સાહિત્યશાસ્ત્ર

January, 2008

સાહિત્યશાસ્ત્ર : સાહિત્યનું વિવેચન કરતું શાસ્ત્ર. શબ્દ અને અર્થનો સહભાવ એટલે સાહિત્ય. સાહિત્યમાં વ્યાપક સંદર્ભે સર્વ શાસ્ત્રો, કાવ્યો, ટીકાગ્રંથો ઇત્યાદિનો સમાવેશ થાય છે; પરંતુ કાવ્ય-નાટ્યના સંદર્ભમાં અથવા તો સર્જનાત્મક ગ્રંથોના સંદર્ભમાં શબ્દ અને અર્થનો ઉચિત, રમણીયાર્થવાળો વિન્યાસ જે અલંકાર, ગુણ અને રસયુક્ત શબ્દાર્થનો પ્રતિપાદક હોય તે સાહિત્ય. સાહિત્યનું વિવેચન કરતું શાસ્ત્ર તે સાહિત્યશાસ્ત્ર. સાહિત્યશાસ્ત્રનું અપરનામ કાવ્યશાસ્ત્ર પણ છે. સંસ્કૃતમાં કાવ્ય ગદ્યનિરપેક્ષ નથી; આથી ગદ્યકાવ્યો, મિશ્રકાવ્યો અને નાટકાદિ દૃશ્યકાવ્યોને પણ પદ્યકાવ્યની જેમ ‘કાવ્ય’ની અંતર્ગત જ સમાવવામાં આવે છે. આ કારણથી નાટ્યશાસ્ત્રનું સ્વતંત્ર ક્ષેત્ર હોવા છતાં હેમચન્દ્ર અને વિદ્યાનાથ તથા વિશ્વનાથ જેવા કાવ્યશાસ્ત્રીઓ દ્વારા પોતાના કાવ્યશાસ્ત્રીય ગ્રંથોમાં નાટ્યને લગતી સર્વાંગીણ ચર્ચા અલબત્ત, ભરતનાટ્યશાસ્ત્રને આધારે સમાવી લેવામાં આવી છે. કાવ્યશાસ્ત્રની જેમ ધનંજયનું ‘દશરૂપક’, રામચંદ્ર-ગુણચંદ્રનો ‘નાટ્યદર્પણ’, શારદાતનયનો ‘ભાવપ્રકાશન’ જેવા નાટ્યશાસ્ત્રના સ્વતંત્ર ગ્રંથો પણ છે; પરંતુ આ સઘળું વ્યાપક સંદર્ભે ‘સાહિત્યશાસ્ત્ર’ એવા શીર્ષક હેઠળ સમાવિષ્ટ કરવામાં આવ્યું છે. બીજી આ સંદર્ભમાં નોંધપાત્ર વિગત એ કે ‘અલંકારશાસ્ત્ર’ એવું પણ બીજું નામ ‘સાહિત્યશાસ્ત્ર’નું છે. એમાં ‘અલંકાર’ શબ્દ ‘अलम्’ના ભાવ માટે – સૌન્દર્યના અર્થ માટે પ્રયોજાયો છે. પ્રસ્તુત ‘અલંકાર’શબ્દ-રૂપ વ્યાપક શીર્ષકમાં શબ્દાર્થના અલંકારો ઉપરાંત કાવ્યસૌન્દર્યનાં આધાયક તત્ત્વો જેવાં કે, ગુણ, રીતિ, વૃત્તિ, વક્રોક્તિ, રસધ્વનિ, ઔચિત્ય અને કાવ્યાનુમિતિનો સમાવેશ થાય છે. આ સર્વ તત્ત્વો કાવ્યને શોભાવે છે, અલંકૃત કરે છે તેથી કાવ્યના અલંકારરૂપ છે, સૌન્દર્યરૂપ છે.

હવે સાહિત્યશાસ્ત્રનો આરંભ નાટ્યશાસ્ત્રથી માનવામાં આવે તો આશરે ઈ. પૂ. પહેલી સદીથી આજ પર્યન્ત એટલે કે ઈ. સ.ની 21મી સદી સુધી સાહિત્યશાસ્ત્રને લગતા વિવિધ ગ્રંથો રચાતા રહ્યા છે.

તેના વિકાસને એકંદરે ચાર વિભાગમાં વહેંચી શકાય : (1) ધ્વનિપૂર્વકાળ, (2) ધ્વનિકાળ, (3) ધ્વન્યુત્તરકાલ અને (4) પ્રમાણમાં અર્વાચીન કહી શકાય તેવો કાલખંડ.

