સિંગાપોર : અગ્નિ એશિયામાં આશરે 01° 17´ ઉ. અ. તથા 103° 51´ પૂ. રે. પર મલાયા દ્વીપકલ્પના દક્ષિણ છેડે આવેલો ટાપુ દેશ. તેનું ભૌગોલિક સ્થાન વિષુવવૃત્તથી લગભગ 129 કિમી. ઉત્તરમાં છે. સિંગાપોરની ઉત્તરમાં મલેશિયા અને દક્ષિણમાં ઇન્ડોનેશિયા દેશોની જલસીમાઓ આવેલી છે, જ્યારે તેની પશ્ચિમ બાજુએ મલાક્કાની સામુદ્રધુની અને પૂર્વ બાજુએ દક્ષિણ ચીન સમુદ્ર વિસ્તરેલો છે. સિંગાપોર આશરે 616.3 ચોકિમી. ક્ષેત્રફળ ધરાવે છે.
તેનું ભૌગોલિક સ્થાન ત્રણ રીતે લાભદાયક છે : (1) તે વિશ્વની સૌથી વિશેષ લાંબી મલાક્કાની સામુદ્રધુની(આશરે 774 કિમી.)ના પ્રવેશદ્વાર પર નિયંત્રણ ધરાવે છે. હિન્દી મહાસાગર તથા દક્ષિણ ચીન સમુદ્ર વચ્ચે સફર ખેડતાં મોટાભાગનાં જહાજો આ સામુદ્રધુનીમાં થઈને પસાર થાય છે. વ્યાપારિક દૃષ્ટિએ વિચારીએ તો યુરોપથી જાપાનની કે ઑસ્ટ્રેલિયાથી યુરોપની અથવા ચીનથી ભારતની સફર ખેડતાં જહાજો માટેનું સાનુકૂળ વિરામસ્થાન સિંગાપોર છે. ઈ. સ. 1819માં સ્ટૅમફૉર્ડ રૅફલ્સ (Stamford Raffles) દ્વારા આ ટાપુ પર વસાહત સ્થપાયા પછી તેના મધ્યસ્થ સ્થાનને લીધે દિનપ્રતિદિન તેનું મહત્વ વધતું જ રહ્યું છે. આમ તે ‘પૂર્વના પ્રવેશદ્વાર’ (Gate way of East) તરીકે જાણીતું છે. વળી તેનું વ્યૂહાત્મક મહત્વ પણ અનેક ગણું છે. (2) એવી જ રીતે હવાઈ માર્ગે સફર ખેડવી હોય ત્યારે ચેન્નાઈ થઈને ઑસ્ટ્રેલિયા જતા હવાઈ જહાજને પાણી, બળતણ લેવા માટે સિંગાપોર ખાતે વિરામ કરવો વધુ અનુકૂળ છે. ટૂંકમાં, હવાઈ માર્ગે કે જળમાર્ગે સિંગાપોરનું સ્થાન મધ્યમાં આવે છે. (3) તે મલેશિયા, ઇન્ડોનેશિયા, થાઇલૅન્ડ, ફિલિપાઇન્સ વગેરે દેશોના અત્યંત સમૃદ્ધ પીઠપ્રદેશના મધ્યભાગે આવેલું છે, જેથી તે એક પ્રકારના વ્યાપાર તથા વાણિજ્યના મુખ્ય કેન્દ્ર સમાન દરજ્જો ભોગવે છે. વળી તે કાર્યક્ષમ પુનર્નિકાસ (entrepot) વ્યાપારની સાનુકૂળતા ધરાવે છે.
સિંગાપોર
સિંગાપોર એક નાનકડો ટાપુ છે, જેની પૂર્વના ચંગી પૉઇન્ટ-(Changi point)થી પશ્ચિમના જુરોન્ગ (Jurong) સુધીની તેની લંબાઈ આશરે 42 કિમી. છે; જ્યારે વુડલૅન્ડ્ઝ નજીકથી લઈને સિંગાપોર નગર સુધીની તેની પહોળાઈ લગભગ 22.5 કિમી. જેટલી થવા જાય છે. વળી આ મુખ્ય ટાપુ ઉપરાંત તેની આસપાસના લગભગ 54 જેટલા અન્ય નાના નાના ટાપુઓ મળીને ‘સિંગાપોરનું પ્રજાસત્તાક’ બને છે. આ નાના ટાપુઓ પૈકીના પુલાઉ ઉબિન (Pulau Ubin) તથા પુલાઉ ટેકૉન્ગ (Pulau Tekang), એ કદમાં સૌથી મોટા ટાપુઓ છે, જે ઈશાનમાં સુન્ગેઈ સેરાન્ગૂન (Sungei Serangoon) તથા સુન્ગેઈ જોહોર (Sungei Johore) નામની નદીઓનાં મુખો પર આવેલા છે. આ ઉપરાંત બીજા ખૂબ જ નાના નાના ટાપુઓ પણ આ પ્રજાસત્તાક માટે આર્થિક દૃષ્ટિએ અતિ ઉપયોગી છે; જેમ કે, પુલાઉ બુકુમ (Pulau Bukum), પુલાઉ બ્રાની (Pulau Brani) અને પુલાઉ બ્લકાન્ગમતી (Pulau Blakangmati) ટાપુઓ પર ખનિજતેલ-શોધન કારખાનાં આવેલાં છે. વળી તેઓ સિંગાપોરના મુખ્ય બંદર કેપ્પેલ(Keppel Harbour)ને પવનના જોરદાર સપાટાઓથી રક્ષણ આપે છે. આ સિવાય જુરોન્ગ ખાતેનું નવું બંદર પણ આ દ્વીપસમૂહો દ્વારા સુરક્ષિત છે.
