સાહિબગંજ : ઝારખંડ રાજ્યના ઈશાન ભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. તે આશરે 24° 15´થી 25° 20´ ઉ. અ. અને 87° 25´થી 87° 50´ પૂ. રે. વચ્ચેનો 1,706 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની વાયવ્યમાં ભાગલપુર, ઉત્તરમાં કટિહાર, પૂર્વ તરફ પશ્ચિમ બંગાળના જિલ્લા, દક્ષિણમાં પાકૌર જિલ્લો તથા પશ્ચિમ તરફ ગોડ્ડા જિલ્લો આવેલા છે. જિલ્લા મથક સાહિબગંજ જિલ્લાની ઉત્તરમાં આવેલું છે.

સાહિબગંજ

ભૂપૃષ્ઠ : જિલ્લાની ઉત્તર સીમા ગંગા નદીથી બનેલી છે, ત્યાંથી પશ્ચિમ બંગાળની સીમા સુધી જતાં જિલ્લાનું ભૂપૃષ્ઠ પહાડી પ્રદેશથી બનેલું છે. અહીં રાજમહાલની ટેકરીઓ આવેલી છે, તે 300થી 600 મીટર વચ્ચેની ઊંચાઈ ધરાવે છે અને અહીંથી પશ્ચિમ બંગાળ તરફ વિસ્તરે છે તથા આ જિલ્લાની કરોડરજ્જુ બની રહેલી છે. ટેકરીઓ પર તથા તેમના ઢોળાવો પર જંગલો છવાયેલાં છે. આ જંગલો એક વખતે ગીચ હતાં, પરંતુ હવે તેમાં ઘણો ઘટાડો થયો છે. ખીણપ્રદેશો ફળદ્રૂપ હોઈ ડાંગરની ખેતી માટે અનુકૂળ બની રહેલા છે. વળી ગંગા નદી અને ટેકરીઓ વચ્ચે સાંકડી ફળદ્રૂપ પટ્ટી પણ આવેલી છે.

ગંગા નદી જિલ્લાની ઉત્તર સીમા રચે છે, તે વાયવ્યમાંથી પ્રવેશે છે, અમુક અંતર સુધી પૂર્વ તરફ વહીને પછીથી દક્ષિણ તરફ વહે છે. રાજમહાલ ટેકરીઓની પૂર્વમાં ગુમાની, બાંસલવી, પલસી અને બ્રાહ્મણી જેવી નદીઓ આવેલી છે.

ખેતીપશુપાલન : ડાંગર અને મકાઈ આ જિલ્લાના મુખ્ય કૃષિપાકો છે, તેમ છતાં અળસી, મગફળી, શકરિયાં જેવી પેદાશોનું પણ રાજમહાલ વિસ્તારમાં મોટા પાયા પર વાવેતર થાય છે. આ ઉપરાંત શણ અહીંનો મુખ્ય પાક ગણાય છે. સિંચાઈની પૂરતી સુવિધાઓ તો અહીં ઉપલબ્ધ નથી; પરંતુ તે માટે કૂવાઓનાં પાણીનો ઉપયોગ થાય છે. જિલ્લાનો મોટો ભાગ પહાડી હોવાથી કૂવા ખોદવાનું કામ અઘરું પડે છે. જિલ્લાનું અસમ ભૂમિતળ જળસંગ્રહની સારી સુવિધા કરી આપે છે. અહીંનાં નાનાંનાનાં તળાવોમાં જળસંગ્રહ કરી શકાય છે. કેટલીક ખેતી વર્ષાજળ પર આધારિત છે, જ્યારે વરસાદની અછત વરતાય ત્યારે કૃષિપાકોમાં મુશ્કેલી અનુભવાય છે.

ગાય, ભેંસ, ઘેટાં, બકરાં, ડુક્કર અહીંનાં મુખ્ય પાલતુ પશુઓ છે. મરઘાં-બતકાંનો ઉછેર પણ થાય છે. રાજ્ય સરકાર તરફથી પશુઓની ઓલાદ સુધારવાના પ્રયાસો કરવામાં આવે છે. પશુઓની સારસંભાળ માટે અહીં પશુદવાખાનાં, ચિકિત્સાલયોની સેવા ઉપલબ્ધ છે.