ઈ. પૂ.થી – પ્રાચીનતમ કાળથી કાવ્યતત્ત્વ વિશે આચાર્યો ગવેષણા કરતા ગયા અને એ અભ્યાસોના સુચારુ પરિપાક રૂપે સાહિત્યશાસ્ત્રના અનેક ગ્રંથો રચાતા ગયા. એમાંથી ‘ભામહવિવૃત્તિ’, ‘હૃદયદર્પણ’, ‘કાવ્યકૌતુક’ જેવા ઘણા મહામૂલા ગ્રંથો કાલગ્રસ્ત થઈ ગયા. આમ છતાં ભામહના ‘કાવ્યાલંકાર’થી માંડીને આધુનિક અલંકારશાસ્ત્રી પં. રેવાપ્રસાદજીના ‘કાવ્યાલંકારકારિકા’ નામના ગ્રંથની વચ્ચે લગભગ 40 મુખ્ય ગ્રંથો તો કાવ્યશાસ્ત્રના જ થવા જાય છે. એ સિવાય નાટ્યશાસ્ત્રનું સાહિત્ય તો જુદું જ. સાહિત્યશાસ્ત્રનો પ્રસ્તુત બહુમૂલ્ય વારસો ભારતીય સંસ્કૃત વાઙ્મયનું ગૌરવ છે અને પશ્ચિમના સાહિત્યશાસ્ત્ર સામે અડીખમ રહે એવો વિશિષ્ટ છે.

સાહિત્યશાસ્ત્રની મીમાંસા ઉપલબ્ધ સામગ્રી અનુસાર ભરતના ‘નાટ્યશાસ્ત્ર’માં કાવ્યના ગુણ, દોષ, અલંકાર અને લક્ષણની ચર્ચા દ્વારા થઈ હોવાનું કહી શકાય.

ધ્વનિપૂર્વકાળમાં આનંદવર્ધનના સઘળા પૂર્વાચાર્યોએ અલંકારને વ્યાપક અર્થમાં લઈ કાવ્યસૌન્દર્યની વિભાવના કરી. આથી ભામહ, દંડી, વામન, ઉદભટ અને રુદ્રટને અલંકારપરંપરા, અર્થાત્, કાવ્યસૌન્દર્યની પરંપરાના પુરસ્કર્તા કહી શકાય. ભારતીય સાહિત્યશાસ્ત્રના પ્રારંભિક યુગમાં જે કંઈ ખેડાણ થયું એમાં ‘કાવ્યાલંકાર’માં ભામહે સર્વ અલંકારોમાં વક્રોક્તિ અર્થાત્ અતિશયોક્તિને જીવિતરૂપ કહી. વાણીનો અલંકાર એ જ વક્રોક્તિ. વક્રોક્તિ વિના કયો અલંકાર અલંકાર કહેવાય ? દંડીએ પણ પોતાની રીતે ‘કાવ્યાદર્શ’માં અતિશયોક્તિના તત્ત્વને આવકાર્યું. દંડીએ અગ્રામ્યતાને સર્વ રસોનો ભાર વહન કરનારી કહી અને જે કંઈ પણ કાવ્યનું શોભાકર તત્ત્વ છે – જેમ કે, ગુણ, રીતિ, લક્ષણ, અલંકાર, સંધ્યંગો અને રસ તથા રસાદિ અલંકારો – એ સઘળું તેમને ‘અલંકારતયા’ જ ઇષ્ટ છે એવું પ્રતિપાદન કર્યું. વામનાચાર્યે એ જ વાત ‘કાવ્યાલંકારસૂત્રવૃત્તિ’માં વિશેષ સૂક્ષ્મેક્ષિકાપૂર્વક કહી. તેમણે અલંકારોને કાવ્યશોભાકર ધર્મો તરીકે બિરદાવ્યા. ગુણોને રીતિના વિશેષો કહ્યા. આમ ગુણવિશિષ્ટા પદરચના તે રીતિ અને તે કાવ્યનો આત્મા કહેવાઈ. વામને શબ્દને જે અલંકૃત કરે છે તે સૌન્દર્યમૂલક અલંકાર એમ સમજાવી તેનો વ્યાપક અર્થ સ્પષ્ટ કર્યો અને જેનાથી કાવ્ય અલંકૃત થાય છે તે અલંકાર એટલે શબ્દ અને અર્થના અલંકારો – એમ ઉભય અર્થમાં પ્રયોજાતા ‘અલંકાર’ શબ્દ અંગે નિશ્ચિત ભેદરેખા દોરી આપી. વામને ગુણવિશેષા રીતિને આત્મા કહી. કાવ્યગુણોને નિત્ય અને અંતરંગ કહ્યા, જ્યારે શબ્દાર્થના અલંકારોને કાવ્યના બાહ્ય શોભાકારક ધર્મો કહ્યા જે અનિત્ય છે; અર્થાત્, ગુણ વગર કાવ્ય ન શોભે. જેમ યુવતી સદગુણા હોય તો અલંકાર = આભૂષણરહિત હોય તોપણ વાંધો નથી; પણ ગુણહીના અને અલંકારયુક્તા તો ન જ હોવી જોઈએ. આમ વામન ગુણવિશેષા રીતિના તત્ત્વના પુરસ્કર્તા બન્યા.

