સાહિત્યિક પત્રકારત્વ – ગુજરાતનું : સાહિત્યને લગતું ગુજરાતનું પત્રકારત્વ. ગુજરાતી સાહિત્યના સર્જન-વિવેચન તેમ રચાતા જતા સાહિત્યના ઇતિહાસનો જીવંત દસ્તાવેજ સાહિત્યિક પત્રોમાં ઝિલાયો છે. સાહિત્યનો વિકાસ-વિસ્તાર, એની દૃઢ થતી પરંપરાઓ અને સાહિત્યની બદલાતી જતી ભાત (design) પુસ્તકોમાં પ્રકટે છે એનાથી વિશેષ સાહિત્યિક પત્રોમાં છતી થાય એવું ઘણુંખરું બને છે. એથી સાહિત્યિક સામયિકો જે તે જમાનાનાં સાહિત્યિક રસરુચિ, યુગ-પરિબળો અને સર્જકના વિકાસનું પ્રતિબિંબ પાડતાં હોય છે. સાહિત્ય-સંસ્કારોને પ્રજા સુધી પહોંચાડી પ્રજાની વાચનભૂખને સંતોષવામાં, તેની સાહિત્યિક અભિરુચિને વિકસાવવામાં સાહિત્યિક પત્રકારત્વે મહત્વનો ભાગ ભજવ્યો છે. સાહિત્યિક પત્રકારત્વ પ્રજાની પ્રવર્તમાન રસવૃત્તિને તેમ એની સાહિત્યિક જરૂરિયાતને પ્રકટ કરી રહે છે એ અર્થમાં તે પ્રજાની જરૂરિયાતને વશ વર્તતું હોય છે.
પત્રકારત્વ અને સાહિત્ય વચ્ચે પાયાનો ભેદ છે, છતાં સાહિત્ય અને પત્રકારત્વ વચ્ચે એટલી આવ-જા હોય છે કે એ બંને ક્ષેત્રોના સીમાડાઓ એકબીજામાં સરકતા રહે છે. અખબારો સામૂહિક પ્રસારણનું માધ્યમ હોવા છતાં સાહિત્ય સાથે એનો નિકટનો સંબંધ છે. એક પ્રભાવી માધ્યમ લેખે પત્રકારત્વે જેમ સાહિત્ય પર પ્રભાવ પાડેલો છે એમ પત્રકારત્વના વિકાસમાં સાહિત્યનું યોગદાન રહેલું છે; કેમ કે, સાહિત્ય અને પત્રકારત્વ એમ બંનેનું માધ્યમ ભાષા છે. અખબારો ભાષાના માધ્યમથી સચોટ અસરનો, યથાર્થ દર્શનનો હેતુ સારે છે તો સાહિત્યકાર ભાષાના નાદ, લયનાં તત્વોને ખપમાં લઈ ભાષાની અનેકવિધ સર્જનાત્મક ક્ષમતાનો લાભ ઉઠાવે છે. હૃદયની તીવ્ર અનુભૂતિને કલ્પનાનો ઓપ આપીને ભાષાના માધ્યમ દ્વારા નવતા પ્રકટાવે છે, સૌન્દર્યબોધની પ્રાપ્તિ એથી શક્ય બને છે. પત્રકારત્વમાં ઘટના કે બનાવ, એનાં તથ્યો વાસ્તવની ધરતી પર ખોડાયેલાં હોય છે જ્યારે સર્જક સાહિત્યકાર ઘટનાની વિગતો પહોંચાડવાને બદલે અનુભવ પહોંચાડવા માગે છે. સમસંવેદન જગાવતી આ સર્જનપ્રક્રિયા સર્જક પ્રતિભાથી રસાઈને આવે છે. ‘અપૂર્વવસ્તુનિર્માણ’ એનું ધ્યેય છે. પત્રકાર નક્કર હકીકતો, વાસ્તવને પહોંચાડવા મથતો હોય છે જ્યારે સાહિત્યકાર કથાથી માંડી કપોલકલ્પિત સુધી વાસ્તવિકતાના વિભાવને વિસ્તારે છે. સાહિત્ય અને પત્રકારત્વના પરસ્પર સહયોગને પરિણામે મહાત્મા ગાંધીજી, ઝવેરચંદ મેઘાણી, મોહનલાલ મહેતા ‘સોપાન’, હરીન્દ્ર દવે જેવા સર્જક પત્રકારોની એક આખીયે પેઢી ગુજરાતને પ્રાપ્ત થઈ છે.