ગંગાના વિસ્તૃત પટવિસ્તારમાંથી તેમજ રાજમહાલના વિસ્તારમાંથી માછલીઓ પકડવાની પ્રવૃત્તિ ચાલે છે. કોલકાતા, ઝારખંડ અને બિહારના કેટલાક ભાગોમાં અહીંની માછલીઓ માટે પુષ્કળ માંગ રહે છે.

ઉદ્યોગવેપાર : આ જિલ્લામાં મેટલ પ્રેસ વર્કસ, ટિનકૅન મૅન્યુફેક્ચરર્સ, ચિનાઈ માટીનાં કારખાનાં મંગલઘાટ ખાતે આવેલાં છે. જિલ્લામાં નાના પાયા પરના ઔદ્યોગિક એકમો પણ આવેલા છે. જિલ્લામાં ચિનાઈ માટી, અગ્નિજિત માટી, સબાઈ ઘાસ અને વાંસ મળે છે. પરંપરાગત ચાલ્યા આવતા કુટિર અને ગ્રામ્ય ઉદ્યોગોમાં ટસર, બીડી, દોરડાં, હાથસાળનું કાપડ બનાવવાનું કાર્ય ચાલે છે.

જિલ્લામાં સડકમાર્ગોની ગૂંથણી વેપાર-વાણિજ્ય માટે ઉપયોગી બની રહેલી છે. ગંગા નદી દ્વારા જળવ્યવહાર ચાલે છે. સાહિબગંજ જથ્થાબંધ વેપારનું મહત્વનું મથક છે. અહીં ખાદ્યાન્નનો વેપાર મોટા પાયા પર ચાલે છે. જિલ્લાની નિકાસી ચીજોમાં કપાસ, કેરી, રાઈનું તેલ, લાખ, બીડી જેવી વસ્તુઓનો તથા આયાતી ચીજોમાં ખાંડ, ચોખા, કોલસો, કેરોસીન, ડીઝલ, લોખંડ, કાપડ જેવી વસ્તુઓનો સમાવેશ થાય છે.

પરિવહન : આ જિલ્લામાં સડકમાર્ગોની ગૂંથણી શ્રેષ્ઠ પ્રકારની છે. જિલ્લાના બધા જ સમાજવિકાસ ઘટકો ડામરના પાકા માર્ગોથી સંકળાયેલા છે. જામતરા-દુમકા-સાહિબગંજ માર્ગ આસામ સાથે જોડાયેલો છે. ગંગાની ફેરીસેવા પણ વ્યસ્ત રહે છે. પૂર્વ-વિભાગીય રેલમાર્ગ પર સાહિબગંજ મહત્વનું રેલમથક છે. ગંગા અહીંનો એકમાત્ર જળવ્યવહારમાર્ગ છે. રેલવે તરફથી ફેરી સ્ટીમર સેવા મહારાજપુર ઘાટ અને મણિહારી ઘાટ (પૂર્ણિયા) વચ્ચે ચાલે છે; આ ઉપરાંત જિલ્લા પરિષદ તરફથી પણ ગંગાના ત્રણ ઘાટ (રાજમહાલ ઘાટ, સાકરીગલી ઘાટ અને મહારાજપુર ઘાટ) પર ફેરી-સેવા ચાલે છે. મુસાફરો તેમજ માલસામાન લઈ જતી મોટી હોડીઓ પણ ગંગામાં બારેમાસ ચાલે છે.

પ્રવાસન : પ્રવાસનક્ષેત્રે નીચેનાં સ્થળો મહત્વનાં છે :

(1) ભગ્નાદીર : બારહૈત સમાજવિકાસ ઘટકમાં આવેલું ગામ. 1855ના સંથાલ બળવાની જેમણે દોરવણી આપેલી તે સિધુ, કાન્હુ, ચાંદ અને ભૈરવ – આ ચાર સંથાલ ભાઈઓનું જન્મસ્થળ હોવાથી મહત્વનું છે.

