સિંકોના

દ્વિદળી વર્ગમાં આવેલા રુબિયેસી કુળની એક પ્રજાતિ. આ પ્રજાતિ સદાહરિત ક્ષુપ અને વૃક્ષ-જાતિઓની બનેલી છે; જેમનું વિતરણ ઉષ્ણકટિબંધીય અમેરિકામાં થયેલું છે અને ભારત, ઇંડોનેશિયા, શ્રીલંકા અને આફ્રિકામાં છાલ માટે ઉગાડવામાં આવે છે. છાલ ક્વિનીન અને અન્ય પ્રતિમલેરીય ઔષધોનો સ્રોત છે. લગભગ 7 જાતિઓ અને તેમના સંકરોનો વ્યાપારિક વાવેતર માટે ભારતમાં પ્રવેશ કરાવવામાં આવ્યો હતો. હાલમાં પશ્ચિમ બંગાળ અને તામિલનાડુમાં સિંકોનાનું વાવેતર થાય છે.

સને 1638માં પેરુવિયન વાઇસરૉયની પત્ની, સિંકોન, જે મલેરિયા જેવા તાવથી પીડાતી હતી, તે સિંકોના વૃક્ષની છાલથી સાજી થઈ જવાથી આ વૃક્ષનું નામ ‘સિંકોના’ પડ્યું હોવાનું મનાય છે. તેની બધી જાતિઓ ઍન્ડિઝ પર્વતના પૂર્વના ઍમેઝોનના 1,500થી 3,000 મી.ના ઢોળાવો પર વિષુવવૃત્તની બંને બાજુએ અથવા કોલંબિયાથી બોલિવિયા સુધીના વિસ્તારમાં થાય છે.

સને 1640માં તેને યુરોપિયન ઔષધોમાં દાખલ કરાયું હતું. ક્વિનીન છાલની પ્રથમ જાહેરાત ઇંગ્લૅન્ડમાં 1658માં થઈ અને લંડન ઔષધકોશમાં 1677માં તે માન્ય ઔષધ ગણાયું. 1820માં પેલેટિયર અને કૅવેન્ટોઉએ આ છાલમાંથી આલ્કેલૉઇડ રસાયણ અલગ કર્યું. તે મલેરિયા સામે અસરકારક ક્રિયાશીલતા દર્શાવતું હતું અને તેનું ‘ક્વિનીન’ નામ આપવામાં આવ્યું. મલેરિયા સામે ક્વિનીનની વધતી જતી માંગ પૂરી પાડવા ઘણી ફાર્માસ્યૂટિકલ કંપનીઓએ સંશ્લેષિત ક્વિનીન માટે પ્રયોગો કર્યા. 1944માં વિજ્ઞાનીઓ તેને પ્રયોગશાળામાં સંશ્લેષિત કરવામાં સફળ નીવડ્યા. આજે પણ ઇન્ડોનેશિયા અને ભારતમાં સિંકોના ઉગાડવામાં આવે છે. જોકે ક્વિનીનની છાલ પૂરી પાડવામાં આફ્રિકા અગ્રેસર છે. પેરુ, બોલિવિયા અને ઇક્વેડૉરમાં તે ખૂબ ઓછા પ્રમાણમાં ઉગાડવામાં આવે છે.

તે હૃદય માટે અસરકારક છે તેવી નોંધ 17મી સદીના અંતે શૈક્ષણિક ચિકિત્સકોએ લીધી. 18મી સદીની શરૂઆતમાં હૃદયના પ્રશ્નો અને અતાલતા (arrhythmia) માટે તેની છાલ વપરાવા લાગી. તેની છાલમાંથી બીજું આલ્કેલૉઇડ ‘ક્વિનીડિન’ અલગ કરવામાં આવ્યું. તે હૃદયના પ્રશ્નો માટે ખૂબ જ અસરકારક હતું.

 

આકૃતિ : સિંકોના(Cinchona ledgeriana)ની પુષ્પ અને ફળ ધરાવતી શાખા

ભારતમાં સિંકોનાની કેટલીક જાતિઓ ઉગાડવામાં આવે છે; પરંતુ Cinchona calisaya Wedd., C. ledgeriana Moens ex Trimen, C. officinalis Linn. અને C. succirubra Pav. ex Klotzsch અને તેમનાં સંકરોની વાવણી છાલના વ્યાપારિક પુરવઠા માટે થાય છે.

C. calisaya Wedd. (અં. કેલિસાયા, પેરુવિયન કે યલો બાર્ક; હિં. બં. ક્વિનીન; ક. બાર્કના, નાર્કિના; મલા. કોયના; ત. કોનિયા; તે. જાડ્ડાપટ્ટા) મજબૂત વૃક્ષ-જાતિ છે, જેનું નગ્ન સીધું થડ 7 મી. સુધીની ઊંચાઈ ધરાવે છે. તેની છાલ જાડી, આછા સફેદ રંગની, તિરાડોવાળી અને લીસી હોય છે. પર્ણો સાદા સંમુખ, ઉપપર્ણીય (stipulate), લંબચોરસ-ભાલાકાર કે ઉપવલયી-લંબચોરસ અને ચર્મિલ હોય છે. આછા ગુલાબી રંગનાં પુષ્પો અગ્રસ્થ પરિમિત(cyme)માં પિરામિડીય લઘુપુષ્પગુચ્છ(panicle)-સ્વરૂપે ગોઠવાયેલાં હોય છે. પ્રાવર પ્રકારનું ફળ અંડ-લંબચોરસ (ovoid-oblong), 8થી 17 મિમી. લાંબું હોય છે અને ટોચ ઉપર દીર્ઘસ્થાયી (persistent) વજ્ર ધરાવે છે. બીજ ઉપવલયી હોય છે. પશ્ચિમ બંગાળ અને નીલગિરિ(તામિલનાડુ)માં 1500 મી.ની ઊંચાઈ સુધી ઉપવનો(plantations)-સ્વરૂપે ઉગાડાય છે. છાલમાં રહેલાં આલ્કેલૉઇડ સારણી 3માં આપવામાં આવ્યાં છે. એક સફેદ સ્ફટિકમય પદાર્થ સિંકોસેરોટિન છાલમાંથી અલગ કરવામાં આવ્યો છે.