સાહિત્યની સામગ્રીનો ઝડપથી પ્રસાર તેમજ પ્રચાર કરે એવું પત્રકારત્વ એટલે સાહિત્યિક પત્રકારત્વ એમ કહી શકાય. આવું પત્રકારત્વ સાહિત્યધર્મી, સાહિત્યરંગી છાપવાળું હોય. એ સાહિત્યિક રીતિએ ખેડાતું પત્રકારત્વ છે. કેવળ સાહિત્યકારો દ્વારા ખેડાતું આ પત્રકારત્વ નથી. ‘મુંબઈ સમાચાર’ કે ‘ગુજરાતી’ જેવા પત્રકારત્વના આરંભગાળે સામાજિક જીવનના અને સામાજિક સંસ્થાઓના સમાચારોનું પ્રાધાન્ય રહેલું જણાય છે. એ પછી રાજકીય પ્રભાવ વધતાં રાજકારણની ઘટનાઓએ મહત્વનું સ્થાન મેળવ્યું, પરંતુ જીવનનાં જુદાં જુદાં ક્ષેત્રો પરત્વેની જિજ્ઞાસા અને જીવનનાં નિતનવાં ક્ષેત્રો વચ્ચેના આદાન-પ્રદાનને કારણે પત્રકારત્વમાં એક નવી જ ભૂમિકા ઉદભવી. પત્રકારત્વનું ક્ષેત્ર વિકસિત થતાં વિધવિધ પ્રવૃત્તિઓથી અખબારોનું કાઠું બંધાતું ગયું. સમયાંતરે સાપ્તાહિક, વિશિષ્ટ પૂર્તિઓનો પ્રકાર શક્ય બન્યો. તેનું નિરૂપણ રસક્ષમ બને તે માટે તજજ્ઞોની સેવાઓ પ્રાપ્ત કરવામાં આવી. આર્થિક, સામાજિક, ધાર્મિક, કળાકીય, વૈજ્ઞાનિક પ્રગતિ અને માહિતી માટે પ્રજાસમૂહ તલપાપડ થવા લાગ્યો; આથી દૈનિક પ્રવૃત્તિનું બીજું એક પાસું જે સામયિકતા, તેનો ઉદભવ થયો. દર સપ્તાહે તજ્જ્ઞલક્ષી પત્રકારત્વ દ્વારા મળતા સીમિત વાચનથી વાચકોની રુચિ ન સંતોષાતાં આંતરિક જરૂરિયાતોમાંથી ગુજરાતી સમસામયિક પત્રકારત્વનો વિકાસ થયો. તજ્જ્ઞલક્ષી પત્રકારત્વના ઉપવિભાગ લેખે વસ્તુવિષયલક્ષી પત્રકારત્વનો પ્રવાહ શરૂ થયો. જીવનના વિવિધ વિષયોને અનુલક્ષીને અનેક-વિષયલક્ષી પત્રકારત્વ વિકસ્યું છે. આને પરિણામે ધર્મ, અર્થશાસ્ત્ર, ખેતી, આરોગ્ય જેવા અનેક વિષયોમાં થઈ રહેલા જ્ઞાનવિકાસની, તેમાં થઈ રહેલા પ્રત્યક્ષ કાર્યની, તે વિષયોના પરિચય તેમજ દશાદિશાને સ્પર્શતી વિવિધ બાબતો તજ્જ્ઞો દ્વારા ચર્ચાવા લાગી. એ રીતે ગુજરાતી સાહિત્યિક પત્રકારત્વની માંડણી શક્ય બની. માહિતીના પ્રસાર-પ્રચાર સાથે ગુજરાતી સાહિત્યિક પત્રકારત્વમાં અભિવ્યક્તિની વિશિષ્ટતા પણ સમયે સમયે પ્રગટતી રહી. એક જ સમયગાળામાં પ્રકટ થયેલા ‘ડાંડિયો’ ને ‘બુદ્ધિપ્રકાશ’ની શૈલી આ કારણે જુદી પડેલી જોઈ શકાય છે. ગુજરાતી સાહિત્યિક પત્રકારત્વનું ફલક અખબારો, એમની સાપ્તાહિક પૂર્તિઓ ઉપરાંત પાક્ષિક, માસિક, દ્વૈમાસિક, ત્રૈમાસિક, અર્ધવાર્ષિક, વાર્ષિક અને અનિયતકાલિક જેવા સામયિકતા પર આધારિત પ્રકારોમાં ફેલાયેલું છે. એ જ રીતે સાહિત્યિક સંસ્થાઓનાં મુખપત્રો અને વિશેષાંકો સુધી પણ તે ફેલાયેલું જોવા મળે છે.
ગુજરાતી અખબારોએ સાહિત્યિક પત્રકારત્વની વિશેષ પૂર્તિઓથી માંડીને વિધવિધ સ્તંભોમાં ગુજરાતી ભાષાના પ્રસિદ્ધ સર્જકોનાં લખાણોને પ્રકાશિત કર્યાં છે. બહુજનસમાજની રુચિ અનુસાર લોકભોગ્ય લખાણો તેમજ સાહિત્યિક ગૌરવ ધરાવતી કૃતિઓ આપી છે. ‘નવજીવન’, ‘સૌરાષ્ટ્ર’ જેવાં પત્રોએ સાદગીભરી છતાં ધિંગી ભાષાનો સબળ પ્રયોગ કરી નિબંધના સ્વરૂપને વિકસાવવામાં મહત્વનું યોગદાન આપ્યું તો ‘જન્મભૂમિ’ જેવાં કેટલાંક અખબારોએ રહસ્ય, રોમાંચ કે મારધાડભરી કથાઓને બદલે કલાત્મક અંશો ધરાવતી નવલકથાઓ ધારાવાહિક રૂપે પ્રસિદ્ધ કરી છે. ગુજરાતમાં ધારાવાહિક નવલકથા રજૂ કરવાની પ્રથા છેક ‘ગુજરાતી’ અને ‘સમાલોચક’ સામયિકોના સમયથી ચાલી આવે છે. અખબારોમાં સાહિત્યિક પત્રકારત્વને વિકસવાની શક્યતાઓ ઉત્તરોત્તર વધતી ગઈ. નિબંધ, કાવ્ય-આસ્વાદ, સર્જક-પરિચય, મુલાકાત, વાર્તા, ગ્રંથસમીક્ષા જેવાં સાહિત્યનાં અનેક સ્વરૂપો અખબારી પાને ખ્યાતિપ્રાપ્ત સર્જકોના હાથે ખેડાઈ રહ્યાં છે.