(2) કનૈયાસ્થાન : રાજમહાલ નગરથી વાયવ્યમાં 13 કિમી. અંતરે ગંગાકાંઠે આવેલું સ્થળ. અહીં શ્રીકૃષ્ણનું મંદિર હોવાથી આ નામ પડેલું છે. એમ કહેવાય છે કે ચૈતન્ય મહાપ્રભુ બંગાળથી પાછા ફરતી વખતે અહીં રોકાયેલા; એટલું જ નહિ, અહીં તેમને શ્રીકૃષ્ણનાં દર્શન પણ થયેલાં.

(3) સાહિબગંજ : સાહિબગંજ જિલ્લાનું વહીવટી મથક. પૂર્વીય રેલવિભાગ પરનું આ મહત્વનું રેલમથક છે. નગરના બહારના ભાગમાં ‘સાકોરગઢ’ નામના નાના કિલ્લાનાં ખંડિયેર છે.

(4) રાજમહાલ : આ નગર પ્રમાણમાં નાનું હોવા છતાં ઐતિહાસિક દૃષ્ટિએ મહત્વનું છે. તે મુસ્લિમ તેમજ બ્રિટિશ શાસન-કાળ દરમિયાન – સરકારી વહીવટનું તથા બંગાળની રાજધાનીનું સ્થળ પણ રહેલું, તેની જાહોજલાલી રજૂ કરતા જૂના અવશેષો હજી આજે પણ નજરે પડે છે. આ નગરમાં સંગ દલન (પાષાણનો વરંડો), અકબરી મસ્જિદ, માયના બીબીની કબર તથા મિરનની કબર જોવાલાયક સ્થાનો છે.

(5) સાંકડીગલી : પૂર્વીય રેલવિભાગના ફાંટા પર આવેલું જૂના વખતનું વ્યૂહાત્મક સ્થળ. તેના નામ પ્રમાણે ગંગા અને રાજમહાલની ટેકરીઓ વચ્ચેની સાંકડી પટ્ટી પર તે આવેલું છે. તે વખતે આ સ્થળ બંગાળના પ્રવેશદ્વાર તરીકે જાણીતું હતું. આ સ્થળ ઘણી ભીષણ લડાઈઓનું સાક્ષી રહેલું. અહીં નજીકમાં આવેલી એક ટેકરીને મથાળે સૈયદ અહમદમખદુમની ઔરંગઝેબના કાકા શાઇસ્તાખાને બનાવરાવેલી હોવાનું કહેવાતી કબર આવેલી છે.

(6) રામપુર : પૂર્વીય રેલવિભાગના ફાંટા પરના સાંકડીગલી રેલમથકથી ઉત્તરે આશરે ત્રણ કિમી. અંતરે આવેલું ગામ. અહીં 2.5 મીટર ઊંચા એક ટેકરા પર મુસ્લિમ સંતની કબર છે. આ જ ટેકરા પર શિવપાર્વતીના મંદિરનાં ખંડિયેર જોવા મળે છે. કબરના દરવાજા ખાતે પાષાણની બારસાખ તેમજ કોતરણીવાળો દરવાજો છે. તેથી કહેવાય છે કે શિવમંદિરને દાટી દેવાયું હોવું જોઈએ. આ કબરથી 150 મીટરના અંતરે શહેનશાહ અકબરે બંધાવેલી હોવાનું કહેવાતી એક મસ્જિદ પણ છે.

(7) મંગલહાટ : રાજમહાલની પશ્ચિમે 10 કિમી. અંતરે આવેલું ગામ. આ ગામ તેની સમૃદ્ધ પરંપરા માટે જાણીતું છે. અહીં માનસિંહે બંધાવેલ મંદિર અને મસ્જિદ બંને આવેલાં છે. કહેવાય છે કે માનસિંહે જામા મસ્જિદ બંધાવેલી અને અકબરે મસ્જિદના પાછળના ભાગમાં મંદિર બંધાવેલું.

