સિંઘાણિયા, પદમપત (જ. 3 ફેબ્રુઆરી 1905, કાનપુર; અ. 19 નવેમ્બર 1979, કાનપુર) : ધર્મમાં ઊંડી આસ્થા અને માનવીય અભિગમ ધરાવનાર સાહસિક ઉદ્યોગપતિ.
કાનપુરમાં વિખ્યાત ઉદ્યોગપતિ કમલપતના જુહારીદેવીના જ્યેષ્ઠ પુત્ર. બાળપણમાં ખાનગી શિક્ષકો દ્વારા અભ્યાસ. પિતાનું અવસાન થતાં તેમણે સત્તર વર્ષની વયે પરિવારના ઉદ્યોગની ધુરા સંભાળી હતી. પિતાશ્રીએ ગાંધીજીને સ્વદેશી ચળવળમાં સહાય આપવા વચન આપ્યું હતું. લૉર્ડ કર્ઝનના સમયમાં બંગભંગની ચળવળ અને સ્વદેશી આંદોલને તેમને જે. કે. કોટન સ્પિનિંગ ઍન્ડ મૅન્યુફૅક્ચરિંગ કં. લિમિટેડ કાનપુરમાં શરૂ કરવા પ્રોત્સાહન આપ્યું હતું (1933). 1940માં તેમણે જે. કે. આયર્ન ઍન્ડ સ્ટીલ કંપની લિમિટેડમાં લોખંડના પટા અને 1959માં જે. કે. રેયૉન લિમિટેડ સ્થાપી રેયૉનનું ઉત્પાદન શરૂ કર્યું હતું. 1962માં જે. કે. સિન્થેટિક્સ લિમિટેડ – કોટા(રાજસ્થાન)માં નાયલૉન 6ના ઉત્પાદનનો આરંભ કર્યો હતો. 1968માં ટેલિવિઝનના ઉત્પાદન માટે જે. કે. ઇલેક્ટ્રૉનિક્સ લિમિટેડ અને મેટાલિક કોટસ (બૉબિન) માટે સિન્ટેક્સ ટ્યૂબ વકર્સ લિમિટેડનાં કારખાનાં કાનપુરમાં સ્થાપ્યાં હતાં. 1969માં એક્રિલિક રેસા, 1973માં રંગીન નાયલૉન અને પૉલિયેસ્ટરના કચરા(waste)માંથી ડી.એમ.ટી. એકલક(monomer)ના ઉત્પાદનની શરૂઆત કરી હતી. તેમણે નિમભેરા, રાજસ્થાનમાં સિમેન્ટ અને જોધપુર પાસે ગોટનમાં સફેદ સિમેન્ટના ઉત્પાદનનો આરંભ કર્યો હતો. કૅન્યાની સરકારની ભાગીદારીમાં થીકા, કૅન્યામાં આફ્રિકા સિન્થેટિક્સ લિમિટેડ સ્થાપી નાયલૉન તથા પૉલિયેસ્ટરનું ઉત્પાદન શરૂ કર્યું હતું. ઉદ્યોગોની સાથે વિવિધ વસ્તુઓના વ્યાપારમાં પણ તેઓ પ્રવૃત્ત રહ્યા હતા.
ઉદ્યોગોના વિકાસ માટે કારખાનાંઓમાં સંશોધનકેન્દ્રો શરૂ કરાવ્યાં હતાં. કામદારોની સવલતો માટે વસાહતો સ્થાપી મકાન, વીજળી, પાણી, નિશાળો, ઔષધશાળા, બગીચાઓ, રમતગમતનાં સાધનો વગેરે પૂરાં પાડ્યાં હતાં. વસાહતોમાં તકનીકી શાળાઓની પણ સ્થાપના કરી હતી.