જેમ અખબારો તેમ સાહિત્યિક સામયિક સાહિત્યિક પત્રકારત્વનું માધ્યમ છે. વ્યાપક અર્થમાં સાહિત્યિક સામયિકોનો સંબંધ સાહિત્યિક પત્રકારત્વ સાથે વિશેષ છે એટલે કે સાહિત્યિક પત્રકારત્વનું સ્વરૂપ સાહિત્યિક સામયિકોમાં સ્પષ્ટ રીતે ઊઘડતું હોય છે. ગુજરાતમાં સામયિકનો શરૂઆતનો સંબંધ વ્યાપક પત્રકારત્વ સાથે રહેલો; જેમ કે, ‘ડાંડિયો’નું મુખ્ય ધ્યેય સમાજસુધારો રહેલું. કરસનદાસ મૂળજીનું ‘સત્યપ્રકાશ’ ધર્મસુધારાને તો ‘ગુજરાત શાળાપત્ર’ કેળવણી-સુધારાને મુખ્ય ધ્યેય માની પ્રકટ કરવામાં આવતાં હતાં; તેમ છતાં સાહિત્યના વિકાસનું પ્રતિબિંબ આ સામયિકોમાં વત્તેઓછે અંશે ઝિલાયા વગર રહ્યું નથી. સમય જતાં સાહિત્યિક પત્રકારત્વનું કાર્યક્ષેત્ર સાહિત્યના વ્યાપક, સામાન્ય પરિચયથી માંડીને સાહિત્યના મૂલ્યાંકન સુધી વિસ્તરતું ગયું છે. ‘કુમાર’, ‘અખંડ આનંદ’ જેવાં સામયિકો દ્વારા સાહિત્યનો એક સર્વસામાન્ય ખ્યાલ મળે છે જ્યારે ‘પ્રસ્થાન’ અને ‘સંસ્કૃતિ’ તથા ‘ગ્રંથ’ જેવાં વિશિષ્ટ સાહિત્યિક સામયિકોમાં સાહિત્યનાં મહત્વનાં પાસાંઓને સ્પર્શતાં જ નહિ પણ વિકસાવતાં લખાણો પ્રગટ થતાં. આ સાહિત્યિક સામયિકોમાં પ્રગટ થતાં લખાણોમાં સર્વભોગ્ય સ્વરૂપથી માંડીને સાહિત્યની વિશેષજ્ઞતા સુધીનો વ્યાપ જોવા મળે છે. પ્રતીક, કલ્પન, સ્વરૂપ, પુરાકલ્પન જેવી પારિભાષિક સંજ્ઞાઓની શાસ્ત્રીય ચર્ચાઓ; પ્રકારનિષ્ઠ, તુલનાત્મક અને કૃતિનિષ્ઠ તેમજ સંરચનાવાદ જેવા વિવેચનના વિવિધ અભિગમોની માહિતી; સાહિત્ય અંતર્ગત ગદ્યપદ્યનાં જુદાં જુદાં સ્વરૂપોમાં રહેલી કળાત્મક શક્યતાઓ વગેરેને લગતી વિશેષ અભિજ્ઞતા સમયે સમયે આ પ્રકારનાં સામયિકોમાં પ્રગટ થતાં લખાણોમાં છતી થવા પામી છે. બીજી બાજુ સાહિત્યિક સંસ્થાઓની વિવિધ ક્ષેત્રોની પ્રવૃત્તિઓને લગતા સમાચારો પણ સામયિકોએ પ્રકાશિત કરી સાહિત્યપ્રવૃત્તિનું દસ્તાવેજી અંકન પણ કર્યું છે. સાહિત્યક્ષેત્રની વિવિધ પ્રવૃત્તિઓ; જેવી કે, સંમેલન, પરિસંવાદ, અધિવેશન, વ્યાખ્યાનમાળા, ચર્ચાસભાઓ જેવી સાહિત્યક્ષેત્રની વિવિધ પ્રવૃત્તિઓની જેમ સામયિકનું પ્રકાશન પણ એક મહત્વની સાહિત્યિક પ્રવૃત્તિ છે જ. આમ, ગુજરાતી સાહિત્યિક પત્રકારત્વનું ફલક વિગતોના પ્રકાશનથી માંડીને તેમની ગુણવત્તા સુધી વિસ્તરેલું છે. તંત્રીના મનમાં સાહિત્ય વિશેનું કોઈ એક નિશ્ચિત તીવ્ર વલણ હોય છે. સામાન્ય રીતે પ્રથમ અંકમાં સામયિકને શરૂ કરવાના ઉદ્દેશો પ્રયોજનો તંત્રી વિસ્તારથી દર્શાવતો હોય છે. સામયિકપત્રોના આવા ઢંઢેરાઓ જે તે સામયિકની કઈ દિશામાં ગતિ હશે એનો વાચકોને અંદાજ આપે છે. જે તે સાહિત્યિક સામયિકના તંત્રીના વલણને ચરિતાર્થ કરવા માટે, આકાર આપવા માટે તેની સાહિત્યિક પ્રવૃત્તિ ચાલતી-વિસ્તરતી જોવા મળે છે. તંત્રી કે સંપાદકોનાં દૃષ્ટિકોણ અને વલણ મુજબ જે તે સામયિકનું કોઈ ચોક્કસ પ્રકારનું સ્વરૂપ ઘડાતું હોય છે. ક. મા. મુનશીના ‘ગુજરાત’ કરતાં વિજયરાય વૈદ્યના ‘કૌમુદી’ કે ‘માનસી’નું સ્વરૂપ આ કારણે જ જુદું રહેવા પામ્યું છે. કેટલાંક સામયિકોમાં સાહિત્યની સામગ્રી એક ભાગ તરીકે પ્રકાશિત કરાય છે. આવા સામયિકને અંશત: સાહિત્યિક સામયિક કહી શકાય; જેમ કે, ‘નવનીત-સમર્પણ’ કે ‘કુમાર’ જેવાં સામયિકો. આવા અમુક નિશ્ચિત ધ્યેયવાળા સંસ્થાકીય અને સર્વસામાન્ય સામયિકોમાં સામગ્રીના ચયન અને પ્રકાશનની બાબતમાં વાચકવર્ગનો પણ ખ્યાલ રાખવામાં આવતો હોય છે. એટલે આ પ્રકારનાં સામયિકો સાહિત્યલક્ષી કરતાં વાચકલક્ષી વિશેષ લાગે એમ બને. કેવળ શુદ્ધ સાહિત્યિક સામયિકો કહી શકાય એવાં કેટલાંક સામયિકોના પ્રકાશનમાં સંપાદકની પ્રતિજ્ઞા ને પ્રતિભા કેન્દ્રમાં રહેતી હોય છે. સંપાદકીય વલણોનો સ્પષ્ટ પરિચય સામયિકોમાં પ્રકાશિત થતી સંપાદકની તેમ અન્યની લેખ-સામગ્રી દ્વારા સાંપડતો હોય છે. શુદ્ધ સાહિત્યિક સામયિક અંતર્ગત કોઈ એક સાહિત્યપ્રકારને કેન્દ્રમાં રાખીને પ્રકટ થનારાં સામયિકો હોય છે. જેમ કે, ‘કવિતા’, ‘કવિલોક’ કે ‘વહી’ જેવાં સામયિકો કેવળ કવિતાના સ્વરૂપને પ્રકટ કરનારાં સામયિકો છે; ‘ગદ્યપર્વ’ કેવળ ગદ્યસાહિત્યને પ્રકટ કરે છે તો ‘પ્રત્યક્ષ’ કેવળ ગ્રંથસમીક્ષાને. સર્જન, વિવેચન, સંશોધન જેવાં તમામ સ્વરૂપોને પ્રકાશિત કરતાં સર્વસામાન્ય સામયિકો ગુજરાતી સાહિત્યમાં સંખ્યાબંધ છે. ગુજરાતી સાહિત્યમાં ટૂંકા ગાળાનાં, નિશ્ચિત ધ્યેયને લઈને પ્રકટ કરવામાં આવેલાં સામયિકો પણ વ્યાપક પ્રમાણમાં છે. વિદ્રોહાત્મક સાહિત્યને પ્રકટ કરવા માટે જ સામયિકો ચાલ્યાં હોય એવી ઘટનાઓ પણ ઓછી નથી. ‘ફાલ્ગુની’, ‘વાણી’, ‘મનીષા’, ‘ક્ષિતિજ’, ‘ઊહાપોહ’ અને ‘એતદ્’ જેવાં સુરેશ જોષીનાં સામયિકો, રે મઠનાં ‘રે’, ‘કૃતિ’ કે ‘ઉન્મૂલન’ જેવાં સામયિકો આ પ્રકારનાં છે. આવાં સામયિકો દ્વારા પ્રકટ કરવામાં આવતા સાહિત્ય વડે સાહિત્યક્ષેત્રમાં નૂતન વલણો દાખલ થયાં છે. અખબારોની જેમ સાહિત્યિક સામયિકો પણ ચોક્કસ નીતિને વરેલાં હોય છે. કોઈ પણ પ્રલોભન કે શેહશરમમાં ન આવેલી સાહિત્યિક પત્રકારત્વની ઉજ્જ્વળ પરંપરાનું ગુજરાતી ભાષામાં ઘડતર શક્ય બન્યું છે. સાહિત્યિક પત્રકારત્વ દ્વારા કેટલાક તંત્રી-સંપાદકોએ એક પ્રકારની ચળવળ ઊભી કરેલી છે. સાહિત્યમાં જે કંઈ આંદોલનો જન્મ્યાં છે એ આંદોલનોને મોટેભાગે સાહિત્યિક પત્રકારત્વનું સધ્ધર પીઠબળ પ્રાપ્ત થયું છે. જ્યારે જ્યારે કોઈ નવું આંદોલન સાહિત્યના ક્ષેત્રમાં ઊભું થાય, ત્યારે એ આંદોલનના કેન્દ્રીય બળમાં કોઈ સાહિત્યિક સામયિકે અગત્યનો ભાગ ભજવ્યો હોય એવું બહુધા જોવા મળ્યું છે. સાહિત્યિક પત્રકારત્વમાં પ્રતિક્રિયા, પ્રતિભાવ, વાદ-વિવાદ, ઊહાપોહ કે ચર્ચાપત્રનું સ્થાન મહત્વનું છે. એ રીતે ગુજરાતી સાહિત્યિક સામયિકે પોતાની જુદી, આગવી અને વિશિષ્ટ મુદ્રા ઉપસાવી છે. ‘પ્રેમાનંદની સંદિગ્ધ કૃતિઓ’, જોડણી, સાહિત્ય પરિષદ વિષયક ચાલેલી ચર્ચાઓ આનું નોંધપાત્ર ઉદાહરણ છે. પુસ્તકનું પ્રકાશન અનિયતકાલિક હોય છે. સર્જકનું