C. ledgeriana પેરુ અને બોલિવિયાની મૂલનિવાસી જાતિ છે. તે ઝડપી વૃદ્ધિ પામતું 7.5 મી. (ભાગ્યે જ 25 મી.) ઊંચું વૃક્ષ છે. તેનાં પર્ણો લીસાં, જાડાં, ચર્મિલ અને ઉપવલયી હોય છે. પુષ્પો આછા પીળા રંગનાં અગ્રસ્થ પરિમિતમાં પિરામિડીય લઘુપુષ્પગુચ્છ-સ્વરૂપે ગોઠવાયેલાં હોય છે. ફળ પ્રાવર પ્રકારનાં, 8થી 15 મિમી. લાંબાં અને અંડ-ભાલાકાર (ovoid-lanceolate) હોય છે. તેનું વાવેતર પશ્ચિમ બંગાળમાં 1000થી 1900 મી.ની ઊંચાઈ સુધી, તામિલનાડુની અનાઈમલાઈની ટેકરીઓ તથા તિરુનેવેલી જિલ્લામાં અને થોડાઘણા પ્રમાણમાં મેઘાલય, આસામ અને ત્રિપુરામાં થાય છે. તે સિંકોનાનો કુલ વાવણીનો 75 % ભાગ બનાવે છે અને ક્વિનીનનો મુખ્ય સ્રોત છે. તે જટિલ સંકર છે. જોકે કેટલાક સંશોધકો તેને C. calisay-ની જાત (variety) માને છે.

છાલ અને પર્ણોમાંથી મળતાં આલ્કેલૉઇડો સારણી 3માં આપવામાં આવ્યાં છે. મુખ્ય આલ્કેલૉઇડોની ટકાવારી સારણી 4માં આપવામાં આવી છે. પ્રકાંડની છાલમાં ક્વિનીન 90 % જેટલું અને મૂળની છાલમાં આશરે 60 % જેટલું હોય છે. પર્ણો કુલ આલ્કેલૉઇડોનો લગભગ 1.0 % જેટલો ભાગ ધરાવે છે. છાલનો બિન-આલ્કેલૉડીય ઘટક એન્થ્રેક્વિનોન, નોરસોલોરિનિક ઍસિડ અને -સિટોસ્ટૅરોલ ધરાવે છે. છાલમાં 9 %થી 14 % જેટલું ટેનિન અને અંત:કાષ્ઠ(heartwood)માં એક ગ્લાયકોસાઇડ હોય છે; જેના જલાપઘટનથી એક એગ્લાયકોન, ક્વિનોવિક ઍસિડ અને ગ્લુકોઝ ઉત્પન્ન થાય છે. પર્ણોમાં ક્વિર્સેટિન, કૅમ્ફેરોલ, રેનાઉટ્રિન અને ડેલ્ફિનીડિન હોય છે. પર્ણોનો ઇથેનૉલીય નિષ્કર્ષ (50 %) વૅક્સિનિયા વાઇરસ સામે પ્રતિ-વિષાણુક (anti-viral) સક્રિયતા દાખવે છે. બીજમાં સ્થિર તેલ (6.1 %) હોય છે.

C. officinalis (ક્રાઉન કે લોક્સાબાર્ક) 6થી 15 મી.ની ઊંચાઈ ધરાવતી વૃક્ષ-જાતિ છે. તે ખરબચડી અને બદામી રંગની છાલ ધરાવે છે. તે બહારની બાજુએ આછા સફેદ અને અંદરની બાજુએ આછાં પીળાં ચિહનો ધરાવે છે. પર્ણો 7થી 15 સેમી. લાંબાં, અંડ-ભાલાકાર (ovate-lanceolate) હોય છે અને રતાશ પડતા લીલા પર્ણદંડો ધરાવે છે. લાલ પુષ્પો પરિમિતમાં ગોઠવાયેલાં હોય છે. પ્રાવર લંબચોરસ 12થી 20 મિમી. લાંબાં હોય છે. બીજ ઉપવલયી અને સપક્ષ હોય છે. તે પશ્ચિમ બંગાળ અને નીલગિરિમાં ઉગાડવામાં આવે છે અને દક્ષિણ ભારતમાં 2600 મી.ની ઊંચાઈ સુધી સારી રીતે થઈ શકે છે. છાલ તાવમાં હોમિયોપથીય ઔષધ તરીકે, કમળો અને બાળકોની જઠરીય તકલીફોમાં વપરાય છે. પર્ણો ક્વિર્સેટિન, કૅમ્ફેરોલ અને એવિક્યુલેરિન ધરાવે છે. બીજમાં 13.3 % જેટલું સ્થિર તેલ હોય છે.

સારણી 1 : સિંકોનાની છાલનાં બાહ્ય લક્ષણો

C. calisaya C. ledgeriana C. officinalis C. succirubra
(= C. pubescens)
વ્યાસ 12-25 મિમી. કે તેથી વધારે; 2.5 મિમી. જાડી; પહોળી ઊભી ફાટો. C. calisaya-ની જેમ. વ્યાસ 12 મિમી. સુધી; જાડાઈ 1.5 મિમી. 20થી 40 મિમી.નો વ્યાસ; 2.6 મિમી. જાડાઈ.
આડી તિરાડો એકબીજાથી 6થી 12 મિમી. દૂર હોય છે. C. calisaya-ની જેમ પરંતુ તિરાડો વધારે સંખ્યામાં, ઓછી ઊંડી; કેટલાક ટુકડા- ઓમાં ઊભા સળ કે લાલ ગાંઠો. આડાં ચિહ્નો અનેક; ઘણે ભાગે 6 મી.થી ઓછા અંતરે સ્પષ્ટ ઊભા સળો;  ડી તિરાડો ઓછી; કેટલાક કડાઓમાં લાલ ગાંઠો.
ચૂર્ણ તજ જેવું બદામી. ચૂર્ણ તજ જેવું બદામી. ચૂર્ણ પીળું. ચૂર્ણ રતાશ પડતું બદામી.

S. succirubra = S. pubescens (રેડ બાર્ક) 12થી 25 મી. ઊંચું અને ટટ્ટાર વૃક્ષ છે. તેની છાલ રતાશ પડતી બદામી હોય છે. પર્ણો મોટાં, પાતળાં અને ઉપવલયી હોય છે. તેમની નીચેની બાજુ લાલ રંગની જોવા મળે છે. ગુલાબી રંગનાં પુષ્પો પરિમિત સ્વરૂપે દ્રાક્ષશાખી (thyrsoid) લઘુપુષ્પગુચ્છમાં ગોઠવાયેલાં હોય છે. પ્રાવર લંબચોરસ, 25થી 35 મિમી. લાંબાં હોય છે. બીજ અંડાકાર અને 7થી 10 મિમી. લાંબાં હોય છે. સંવર્ધિત (cultivated) જાતિઓમાં તે સૌથી વધારે સહિષ્ણુ છે અને 600થી 2000 મી.ની ઊંચાઈ સુધી અને વિવિધ તાપમાને અનુકૂલન સાધી શકે છે. તે પશ્ચિમ બંગાળ અને અનાઈમલાઈમાં ઉગાડવામાં આવે છે. ઇન્ડોનેશિયામાં તેનું C. ledgerianaના સ્કંધ (stock) તરીકે વાવેતર થાય છે.