ઉદભટે ભામહને સાદ્યંત અનુસરીને ‘કાવ્યાલંકારસારસંગ્રહ’ની રચના કરી. ઉદ્ભટે કદાચ પ્રથમ વાર પ્રકરણગ્રંથ આપ્યો અને શબ્દાર્થના અલંકારોની કાવ્યસૌન્દર્યના પરિઘમાં રહીને સુચારુ નિરૂપણા કરી. પાછળથી ધ્વનિવાદી રુય્યકને ‘અલંકારસર્વસ્વ’ નામનો પ્રકરણગ્રંથ રચવાની પ્રેરણા ઉદભટ પાસેથી મળી.

રુદ્રટે પણ ‘કાવ્યાલંકાર’માં શબ્દાર્થના અલંકારોની ઘેરી વિવેચના કરી છે. અલંકારોની સંખ્યાવૃદ્ધિ સાથે સૂક્ષ્મ ઈક્ષાનો પણ વિકાસ થતો રહ્યો. પૂર્વાચાર્યોમાં એક અન્ય નોંધપાત્ર વિગત એ કે ઉદભટના લુપ્ત ગ્રંથ ‘ભામહવિવરણ’માં તેમણે વામનના ગુણાલંકારભેદનું ‘ગાડરિયો પ્રવાહ’ કહી સખત શબ્દોમાં નિરસન કર્યું. ઉદ્ભટાચાર્ય અનુગામીઓ માટે પણ પ્રેરણારૂપ બની રહ્યા અને ધ્વનિ તથા ધ્વન્યુત્તર કાળમાં પણ ભામહ અને ઉદભટની પરંપરાના અનુમોદનનો સૂર જોવા મળે છે.

ધ્વનિકાળ (ઈ. સ. 9મી સદી) આમ તો સંમાન્ય આચાર્ય આનંદવર્ધનથી શરૂ થયો તેમ કહી શકાય; પરંતુ ધ્વનિતત્ત્વની વિચારણા આનંદવર્ધન પહેલાંથી જ શરૂ થઈ ગઈ હશે. ‘ધ્વન્યાલોક’ના સંગ્રહશ્લોકો પણ એનું પ્રમાણ છે. આનંદવર્ધને ‘ધ્વન્યાલોક’માં ધ્વનિને કાવ્યનો આત્મા કહ્યો. ત્રિરૂપધ્વનિ = વસ્તુ, અલંકાર અને રસમાં, વસ્તુત: તો પ્રથમ બે ધ્વનિનું પર્યવસાન ‘રસ’માં જ થાય છે. આથી ‘રસધ્વનિ’ જ કાવ્યનો આત્મા છે એમ કહેવાય. આનંદવર્ધને પરિભાષાની ભેળસેળ દૂર કરી શબ્દાર્થના અલંકારોને જ ‘અલંકાર’ કહ્યા અને તેમાં પણ જો અલંકારો રસાક્ષિપ્ત હોય તો તે બહિરંગ બની જતા નથી; પરંતુ કાવ્યનું અંતરંગ તત્ત્વ જ બની રહે છે એમ દર્શાવ્યું. આમ, ભામહાદિની પરંપરાનું પોતાની રીતે અનુમોદન કર્યું. આનંદવર્ધને કાવ્યનાં અન્ય સઘળાં તત્ત્વોને રસધ્વનિને પુરસ્કૃત કરતાં હોય એ રીતે પ્રસ્થાપિત કરી આપી સઘળાંનું સમાયોજન કાવ્યાત્મા ધ્વનિની દૃષ્ટિએ કરી આપ્યું અને ધ્વનિવિરોધીઓનું જોરદાર ખંડન કર્યું.