ભૂપૃષ્ઠ અને જળપરિવાહ : સિંગાપોર ટાપુનો આકાર પાંખો પહોળી કરીને ઊડતા ચામાચીડિયા જેવો છે. સામાન્ય રીતે તેની ભૂમિસપાટી વધુ પડતી અસમતળ નથી. તેનું સર્વોચ્ચ બિન્દુ બુકિટ તિમાહ (Bukit Timah) છે, જે માત્ર 177 મીટરની ઊંચાઈ ધરાવે છે. ભૂરચનાત્મક દૃષ્ટિએ જોતાં તેને મુખ્યત્વે ત્રણ વિભાગોમાં વહેંચી શકાય : (1) મધ્યસ્થ ડુંગરાળ પ્રદેશ : આ પ્રદેશમાં ખાસ કરીને ગ્રૅનાઇટ ખડકો પથરાયેલા છે. ટાપુના મધ્ય ભાગ તરફ જતાં આ ડુંગરાળ પ્રદેશની ઊંચાઈ વધતી જતી જણાય છે. આ ભાગમાં કદમાં ઘણું નાનું પણ નદીઓનું એક અગત્યનું સ્રાવક્ષેત્ર આવેલું છે, જેમાંથી સિંગાપોરની મુખ્ય નદીઓ – સુન્ગેઈ સેલેતર (Sungei Seletar) તથા સુન્ગેઈ કૉલાન્ગ (Sungei Kallang) ઉદભવ પામે છે. આ સિવાય અહીં સેલેતર, પિયર્સ (Pierce) અને મૅકરિત્સી (Macritchie) નામનાં ત્રણ જળાશયો પણ આવેલાં છે. આ જળાશયો આ દેશની લગભગ અર્ધા ભાગની જળની જરૂરિયાત પૂરી પાડે છે. વધુમાં પશ્ચિમ મલેશિયામાંથી પાઇપલાઇન મારફત પણ પાણીપુરવઠો મેળવાય છે. (2) પશ્ચિમનો ડુંગર તથા ખીણપ્રદેશ : ટાપુના પશ્ચિમ ભાગનું ભૂપૃષ્ઠ નીચી ટેકરીઓ તથા ખીણોનું બનેલું છે. તેમાં ખાસ કરીને રેતીખડક, શેલ તથા કૉન્ગ્લોમરેટ જેવા પ્રસ્તર-ખડકો જોવા મળે છે. વળી સુન્ગેઈ બેરિહ (Sungei Berih), સુન્ગેઈ જુરોન્ગ (Sungei Jurong) અને સુન્ગેઈ કરાન્જી (Sungei Karanji) નદીઓનાં મુખો પર કાંપના થરો પથરાયેલા છે. અહીં વિખ્યાત માઉન્ટ ફૅબર (Mt. Faber) આવેલો છે, જે પર્યટકો માટેનું મુખ્ય આકર્ષણ છે. પર્યટકો અહીં ઢળતી સાંજે આરામથી ગરમાગરમ કૉફી પીવાનો તથા બંદરનાં મનોહર અને સુંદર દૃશ્યો નીરખવાનો આનંદ માણે છે. આ ભાગમાં પાસિર પન્જાન્ગ (Pasir Panjang) તથા સેસપ (Sesop) નામની બે લાંબી ટેકરીઓ આવેલી છે; જે આશરે 107 મીટરની ઊંચાઈ ધરાવે છે. આ ટેકરીઓમાંથી સુન્ગેઈ કરાન્જી, સુન્ગેઈ બેરિહ તથા સુન્ગેહ જુરોન્ગ નદીઓ નીકળે છે. (3) પૂર્વનો સપાટ પ્રદેશ : ટાપુના પૂર્વ ભાગની ભૂસપાટી નીચી અને સપાટ છે. અહીં કાંપના ખડકો જોવા મળે છે. મોટાભાગના વિસ્તારો 15 મી.થી ઓછી ઊંચાઈના છે. નાની નાની નદીઓ વહીને કિનારા તરફ ગતિ કરે છે. તે છે મુખ્યત્વે સુન્ગેઈ પુન્ગ્ગોલ (Sungei Punggol) અને સુન્ગેઈ સેરાન્ગૂન (Sungei Serangoon). જોકે દરિયાકાંઠાના ભાગો થોડાક પ્રમાણમાં કાદવકીચડ ધરાવે છે.
આબોહવા, કુદરતી વનસ્પતિ તથા પ્રાણીજીવન : સામાન્ય રીતે સિંગાપોર વિષુવવૃત્તીય પ્રકારની ગરમ અને ભેજવાળી આબોહવા ધરાવે છે. અહીં વર્ષભર સૂર્યપ્રકાશ અને વરસાદનું સામ્રાજ્ય પ્રવર્તે છે. આમ છતાં આ પ્રકારની આબોહવા પર મોસમી આબોહવાની અસરો પડેલી જોવા મળે છે.
સિંગાપોરમાં વાર્ષિક સરેરાશ તાપમાન 27° સે. જેટલું રહે છે; એટલું જ નહિ, પણ તાપમાનનો વાર્ષિક ગાળો તદ્દન ઓછો એટલે કે 2° સે. હોય છે. વળી સિંગાપોરના હવામાન પર જળની લહેરોનો પ્રભાવ પણ વિશેષ પડે છે. દરિયાઈ શીત લહેરોની અસરથી દિવસ દરમિયાન આ ટાપુ પર ગરમીમાં થોડીક રાહત અનુભવાય છે. સિંગાપોર વર્ષભર સરેરાશ 2464 મિમી. ઉષ્ણતાનયન સ્વરૂપનો વરસાદ મેળવે છે. જોકે એવો કોઈ માસ નથી કે જેમાં ઓછામાં ઓછો સરેરાશ 152 મિમી. વરસાદ પડતો ન હોય ! આમ છતાં ઈ. સ. 1964માં બે માસ સુધી વરસાદ પડ્યો નહોતો, તેથી પરિસ્થિતિ વણસી હતી. આ સમયે જળાશયો બિલકુલ સુકાઈ ગયાં હતાં; પણ આવી પરિસ્થિતિ ભાગ્યે જ અનુભવાય છે. અહીંના રહીશોને સરકાર, ભૂમિમાં પાણીને ટકાવી શકાય તે માટે વધુ ને વધુ વૃક્ષો વાવવા પ્રોત્સાહિત કરે છે. અહીં મોટાભાગનો વરસાદ નવેમ્બરથી જાન્યુઆરીના ગાળા દરમિયાન ઈશાનકોણીય મોસમી પવનો વાય ત્યારે પડી જતો હોય છે.
