સાહિત્યમીમાંસા : ભારતીય અલંકારશાસ્ત્રનો આચાર્ય રુય્યકે રચેલો ગ્રંથ. આ કૃતિનો ઉલ્લેખ સ્વયં રુય્યકે તેમની જ કૃતિ ‘અલંકારસર્વસ્વ’ અને ‘વ્યક્તિવિવેકવ્યાખ્યાનમાં’ કર્યો છે. વિદ્યાનાથે ‘પ્રતાપરુદ્ર-યશોભૂષણ’માં લેખકના નામોલ્લેખ વગર પ્રસ્તુત કૃતિનો ઉલ્લેખ કર્યો છે. ‘સાહિત્યમીમાંસા’નું પ્રકાશન ત્રિવેન્દ્રમ્ સંસ્કૃત સિરીઝમાં ઈ. સ. 1934માં થયું છે, તેમાં વચ્ચે ઘણુંબધું છૂટી ગયું છે. હસ્તપ્રતમાં પણ ખામી જણાય છે. કૃતિનું સંપાદન કે. સામ્બશિવશાસ્ત્રીએ કર્યું છે. ત્રિવેન્દ્રમ્ સંપાદનને આધારે જ સંપૂર્ણાનન્દ વિશ્વવિદ્યાલયમાંથી પ્રસ્તુત કૃતિનું પ્રકાશન થયું છે; જેમાં રુય્યકને બદલે તેનું કર્તૃત્વ મંખક કે જેઓ રુય્યકના શિષ્ય હતા તેમને નામે ચડાવવામાં આવ્યું છે; જ્યારે ત્રિવેન્દ્રમ્થી પ્રકાશિત ‘સાહિત્યમીમાંસા’ના આરંભ કે અંતમાં કૃતિના કર્તાનો નામનિર્દેશ નથી.
કૃતિનું સ્વરૂપ જોઈએ તો પહેલાં કારિકાઓ છે અને કારિકા પછી તરત જ ગદ્યમાં વૃત્તિ આપવામાં આવી છે તથા લગભગ 600 ઉદાહરણો આપવામાં આવ્યાં છે; જેમાં 100 તો પ્રાકૃતમાં છે. ઉદ્ધરણો પ્રસિદ્ધ સંસ્કૃત ગ્રંથોમાંથી પસંદ કરવામાં આવ્યાં છે. કૃતિ આઠ પ્રકરણોમાં વિભાજિત છે. પ્રથમ અને અંતિમ પ્રકરણ અત્યંત સંક્ષેપમાં છે; જ્યારે છઠ્ઠું અને સાતમું અધિક વિસ્તૃત છે.
પ્રથમ પ્રકરણમાં રુય્યકના જ ‘અલંકારસર્વસ્વ’ના મંગલશ્લોકની જેમ પરા અને અપરાના પ્રતીક તરીકે વાચ્ય અને વાચકની વંદના કરવામાં આવી છે. પછી જેને ‘સાહિત્ય’ કહેવામાં આવે છે તેવા સામર્થ્ય, વૃત્તિ, વિવક્ષા વગેરે આઠ વિષયોની ચર્ચા છે. ચાર સાહિત્ય-પરિષ્કારો અને કેટલાક કવિશિક્ષાના મુદ્દાઓની પણ ચર્ચા કરવામાં આવી છે.
બીજા પ્રકરણમાં મુખ્યા, લક્ષણા અને ગૌણી – એમ ત્રણ પ્રકારની વૃત્તિની સોદાહરણ ચર્ચા છે. સાહિત્ય ભાષા અને વ્યાકરણનું નામ છે એમ કહી કાવ્ય અને સાહિત્યનો ભેદ કરવામાં આવ્યો છે.
ત્રીજા પ્રકરણમાં દોષોની ચર્ચા છે. પદના અપ્રયુક્ત, ગ્રામ્ય, અસમર્થ, અનર્થક, સાધારણ, પ્રસિદ્ધાર્થ વગેરે છ દોષ વિભિન્ન પ્રકારના વિરોધોની પરિભાષાઓ અને ઉદાહરણો સાથે આપ્યા છે.
ચતુર્થ પ્રકરણમાં કાવ્યના બાહ્ય અને આભ્યન્તર ગુણોની ચર્ચા કરવામાં આવી છે.
પાંચમા પ્રકરણમાં અલંકારોની પરિભાષા આપવામાં આવી છે. ગુણાલંકાર ભેદનું વિવેચન ઉદભટને બદલે વામન તરફ ઢળે છે. અલંકારોનાં લક્ષણો વગેરે દંડી અનુસાર આપવામાં આવ્યાં છે. ઉપમા, રૂપક વગેરે 10 અર્થાલંકારોમાં અન્ય અલંકારોનો અંતર્ભાવ કરવામાં આવ્યો છે. વક્રોક્તિમાં પણ કેટલાક અલંકારોનો અંતર્ભાવ કરવામાં આવ્યો છે.