સારણી 2 : સિંકોનાની છાલનાં અંત:સ્થ રચનાકીય (histological) લક્ષણો

અંત:સ્થ રચનાકીય લક્ષણો C. cali-saya C. ledge-riana C. offici-nalis C. succi-rubra
સ્રાવી નલિકાઓ
(secretion tubes)
અરીય માપ
(radial measurement)
(4, માઇક્રોન)
40-86 43-85 25 74-155
સ્પર્શીય (tangential)
માપ (માઇક્રોન)
47-137 75-128 42 100-365
અન્નવાહિની તંતુઓ
(bast fibres)
અરીય માપ (માઇક્રોન) 21-95 30-75 30-75 50-105
સ્પર્શીય માપ
(માઇક્રોન)
20-85 40-75 30-65 30-65
લંબાઈ (માઇક્રોન) 372-1060 485-850 480-890 352-1470

છાલ, પ્રકાંડ અને પર્ણોમાંથી અલગ કરેલાં આલ્કેલૉઇડો સારણી 3માં અને મુખ્ય આલ્કેલૉઇડોની ટકાવારી સારણી 4માં આપવામાં આવ્યાં છે. સિંકોનાની અન્ય જાતિઓથી વિપરીત, તે મુખ્ય આલ્કેલૉઇડ તરીકે સિંકોનીન ધરાવે છે. આલ્કેલૉઇડો ઉપરાંત, છાલમાં ચાર ફિનિલપ્રોપેનૉઇડ દ્વારા પ્રતિસ્થાપિત (substituted) ફ્લેવેનોલ (સિંકોનેઇન Ia-Id) અને બે ફિનિલપ્રોપેનૉઇડ દ્વારા પ્રતિસ્થાપિત પ્રોઍન્થ્રોસાયનીડિન (સિંકોનેઇન IIa અને IIb) અને પ્રોએન્થ્રોસાયનીડિન A-2, B-2, B-5 અને C-1 અને (~) – એપીકેટેચિન, ક્વિનૉવિક ઍસિડ અને તેના 3-ર્હેમ્નોસાઇડ અને કૅફેઇક ઍસિડ હોય છે. છાલમાંથી ઈંટ જેવા લાલ રંગનું દ્રવ્ય અને લીલા રંગનું દ્રવ્ય સ્કિર્ચિન (ક્લૉરોફિલથી જુદું) મળી આવે છે. કાષ્ઠનું (શુષ્કતાને આધારે) એક રાસાયણિક વિશ્લેષણ આ પ્રમાણે છે : આલ્કોહૉલ-બેન્ઝિન નિષ્કર્ષ 15.9 %, લિગ્નિન 24.8 %, હોલોસૅલ્યુલોઝ 58.0 %, પેન્ટોસન 17.4 % અને ભસ્મ 0.3 %. પર્ણોમાં સાયનિડોલ 3-ગ્લાયકોસાઇડ, સાયનિડોલ 3-રહેમ્નોગ્લાયકોસાઇડ, ક્વિર્સિટોલ 3-ગ્લાયકોસાઇડ, ક્વિર્સિટોલ રહેમ્નોગ્લાયકોસાઇડ અને આઇસોર્હેમ્નેટોલ અને કૅમ્પેફેરોલ અને પ્રોટોકેટેચ્યુઇકના રહેમ્નોગ્લાયકોસાઇડો અને p-કાઉમેરિક, કૅફેઇક અને ક્લૉરોજેનિક ઍસિડ હોય છે.

C. robusta (C. officinalis × C. succirubraનો સંકર) સહિષ્ણુ જાતિ છે અને તામિલનાડુમાં 1200થી 3000 મી.ની ઊંચાઈ સુધી ઉગાડવામાં આવે છે. ભારતના સિંકોનાના કુલ વાવેતરનો તે લગભગ 22 % જેટલો ભાગ બનાવે છે. C. hybrida  (C. succirubra × C. ledgerianaનો સંકર) અને બીજો સંકર (C. officinalis × C. ledgeriana) પશ્ચિમ બંગાળમાં વાવવામાં આવે છે.

સારણી 3માં તેમની છાલનાં આલ્કેલૉઇડો આપવામાં આવ્યાં છે. પર્ણો ક્વિર્સેટિન, કૅમ્ફેરોલ અને એવિક્યુલેરિન ધરાવે છે.

સારણી 3 : સિંકોનાની જાતિઓનાં આલ્કેલૉઇડો

જાતિનું નામ વનસ્પતિ અંગ આલ્કેલૉઇડ
1 2 3
C. calisaya છાલ સિંકોનીન, કન્ક્વિનેમાઇન, ડાઇકન્ક્વિનીન,
C. hybrida છાલ ક્વિનીન
C. ledgeriana છાલ સિંકોનીડિન, સિંકોનીન, કન્ક્વિનેમાઇન,
જાવાનિન, ક્વિનેમાઇન, ક્વિનીડિન,
ક્વિનીન, ક્વિનીનોન/ક્વિનીડિનોન
પર્ણો ઍરિસિન, સિંકોનીડિન, સિંકોનીન, સિંકોફાઇ-
લેમાઇન, આઇસોસિંકોફાઇલેમાઇન, 3α,
17α-, 3α, 17β, 3β, 17α- અને 3β,
17α-  અને 3β, 17β-  સિંકોફાઇલિનો,
17, 4´ ડાઇડીહાઇડ્રૉ-3α-  સિંકોફાઇલિન,
18, 19-ડાઇડીહાઇડ્રૉ-3β, 17α  (& β) – ઓક્રોલિફ્યુએનિન, ડાઇહાઇડ્રૉક્વિનીડિન, ડાઇહાઇડ્રૉક્વિનીન, 3-એપિક્વિનેમાઇન, ગ્યુટ્ટાર્ડિન, આઇસોકોરિનેન્થિયોલ, 10-મિથૉ-ક્સિસિંકોનેમાઇન, ક્વિનેમાઇન,
ક્વિન્કો- ફાઇલેમાઇન, ક્વિન્કોફાઇલિન, ક્વિનીન,
17, 4´, 5´, 6´ – ટેટ્રાહાઇડ્રૉસિંકોફાઇલિન
બીજ ક્વિનીન
C. officinalis છાલ સિંકોનીડિન, સિંકોનીન, જાવાનીન, ક્વિનેમાઇન, ક્વિનીડિન, ક્વિનીન
C. succirubra

