સિંહાચલમ્ : દક્ષિણ ભારતમાં વૉલ્ટેયર નગરની નિકટ આવેલું યાત્રાધામ. આ સ્થાન અહીંના વરાહમંદિર અને લક્ષ્મી-નૃસિંહ સ્વામીના મંદિરને કારણે ખૂબ પ્રસિદ્ધ છે. વરાહ મંદિરની મૂર્તિ વરાહની મૂર્તિ જેવી દેખાય છે પરંતુ લોકો એને નૃસિંહ મૂર્તિ કહે છે. એવી માન્યતા છે કે હિરણ્યકશિપુએ પોતાના પુત્ર પ્રહલાદને સમુદ્રમાં ડુબાડીને તેના પર આ પર્વત વજન રૂપે મૂકી દીધો હતો પરંતુ ભગવાને પ્રગટ થઈને સ્વયં આ પર્વતને ઉપાડી લીધો અને પ્રહલાદની રક્ષા કરી. અહીં મંદિરની ચારેય દીવાલોમાં મધ્યમાં એક એક ગોપુરમ્ છે. સોળ સ્તંભોથી રચેલ એક મંડપમાં સુદંર આભૂષણોથી જડેલો કાળા પથ્થરનો એક રથ છે જેને બે ઘોડા ખેંચી રહ્યા છે. નજીકની પહાડીમાંથી ગંગાધાર નામે ઝરણું પડે છે, વૈશાખ માસની અક્ષય તૃતીયાને બાદ કરતાં બાકીના બધા દિવસો દરમિયાન અહીંની મૂર્તિ ચંદનથી ઢાંકેલી રાખવામાં આવે છે.
પ્રવીણચંદ્ર પરીખ