાહિત્ય : સિલોન જેને હવે ‘શ્રીલંકા’ કહે છે તે મહાકાવ્ય રામાયણમાંની લંકા હોવાનું મનાય છે. સમ્રાટ અશોક મૌર્યના સમયમાં (આશરે ઈ. પૂ. 269થી 232) ત્યાં બૌદ્ધ ધર્મનો પ્રચાર-પ્રસાર થયેલો. આજે પણ ત્યાં બૌદ્ધ ધર્મમાં શ્રદ્ધા ધરાવતી વસ્તી છે. જોકે ભારતના સંસ્કૃત સાહિત્યની અને તમિળ લોકોના વસવાટને લીધે ત્યાં દ્રવિડ સંસ્કૃતિની અસર રહી છે. પોર્ટુગીઝ, ડચ અને અંગ્રેજ સત્તાના પ્રવેશથી શ્રીલંકા પર તે તે સત્તાઓની અસર પણ થયેલી છે. 1948માં તેને સ્વાતંત્ર્ય મળ્યું અને ત્યારથી તે ‘શ્રીલંકા’ કહેવાયું.
10મી સદી પહેલાંનું કોઈ સાહિત્ય અહીં ઉપલબ્ધ થયું નથી. શબ્દકોશો અને અન્ય લખાણની સિંહાલી ભાષામાં રજૂઆત થઈ હોય તેવાં કેટલાંક લખાણો મળી આવે છે. બૌદ્ધ ધર્મનાં પાલી ભાષાનાં લખાણોનો અનુવાદ પણ મળી આવે છે. ભગવાન બુદ્ધના જીવન અને તેમના સદગુણો વિશેનાં લખાણો નોંધપાત્ર છે. ગુરુ લુગોમી રચિત ‘અમારવતુર’(‘ફ્લડ ઑવ્ ધી એમ્બ્રૉશિયા’)માં 18 પ્રકરણોમાં ભગવાન બુદ્ધનું જીવનચરિત્ર મળે છે. તેમાં કોઈનુંયે ન માને તેવા હઠીલા લોકોને પોતાના મતના કરવાની બુદ્ધની શક્તિનો મહિમા ગવાયો છે. ‘દિપાવંશ’ (‘ક્રૉનિકલ ઑવ્ ધી આયલૅન્ડ’) પાલી ભાષામાંથી સિંહાલી ભાષામાં અનૂદિત થયું છે અને તે ‘મહાવંશ’ (‘ગ્રેટ ક્રૉનિકલ’) અને ‘કૂલવંશ’ (‘લેસર ક્રૉનિકલ’) તરીકે પછીના ગ્રંથોમાં ઉપલબ્ધ છે. આમાં સૌથી અગત્યનું લખાણ પરાક્રમ પંડિત લિખિત ‘થૂપવંશાય’ (‘ક્રૉનિકલ ઑવ્ ધ ગ્રેટ સ્તૂપ’) છે. બૌદ્ધ ધર્મના અગત્યનાં સ્મારકો વિશેનાં લખાણો પણ નોંધપાત્ર છે.
સિંહાલી ભાષાનું ઉપર્યુક્ત સાહિત્ય બહુધા ગદ્યમાં છે. જોકે પાલીજાતક કથાઓમાંથી રચાયેલ પદ્યસાહિત્ય પણ સિંહાલીમાં છે. બૌદ્ધ સાહિત્યની જેમ હિંદુ સાહિત્ય પણ સિંહાલીમાં મળે છે. તમિળમાં રચાયેલ ‘મહાભારત’ પણ ‘મહાપદરંગ-જાતકયા’ તરીકે સિંહાલીમાં ઉપલબ્ધ છે. આ પ્રદેશમાં 200થી 1200ની વચ્ચેના સમયમાં સંસ્કૃત મહાકવિ કાલિદાસના મેઘદૂતની અસર તળે રચાયેલ દૂતસાહિત્ય પણ મળે છે. પ્રશસ્તિ અને યુદ્ધકાવ્યોમાં ‘પરકુંબ સિરિતા’ (‘હિસ્ટરી ઑવ્ પરાક્રમબાહુ – છઠ્ઠો’ રાજા જયવર્ધનપુરા 1410થી 1468) ઉલ્લેખનીય છે. ભગવાન બુદ્ધની તો અનેક પ્રશસ્તિઓ સિંહાલીમાં છે. સત્તરમી સદીમાં ‘કુસાજાતક’માં 687 કડીઓમાં કવિ અલાગિયવન્તા મહોત્તાલાએ ચતુરોક્તિઓની રચના કરી છે.
19મી સદીમાં અંગ્રેજોના આગમન પછી સિલોનમાં પશ્ચિમની અસર તળે સાહિત્ય રચાયું. ધર્મશાસ્ત્ર સંબંધી સિંહાલી ભાષામાં રચાયેલ સાહિત્યમાં સંઘરાજ અરણંકારનું નામ મોખરે છે. ત્યારપછી જૂનાં પુસ્તકોની નવી આવૃત્તિઓ-ટીકાઓ, અંગ્રેજી તથા અન્ય ભાષાનાં પુસ્તકોના અનુવાદ ઉપરાંત વિવેચન સંબંધી સાહિત્ય નોંધપાત્ર છે. નાટ્યગ્રંથો તથા ઉપન્યાસો પણ લખાયા છે. સિંહાલી ભાષાનો શિક્ષણમાં માધ્યમ તરીકે સ્વીકાર થયો. આ સંદર્ભમાં શાસ્ત્રીય પુસ્તકો માટે ઉપયોગી ‘પારિભાષિક શબ્દકોશ’ પણ તૈયાર થયો છે. સિંહાલી ભાષામાં હિંદી ભાષાના કેટલાક ગ્રંથોનો અનુવાદ પણ થયો છે. તે પ્રમાણે સિંહાલી સાહિત્યના ગ્રંથોનો અનુવાદ હિંદીમાં પણ થવા લાગ્યો છે. આમ, ઉત્તર ભારતની એકથી વધુ ભાષા સાથે સંબંધ ધરાવતી સિંહાલી ભાષા વિકાસને પંથે છે.
વિ. પ્ર. ત્રિવેદી