સિંગાપોરના ઘણાખરા વિસ્તારો ખેતી અથવા તો બાંધકામ હેઠળ છે, જેથી અહીં જંગલોનું પ્રમાણ નહિવત્ છે. મધ્યકક્ષ ડુંગરાળ પ્રદેશમાં આછાં વર્ષાજંગલોના છૂટાછવાયા વિસ્તારો આવેલા છે. વળી ઉત્તરના તથા ઈશાન ખૂણાના દરિયાકાંઠાના ભાગોમાં વાયુશિક્ (mangrove) વનસ્પતિનાં ઝુંડ વિસ્તરેલાં છે. જોકે ડુંગરાળ પ્રદેશનાં જંગલોની પ્રયત્નપૂર્વક જાળવણી કરવામાં આવે છે, પણ નવી ભૂમિ સંપાદન કરવાના હેતુથી દરિયાકાંઠા પરનાં જંગલોનું પ્રમાણ ધીમે ધીમે ઘટી રહ્યું છે.
સિંગાપોરનાં વર્ષાજંગલોમાં વિશ્વવિખ્યાત અને અદ્વિતીય એવો ‘રાત્રિ સફારી’ આવેલો છે જ્યાં પર્યટક રાત્રે હરીફરીને ત્યાંનાં પ્રાણીઓ-પક્ષીઓ સાથે મુલાકાત લઈને આનંદ માણી શકે છે. અહીંનાં 90 % પ્રાણીઓ-પક્ષીઓ રાત્રિ દરમિયાન વિહરે છે. જુરોન્ગ ખાતે એક પક્ષી-પાર્ક પણ છે.
સિંગાપોરનું પ્રાણીસંગ્રહાલય આશરે 28 હેક્ટર વિસ્તારમાં ફેલાયેલું છે. અહીં ડ્રૅગન (dragon), પૅન્ગ્વિન તથા ધ્રુવીય રીંછ આરામદાયક રીતે જીવન વિતાવે તેવી વિશિષ્ટ વ્યવસ્થા કરેલી છે. આ પ્રાણીસંગ્રહાલયમાં એશિયાભરના વન્ય જીવો જોવા મળે છે. તેમની કુલ સંખ્યા 2,000 જેટલી થવા જાય છે. તે પૈકીની 40 જાતિઓ ભયગ્રસ્ત (endangered) છે. આ સંગ્રહાલયના જુદા જુદા વિભાગોની સીમાઓ ખડકો ગોઠવીને તથા ખાઈઓમાં પાણી ભરીને એવી તો આકર્ષક રીતે કંડારેલી છે કે દર્શકને તે કુદરતસર્જિત હોવાનો ભાસ કરાવે છે. આ પ્રાણીસંગ્રહાલયનું મુખ્ય આકર્ષણ અહીંનું માનવસર્જિત જંગલ (Fragile Jungle) છે. ખાસ પ્રકારના રંગોની છટાવાળાં ઘરો, તારના ગૂંથેલા ગુંબજો અને એવું તો ઘણુંબધું છે કે જે અહીં આવતા મુલાકાતીને વિશ્વનાં મોટાભાગનાં પ્રાણીઓ પૂર્ણ સંવાદિતામય વાતાવરણમાં સહનિવાસ કરી રહ્યાં હોય તેવા નિવસનતંત્ર-(ecosystem)ની અનુભૂતિ કરાવે છે.
ખેતી, પશુપાલન અને મત્સ્યપ્રવૃત્તિ : સિંગાપોર ખેતીપ્રધાન દેશ નથી. એ કદમાં એટલો બધો નાનો છે કે તેની ઘણીબધી વસ્તીને ખેતીપ્રવૃત્તિ દ્વારા રોજગારી આપી શકાય તેમ નથી; એટલું જ નહિ, પણ સ્થાનિક ખેતી દ્વારા તેની ખાદ્ય જરૂરિયાતો પૂરી પાડી શકાતી નથી. જોકે આ ટાપુના કુલ વિસ્તારના આશરે અર્ધા ભાગમાં ખેતી કરવામાં આવે છે ખરી; આમ છતાં સિંગાપોર માટે વ્યાપાર તથા ઉદ્યોગો કરતાં ખેતીનું મહત્વ તદ્દન ઓછું છે.
રબર, નાળિયેરી, શાકભાજી તથા ફળો – એ અહીંના મુખ્ય પાકો છે. કુલ વાવેતર-વિસ્તારના લગભગ અર્ધા ભાગમાં રબરનાં વૃક્ષોનો ઉછેર કરવામાં આવે છે. મુખ્યત્વે મધ્યસ્થ ડુંગરાળ પ્રદેશમાં ચીના લોકો નાના નાના જમીન-પ્લોટોમાં રબરની બાગાયતી ખેતી કરે છે. આ ઉપરાંત પુલાઉ ઉબિનના થોડાક ભાગોમાં પણ રબરનું ઉત્પાદન લેવાય છે. ખાસ કરીને આ ટાપુના ઈશાન તથા વાયવ્ય કિનારે નાળિયેરીનો ઉછેર કરવાની પ્રવૃત્તિ ચાલે છે. જોકે અહીં ઔદ્યોગિક તથા મકાન-બાંધકામને લગતી યોજનાઓના પ્રસારને લીધે ઝડપથી તેની ખેતીમાં ઘટાડો થતો જાય છે. કોપરાંની ઉત્પાદન કિંમત કરતાં અહીંની જમીનોનું મૂલ્ય અનેકગણું મળતું હોવાથી જમીનમાલિકો જમીનોનું વેચાણ કરી રહ્યા છે.