તેમને શિક્ષણ અને સમાજસેવાનાં કાર્યો પ્રત્યે ભારે લગાવ હતો. એકલા કાનપુર જિલ્લામાં જ તેમણે 23 શાળાઓ શરૂ કરાવી હતી. આ ઉપરાંત કાનપુરમાં બી.એન.એમ.ડી. કૉલેજ, જી. એન. કે. કૉલેજ અને મુરારિદેવી બાલિકા વિદ્યાલયની સ્થાપના કરી હતી. જે. કે. ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ એપ્લાઇડ ફિઝિક્સ ઍન્ડ ટૅક્નૉલૉજીની શરૂઆત કરી તેને અલ્લાહાબાદ વિશ્વવિદ્યાલયને સોંપી હતી. જે. કે. ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ સોશિયોલૉજી ઍન્ડ હ્યુમન રિલેશન્સની સ્થાપના કરી તેને લખનૌ વિશ્વવિદ્યાલયને સમર્પિત કરી હતી. તેમણે કાશી વિશ્વવિદ્યાલય, વારાણસીમાં ક્ધયાઓ માટે છાત્રાલય બાંધ્યું હતું. ઠાણે, મુંબઈમાં કુમારો અને ક્ધયાઓ માટે ઉચ્ચ માધ્યમિક શાળા શરૂ કરી હતી. કાનપુરમાં કલાકેન્દ્ર તેમજ લલિત કલાકેન્દ્રની સ્થાપના કરી હતી.
જનસમાજની સુખાકારી માટે કાનપુરમાં જે. કે. ક્ષ-કિરણો અને કૅન્સર-સંશોધન કેન્દ્ર, હૃદયના રોગો માટે લાલા કમલપત મેમોરિયલ હૉસ્પિટલ નામનું એક કેન્દ્ર તેમજ જયપુર, કોટા અને વારાણસીમાં સ્ત્રીઓ માટે હૉસ્પિટલોની સ્થાપના કરી હતી.
કાનપુરમાં બંધાયેલ શ્રી રાધાકૃષ્ણમંદિર તેમના માર્ગદર્શન અને આયોજન નીચે બંધાયું હતું, જે તેમની ધર્મ પ્રત્યેની ઊંડી આસ્થા દર્શાવે છે. તે ઉપરાંત તેમણે કાનપુરમાં દ્વારકાનાથ અને કમલેશ્વર મંદિરો, કાશીમાં શ્રી બળદેવજીનું મંદિર અને વૃંદાવનમાં બે મંદિરોની સ્થાપના કરી હતી. ધર્મસ્થાનોમાં અનેક ધર્મશાળાઓ અને સદાવ્રતો શરૂ કરાવ્યાં હતાં. અન્ય ધર્મો પ્રત્યે સહિષ્ણુતા બતાવી તેમણે ઓરિસામાં મસ્જિદો, દેવળો તેમજ ગુરુદ્વારાના બાંધકામ માટે નાણાકીય સહાય પૂરી પાડી હતી.
1933માં તેમણે ઉત્તરપ્રદેશ વ્યાપારી મંડળની સ્થાપના કરી હતી. વળી કાનપુર આઇ. આઇ. ટી.ના સંસ્થાપક મંડળ, કૉટન ટૅક્સ્ટાઇલ ભંડોળ કમિટી, બોર્ડ ઑવ્ ટ્રેડ અને વિશાળ ઉદ્યોગ સલાહકાર સમિતિના ચૅરમૅનપદે રહી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેમણે ફેડરેશન ઑવ્ ઇન્ડિયન ચેમ્બર્સ – ઑવ્ કૉમર્સ ઍન્ડ ઇન્ડસ્ટ્રીઝ(FICCI)નું પ્રમુખપદ પણ શોભાવ્યું હતું.
1937માં તેઓ ઉત્તરપ્રદેશ વિધાનસભામાં ચૂંટાયા હતા. 1943માં અંગ્રેજ સરકારે તેમનું ‘સર’(Knighthood)ના ઇલકાબથી સન્માન કર્યું હતું. 1949થી 1952 સુધી તેમણે ભારતીય બંધારણ સમિતિના સભ્ય તરીકે સેવાઓ આપી હતી. 1969માં કાનપુર વિશ્વવિદ્યાલયે ડી.લિટ. પદવીથી તેમનું બહુમાન કર્યું હતું.
જિગીષ દેરાસરી