‘ધ્વન્યાલોક’ પર અભિનવગુપ્તે ‘લોચન’ નામની ટીકા રચી આનંદવર્ધનની પરંપરાનું સમર્થન કર્યું. તે પછી મમ્મટે પણ કુંતક અને મહિમભટ્ટનું ખંડન ‘કાવ્યપ્રકાશ’માં કરી ધ્વનિ-પ્રસ્થાપક પરમાચાર્યનું બિરુદ સાર્થક કર્યું.

‘ધ્વન્યાલોક’, ‘લોચન’ અને ‘કાવ્યપ્રકાશ’ સાહિત્યશાસ્ત્રમાં ‘પ્રસ્થાનત્રયી’નું સ્થાન પામ્યા.

આમ છતાં કુંતકની ‘વક્રોક્તિજીવિત’માં રજૂ થયેલી આગવી વિચારધારા અને ‘વ્યક્તિવિવેક’માં રજૂ થયેલી મહિમભટ્ટની ધ્વનિવિરોધી વિચારધારાનો પ્રભાવ હતો જ; આથી ધ્વન્યુત્તરકાળમાં કાવ્યલક્ષણો સ્વરૂપપરક રચાયાં. ‘ઔચિત્યવિચારપરંપરા’માં ક્ષેમેન્દ્રે ઔચિત્યની પરંપરાનું વિવરણ કર્યું, તે પણ નોંધપાત્ર છે. ‘કાવ્યપ્રકાશ’કાર મમ્મટ, ‘અલંકારસર્વસ્વ’કાર રુય્યક, ‘કાવ્યાનુશાસન’કાર હેમચન્દ્ર ઇત્યાદિ ધ્વનિવાદી આલંકારિકોએ ધ્વનિની સાથે સાથે અલંકારપરંપરાનું પણ ગૌરવ કર્યું. રુય્યકે તો ‘અલંકારસર્વસ્વ’ નામનો આકરગ્રંથતુલ્ય પ્રકરણગ્રંથ રચ્યો. ‘એકાવલી’કાર વિદ્યાધર, ‘સાહિત્યદર્પણ’કાર વિશ્વનાથ ઇત્યાદિ આલંકારિકોએ મમ્મટને મોટેભાગે અનુસરીને ધ્વનિપરંપરાનું ગૌરવ કર્યું. ‘સરસ્વતીકંઠાભરણ’ અને ‘શૃંગારપ્રકાશ’કાર ભોજ અને ‘પ્રતાપરુદ્રીય’કાર વિદ્યાનાથમાં માલવપરંપરાનો પ્રભાવ જોવા મળે છે. વિદ્યાનાથમાં કિંચિત્ અને ભોજમાં વિશેષ – જે અપવાદરૂપ છે.

ધ્વન્યુત્તરકાળના અંતિમ તબક્કામાં ‘રસગંગાધર’ના લેખક પંડિતરાજ જગન્નાથ જેવા ધુરંધર આલંકારિક થયા. પંડિતરાજ ધ્વનિવાદી હોઈ આનંદવર્ધન-મમ્મટને અનુસર્યા; આમ છતાં કાવ્યના પ્રત્યેક તત્ત્વની વિભાવનામાં તેમણે કંઈ ને કંઈ વિશિષ્ટ પ્રદાન જરૂર કર્યું. સ્વરચિત ઉદ્ધરણો જ કાવ્યનાં તત્ત્વો સમજાવતી વખતે આપ્યાં. આ બધાંને લીધે ‘રસગંગાધર’ તાજગીભર્યો ગ્રંથ બની રહ્યો છે.

સાહિત્યશાસ્ત્રનું બીજું એક ક્ષેત્ર છે કવિશિક્ષાનું. કવિશિક્ષાના ગ્રંથોમાં જૈન આચાર્યોનું પ્રદાન મહત્ત્વનું રહ્યું છે; જેમાં ‘કાવ્યકલ્પલતા’કાર અમરચન્દ્ર, ‘કવિશિક્ષા’કાર વિનયવિજય, ‘અલંકારચિંતામણિ’કાર અજિતસેનનો સમાવેશ મહત્ત્વનો છે. ક્ષેમેન્દ્રનો ‘કવિકંઠાભરણ’ અને દેવેશ્વરનો ‘કવિકલ્પલતા’ ગ્રંથ પણ ગણનાપાત્ર છે.