(= C. pube scens

છાલ સિંકોનીડિન, સિંકોનીન, ક્ધા્ક્વિનેમાઇન,
ડાઇહાઇડ્રૉસિંકોટિન, ક્યુપ્રેઇન, સક્સિરુબિન,
મિથાઇલ સક્સિરુબિન, પૅરિસિન, ક્વિને-
માઇન, ક્વિનીસિન, ક્વિનીડિન, ક્વિનીન
પ્રકાંડ 3 , 17∝  અને 3∝; 17β
સિંકોફાઇલિનો, સિંકોનેમાઇન, 10-મિથૉક્સિ-સિંકોનેમાઇન
પર્ણો સિંકોનીડિન, સિંકોનીન, 3α, 17α  અને
3α, 17β-સિંકોફાઇલિનો, ડાઇહાઇડ્રૉક્વિનીન,
ડાઇહાઇડ્રૉક્વિનીડિન, 3-એપિક્વિનેમાઇન,
10-મિથોક્સિસિંકોનેમાઇન, ક્વિનેમાઇન,
ક્વિનીડિન, ક્વિનીન.
C. robusta છાલ સિંકોનીડિન, સિંકોનીન, ક્વિનીન

સારણી 4 : સિંકોનાની છાલનાં મુખ્ય આલ્કેલૉઇડો

જાતિ અને
વનસ્પતિ-અંગ
કુલ
આલ્કે-
લૉઇડ
%
ક્વિનીન

%

ક્વિની-
ડિન
%
સિંકો-
નીન
%
સિંકોની
ડિન
%
અન્ય
આલ્કે-
લૉઇડો
%
C. ledgeriana
મૂળ
પ્રકાંડ
શાખા
7.47
5.79
2.98
5.11
4.14
1.98
0.53
0.44
0.14
0.68
0.25
0.20
0.44
0.36
0.09
0.71
0.60
0.57
C. officinalis
મૂળ
પ્રકાંડ
શાખા
4.16
4.42
2.35
1.76
2.56
1.44
0.52
0.13
0.09
0.66
0.37
0.19
0.49
0.89
0.49
0.63
0.47
0.14
C. succirubra
(= C. pubescens)
મૂળ
પ્રકાંડ
શાખા
7.21
6.09
4.0
1.42
1.74
1.16
0.37
0.20
0.20
3.00
1.63
1.10
1.12
1.47
0.82
1.30
1.05
0.72
C. robusta
 શાખા 4.5 2.2-2.25


સિંકોનાના વાવેતર માટે હલકી, સારા નિતારવાળી, પુષ્કળ સેન્દ્રિય દ્રવ્ય ધરાવતી અને ઍસિડિક (pH 4.2થી 5.6) અક્ષત (virgin) વન-મૃદા અનુકૂળ છે. પહાડી પ્રદેશોમાં 10 %થી 15 % જેટલા ઢોળાવવાળાં હિમથી મુક્ત આશ્રિત (sheltered) સ્થાનો આદર્શ ગણાય છે.સિંકોનાને ઠંડી ભેજવાળી આબોહવા સૌથી અનુકૂળ છે. સરેરાશ 20° સે. તાપમાન આવશ્યક છે. 7° સે.થી નીચું અને 26° સે.થી ઊંચું તાપમાન અનુકૂળ નથી. વાર્ષિક વરસાદ આશરે 400 સેમી. જેટલો, સ્પષ્ટ, શુષ્ક ઋતુ વિનાનો વધારે ઇચ્છવા યોગ્ય છે.

સિંકોનાનું પ્રસર્જન બીજ દ્વારા કે વાનસ્પતિક પદ્ધતિએથી થાય છે. બધી જ જાતિઓ વિષમયુગ્મી (heterozygous) હોય છે અને પસંદ કરેલા વધારે ક્વિનીન ધરાવતા પ્રકાર(strains)ના પ્રજનનમાં વાનસ્પતિક પ્રસર્જન એક આધાર તરીકે મહત્વ ધરાવે છે. ભારતમાં સિંકોનાની વાવણી રોપાઓ દ્વારા થાય છે.

બીજ નાનાં અને હલકાં (આશરે 2000થી 3500 ગ્રા.) હોય છે અને બહુ થોડાક માસમાં જીવનક્ષમતા (viability) ગુમાવે છે. ઓછા ભેજે હવાચુસ્ત પાત્રોમાં સંગૃહીત બીજ ત્રણ વર્ષ સુધી જીવનક્ષમ રહે છે. પ્રત્યેક વૃક્ષ આશરે 1000 પ્રાવર (પ્રાવરદીઠ એક બીજ) ધરાવે છે. તાજાં બીજ 90 % જેટલું અંકુરણ આપે છે.

2 મી. × 1 મી.ની ક્યારીઓમાં માર્ચ-એપ્રિલમાં બીજ છૂટાં વેરવામાં આવે છે. ક્યારીઓમાં સૌથી ઉપર સરખા પ્રમાણમાં રેતી અને પર્ણોનું ફળદ્રૂપ ખાતર વેરવામાં આવે છે અને તેના પર ઝીણી રેતી પાથરવામાં આવે છે. પછી ક્યારીઓમાં ધીમે રહીને પાણી ઉમેરવામાં આવે છે. 5.0 ચોમી.ના ક્યારા માટે 30 ગ્રા. બીજ જરૂરી છે. 3થી 6 અઠવાડિયાંમાં બીજાંકુરણ થાય છે. જરૂરિયાત મુજબ હળવી ગોડ (hoeing) અને પિયત આપવામાં આવે છે. જ્યારે રોપા 2થી 3 જોડ પર્ણો ધરાવતા હોય અને 5.0 સેમી. ઊંચા બને ત્યારે તેમનું પૉલિથીનની કોથળીઓમાં રોપણ કરવામાં આવે છે. પૉલિથીનની કોથળીઓ(30 સેમી. × 13 સેમી.)માં 5 : 1ના પ્રમાણમાં પર્ણોનું ખાતર અને રેતી ભરવામાં આવે છે. કોથળીઓને છાંયડે હરોળમાં મૂકવામાં આવે છે અને જરૂર પ્રમાણે પાણી અપાય છે. રોપાઓ સહિષ્ણુતા પ્રાપ્ત કરે તે માટે ક્રમશ: છાંયડો ઘટાડવામાં આવે છે. રોપાઓ 20થી 40 સેમી. ઊંચાઈ ધારણ કરે ત્યારે તેમને ખેતરમાં વાવવામાં આવે છે. 217 કિગ્રા. યુરિયા અને 250 કિગ્રા. પોટૅશિયમ મ્યુરિયેટનું ખાતર પ્રતિહેક્ટર પ્રતિવર્ષ આપવાની ભલામણ થઈ છે. જ્યારે રોપાઓનું સ્થાપન થાય ત્યારે તેઓ એકબીજા સાથે સ્પર્ધા કરવાની શરૂઆત કરે છે; તેથી વિરલન (thinning) કરી આ સ્પર્ધા અટકાવાય છે. આ અવસ્થાએ થોડી છાલ મેળવવામાં આવે છે. તરુણ છોડને છાયાની જરૂરિયાત હોય છે. ઇંડિયન એલ્ડર (Alnus nepalensis), પાનરવો (Erythrina indica), જંગલી વખરો (E. suberosa) અને સિરન (Albizzia chinensis) તથા સિલ્વરફર(Grevillea robusta)ને સિંકોનાના વાવેતરથી 4 મી.ના અંતરે ઉગાડવામાં આવે છે. ક્રમશ: આ વનસ્પતિઓનું વિરલન કરવામાં આવે છે. સિંકોનાની વચ્ચે સણુ (Crotolaria) અને કેલોપોગોનિયમ (Calopogonium) આવરણ-પાક (cover crop) વાવવામાં આવે છે.