બીજી બાજુએ જોઈએ તો અહીં ફળઝાડ તથા શાકભાજીની ખેતી(market gardening)નો તેમજ ડુક્કર તથા મરઘાં-ઉછેર પ્રવૃત્તિનો વધુ ને વધુ વિકાસ થતો રહ્યો છે : (1) આ નાના દેશમાં જમીનના નાના પ્લૉટમાં ઘર બાંધીને પશુપાલન અથવા તો શાકભાજીનો ઉછેર કરવો વધુ લાભદાયી છે. (2) અહીં શહેર તથા પરાવિસ્તારોમાં આ પ્રકારની પેદાશોનું બજાર ઉપલબ્ધ છે અને માંસ, શાકભાજી, ફળો વગેરેના ઊંચા ભાવો મળે છે. આમ ખેડૂતને જમીનનો પ્લૉટ નાનો હોવા છતાં વિશેષ આર્થિક વળતર કે સારો નફો પ્રાપ્ત થાય છે. ખાસ કરીને આ પ્રકારની પ્રવૃત્તિઓ નદીઓના ખીણપ્રદેશોમાં થાય છે. શાકભાજી અને નાળિયેરીના ફાર્મમાં લીંબુ, પપૈયા, ચીની નારંગી, તેમજ અન્ય ખાટા રસવાળાં ફળાઉ વૃક્ષો ઉગાડવામાં આવે છે. આવાં ફળોની અહીં ઘણી માંગ હોવાથી તેમના વધુ ઊંચા ભાવો ઊપજે છે. શાકભાજી તથા ફળફળાદિની સઘન ખેતી થતી હોવા છતાં અહીંનો ખેડૂત વસ્તીની ખાદ્ય જરૂરિયાતોને પૂરી પાડી શકતો નથી. આ ઉપરાંત અહીં માંસ અને ચોખાનું વિશેષ ઉત્પાદન થઈ શકતું નહિ હોવાથી તેમની અન્ય દેશોમાંથી આયાત કરવી પડે છે.
આ ટાપુના અગ્નિ ખૂણાના સમુદ્રમાં તેમજ પાલાઉ ઉબિન (Palau Ubin) નજીક જોહોરે (Johore) સામુદ્રધુનીમાંથી ચીની માછીમારો માછલાં પકડે છે. માછલાં ઉપરાંત જિંગા, કરચલા, સ્ક્વિડ (squid) અને બીજા દરિયાઈ જીવોને પણ પકડવામાં આવે છે. સિંગાપોરની હોટલોમાં સમુદ્રજીવોની ચટાકેદાર વાનગીઓ પીરસવામાં આવે છે. મત્સ્યપ્રવૃત્તિને પ્રોત્સાહન મળે તે હેતુથી જુરોન્ગ નામના મત્સ્યબંદરની સ્થાપના થઈ છે. તેના નવા બંધાયેલા ધક્કા દ્વારા વિશાળ મત્સ્યજહાજોનું સંચાલન થઈ શકે છે. વળી મધ્યસ્થ મત્સ્યબજાર અને તેની નજીકનાં મત્સ્યકેન્દ્રો પર બરફનાં કારખાનાં, શીતગૃહો, ફ્રિઝિંગ પ્લાન્ટ, કૅનિંગ પ્લાન્ટ વગેરેની સુવિધાઓ ઉપલબ્ધ છે. વળી નજીકમાં જ માછલી પર પ્રક્રિયા કરીને તેનું વાતશૂન્ય ડબ્બાઓમાં પૅકિંગ કરવું, તેમાંથી તેલ કાઢવું, તેનો સૉસ (sauce) બનાવવો વગેરે પ્રવૃત્તિઓનો વિકાસ થયો છે. સિંગાપોરમાં હવે શાકભાજીનું વાવેતર કરતા ઘણા ખેડૂતોએ પણ માછલી ઉછેરવા માટે જળાશયોની રચના કરી છે. આ ઉપરાંત સિંગાપોરમાં બે મગરઉછેર-કેન્દ્રો આવેલાં છે. મગરની ચામડીનો ઉપયોગ જૂતાં, હાથબૅગો, પર્સ અને અન્ય ચીજો બનાવવા માટે થાય છે.
ઉદ્યોગો : આ દેશમાં કલાઈ-ગાળણ અને શોધન, જહાજ-બાંધકામ, કાપડ, રબર, લાકડાં, ખનિજતેલ-શોધન, યંત્ર-સામગ્રી, રાસાયણિક પેદાશો, ખાદ્ય ચીજો, પ્રવાસન અને બૅન્કિંગ સેવાઓને લગતા ઉદ્યોગો અગત્યના છે.
સિંગાપોર નદીની આજુબાજુનો સિંગાપોર શહેર-વિસ્તાર
સિંગાપોરમાં હળવા અને ભારે વસ્તુઓના ઉત્પાદન માટેના ઉદ્યોગોનો સારો વિકાસ થયો છે. મુખ્ય ઔદ્યોગિક વિસ્તારો નીચે મુજબ છે :
(1) બુકિટ તિમાહ (Bukit Timah) : આ પ્રદેશ શહેરના કેન્દ્રભાગથી આશરે 14 કિમી. દૂર શહેરની બહાર આવેલો છે. અહીં સિમેન્ટ, બૅટરી, ખાદ્યપ્રક્રમણ, મોટરકારને લગતા તેમજ અન્ય હળવા ઉદ્યોગોનો વિકાસ થયેલો છે.
(2) ઍલેક્ઝાન્ડર સડકમાર્ગ : આ પ્રદેશ શહેરના પશ્ચિમ ભાગમાં આવેલો છે. અહીં ધાતુગાળણઉદ્યોગ અગત્યનો છે. વળી ખાદ્યપ્રક્રમણ ઉપરાંત લોહ-પોલાદની ચીજવસ્તુઓ, બિસ્કિટ, પીણાં વગેરેને લગતી ઔદ્યોગિક પ્રવૃત્તિ થાય છે.
(3) જુરોન્ગ – નવી શહેરી વસાહત : શહેરના પશ્ચિમ ભાગમાં ભારે ઔદ્યોગિક એકમો સ્થપાયેલા છે. આ પૈકી જુરોન્ગમાં ઊંડું જળ ધરાવતો ધક્કો આવેલો છે. અહીંની ગોદીમાં જહાજનું બાંધકામ તથા સમારકામ થાય છે. સિંગાપોરમાં આ ઉદ્યોગ અતિ મહત્વનું સ્થાન ધરાવે છે. વિશ્વના દરિયાઈ જળમાર્ગો પરના તેના અદ્વિતીય સ્થાને આ ક્ષેત્રમાં તેને ઘણો મોટો ફાયદો અપાવ્યો છે. સેમ્બાવાન્ગ-(Sembawang)ની જલસૈન્ય માટેની ગોદીને વ્યાપારી જહાજોના સમારકામ કરવા માટેના યાર્ડ તરીકે રૂપાંતરિત કરવામાં આવી છે.
