સા–કાર્નીરૉ, મારિયો દ (જ. 19 મે 1890, લિસ્બન; અ. 26 એપ્રિલ 1916, પૅરિસ) : પોર્ટુગીઝ કવિ અને નવલકથાકાર. પોર્ટુગલની આધુનિક વિચારસરણીના પુરસ્કર્તા. શિક્ષણ પૅરિસની સોર્બોન યુનિવર્સિટીમાં. ‘ડિસ્પર્સાઓ’(1914, ડિસ્પર્શન)નાં કાવ્યોની રચના પૅરિસમાં થયેલી. આ જ વર્ષે ‘કૉન્ફિસ્સાઓ દ લૂસિયો’ (ધ કન્ફેશન ઑવ્ લૂસિયો) નવલકથા પ્રસિદ્ધ થઈ. પોર્ટુગલ પાછા ફર્યા બાદ થિયેટરમાં સંગીત, નૃત્ય ઇત્યાદિના મનોરંજન-કાર્યક્રમ માટે ‘ઑર્ફ્યૂ’(Orpheu)ની સ્થાપના 1915માં કરી. તે સમયના સૌથી મહાન સાહિત્યકાર ફર્નાન્દો પૅસોઆ સાથે મારિયોને આ સંસ્થામાં કામ કરવાનું સૌભાગ્ય સાંપડ્યું. પૅસોઆ તેમના મિત્ર અને સલાહકાર રહ્યા. વળી પાછા મારિયો પૅરિસ ચાલ્યા ગયા ત્યારે તેમની આર્થિક અને નૈતિક પરિસ્થિતિ ખૂબ કથળી ગઈ હતી. તેમણે અભ્યાસ છોડવો પડ્યો; એટલું જ નહિ, પરંતુ પિતા સાથે મોટું ઘર્ષણ થયું. સામાજિક રૂઢિઓ વિરુદ્ધ તેમનું જીવન હવે સ્વૈરવૃત્તિ ને વર્તનવાળું બન્યું. છવ્વીસ વર્ષની ભરયુવાન વયે 1916માં કોઈ કટોકટીની પળે તેમણે આપઘાત કર્યો. તે પહેલાં પોતાના અપ્રસિદ્ધ કાવ્યો તેમણે પૅસોઆને મોકલી આપ્યાં હતાં, જે ‘ઇંદિસિયોસ દ ઑઇરો’ (‘ટ્રેસિસ ઑવ્ ગોલ્ડ’, 1937) શીર્ષકથી પ્રસિદ્ધ થયેલાં.
વિ. પ્ર. ત્રિવેદી