સર્જન પુસ્તક રૂપે વાચકો સુધી પહોંચે એ પહેલાં સાહિત્યિક પત્રકારત્વના માધ્યમે પ્રકાશિત થતું હોવાને કારણે તેની પ્રતિષ્ઠા બંધાતી હોય છે અને એ કારણે તેના પુસ્તક-પ્રકાશન અને આવકાર માટે યોગ્ય વાતાવરણ ઊભું થતું હોય છે. સાહિત્યિક પત્ર નિયત સમયે પ્રકટ થતું હોવાને લીધે સાહિત્યની આબોહવા સતત ગતિશીલ રહેતી હોય છે. સાહિત્યજગતના જીવંત પરિચયમાં સાહિત્યના વાચકો, જિજ્ઞાસુઓ અને સર્જકોને મૂકી આપવાનું કામ ગુજરાતી સાહિત્યિક પત્રકારત્વે પૂરી નિષ્ઠાથી કર્યું છે. ગુજરાતી સાહિત્યના સ્વરૂપગત, વિષયગત, અભિવ્યક્તિગત જે જે નવા વળાંકો સમયાંતરે આવેલા છે તેમના પરિચય દ્વારા સાહિત્યિક પત્રકારત્વે તેમના વિશેની કળાકીય અભિજ્ઞતા વધારવાનું કામ કર્યું છે અને એ રીતે સાહિત્યક્ષેત્રે કળાકીય સજ્જતાનું નિર્માણ કરવામાં પણ યોગદાન આપ્યું છે. સમયના કોઈ એક ખંડમાં જે કંઈ સર્જન થતું હોય છે તેને એકસાથે પ્રકટ કરવાનું, એક મંચ પર મૂકી આપવાનું પણ સાહિત્યિક પત્રોનું પ્રયોજન હોવાથી જૂની-નવી પેઢીના, જુદા જુદા દૃષ્ટિકોણ ધરાવતા સર્જકોના સાહિત્યને એકસાથે જોવાની તક સાંપડે છે અને તુલનાત્મક અભિગમથી સાહિત્યની વિવિધ તરાહોને સમજવાનો લાભ મળે છે; એટલું જ નહિ, એ રીતે જુદી જુદી પેઢીઓના અને વિવિધ જૂથોના સર્જકોના સર્જનકાર્ય પરથી વિશાળ પરિપ્રેક્ષ્યમાં સાહિત્યનું મૂલ્યાંકન પણ શક્ય બને છે. ગુજરાતના સાહિત્યિક પત્રકારત્વે નવા આશાસ્પદ અને પ્રતિભાશાળી સર્જકોના સર્જનને સામયિકમાં સ્થાન આપી તેમના ઉદય-ઘડતર-વિકાસમાં પ્રોત્સાહક પરિબળ લેખે કામગીરી બજાવી છે. જેમ ક. મા. મુનશીની નવલકથાકાર, નાટ્યકાર તરીકેની સઘળી પ્રસિદ્ધિનો યશ ‘વીસમી સદી’ જેવા માસિક અને તેના તંત્રીને જાય છે તેવું જ ધૂમકેતુનું, રા. વિ. પાઠકનું અને સંખ્યાબંધ સર્જકોનું બન્યું છે. સાહિત્યિક પત્રોનાં પૃષ્ઠો પર ઘણા લેખકો પ્રગટ થયા છે. સાહિત્યિક પત્રકારત્વના પ્રયોગશીલ સંપાદકોએ પ્રયોગશીલ સાહિત્યનાં ચયન અને પ્રકાશન વડે સાહિત્યમાં એક નવું વલણ ઊભું કરી આપ્યું છે. ‘ગદ્યપર્વ’, ‘મૉનો ઇમેજ’ જેવાં સામયિકોએ પ્રયોગશીલ સાહિત્યના વિકાસ માટેની ભોંય તૈયાર કરી છે. પ્રાંતીય ભાષાઓ તેમ વિદેશમાં પ્રકટતા ઉત્તમ સાહિત્યનો રસાસ્વાદ કરાવવો, પરભાષાની ઉત્તમ કૃતિઓના નમૂના દર્શાવવાનું અને અનુવાદ, ભાવાનુવાદ, વિવેચન, આસ્વાદ દ્વારા વાચકને વિશ્વસાહિત્યના આંગણામાં મૂકી આપવાનું કામ ‘સેતુ’ કે ‘નચિકેતા’ જેવા ખાસ અનુવાદનાં સામયિકોએ કર્યું છે. પરભાષાના સાહિત્યમાં જે કંઈ નવાં વલણો કે દૃષ્ટિકોણ પ્રવર્તતાં હોય, તેમનો પરિચય ગુજરાતી સામયિકો દ્વારા મળ્યા કર્યો છે. આથી જેટલું પન્નાલાલ પટેલ વિશે એટલું જ સલમાન રશદી કે હૅરોલ્ડ પિન્ટર વિશે પણ જાણી શકાયું છે. એ અર્થમાં સાહિત્યિક પ્રજ્ઞાને સંકોરવાનું કામ સાહિત્યિક પત્રકારત્વે કર્યું છે. સાહિત્યિક પત્રકારત્વનું સૌથી મહત્વનું કાર્ય તો પરિણામને બદલે એ પ્રક્રિયાને આગળ કરે છે તે છે. ગુજરાતી સાહિત્યમાં રચાતી જતી ભાતને સ્પષ્ટ રૂપે સાહિત્યિક પત્રોએ ઉપસાવી આપી છે. કોઈ વાર્તાસંગ્રહ કે કાવ્યસંગ્રહ તો જે તે લેખકની કામગીરીનું – એની સાહિત્યિક પ્રવૃત્તિનું પરિણામ હોય છે. આ પ્રવૃત્તિ કેટલીક વાર સમયના લાંબા પટ પર વિસ્તરેલી હોય છે અને તેથી સમયના લાંબા અંતરે પ્રકટ થાય એમ પણ બને છે. સાહિત્યિક પત્રકારત્વ કોઈ વાર્તા, કવિતા કે નિબંધ પ્રકટ કરીને જે તે લેખકની તે તે સમયની સજ્જતાને, જે તે સમયના સાહિત્યની લાક્ષણિકતાને પ્રકટ કરી આપીને એ દ્વારા સાહિત્યપ્રવાહનો એક નકશો વાચકો સમક્ષ રજૂ કરે છે. અનેક દૃષ્ટિકોણવાળાં, અનેક પ્રકારનાં અખબારો, લોકપ્રિય અને સાહિત્યિક સામયિકો એક જ સમયે, સમયાંતરે ગુજરાતમાં પ્રકટતાં રહ્યાં છે. એક જ સમયગાળામાં કેવળ નાટ્યસ્વરૂપને લક્ષતા વિભાકરના ‘રંગભૂમિ’થી શરૂ કરીને ‘ગુજરાતી નાટ્ય’, ‘એકાંકી’ અને આજનાં ‘નાટક’, ‘નાંદીકાર’, ‘વેશ’ અને ‘રંગપર્વ’ જેવાં; કેવળ વિવેચનનાં ‘ફાર્બસ’ ત્રૈમાસિક, ‘વિવેચન’ કે ‘પ્રત્યક્ષ’ જેવાં અથવા સાહિત્યનાં તમામ સ્વરૂપોને અંકે કરતાં ‘પરબ’, ‘સમીપે’, ‘તથાપિ’ સામયિકો સમાંતરે પ્રસિદ્ધ થતાં ગયાં છે. આધુનિકતાનો પુરસ્કાર કરતું ‘ક્ષિતિજ’ તો પછી આવ્યું પણ તે પહેલાંથી પરંપરાને વળગી રહેલાં ‘બુદ્ધિપ્રકાશ’, ‘કુમાર’ જેવાં સામયિકો પ્રકાશિત થતાં રહ્યાં છે. આ કારણે ગુજરાતી સાહિત્યનો એક સંકુલ આલેખ ઊભો થતો રહ્યો છે. એ રીતે ગુજરાતી સાહિત્યિક પત્રકારત્વ સાહિત્યનું જીવંત અને ચાલક પરિબળ છે.
ગુજરાતમાં સાહિત્યિક પત્રકારત્વે સાહિત્યનાં તમામ અંગોને વિકસાવવા-ખીલવવામાં પુરુષાર્થ કર્યો છે. ધારાવાહિક નવલકથાઓ, લઘુકથાઓ, નિબંધો અને ગીત-ગઝલની લોકપ્રિયતા પાછળ સાહિત્યિક પત્રકારત્વની ભૂમિકા પણ કારણભૂત રહી છે. અખબારોથી આરંભીને શુદ્ધ સાહિત્યિક સામયિક સુધીની આ ગતિમાં સેંકડો પત્રકારોનું અર્પણ છે. સાહિત્યનાં તમામ સ્વરૂપોને પોષણ આપતા જઈ ગંભીર પ્રકારની સાહિત્યપ્રવૃત્તિથી માંડીને આમ પ્રજાના સાહિત્યસંસ્કારને ઘડવા સુધીની દૃષ્ટિ ગુજરાતના સાહિત્યિક પત્રકારત્વની રહી છે. પાશ્ર્ચાત્ય દેશોમાં યંત્રોની શોધ, ઔદ્યોગિક ક્રાંતિ, મુદ્રણયંત્રની શોધ, પુસ્તકનું પ્રકાશન, ચોપાનિયાં પછી વર્તમાનપત્રોનું પ્રકાશન અને ત્યારબાદ સાહિત્યિક સામયિકો જેવા વિવિધ તબક્કાઓમાંથી પસાર થયા પછી સાહિત્યિક પત્રકારત્વનો ઉદભવ અને વિકાસ શક્ય બન્યો છે. ગુજરાતમાં ઈ. સ. 1882માં ‘મુંબઈ સમાચાર’ના પ્રકાશન પછી બહુ જ ટૂંકા ગાળામાં સાહિત્યકેન્દ્રી સામયિકોનું પ્રકાશન થવા લાગ્યું હતું. ‘મુંબઈ સમાચાર’, ‘જન્મભૂમિ’, ‘ફૂલછાબ’, ‘સંદેશ’, ‘ગુજરાત સમાચાર’, ‘લોકસત્તા’, ‘જયહિન્દ’, ‘સમભાવ’, ‘દિવ્ય ભાસ્કર’ જેવા આજનાં તેમજ બંધ પડેલાં અનેક ગુજરાતી અખબારોએ સાહિત્યનું પરિચયાત્મક અવલોકન આપીને, વિશેષ પૂર્તિઓ કરીને સાહિત્યસૃષ્ટિનો પરિચય આપ્યા કર્યો છે એમાં પરદેશમાં