આ સિવાય અહીં મુખ્યત્વે લોહ-પોલાદ, પોલાદની પાઇપો, તેજાબ, છાપકામ, બૅટરી, રબરનાં ટાયર, પ્લાસ્ટિક, કાપડ, કપડાં, ખાદ્યપ્રક્રમણ વગેરેને લગતા ઉદ્યોગો વિકાસ પામેલા છે.
(4) તોયા પાયોહ (Toa Payoh) : શહેરના પૂર્વ ભાગમાં આવેલી સરકારના આયોજન મુજબની વૈવિધ્યસભર ઉદ્યોગોની આ વસાહત છે.
(5) ક્વિન્સટાઉન : શહેરના પશ્ચિમના પડખે આવેલી આ ઔદ્યોગિક વસાહતમાં મુખ્યત્વે વીજાણુ-ઉદ્યોગો (ટ્રાન્ઝિસ્ટર રેડિયો, ટી.વી. સેટ, કમ્પ્યૂટરો વગેરેના) છાપકામ તથા પ્રકાશન અને લોહ-પોલાદની પાઇપો વગેરે માટેના અન્ય ઔદ્યોગિક એકમો આવેલા છે.
(6) પુલાઉ બુકુમ અને તાન્જોન્ગ બર્લેયર (Pulau Bukum and Tanjong Berlayer) ખનિજતેલ–શોધન કારખાનું : ખનિજતેલ-શોધન એ સિંગાપોરનો અગત્યનો ઉદ્યોગ છે. અહીંથી અગ્નિ એશિયામાં પેટ્રોલિયમ તથા તેની પેદાશોનું વિતરણ કરવામાં આવે છે.
આ સિવાય રેડહિલ, કેમ્પૉન્ગ આમ્પૅટ (Kampong Ampat) અને બેન્ડીમર રોડ (Bendeemer Road) ખાતે પણ ઔદ્યોગિક વસાહતો આવેલી છે.
સિંગાપોરમાં ઉદ્યોગ-વિષયક કેટલીક સમસ્યાઓ છે. તે પૈકી કાચા માલની ઉપલબ્ધિની સમસ્યા સૌથી મોટી છે. અહીં ઉદ્યોગો માટે કાચો માલ ઉપલબ્ધ નથી. જોકે પેટ્રોલિયમ અને તેની પેદાશો તેમજ રબર અને અન્ય ખેતીકીય પાકોમાંથી મળતા કાચા માલનું પ્રમાણ નહિવત્ છે; જેથી મલેશિયા કે અન્ય દેશોમાંથી કાચો માલ આયાત કરવો પડે છે. ખાસ કરીને બ્રુનેઈથી ખનિજતેલ મંગાવવામાં આવે છે.
સિંગાપોરમાં પ્રચુર પ્રમાણમાં માનવશ્રમ ઉપલબ્ધ છે, પણ કેળવાયેલા શ્રમિકોનું પ્રમાણ ઓછું છે. જોકે હવે સરકાર દ્વારા વૈજ્ઞાનિક તથા તકનીકી શિક્ષણ આપીને, શિખાઉ તરીકેની નિયુક્તિ કરીને કે ઔદ્યોગિક તાલીમ યોજના અંતર્ગત કેળવાયેલો માનવશ્રમ મેળવવાનું સુલભ બન્યું છે. ઉદ્યોગની સ્થાપનાનાં શરૂઆતનાં વર્ષોમાં જો સરકાર જે તે પેઢીને કરવેરામાં રાહતો આપવાની નીતિ અપનાવે તોપણ આ દેશમાં વધુ ને વધુ ઉદ્યોગોને આકર્ષિત કરી શકાય છે. આ ઉપરાંત હવે તો વિદેશોમાંથી કે વિશ્વબૅંક પાસેથી લોન મેળવીને મૂડીની સમસ્યાનું થોડાક પ્રમાણમાં નિવારણ થઈ શકે છે.
વ્યાપાર : ઈ. સ. 1819 પહેલાં આ વિસ્તારમાં મલેશિયાનું પેનાન્ગ એ મુખ્ય બંદર હતું; પરંતુ સિંગાપોરની સ્થાપના થયા પછી સિંગાપોર, પેનાન્ગ કરતાં પણ અધિક ચડિયાતું અને ધીકતું બંદર બની શક્યું છે. અગ્નિ એશિયાના વિસ્તારમાં તેના કુદરતી મધ્યસ્થ સ્થાનને લીધે તેમજ ઊંડાં જળ ધરાવતા તેના બારાને લીધે તે સમૃદ્ધિના શિખરે પહોંચ્યું છે. વધુમાં મુક્ત વ્યાપાર તથા મુક્ત બંદરનીતિને લીધે તે વ્યાપારીઓ માટે ઘણું જ લોકપ્રિય બન્યું છે.
આ મોટા બંદરના દરજ્જાના સંદર્ભમાં જોઈએ તો તે એશિયાનું બીજા ક્રમનું અને વિશ્વનું પાંચમા ક્રમનું બંદર ગણાય છે. વળી તે વ્યાપાર માટેની અપરંપાર સક્ષમ સુવિધાઓ ધરાવે છે. આસપાસના દેશોમાંથી રબર, કોપરાં, ગરમ મસાલા, લાકડાં અને બીજી વન્ય પેદાશો, કલાઈ વગેરેની આયાત કરીને અહીંથી તેમની ફરીથી નિકાસ કરવામાં આવે છે. સ્થાનિક વપરાશ માટે તેમજ પડોશી દેશોમાં વિતરણ કરવા માટે વિશ્વભરના દેશોમાંથી અહીં ઑફિસને લગતી સાધનસામગ્રી, ક્રૂડ, ખનિજતેલ, દૂરસંચારનાં સાધનો, વિદ્યુતશક્તિનાં યંત્રો, વૈજ્ઞાનિક ઉપકરણો, પેટ્રોલિયમ-પેદાશો, ઔદ્યોગિક યંત્રો વગેરેની આયાત થાય છે; જ્યારે અહીંથી ઑફિસને લગતી સાધનસામગ્રી, દૂરસંચારનાં સાધનો, પેટ્રોલિયમ-પેદાશો, દૃદૃશ્ય સાધનો, વિદ્યુત-સર્કિટ ઉપકરણો, ઔદ્યોગિક યંત્રો, તૈયાર કપડાં વગેરેની નિકાસ થાય છે. આયાત-નિકાસ વ્યાપારના મુખ્ય ભાગીદાર દેશોમાં યુ.એસ., મલેશિયા, જાપાન, ચીન, થાઇલૅન્ડ, તાઇવાન, હાગકાગ, જર્મની વગેરેનો સમાવેશ થાય છે.