અર્વાચીન કહી શકાય એવા કાળમાં વિશ્વેશ્વરનો ‘અલંકારકૌસ્તુભ’ મળે છે, જે જગન્નાથની જેમ નવ્યન્યાયની શૈલીમાં રચાયો છે. આધુનિક આલંકારિક પં. રેવાપ્રસાદ દ્વિવેદીએ ‘અલંકારકારિકા’ નામના ગ્રંથની રચના કરી, જેમાં કાવ્યના પ્રત્યેક તત્ત્વની મીમાંસા નૂતન દૃષ્ટિકોણથી કરી અલંકારપરંપરાનું વિશેષ ગૌરવ કર્યું છે. આમ છતાં ધ્વનિને નરરૂપ અને અલંકારને નારાયણરૂપ માની બંને વચ્ચેનો વિશિષ્ટ સંબંધ સ્થાપી આપ્યો છે. તેમના સાહિત્યશાસ્ત્રનાં અન્ય સંપાદનો પણ છે.

વર્તમાન સમયમાં સાહિત્યશાસ્ત્રના ઇતિહાસોમાં Dr. Kaneનો ‘History of Alamkara Literature’ અને Dr. Deના ‘History of Sanskrit Poetics’ મહત્ત્વના ગ્રંથો છે. K. Krishnamurthiનું ‘ધ્વન્યાલોક’નું સંપાદન અને કુંતકનું ‘વક્રોક્તિજીવિત’નું સંપાદન મહત્ત્વનાં બની રહે છે. એ સિવાય કે. શંકરન્, ડૉ. વી. રાઘવન્, કે. સી. પાંડેય અને પટવર્ધન તથા ઇટાલીના નૉલીએ સાહિત્યશાસ્ત્ર અંગે સંશોધનાત્મક ગ્રંથો રચી વિદ્વાનો સમક્ષ નવીન અને વિવેચનાત્મક દૃષ્ટિકોણો મૂક્યા છે.

પ્રો. આર. બી. આઠવલે અને પ્રો. રસિકલાલ છો. પરીખનાં અનુક્રમે ‘રસગંગાધર’ અને ‘કાવ્યાનુશાસન’નાં સંપાદનો મહત્ત્વનાં છે.

ગુજરાત પણ હેમચન્દ્રના સમયથી અલંકારશાસ્ત્રમાં આગવું પ્રદાન કરી રહ્યું છે, જેમાં ર. છો. પરીખનો ‘આનંદમીમાંસા’ ગ્રંથ મહત્ત્વનો છે. ડોલરરાય માંકડનું પણ નાટ્યશાસ્ત્રમાં વિશિષ્ટ પ્રદાન રહ્યું છે. ડૉ. તપસ્વી નાન્દીએ ‘ભારતીય સાહિત્યશાસ્ત્રની વિચારપરંપરાઓ’ એ બહુમૂલ્ય ગ્રંથમાં સાહિત્યશાસ્ત્રની આ પરંપરાઓ છે, નહિ કે વાદ કે સંપ્રદાય એ વિગતનું પ્રતિપાદન કર્યું છે. વળી રસપરંપરાનો તો ક્યાંય વિરોધ થયો નથી. બધી પરંપરાઓએ અન્યોન્યની વિગતો પોતપોતાની રીતે સ્વીકારી જ છે. અભિનવગુપ્તના શબ્દોમાં સજ્જનોના મત સંશોધિત થયા છે, દૂષિત નહિ. ધ્વનિમાર્ગમાં અલંકારને ડૉ. નાન્દીએ કર્ણનાં કવચ અને કુંડળની જેમ અંતરંગ કહ્યો છે. રસપરંપરામાં પણ તેમનું ચિંતન વિશદ અને તાજગીપૂર્ણ છે. તેમના ‘અલંકારશાસ્ત્ર’ના ગ્રંથોમાં ઉપર્યુક્ત ગ્રંથ ઉપરાંત ‘ધ્વન્યાલોકલોચન’, ‘ભરતનાટ્યશાસ્ત્ર’ અને ‘કાવ્યાનુશાસન’ મહત્ત્વનાં સંપાદનો છે.

ઉપરાંત ડૉ. કુલકર્ણી સાથે G.O.S. દ્વારા પ્રકાશિત નાટ્યશાસ્ત્રનું સંપાદન પણ ડૉ. નાન્દીનો મહત્ત્વનો ગ્રંથ છે.

આમ, સાહિત્યશાસ્ત્રમાં ઈ. પૂ.થી માંડીને 21મી સદી પર્યન્ત પુષ્કળ ખેડાણ થયું છે અને હજુ પણ ખેડાણનો અવકાશ છે જ. વળી ‘સર્વશાસ્ત્રપારિષદ’ એવું સાહિત્યશાસ્ત્રનું વિશેષણ યથાર્થ જ છે.

પારુલ માંકડ