પ્રસિદ્ધ થયેલાં ગુજરાતી અખબારો પણ બાકાત રહ્યાં નથી. સુધારકયુગથી શરૂ થયેલી પત્રકારત્વની આ પ્રવૃત્તિએ સ્વતંત્ર એવો અવાજ ઊભો કર્યો. ગુજરાતી અખબારો સાથે સાહિત્યના અવિનાભાવિસંબંધને કારણે ભાષાની મૌલિકતા ઊપસી. ‘સૌરાષ્ટ્ર’ અને ‘ફૂલછાબ’ જેવાં સોરઠી સામયિકોએ અખબારોની જ નહિ, સાહિત્યિક ભાષાને નવું બળ આપ્યું છે. રૂઢિપ્રયોગો અને કહેવતો તથા જુસ્સાદાર તળપદી શૈલીને કારણે ગુજરાતી સામયિકોની ભાષાનો સ્વતંત્ર એવો પિંડ બંધાયો. પત્રકારત્વને પ્રવાહી પણ ધારદાર રૂપે, રસાળ રૂપે મૂકવાના પ્રયત્નોમાં ઉત્તમ ભાષાંતરકારો સાંપડ્યા. નવા નવા શબ્દોના ઘડતરમાં, વાક્યપ્રયોગોમાં ને એ રીતે ભાષાને સંસ્કારવા, ભાષા-વિષયક જાગૃતિ લાવવામાં ગુજરાતી પત્રકારત્વની આરંભની ભૂમિકા જ એટલી બળવત્તર રહી કે જેના પાયા પર ગુજરાતી સાહિત્યિક પત્રકારત્વની આજની ઇમારત ચણાઈ છે.
દરેક દાયકે સીમાચિહનરૂપ સાહિત્યિક સામયિકો ગુજરાતને પ્રાપ્ત થયાં છે. ‘બુદ્ધિપ્રકાશ’ જેવું સુધારકયુગનું સાહિત્યિક સામયિક ઈ. સ. 1854થી આજપર્યન્ત પ્રકાશિત થતું રહ્યું છે. પ્રત્યેક યુગમાં નોંધપાત્ર સામયિકોની સમાંતરે સંખ્યાબંધ સામયિકોનું, જ્ઞાતિઅંકો તેમ સ્મરણિકાઓનું પ્રકાશન ગુજરાતના સાહિત્યિક પત્રકારત્વના વિકાસનું સૂચક છે. આ પ્રવૃત્તિ પરપ્રાંતમાં, કોલકાતા જેવાં શહેરોમાં ‘નવરોઝ’, ‘કેસૂડાં’ રૂપે તો પરદેશમાં ‘ઓપિનિયન’ જેવાં સામયિકો સુધી વિસ્તરી છે એ એનો વિશેષ છે. ગુજરાતી સાહિત્યિક પત્રકારત્વ સાથે પ્રતિબદ્ધતાથી જોડાયેલા તંત્રી-સંપાદકો એમનાં સામયિકોના ઘણાબધા લેખકો પૈકીના એક લેખક પણ હોય છે. આને લીધે ફરજના ભાગરૂપ લખાયેલાં લખાણો સાહિત્યની સમૃદ્ધિમાં ઉમેરણરૂપ બની રહેતાં હોય છે. ‘પ્રસ્થાન’માં વિવેચક ઉપરાંત કવિ, વાર્તાકાર કે સર્જક નિબંધકાર રૂપે દેખા દેતા રામનારાયણ પાઠક; ‘મનીષા’ અને ‘ક્ષિતિજ’ તેમજ પછીનાં પત્રોમાં લખાયેલાં સુરેશ જોષીનાં લખાણો આનાં ઉદાહરણ છે. અખબારો તેમજ સામયિકોમાં પ્રસિદ્ધ થયેલા તંત્રીલેખોએ જાગ્રત પ્રહરીની ભૂમિકા ભજવી છે. સાહિત્યિક પત્રકારત્વે સાહિત્યકલા ઉપરાંત અન્ય કળાઓની ભરપૂર સામગ્રી પ્રકાશિત કરીને, લલિતકળાઓનો પરિચય પણ સંપડાવ્યો છે. ‘વીસમી સદી’ જેવાં સચિત્ર સામયિકો પછી અન્ય કળાઓ તરફનું વલણ જાગ્રત થતાં ‘કુમાર’ જેવાં અનેક સામયિકોએ વિવિધ કળાઓ તરફ ગુજરાતી પ્રજાનું ધ્યાન ખેંચ્યું. ‘સુવર્ણમાળા’, ‘ગુજરાત’, ‘નવચેતન’, ‘શારદા’ જેવાં સચિત્ર સામયિકોએ પ્રજામાં વાચનરુચિ વિકસાવી. સાહિત્યિક પત્રકારત્વે સમયે સમયે સાંપ્રત ઘટનાઓના, વિશિષ્ટ સ્વરૂપો તેમ સર્જકોના, વાદ-વિવાદ કે વિવેચનના અનેકવિધ વિષયો પર વિશેષાંકો આપ્યા છે અને સાહિત્યિક પત્રકારત્વની ભૂમિકાને દૃઢાવી છે. ક્યારેક તો આવા સમૃદ્ધ વિશેષાંકો જ સામયિકોની ઓળખ બની ગયા છે. આને લીધે લોકપ્રિય સામયિકો પણ ગુજરાતી સાહિત્યના ખાસ અંકો પ્રકાશિત કરવા તરફ વળ્યાં, એ એનું શુભ પરિણામ છે.