વાનસ્પતિક પ્રજનનની પ્રણાલિકાગત પદ્ધતિઓ સિંકોના માટે અંશત: જ સફળ છે. ક્વિનીનનું વધારે ઉત્પાદન આપતી જાતની કટકાકલમ ખૂબ મુશ્કેલીથી મૂળ ઉત્પન્ન કરે છે. ચાર પર્ણો ધરાવતી શાખા કે IAA (Indole-3-acetic acid) અથવા NAA( -નૅપ્થેલિન એસેટિક ઍસિડ)ની ચિકિત્સા આપેલ કલમમાં મૂળ-નિર્માણની ટકાવારીમાં વધારો થયો છે.

રોગો અને જીવાત : સિંકોના કેટલાક રોગો અને જીવાતો માટે સંવેદી છે. આર્દ્ર પતન(damping off)નો રોગ Macrophomina phaseoli નામની ફૂગ દ્વારા થાય છે. રોગગ્રસ્ત છોડનો નાશ, વધારે પડતા છાંયડામાં ઘટાડો, પાણી આપવામાં નિયંત્રણ અને કૉપર ફૂગનાશકોનો ઉપયોગ રોગ-નિયંત્રણ કરે છે. વાવતાં પહેલાં ક્લોરોપિક્રિનની બીજચિકિત્સા અને મૃદા પર સ્ફેગ્નમ નામની શેવાળના આવરણનું સર્જન આ રોગને અટકાવવામાં મદદ કરે છે.

રોપાઓને ધરુવાડિયામાં મૂળના બદામી સડાનો રોગ Fomes noxius અને F. lamaoensis નામની ફૂગ દ્વારા થાય છે. બોર્ડો-મિશ્રણના સામયિક છંટકાવો દ્વારા રોગ-નિયંત્રણ થાય છે. કાળો સડો Rosellinia spp. દ્વારા થાય છે. અસરગ્રસ્ત મૂળ કાળા ઊન જેવા મિસિતંતુ (mycelium) દ્વારા આવરિત બને છે. છાલની નીચે સફેદ મિસિતંતુના તારકો જોવા મળે છે. ચેપગ્રસ્ત અંગો એકત્રિત કરી બાળી નાખવામાં આવે છે. પેરેનૉક્સના દ્રાવણનો છંટકાવ રોગનિયંત્રણ કરે છે.

Sclerotium rolfsii ધરુવાડિયામાં રોપાઓને મૂળના સડાનો રોગ લાગુ પાડે છે. ધરુવાડિયાના સ્થાનમાં વારંવાર ફેરફાર કરવાથી અને બીજ વાવતાં પહેલાં મૃદાને ધુમાડો આપવાથી રોગનું નિયંત્રણ થાય છે. Sporotrichum અને Verticilliumની જાતિઓ દ્વારા પ્રકાંડનો સુકારો, Phytophthora palmivora ધરુવાડિયાના જૂના સ્થાનના રોપાઓને ગંભીર અસર કરે છે. ધરુવાડિયાનો વારંવાર સ્થાનફેર, નીચાણવાળા ભાગમાં ધરુવાડિયાનું સ્થાન, નિતારણમાં સુધારો વગેરે ઉપાયો આ રોગથી થતા નુકસાનને અટકાવે છે.

ગુલાબી રોગ Pellicularia salmonicolor દ્વારા થાય છે. તે કોમળ કાષ્ઠમય શાખાઓને અસર કરે છે; જેઓ તેમનાં પર્ણો ગુમાવતાં પશ્ર્ચક્ષય (die back) થાય છે. યજમાનની શાખાઓને આ ફૂગને રેશમી મિસિતંતુ ઘેરી વળે છે અને પર્ણોની નીચેની સપાટીએ ગુલાબી પોપડાઓ જામે છે. અસરગ્રસ્ત શાખાઓ કાપીને બાળી નાખવામાં આવે છે અને તંદુરસ્ત છોડ પર બોર્ડો-મિશ્રણનો છંટકાવ કરવામાં આવે છે.

સિંકોનાને અસર કરતી જીવાતોમાં પર્ણનો માંકડ (disphinctus humeralis) કુમળાં પર્ણોને નુકસાન પહોંચાડે છે. Helopeltis અને Sphinxની ઇયળો ધરુવાડિયાને નુકસાન કરે છે. ચાની માખી પર્ણોને નુકસાન પહોંચાડે છે. તેમનું નિયંત્રણ ડાઇમિથાઇલ ફૉસ્ફૉરિક એસ્ટરના છંટકાવ દ્વારા થાય છે.

લણણી અને ઉત્પાદન : સિંકોનાનો પાક ખેતરમાં લગભગ 16 વર્ષ સુધી રહે છે. કાપેલાં પ્રકાંડ, મૂળ અને શાખાઓમાંથી છાલ લાકડાની હથોડી દ્વારા અલગ કરવામાં આવે છે અને છાંયામાં સપાટ સ્થળ પર ક્રમિક શુષ્કન માટે મૂકવામાં આવે છે. શુષ્કન વખતે છાલના ટુકડાઓને ઉપરતળે કરવાથી કોહવાટ કે આથવણ અટકાવી શકાય છે. શુષ્કનને કારણે તેનું વજન ઘટીને 30 %થી 40 % જેટલું થઈ જાય છે. છોલીને મેળવેલી છાલ શુષ્કન અને પરિવેષ્ટન (packing) માટે અનુકૂળ હોય છે. યોગ્ય રીતે સૂકવેલી છાલ બગડ્યા વિના કેટલાક મહિનાઓ સુધી રાખી શકાય છે. છાલ વૃક્ષના વિવિધ ભાગો તેમજ વિવિધ જાતોમાંથી મેળવી અલગ રાખવામાં આવે છે. તેનું વર્ગીકરણ કર્યા પછી તેને દળવામાં આવે છે અને 45 કિગ્રા.ની ગૂણમાં ભરવામાં આવે છે. એક આવર્તન (rotation) દરમિયાન 4000-5000 કિગ્રા./હે. શુષ્ક છાલનું ઉત્પાદન થાય છે.

રાસાયણિક બંધારણ અને ઉપયોગ : સિંકોનાનું સૌથી મહત્વનું આલ્કેલૉઇડ ક્વિનીન છે. આ ઉપરાંત ક્વિનીડિન, સિંકોનીન અને સિંકોનીડિન ઔષધની દૃષ્ટિએ ઉપયોગી છે. તેઓ મુખ્યત્વે ક્વિનિક અને સિંકોટેનિક ઍસિડના ક્ષાર-સ્વરૂપે જોવા મળે છે અને તેઓની સાપેક્ષ સાંદ્રતા જુદી જુદી જાતિઓમાં અને વૃદ્ધિના વિવિધ તબક્કાઓ પ્રમાણે બદલાતી રહે છે. છાલના કુલ આલ્કેલૉઇડોમાંથી અલગ કરેલું ક્વિનીન ક્વિનીન સલ્ફેટ સ્વરૂપમાં હોય છે. ક્વિનીન (વામાધૂર્ણી = laevorotatory) અને ક્વિનીડિન (દક્ષિણાવર્તધૂર્ણક = dextrorotatory) સમઘટકો (isomers) છે, તે જ રીતે સિંકોનીન (દક્ષિણાવર્તધૂર્ણક) અને સિંકોનીડિન (વામાધૂર્ણી) પણ સમઘટકો છે. પ્રયોગનિર્ણીત (empirical) ષ્ટિએ ક્વિનીનને મિથૉક્સિસિંકોનીડિન અને ક્વિનીડિનને મિથૉક્સિસિંકોનીન કહી શકાય. ક્વિનીન અને ક્વિનીડિનના ઉત્પાદનનો વધારો પેશીસંવર્ધન-પદ્ધતિ દ્વારા અસરકારક રીતે કરી શકાય છે. સિંકોનાની જાતિઓનું નિલંબિત કોષસંવર્ધન કે મૂળનું સંવર્ધન ટ્રિપ્ટોફેન ધરાવતા માધ્યમમાં કરવાથી આલ્કેલૉઇડ દ્રવ્યોનું પ્રમાણ વધે છે.

ઉપયોગ : સિંકોનાની છાલ અને આલ્કેલૉઇડોનો પ્રતિ-મલેરીય (anti-malarial) તરીકે અને સામૂહિક રીતે ટોટેક્વિન બનાવવામાં ઉપયોગ થાય છે. તેમનો ઉપયોગ કાઢો, ટિંક્ચર, આલ્કેલૉડીય મિશ્રણ કે અલગીકૃત આલ્કેલૉઇડો અને તેમના ક્ષારો-સ્વરૂપે કરવામાં આવે છે. વિશ્લેષણાત્મક (analytical) પદ્ધતિઓ અને શુદ્ધ સ્વરૂપે ક્વિનીનના અલગીકરણની પ્રગતિની સાથે ક્વિનીન-સલ્ફેટે છાલના ચૂર્ણના કાઢાનું અને ટિંક્ચરનું વિસ્થાપન કર્યું છે. ભારતીય ઔષધકોશમાં ક્વિનીન-બાઇસલ્ફેટ, ક્વિનીન-ડાઇહાઇડ્રૉક્લોરાઇડ અને ક્વિનીન-સલ્ફેટ અને ગોળીઓ અધિકૃત ગણવામાં આવી છે. મલેરિયાના પુનરુત્થાન (resurgence) અને આ ઔષધોના પ્રતિ-મલેરિયાઈ તરીકેના વપરાશમાં વધારાને કારણે સિંકોના અને ક્વિનીનની નીપજોની માંગ ચાલુ રહી છે.

ક્વિનીન મલેરિયાની ચિકિત્સામાં અત્યંત અસરકારક ઔષધ છે, કારણ કે માનવના રુધિરમાં રહેલા મલેરિયાના પરોપજીવીઓને તે મારી નાખે છે અને સ્થાનિક વિસ્તારોમાં મલેરિયા અટકાવવા તે રોગનિરોધી (prophylactic) યોજના બની રહે છે. જોકે સાંશ્લેષિત (synthetic) પ્રતિ-મલેરિયાઈ ઔષધોએ ક્વિનીનનું ઘણે ભાગે વિસ્થાપન કર્યું હોવા છતાં આ ઔષધ Plasmodium falciparum દ્વારા થતા ક્લોરોક્વિન-રોધી મલેરિયાના તાવમાં હજુ પણ જરૂરી છે. મગજના મલેરિયામાં તે અંત:શિરીય (intravenous) રીતે અપાય છે. ઉપરાંત સિંકોના સામાન્ય શરદી, કફ, ઇન્ફ્લુઍન્ઝા અને માથાના દુખાવામાં વેદનાહર (analgesic) તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. તે અમીબીય મરડો, અજીર્ણ (dyspepsia) અને પિનકૃમિઓ(pin-worms)ના ગ્રસન(infestation)માં નિયત કરાયેલ ઔષધ છે. તેનો પ્રસવ દરમિયાન ગર્ભાશયના સંકોચનો ઝડપી બનાવવા ઉપયોગ થાય છે. તે સ્નાયુઓના જકડાવા અને પગ ગંઠાઈ જવાના રોગમાં ઉપયોગી છે.

ક્વિનીન-સલ્ફેટ રાત્રી-તાણ(night cramps)ની ચિકિત્સામાં આપવામાં આવે છે. સિંકોનાના નિષ્કર્ષોનો વાળના લોશન અને મલમો માટે, તેની વૃદ્ધિ પ્રેરવા અને તેની ચીકાશનું નિયંત્રણ કરવા માટે ઉપયોગ થાય છે. તેના કડવા, ક્ષુધાવર્ધક (stomachic) અને ઉત્તેજક (stimulant) ગુણધર્મોને લીધે શક્તિપ્રદાયક(tonic)માં એક ઘટક તરીકે તે ઉપયોગી છે. સુગંધિત એમોનિયા સાથે સંયોજિત સ્વરૂપમાં તે એક અત્યંત સુંદર શક્તિપ્રદાયક બને છે. યુનાની ઔષધોમાં વર્ણવ્યા મુજબ હાથીપગાને કારણે આવતા તાવ માટેના જટિલ ઔષધના નિર્માણમાં એક મહત્વના ઘટક તરીકે તે જરૂરી છે. તેનો કાઢો કે ઍસિડીય આસવ કોગળા કરવામાં ઉપયોગી છે.