સિંગાપોરનો વ્યાપારી વિભાગ
પરિવહન તથા પર્યટન : સિંગાપોરમાં ભૂમિ, જળ અને હવાઈ માર્ગીય પરિવહનસેવાઓનો સારા પ્રમાણમાં વિકાસ થયેલો છે. મુખ્ય વસવાટી વિસ્તારથી ટાપુના અન્ય ભાગોમાં વિકેન્દ્રિત થતા તેમજ બધી જ ઋતુઓમાં ઉપયોગી થાય તેવા આશરે 3,017 કિમી. લંબાઈના વિશાળ સડકમાર્ગો પથરાયેલા છે. આ પૈકીના 97 % સડકમાર્ગો પાકા છે. આ બધામાં મલેશિયાને જોડતો ‘બુકિટ તિમાહ સડકમાર્ગ’ વિશેષ અગત્યનો છે. તે આશરે 1,056 મીટર લંબાઈના કૉઝવે (cause way) પરથી પસાર થાય છે અને મલેશિયાના જોહોરે (Johore) નગરને સાંકળે છે. સિંગાપોરના સડકમાર્ગો પગથીઓ (footpaths) તથા પ્રકાશની સુવિધાઓ ધરાવે છે; એટલું જ નહિ, પણ હરિયાળાં વૃક્ષો તથા ફૂલછોડથી સુશોભિત છે. આ સડકમાર્ગો સેંકડો મોટરકારો, સાઇકલો, બસો અને ટૅક્સીઓથી ઊભરાય છે. ગુણવત્તાની દૃષ્ટિએ જોતાં અહીંની જાહેર પરિવહનસેવાઓ એશિયાભરમાં પ્રથમ ક્રમ ધરાવે છે અને અગ્નિએશિયામાં સર્વોત્તમ કક્ષાની ગણાય છે.
સિંગાપોર લગભગ 83 કિમી. લંબાઈના રેલમાર્ગો ધરાવે છે. તે પૈકીનો એક મુખ્ય રેલમાર્ગ મલેશિયા સાથે સંકળાયેલો છે, જ્યારે બીજો જુરોન્ગ તરફના ઔદ્યોગિક વિસ્તારોમાં સેવાઓ પૂરી પાડે છે. જોકે સિંગાપોરમાં કાર્યક્ષમ બસસેવાઓ ઉપલબ્ધ હોવાથી લગભગ કોઈ વ્યક્તિ રેલમાર્ગે સફર કરતી નથી. રેલમાર્ગે મુખ્યત્વે ઉત્પાદિત માલ, રબરનો રસ, આયાતી યંત્ર-સામગ્રી, ખાદ્ય ચીજો, કાપડ તથા અન્ય ચીજવસ્તુઓની હેરફેર થાય છે.
સિંગાપોરની સમૃદ્ધિ તેના બંદરના વિશાળ વિસ્તાર પર અવલંબિત છે. તેના બંદરનું બારું બધાં જ કદનાં જહાજોને લાંગરી શકાય તેટલું વિશાળ છે. આ બંદર તથા નજીકના ટાપુઓ વચ્ચે ચાલતી લૉન્ચ દ્વારા મુસાફરો અને માલસામાનની હેરફેર થતી રહે છે. તેનું બારું બે ભાગમાં વહેંચાયેલું છે : (1) કેપ્પેલ બારું (Keppel Harbour) : શહેરની પશ્ચિમે આવેલું કેપ્પેલ બારું અત્યંત ઊંડાં જળ ધરાવે છે, જેથી છેક કિનારા સુધી જહાજોને લાંગરી શકાય છે. કેટલાક ટાપુઓ દ્વારા દરિયાઈ તોફાનોથી આ બારું સુરક્ષિત રહે છે. (2) સમુદ્રમાર્ગો (the sea-roads) : શહેરની પૂર્વમાં આંતરિક અને બાહ્ય – એમ બે પ્રકારના માર્ગો સમુદ્રમાં દીવાલ બાંધીને અલગ કરવામાં આવેલા છે. દુનિયાનાં મોટાં જહાજો આ બાહ્ય અને આંતરિક સમુદ્રમાર્ગો પર લાંગરવામાં આવે છે. જહાજોમાંથી માલ ઉતારીને મોટી હોડીઓ દ્વારા ટેલોક આયર બૅસિન (Telok Ayer Basin) પર લઈ જવામાં આવે છે. આ સિવાય જુરોન્ગ ખાતે નવું બંદર છે, જે ત્યાંના ઉદ્યોગો માટે ઘણું ઉપયોગી છે.
સિંગાપોર આંતરરાષ્ટ્રીય હવાઈ મથક ધરાવે છે. અહીં અન્ય દેશોમાંથી રાતદિવસ સતત હવાઈ જહાજોની અવરજવર ચાલુ રહે છે. ‘મલેશિયા-સિંગાપોર ઍરવેઝ’(MSA)નાં હવાઈ જહાજો દ્વારા દરરોજ નિયમિત રીતે મુસાફરો તથા માલસામાનની હેરફેર થતી રહે છે.
