સિંહલ : લાળ દેશનો રાજા. શ્રીલંકાના પાલિ સાહિત્યમાં આનુશ્રુતિક વૃત્તાંત વર્ણવતા દીપવંસમાં જણાવ્યા મુજબ વંગરાજને સુસીમા નામે કુંવરી હતી. એને સિંહથી સિંહબાહુ નામે પુત્ર અને સીવલી નામે પુત્રી જન્મ્યાં. સિંહબાહુ સોળ વર્ષનો થતાં સિંહની ગુફામાંથી નાસી ગયો. તેણે લાળ દેશમાં સિંહપુર નામે નગર વસાવ્યું અને ત્યાં રાજ્ય કરવા લાગ્યો. મહાવંસમાં જણાવ્યા મુજબ રાજા સિંહબાહુ સિંહ મારી લાવેલો તેથી એ ‘સિંહલ’ કહેવાયો. તેને 32 પુત્ર થયા. તેમાં વિજય સૌથી મોટો હતો. એના દુર્વર્તાવથી ગુસ્સે થઈ રાજાએ તેને તેના અનુચરો, પત્નીઓ, બાળકો વગેરે સહિત રાજ્યમાંથી દેશવટો દીધો. તેઓ લંકાદ્વીપ ગયા અને તામ્રપર્ણીમાં પ્રવેશ્યા. સિંહલનો પુત્ર વિજય અને એના સાથીઓ પણ ‘સિંહલ’ કહેવાયા.
વિજયે મદુરાની રાજકુંવરી સાથે લગ્ન કરી પોતાનો રાજ્યાભિષેક કરાવ્યો. તેણે અગાઉનાં ખરાબ કાર્યો છોડી, તામ્રપર્ણી નગરમાં રહી લંકા પર 38 વર્ષ રાજ્ય કર્યું. સમય જતાં ઉપર્યુક્ત આનુશ્રુતિક વૃત્તાંતોમાં નોંધપાત્ર ફેરફારો થયા અને વિવિધ લેખકોએ તે વિશે અલગ અલગ અભિપ્રાયો તથા અર્થઘટનો આપ્યાં છે. લાળ દેશ પૂર્વ ભારતમાં આવેલ રાઢ-લાડ દેશ કે પશ્ચિમ ભારતમાં આવેલ લાટ દેશ – એ નક્કી થઈ શકતું નથી. મત-મતાંતર અનુસાર કોઈ સિંહપુર બંગાળામાં, કોઈ ઓરિસામાં તો કોઈ ગુજરાતમાં હોવાનું જણાવે છે.
રામજીભાઈ ઠા. સાવલિયા