ક્વિનીન જીવરસીય વિષ છે અને સ્થાનિક રીતે આપવાથી તંતુમયતા (fibrosis) અને ઉતકક્ષય (necrosis) થાય છે. મોટી માત્રામાં તે વિષાળુ (toxic) છે. મનુષ્યને મોં દ્વારા 8થી 20 ગ્રા. આપવાથી ક્વિનીન પ્રાણઘાતક બને છે. વિષાળુતાના સૌથી સામાન્ય ચિહ્નને ‘સિંકોનાત્યય’ (cinchonism) કહે છે; જેમાં કાનમાં સતત નિનાદ(ringing)ની ક્રિયા થાય છે અને તે સાથે માથું ભારે રહે છે. ક્વિનીન વધારે માત્રામાં આપતાં બહેરાશ, ઝાંખપવાળી દૃષ્ટિ અને મસ્તિષ્કમાં આધ્માન(distension)ની લાગણી અનુભવાય છે. તેની વિષાળુ માત્રાઓથી સંપૂર્ણ બહેરાશ અને અંધાપો આવે છે. ક્વિનીન-સલ્ફેટથી કેટલીક વાર જઠર અને આંતરડાંમાં પ્રકોપ(irritation), વમનેચ્છા (nausea), પેટમાં દુખાવો, ઊલટીઓ અને વિરેચન (purging) થાય છે. મૅગ્નેશિયમ સલ્ફેટ ક્વિનીનની વિષાળુતા સામે વિષઘ્ન (antidote) તરીકે કાર્ય કરે છે. ક્વિનીનને કારણે શીળસવાળાં (urticarial) ત્વચા-વિસ્ફોટો (eruptions) જોવા મળે છે. તે ગર્ભપતનની ક્રિયા પ્રેરે છે; કેટલીક વાર ક્વિનીનને લીધે જન્મજાત ખામીઓવાળી અસાધારણ સંતતિ ઉદભવે છે.

ક્વિનીન અત્યંત મહત્વનો કાઠિન્યકર (sclerosing) પ્રક્રિયક છે અને અપસ્ફિત (varicose) શિરાઓ, દૂઝતા મસા અને બીજી એવી સ્થિતિઓની ચિકિત્સાઓમાં ઉપયોગી છે. તેનો ત્વચા, આંખ અને જન્મજાત પેશીતાનત્વ (myotonia = થૉમ્સેનનો રોગ) જેવા ચેતા-સ્નાયુતંત્ર(neuro-muscular system)ના કેટલાક રોગોમાં ઉપયોગ થાય છે. ક્વિનીન, હાઇડ્રૉક્વિનીન, ક્વિનીડિન, સિંકોનીન અને સિંકોનીડિને સસલું, ગિનીપિગ અને ઉંદરમાં ગર્ભાશયસંકોચક (oxitocic) અસરો દર્શાવી છે. 0.5થી 10 મિગ્રા./કિગ્રા.ની માત્રાએ ગર્ભાશય સંકોચક-અસર અને 20 મિગ્રા./કિગ્રા.ની માત્રાએ કેટલીક વાર લકવો થાય છે.

ક્વિનીનથી રક્તદાબમાં સ્પષ્ટ ઘટાડો, મૂત્રપિંડમાં રક્તપ્રવાહમાં વધારો અને મોટી માત્રામાં અંત:શિરીય રીતે આપતાં પ્રાયોગિક ચેતાજનક (neurogenic) અતિરક્તદાબ(hypertension)માં ઘટાડો થાય છે. ક્વિનીનની મધ્યમસરની માત્રા કર્ણકના તંતુવિકંપન(fibrillation)માં હૃદ્-અવનમક (cardiac depressant) તરીકે ઉપયોગી છે; પરંતુ ક્વિનીડિન ક્વિનીન કરતાં આ બાબતે ચઢિયાતું છે અને તેના સલ્ફેટનો હૃદ્-અતાલતા(cardiac-arrhythmias)માં ઉપયોગ કરવામાં આવે છે. ક્વિનીન સામાન્ય અને મધુમેહના દર્દીઓમાં રક્તશર્કરાનું પ્રમાણ ઘટાડે છે. તે જીવાણુરોધી સક્રિયતા દાખવે છે. β-હાઇડ્રૉક્સિઇથાઇલ એવોક્વિનીન ઉંદરને આક્રમક ન્યૂમોકોકસ સામે રક્ષણ આપે છે.

સિંકોનાના નિષ્કર્ષનો અતિશીત ખોરાક, પકવેલા (baked) ખાદ્ય પદાર્થો, મસાલા અને ચટણીઓ કે રગડામાં ઉપયોગ થાય છે. સિંકોનાના આલ્કેલૉઇડોનો ઉપયોગ રુવાંટી (fur), પીંછાં, ઊન, નમદો (felt) અને વસ્ત્ર(textiles)ના પરિરક્ષણ માટે કીટનાશકો બનાવવામાં થાય છે. અન્ય વ્યુત્પન્નોનો સનટેન (suntan) લોશન, ફોટોગ્રાફીય નીપજો, ધ્રુવીય (polaroid) લેન્સ, રબર-ઉદ્યોગમાં વલ્કનીકરણ પ્રવેગકો (vulcanisation accelerators) અને ધાતુઓમાં અમ્લોપચાર પ્રક્રિયકો (pickling agents) જેવાં કેટલાંક ઔદ્યોગિક કાર્યમાં ઉપયોગ કરવામાં આવે છે. તેમનો કડવા પ્રક્રિયકો તરીકે કાર્બનડાયૉક્સાઇડ મિશ્રિત પીણાં અને દારૂ બનાવવામાં ઉપયોગ થાય છે. કારખાનાંઓમાં રહેલ અવશેષિત છાલ ચર્મશોધન-દ્રવ્ય તરીકે વપરાય છે.

ક્વિનીન-સલ્ફેટ ચિકિત્સામાં વપરાતો સૌથી અગત્યનો ક્ષાર છે. ક્વિનીનના અન્ય ક્ષારોમાં એસિટિલ સેલિસિલેટ, આર્સેનેટ, બેન્ઝોએટ, સિટ્રેટ, ડાઇહાઇડ્રૉબ્રોમાઇડ, ડાઇહાઇડ્રૉક્લોરાઇડ, ડાઇસેલિસિલો-સેલિસિલેટ, ઇથાઇલકાર્બોનેટ, ગ્લિસરોફૉસ્ફેટ, લેક્ટેટ, ટેનેટ અને વેલરિનેટનો સમાવેશ થાય છે.

ક્વિનીન ઇથાઇલકાર્બોનેટ અને ટેનેટ લગભગ સ્વાદરહિત હોય છે અને ખાસ કરીને બાળકો માટે ઉપયોગી છે. યુરિયા હાઇડ્રૉક્લોરાઇડયુક્ત ક્વિનીન સ્થાનિક સંવેદનાહર (anaesthetic) ગુણધર્મ ધરાવે છે. તે તીવ્ર કટિશૂલ (lumbago), ગૃધ્રસી (sciatica), અંતરાપર્શુકા તંત્રિકાર્તિ (intercostal neuralgia), પ્રગંડ તંત્રિકાશોથ (brachial neuritis) અને અંદરના દૂઝતા મસામાં ઝડપી આરામ અને સ્પષ્ટ રોગમુક્તિ આપે છે.