આ દેશમાં પ્રવાસન-પ્રવૃત્તિને ઘણો સારો પ્રતિસાદ મળ્યો છે. આ પ્રવૃત્તિ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે દેશને આર્થિક દૃષ્ટિએ અત્યંત ફાયદાકારક પુરવાર થઈ છે. વર્ષે દહાડે લાખો પર્યટકો સિંગાપોરની મુલાકાતે આવે છે અને કેટલાક તો રજાઓ ગાળવાનું વધુ પસંદ કરે છે. ઈ. સ. 1995માં લગભગ 71.3 લાખ પર્યટકોએ આ ટાપુની મુલાકાત લીધી હતી. અગ્નિ એશિયાના આ અગત્યના વ્યાપારી અને ઔદ્યોગિક મથકનો સોળે કળાએ વિકાસ સધાયા પછી અહીં આવતા પર્યટકો માટે અનેક પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ બની છે. અહીં ખરીદી કરવી – એ પણ જિંદગીનો એક લહાવો ગણાય છે; જેથી સિંગાપોર પર્યટકો માટે સ્વર્ગ સમાન અનોખું આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.
સિંગાપોરમાં કુદરતે છુટ્ટે હાથે પ્રાકૃતિક સૌંદર્યની લહાણી કરી છે, જેનું રસપાન કરતાં માનવી ધરાતો જ નથી. આંખને ઠારે તેવી વનરાજીથી છવાયેલા ડુંગરો, નિર્મળ જળ ધરાવતાં નદીનાળાં, જળધોધ તથા સરોવરો; ઝાડીઝાંખરાંમાં વસવાટ કરતાં વન્ય પ્રાણીઓ તથા રંગબેરંગી પક્ષીઓ; રેતાળ દરિયાકિનારા તથા વિપુલ અને વૈવિધ્યભરી દરિયાઈ જીવસૃષ્ટિ વગેરે દર્શનીય છે.
પ્રકૃતિ સામે વામણા ભાસતા માનવીએ તકનીકી વિજ્ઞાનનો સહારો લઈને અકલ્પ્ય, મનોરંજક અને ભુલભુલામણીવાળાં સાંસ્કૃતિક ભૂમિદૃશ્યોનું પણ અહીં સર્જન કર્યું છે, જે જોનારને ઘડીભર આશ્ર્ચર્યમાં ગરકાવ કરી દે છે. અહીં એક પછી એક એમ હારબંધ અનેક ગગનચુંબી ઇમારતો પથરાયેલી છે; જેમાં રહેઠાણોથી માંડીને ઑફિસો, વ્યાપારિક તથા ઔદ્યોગિક પ્રતિષ્ઠાનો, દુનિયાભરનાં ખાણાં પીરસતી શ્રેષ્ઠ પંચતારક હોટલો, રેસ્ટોરાં, કૉફી-શોપ, રંગબેરંગી અને વિવિધ પ્રકારનાં રમકડાં તથા જીવનજરૂરી ચીજવસ્તુઓનું વેચાણ કરતી દુકાનો અને સ્ટોર વગેરેનો સમાવેશ થાય છે. આ સિવાય અહીં ઉદ્યાનો અને વૉટરપાર્ક, રમતગમત અને આનંદપ્રમોદનાં કેન્દ્રો, ઉજાણી અને સહેલગાહનાં સ્થળો, સિનેમાગૃહો, સંગીત અને નાટ્યગૃહો, ધાર્મિક સ્થાનો, પક્ષી તથા પ્રાણીસંગ્રહાલયો તેમજ ઠેકઠેકાણે વિદ્યુત તથા વીજાણુ-સાધનોની મદદ લઈને અવનવી ચીજવસ્તુઓની કરવામાં આવતી જાહેરખબરોનું પ્રદર્શન પણ માનવીને મનોરંજન પૂરું પાડે છે.
વસ્તી : આજે આ દેશની કુલ વસ્તી આશરે 40 લાખ (ઈ. સ. 2000) જેટલી છે. અહીંની બધી જ વસ્તી શહેરી છે તેમજ સરેરાશ વસ્તીગીચતાનું પ્રમાણ દર ચોકિમી.એ લગભગ 4967 વ્યક્તિઓ જેટલું થવા જાય છે. ઈ. સ. 1819માં આ ટાપુ પર આશરે 150 મલય અને ઓરંગ લૌટ લોકો વસવાટ કરતા હતા. તે પછી ઈ. સ. 1824માં સિંગાપોરની વસ્તી આશરે 10,000 જેટલી થઈ હતી. 19મી સદી અને 20મી સદીની શરૂઆતમાં આ ટાપુ પરની વસ્તીમાં સતત વધારો થતો જ રહ્યો છે, પણ તેમાં ચીની વસાહતીઓનું પ્રમાણ અતિશય વધારે હતું. શરૂઆતમાં મલાક્કામાં વસેલા તેવા ચીની વસાહતીઓએ પણ સિંગાપોરમાં સ્થળાંતર કરેલું છે, જ્યારે કેટલાક દ. ચીનમાંથી સીધા જ અહીં આવીને વસેલા છે. જોકે અહીં વસેલા ભારતીયોમાં દક્ષિણ ભારતના લોકોનું પ્રમાણ વિશેષ છે. શ્રીલંકામાંથી પણ અહીં આવીને કેટલાક લોકોએ વસવાટ કરેલો છે. મલય લોકો મુખ્યત્વે મલેશિયાના જોહોરે (Johore) નગરમાંથી તથા ઇન્ડોનેશિયામાંથી આવીને વસેલા છે. ઈ. સ. 1911માં અહીંની વસ્તીનો આંક લગભગ 31,11,000ને આંબી ગયો હતો અને તે પછીથી અહીં સતત વસ્તીવધારો ચાલુ જ રહ્યો છે.
આ દેશનું વસ્તીપ્રમાણ તપાસીએ તો તેની લગભગ 77 % વસ્તી ચીની લોકોની છે, જ્યારે બાકીની વસ્તીમાં આશરે 15 % મલય અને આશરે 6 % ભારતીય લોકોનું પ્રમાણ છે. સિંગાપોરના લોકો મુખ્યત્વે બૌદ્ધ, તાઓ, ખ્રિસ્તી, ઇસ્લામ, હિંદુ વગેરે ધર્મો પાળે છે. અહીં મલય, ચીની, તમિળ તથા અંગ્રેજી ભાષાનો ઉપયોગ થાય છે. આ દેશમાં શિક્ષણનું પ્રમાણ 91 % જેટલું છે. અહીંનું જીવનધોરણ ઘણું ઊંચું છે અને આ દેશની સરકાર દ્વારા ખાસ કરીને શિક્ષણ, આરોગ્ય તથા રહેઠાણો પ્રત્યે વિશેષ કાળજી લેવાય છે.