લઘુ કદનાં સામયિકો (Little Magazines) તરીકે ઓળખાયેલાં સાહિત્યિક સામયિકોના પ્રભાવીપણાને કારણે ગુજરાતમાં એક સમયે પોસ્ટકાર્ડ, ઇનલૅન્ડ લેટર કે લીથોપેપર પર પણ સાહિત્યિક લખાણોનું કામ ચાલ્યું છે. ‘સ્ત્રીબોધ’, ‘સુંદરીસુબોધ’, ‘ગુણસુંદરી’ જેવાં ગત સમયનાં સામયિકોમાં સચવાયેલાં લેખિકાઓનાં લખાણોનું સમાજશાસ્ત્રીય અભ્યાસ લેખે પણ મહત્વ આંકવામાં આવ્યું છે. બાળસાહિત્યને લગતાં સ્વતંત્ર સામયિકોની તેમજ અખબારોમાં નિયમિત રીતે અપાતી આ વિષયની સાપ્તાહિક પૂર્તિઓની ગુજરાતમાં સમૃદ્ધ પરંપરા છે. સાહિત્યિક પત્રકારત્વને વિકસવાની અનેક શક્યતાઓ હોવા છતાં આર્થિક સંકડામણ એની ઉધાર બાજુ છે. અપૂરતો ગ્રાહકવર્ગ, બાહ્ય વ્યવસ્થાનો અભાવ જેવાં પરિબળોને કારણે સાહિત્યિક સામયિકોનો ઇતિહાસ આર્થિક દૃષ્ટિએ ખેદજનક રહ્યો છે. ગુજરાતી અખબાર જનમનરંજક સામગ્રીનું બહોળું વાચન પીરસવાની વૃત્તિ દાખવતું રહ્યું છે; પરિણામે પ્રજાની કળા પ્રત્યેની રસરુચિ, જાગરૂકતા કેળવવામાં ઊણું ઊતરે છે. ગુજરાતનાં લબ્ધપ્રતિષ્ઠ સામયિકો પણ ઓછા ગ્રાહકો પર નભતા હોવાથી કરવા જોઈતાં સાહિત્યિક કાર્યો મોકળાશથી કરી શકતાં નથી. ‘ઊર્મિ નવરચના’ના લોકસાહિત્યવિષયક વિશેષાંકો આ વાતની સાક્ષી પૂરે છે. રૂપેરંગે સમૃદ્ધ અને ચિત્રાત્મકતાનો ખર્ચ સામયિક ઉપાડી શકે, પગભર થઈ શકે એવાં સામયિકો જૂજ રહ્યાં છે. સામગ્રીના ચયનથી માંડીને સાહિત્યિક સામયિકની રવાનગી સુધીનો ભાર તંત્રીને એકલપંડે સહેવાનો આવતો રહ્યો હોવાથી ગુજરાતી સાહિત્યિક સામયિકો અનિયમિતપણે પ્રકાશિત થતાં રહ્યાં છે. ગુજરાતી સાહિત્યના લગભગ તમામ પ્રમુખ સર્જકોએ સાહિત્યિક પત્રકાર તરીકેની ભૂમિકા અદા કરી છે. એનો લાભ ભાષાને, સર્જનને તેમ ગુજરાતી પ્રજાને થયો છે. ગુજરાતના સાહિત્યિક પત્રકારત્વ માટે આજે પણ વિકાસની અનેક શક્યતાઓ નિહિત છે. ભાષાશાસ્ત્ર-વિષયક, લોકસાહિત્ય, મધ્યકાલીન સાહિત્ય જેવા અનેક વિષયોના સ્વતંત્રપણે પ્રકટ થતાં સામયિકોની આજે પણ ગુજરાતી ભાષામાં ખેંચ વરતાય છે. બાળસાહિત્યનાં નોંધપાત્ર સામયિકોની જગા પણ પૂરવાની બાકી રહે છે.
આમ, અખબારો, સાહિત્યિક અને લોકપ્રિય સામયિકોમાં પ્રકટ થતા ગુજરાતના સાહિત્યિક પત્રકારત્વનું પ્રતિબિંબ વિવિધરંગી છે. ગુજરાતી ભાષાના ગદ્યને ઘડવામાં, સર્જકો સ્વરૂપોને પ્રતિષ્ઠિત કરવામાં તેમ ગુજરાતી વાચકોના ઘડતરમાં સાહિત્યિક પત્રકારત્વનું પ્રદાન અવિસ્મરણીય છે.
કિશોર વ્યાસ