ક્વિનીડિન પણ ભારતીય ઔષધકોશમાં અધિકૃત ઔષધ છે. ક્વિનીડિનનો સૌથી મહત્વનો ઉપયોગ હૃદયની અનિયમિતતાઓના કેટલાક પ્રકારોના પ્રબંધમાં થાય છે. તે હૃદ્-અવનમક છે અને હૃદ્-સ્નાયુની પુન:સ્થાપક (restorative) ચયાપચય(metabolism)ની પ્રક્રિયાઓનું અવનમન કરે છે. ક્વિનીડિન, સિંકોનીન અને સિંકોનીડિન એકસરખી માત્રામાં મલેરિયાની ચિકિત્સામાં ક્વિનીન જેટલાં જ લગભગ અસરકારક છે. સિંકોનીન અને ક્વિનીડિન ક્વિનીન કરતાં વધારે વમનેચ્છા કરનાર છે. સિંકોનીડિન વિષાળુ કે પ્રકોપક નથી અને ચારેય આલ્કેલૉઇડમાં સૌથી નબળું છે. ક્વિનિડોક્લોર પ્રતિ-અમીબીય (anti-amoebic) છે અને તેની અમીબીય ચેપમાં ભલામણ કરવામાં આવે છે.

સિંકોફાઇલિન અને સિંકોફાઇલેમાઇન કેન્દ્રસ્થ ચેતાતંત્ર માટે મંદ અવનમકો, સ્થાનિક સંવેદનાહર અને અલ્પરક્તદાબી (hypotensive) સંયોજનો છે. સિંકોફાઇલિન માનસિક અવનમક છે અને અરેખિત સ્નાયુ (smooth muscle) પર ઉદ્વેષ્ટહર (antispasmodic) ક્રિયા કરે છે. સિંકોફાઇલેમાઇન આંતરડાંના અને રક્તવાહિનીઓના સ્નાયુઓ પર વેદનાહર અને શક્તિપ્રદાયક અસરો કરે છે. ઓક્રોલીફ્યુએનિન-સિંકોફાઇલિન આલ્કેલૉઇડો પ્રતિ-અમીબીય અને કોષ-વિષાળુ (cyto toxic) ક્રિયાઓ કરે છે.

સિંકોનાના છાલવિહીન પાટડાઓ બાંધકામમાં વપરાય છે; કારણ કે તેઓ ટકાઉ અને ઊધઈરોધી (termite-resistant) હોય છે. કાષ્ઠનો હાર્ડબૉર્ડ અને પિપ-બૉર્ડ બનાવવામાં ઉપયોગ થાય છે; આ નીપજો આયાત કરાતી નીપજોની સમકક્ષ હોય છે.

અપમિશ્રકો (adulterants) અને પ્રતિસ્થાપકો (substitutes) : Remijia pedunculata અને R. purdieana ક્યુપ્રિયા છાલ ઉત્પન્ન કરે છે અને તેનો ઘણી વાર સિંકોનાના પ્રતિસ્થાપકો તરીકે ઉપયોગ થાય છે. તેની છાલ સિંકોનાની છાલ કરતાં વધારે ભારે અને તામ્રરંગી હોય છે. તે 2 %થી 6 % આલ્કેલૉઇડ ધરાવે છે, જે પૈકી જેટલું ક્વિનીન હોઈ શકે છે. Dichroa febrifuga-નાં મૂળ, પ્રકાંડ અને પર્ણો અને Chamaebatia foliolosa-નાં પર્ણો સિંકોનાના આલ્કેલૉઇડોનો સ્રોત છે. સિંકોનાની છાલનું ઘણી વાર બાલ્સમ ઑવ્ પેરુ(myroxylon pereirae)-ની નિષ્ક્રિય છાલ સાથે અપમિશ્રણ કરવામાં આવે છે. Cascarilla અને Stenostomium-ની જાતિઓની છાલ સિંકોનાની છાલ સાથે અપમિશ્ર કરવામાં આવે છે, જોકે તેઓમાં સિંકોનાની છાલનું એક પણ આલ્કેલૉઇડ હોતું નથી.

આયુર્વેદ અનુસાર સિંકોનાની છાલનો સ્વાદ તૂરો-કડવો; ગુણે રુક્ષ, વાત-કફનો નાશ કરનાર, ઉષ્ણવીર્ય અને વિપાકે કટુ (કડવી), ગ્રાહી (ઝાડો બાંધનાર), કટુ પૌષ્ટિક, ઠંડીથી આવતા વિષમજ્વરને મટાડનાર છે. ઘણાં તેને ત્રિદોષશામક કહે છે. તે શિર:શૂલ ને માસિકસ્રાવની અલ્પતા નિવારનાર, મલેરિયા કે શીતજ્વરનાશક, જંતુઘ્ન, પીડાનાશક, દીપન, સ્તંભનકર, આમપાચક, કૃમિનાશક, રક્તશોધક, હૃદયોત્તેજક, પ્લીહા(બરોળ)ને સંકુચિત કરનાર, રક્તના શ્વેતકણો વધારનાર તથા ગર્ભાશયને ઉત્તેજક છે. પીડાવાળા દર્દમાં તેની છાલનો ગરમ લેપ કરાય છે. કર્ણસ્રાવમાં તેના રસનાં ટીપાં નંખાય છે. મુખપાકમાં તેની છાલના ઉકાળા કે હિમ(ઔષધિના ચૂર્ણ)ના કોગળા કરાય છે. ખાવાથી તે મંદાગ્નિ, આમદોષ, યકૃતનાં દર્દ, મરડો, કૃમિ, હૃદયની નબળાઈ, રક્તવિકાર, શરદી, ખાંસી વગેરે મટાડે છે. રજોરોધ તથા પ્રસવ પછી ગર્ભાશયની શુદ્ધિ માટે તે અપાય છે. ક્વિનાઇનની વધુ માત્રા લેવાથી ઊલટી, ઊબકા, ચક્કર, બેચેની, વાયુદોષની વૃદ્ધિ, કાનમાં અવાજ કે કાનની બહેરાશ, હૃદયના ધબકારામાં વધારો, ચામડી પર ફોલ્લીઓ થવી, પેશાબમાં લોહી પડવું, નજર ઝાંખી પડવી અને સગર્ભા સ્ત્રીને ગર્ભસ્રાવ, ગર્ભપાત કે રક્તસ્રાવ થવાના ઉપદ્રવો થવાની શક્યતા રહે છે.

યોગેન્દ્ર કૃષ્ણલાલ જાની

વૈદ્ય બળદેવપ્રસાદ પનારા

બળદેવભાઈ પટેલ