સિંગાપોરની મોટાભાગની વસ્તી તેના બંદરની આસપાસ તથા સિંગાપોર નદીની આસપાસના ભાગોમાં કેન્દ્રિત થયેલી છે. ત્યાં સંખ્યાબંધ ગગનચુંબી ઇમારતો પથરાયેલી છે. અહીં મુખ્ય વ્યાપારિક તથા ધંધાકીય વિસ્તાર તેમજ ચાઇનાટાઉન આવેલાં છે. અહીંની સરેરાશ વસ્તીગીચતા દર ચોકિમી.એ આશરે 8,000થી વધુ વ્યક્તિઓની છે. આ ઉપરાંત મધ્યમ ગીચતા ધરાવતા વિસ્તારોમાં જુરોન્ગથી ચંગી સુધી લંબાયેલા પટ્ટામાં આવેલા મુખ્ય સડકમાર્ગો (બુકિટ તિમાહ, નીચો થૉમસન, સેરાન્ગૂન અને ગેલેન્ગ), પયા લેબાર વિસ્તાર (Paya Lebar area), ક્વિન્સટાઉન, તિયોંગ બાહરુ (Tiong Bahru), તોયા પાયોહ (Toya Payoh), બુકિટ પાન્જાન્ગ (Bukit Panjang) વગેરેના સસ્તા આવાસો ધરાવતા એકમોનો સમાવેશ થાય છે. અહીંની વસ્તીગીચતા દર ચોકિમી.એ આશરે 5,500 વ્યક્તિઓની છે.
વળી ઈયો ચુ કાન્ગ (Yio chu Kang), મંડાઈ રોડ (Mandai Road), સેમ્બાવન્ગ રોડ (Sembawang Road), વુડલૅન્ડ્ઝ, લિમ યુ કાન્ગ રોડ, ચોઆ ચુ કાન્ગ રોડ અને જાલાન બાહાર (Jalan Bahar) તથા જાલાન બૂન લૅ (Jalan Boon Lay) વિસ્તારમાં સામાન્ય વસ્તીગીચતા છે; જ્યારે રબરની બાગાયતો, ઉત્તર કિનારાના કાદવકીચડવાળા વિસ્તારો અને કિનારા પાસેના નાના નાના ટાપુઓ અત્યંત આછી વસ્તી ધરાવે છે.
આ દેશમાં સતત વધતી જતી વસ્તીની સાથે સાથે રહેઠાણ અને રોજગારી અંગેની ઘણી સમસ્યાઓ ઊભી થઈ છે. રોજગારીની સમસ્યાના ઉકેલ માટે સરકાર દ્વારા કેટલાંક પગલાં લેવાયાં છે. તે કારણે અહીંના કેટલાક લોકો મલેશિયામાં કામ કરતા થયા છે. વળી નવા નવા ઉદ્યોગોની સ્થાપના કરીને તેમજ પ્રવાસન-ઉદ્યોગોનો વિશેષ વિકાસ કરીને આ સમસ્યાને હળવી બનાવવાના સરકારના પ્રયત્નો ચાલુ છે.
ઐતિહાસિક ભૂમિકા : ઈ. સ. 1819માં થૉમસ સ્ટૅમફૉર્ડ રૅફલ્સની આગેવાની હેઠળની બ્રિટિશ ટુકડીએ આ ટાપુનો કબજો લીધો ત્યારે અહીં ગણ્યાગાંઠ્યા આશરે 150 મલય અને ઓરન્ગ લૌટ (Orang Laut) લોકો વસવાટ કરતા હતા. આ પછી અહીંની વસ્તીમાં ક્રમશ: વધારો થતો ગયો અને ઈ. સ. 1824માં તેની વસ્તીનો આંક આશરે 10,000 સુધી પહોંચ્યો. ઈ. સ. 1946માં સિંગાપોરને બ્રિટનના અલગ શિરમોર સંસ્થાન(crown colony)નો દરજ્જો આપવામાં આવ્યો અને ઈ. સ. 1956માં અહીં આંતરિક સ્વાયત્ત સરકાર કામ કરતી થઈ. ઈ. સ. 1963માં તે મલાયા, સારાવાક તથા સાબાહના બનેલા મલેશિયાના સંઘમાં જોડાયું. આ સંઘમાં મલય લોકોનું વર્ચસ્વ હતું, જ્યારે સિંગાપોરમાં ચીની જાતિતત્વની બહુમતી હતી. આમ બંને વચ્ચેના ગજગ્રાહને પરિણામે ઈ. સ. 1965માં સિંગાપોર એક અલગ રાષ્ટ્ર તરીકે અસ્તિત્વમાં આવ્યું. ઑગસ્ટ 1999માં સિંગાપોરમાં ભારતીય જાતિતત્વ ધરાવતા શ્રી એસ. આર. નાથન દેશના છઠ્ઠા પ્રમુખ તરીકે બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા, તે એક નોંધપાત્ર બિના ગણાવી શકાય.
ઈ. સ. 1966માં ‘આર્થિક કૉર્પોરેશન અને વિકાસ મંડળ’ (OECD) દ્વારા સિંગાપોરની એક વિકસિત દેશ (Developed country) તરીકે ગણના કરવામાં આવી છે, જ્યારે ઈ. સ. 1997માં I.M.F. દ્વારા એશિયાનાં નવાં ચાર ઔદ્યોગિક રાષ્ટ્રોનો ઉમેરો કરવામાં આવ્યો તેમાં હૉંગકૉંગ, તાઇવાન, દ. કોરિયા સહિત સિંગાપોરનો પણ સમાવેશ થાય છે.
બિજલ શંકરભાઈ પરમાર