(8) શિવગાદી : રાજમહાલ ઉપવિભાગમાં બારહૈતથી ઉત્તરમાં 8 કિમી.ને અંતરે આ સ્થાનક આવેલું છે. આ સ્થાનકમાં શિવનું મંદિર ભૂમિતળથી આશરે 18 મીટરની ઊંચાઈ પર ગુફામાં આવેલું છે. તેની ત્રણેય બાજુએ ટેકરીઓ છે.

(9) ઉધવા : રાજમહાલથી અગ્નિકોણમાં આશરે 10 કિમી.ને અંતરે ગંગાને કાંઠે આવેલું ગામ. સિરાજ-ઉદ્-દૌલા અને રૉબર્ટ ક્લાઇવ વચ્ચે થયેલી પ્લાસીની લડાઈ પછી બીજી લડાઈ અહીં થયેલી. ઐતિહાસિક મહત્વ ધરાવતી આ લડાઈના કેટલાક અવશેષો હજી આજે પણ અહીં જોવા મળે છે.

(10) દામિનકોહ : ટેકરીઓની હારમાળાઓ વચ્ચે આવેલો વિશાળ ભૂમિભાગ આ નામથી જાણીતો છે. આ ઈરાની શબ્દનો અર્થ ‘ટેકરીઓની તળેટી ધાર’ જેવો થાય છે. આ વિસ્તાર રાજમહાલ, ગોડ્ડા, દુમકા, પાકૌરને આવરી લે છે. બ્રિટિશ શાસન શરૂ થયેલું ત્યારે પહાડી લોકોએ તેમના સ્વાતંત્ર્ય માટે સંઘર્ષ કરેલો.

જિલ્લામાં વારતહેવારે મેળા ભરાય છે તેમજ ઉત્સવોની ઉજવણી થાય છે.

વસ્તી : 2001 મુજબ આ જિલ્લાની વસ્તી 7,36,835 જેટલી છે, તે પૈકી ગ્રામીણ અને શહેરી વસ્તીનું પ્રમાણ 91 % અને 9 % જેટલું છે. જિલ્લામાં હિન્દુ-મુસ્લિમ વસ્તી વિશેષ છે, જ્યારે શીખ, બૌદ્ધ, જૈન અને ખ્રિસ્તીઓનું પ્રમાણ ઓછું છે. જિલ્લામાં બધે જ હિન્દી ભાષા બોલાય છે. સાક્ષરતાનું પ્રમાણ અહીં ઊંચું છે, જિલ્લાનાં નગરો અને ગામડાંઓમાં જાહેર પુસ્તકાલયો, પ્રાથમિક અને માધ્યમિક શાળાઓનું પ્રમાણ સારું છે, જિલ્લામાં સાત કૉલેજો આવેલી છે. તબીબી સેવાની વ્યવસ્થા પણ ઉપલબ્ધ છે. જિલ્લામાં 3 હૉસ્પિટલો, 3 ચિકિત્સાલયો, એક સ્વાસ્થ્યકેન્દ્ર તથા 4 કુટુંબનિયોજન-કેન્દ્રો આવેલાં છે. વહીવટી સરળતા માટે જિલ્લાને બે ઉપવિભાગોમાં અને 7 સમાજવિકાસ ઘટકોમાં વહેંચેલો છે. જિલ્લામાં ત્રણ નગરો અને બાકીનાં ગામડાં આવેલાં છે.

ઇતિહાસ : સાંથાલ પરગણા જિલ્લાને 1981 પછી દુમકા, દેવઘર, ગોડ્ડા અને સાહિબગંજ જેવા ચાર જિલ્લાઓમાં વિભાજિત કરવામાં આવેલો. સાહિબગંજ જિલ્લો જૂના રાજમહાલ અને પાકૌર ઉપવિભાગોથી બનેલો હતો અને તેમાં 13 સમાજવિકાસ-ઘટકો હતા. 1991 પછી સાહિબગંજ જિલ્લાને સાહિબગંજ અને પાકૌર જેવા બે જિલ્લાઓમાં વિભક્ત કર્યો છે. તેનો બાકીનો ઇતિહાસ મૂળ દુમકા જિલ્લા સાથે સંકળાયેલો છે.

ગિરીશભાઈ પંડ્યા