છઠ્ઠા પ્રકરણમાં રસનાં કારણ (બીજ) પ્રકૃતિ, સહકારી તથા રસનિષ્પત્તિમાં સહકારી એવાં અન્ય તત્ત્વોનું વિવેચન કરવામાં આવ્યું છે. આ સિવાય સ્થાયી, સાત્ત્વિક અને વ્યભિચારી ભાવો વિશે અને શાન્તરસના સ્વીકારનો પણ ઉલ્લેખ છે. શાન્તના સ્થાયી તરીકે ધૃતિને સ્વીકારાયો છે. અન્ય રસોનો પણ સ્વીકાર થયો છે. રસો સાથે રીતિ અને વૃત્તિઓના સંબંધની ચર્ચા પણ કરવામાં આવી છે.
સાતમા પ્રકરણમાં કવિઓના ચાર પ્રકારના સાધનાશ્રમનું નિરૂપણ કર્યું છે. કવિઓ પણ સત્કવિ વગેરે ચાર પ્રકારના હોય છે. કવિસમય અને કવિઓને માટે કેટલીક આવશ્યક સૂચનાઓ આપવામાં આવી છે. વિભિન્ન પ્રાંતનાં વિભિન્ન તહેવારો અને રમતોનું વર્ણન છે. વળી પ્રત્યક્ષાદિ છ પ્રમાણોનો પણ એમાં નિર્દેશ છે.
આઠમા પ્રકરણમાં ઉપસંહાર જણાય છે. કવિની વાણીની એમાં સ્તુતિ છે. એમાં કહ્યું છે કે આ વાણીના અર્થજ્ઞાનનો શ્રેષ્ઠતમ પુરસ્કાર જ લોકોત્તર આનંદ છે.
પ્રસ્તુત કૃતિમાં કાવ્યશાસ્ત્રના ઘણાબધા પૂર્વાચાર્યોનો અને તેમની રચનાઓનો ઉલ્લેખ છે. (પૃ. 7, 73, 114, 68, 3, 11, 86 વગેરે વગેરે.) ‘સાહિત્યમીમાંસા’નાં બે વિશિષ્ટ લક્ષણો ધ્યાનાર્હ છે : (1) તેમાં શબ્દની વ્યંજનાશક્તિનો કોઈ જ ઉલ્લેખ નથી. (2) વ્યંજનાને બદલે તેમાં તાત્પર્યવૃત્તિનું પ્રતિપાદન છે; એટલું જ નહિ, તેમાં તાત્પર્યવૃત્તિ દ્વારા રસાનુભૂતિ થાય છે એવું સિદ્ધ કરવામાં આવ્યું છે. વળી તેમાં બહુ જ થોડા અલંકારોની ચર્ચા કરવામાં આવી છે. સમાસોક્તિ, અપ્રસ્તુતપ્રશંસા, સહોક્તિ વગેરેનો અંતર્ભાવ વક્રોક્તિમાં કરવામાં આવ્યો છે. ભોજના ‘શૃંગારપ્રકાશ’નો આ કૃતિ પર નોંધપાત્ર પ્રભાવ છે.
‘સાહિત્યમીમાંસા’ ‘રુય્યકની કૃતિ છે કે નહિ તે અંગે શંકા પ્રવર્તે છે; કારણ કે, રુય્યક આનંદવર્ધન અને અભિનવગુપ્તની પરંપરાના આલંકારિક છે, જ્યારે ‘સાહિત્યમીમાંસા’ ભોજની માલવપરંપરાનું અને કંઈક અંશે કુંતકનું અનુસરણ કરે છે. રુય્યકના ‘અલંકારસર્વસ્વ અને ‘સાહિત્યમીમાંસા’ વચ્ચેનો વિચારભેદ સ્પષ્ટ છે.
જોકે એક જ લેખક બીજી કૃતિમાં બીજો વિચાર રજૂ કરી શકે, પરંતુ ચોક્કસ પ્રમાણોના અભાવમાં ‘સાહિત્યમીમાંસા’ના કર્તૃત્વ વિશે કશું કહી શકાય એમ નથી.
રસની બાબતમાં આ કૃતિ ધનંજય-ધનિકને (= દશરૂપકને) અને પરિષ્કાર સમજાવતી વખતે ભોજને અનુસરે છે. ભોજનાં ચાર પ્રસિદ્ધ તત્ત્વો જે કાવ્યમાં અનિવાર્ય છે તે (1) દોષહાન, (2) ગુણાદાન, (3) અલંકારયોગ અને (4) રસાવિયોગનો નિર્દેશ પણ ‘સાહિત્યમીમાંસા’ કરે છે.
પારુલ માંકડ