સાવેદાદા (. 15 માર્ચ 1868, પુણે; . 20 ફેબ્રુઆરી 1958) : ચલચિત્રનિર્માતા. મૂળ નામ હરિશ્ર્ચંદ્ર સખારામ ભાટવડેકર. ભારતમાં ચલચિત્રોનો પ્રારંભ કરનારા સાહસિકોમાં સાવેદાદાનું પ્રદાન નોંધપાત્ર છે. ભાટવડેકર મૂળ તો ફોટોગ્રાફર હતા અને ખાસ્સી નામના ધરાવતા હતા. ઈ. સ. 1880માં મુંબઈમાં તેમણે સ્ટુડિયો શરૂ કર્યો હતો. ઈ. સ. 1896માં લુમિયર બંધુઓનાં ચલચિત્રો જોઈને તેઓ એટલા મંત્રમુગ્ધ થઈ ગયા કે તેમણે લંડનથી મૉશન પિક્ચર કૅમેરા મંગાવી લીધો. લગભગ 21 ગિનીની કિંમતનો આ કૅમેરા પ્રથમ આયાતી કૅમેરા હતો. ભારતમાં પ્રથમ કથાચિત્ર બનાવવાનું માન દાદાસાહેબ ફાળકેને મળ્યું છે, પણ સાવેદાદાએ તો એનાં પંદર વર્ષ પહેલાં ચિત્રનિર્માણ કર્યું હતું. ઈ. સ. 1899માં તેમણે એ સમયના બે પ્રસિદ્ધ પહેલવાનો પુંડલિક દાદા અને કૃષ્ણા નહાબી વચ્ચેની કુસ્તીની સ્પર્ધાનું ચિત્ર ઉતાર્યું હતું. ખાસ ચિત્ર બનાવવા માટે થઈને આ કુસ્તીનું આયોજન મુંબઈના હેંગિંગ ગાર્ડનમાં કરાયું હતું. આ ચિત્ર ‘ધ રેસલર્સ’ને પ્રોસેસ માટે લંડન મોકલવું પડ્યું હતું, જ્યાંથી તે ત્રણ અઠવાડિયે પાછું આવ્યું હતું. ભારતનું એ પ્રથમ ચલચિત્ર હતું. જોકે તે કથાચિત્ર (ફિચર ફિલ્મ) નહોતું. પ્રથમ લઘુચિત્ર બનાવ્યા બાદ તેમણે ચલચિત્રનિર્માણમાં ઝુકાવ્યું અને પોતે ચિત્રો બનાવવા ઉપરાંત વિદેશથી ચિત્રો મંગાવીને તેનું પ્રદર્શન પણ કરવા માંડ્યા.

બ્રિટિશ સામયિક ‘રિવ્યૂ ઑવ્ રિવ્યૂઝ’માં સિનેમાના એક પ્રોજેક્ટરના વેચાણની જાહેરખબર જોઈને સાવેદાદાએ બે અંગ્રેજી ચિત્રો ‘ધ બૅટ્સ’ અને ‘કેન કેન ડૉલ્સ’ સાથે એ પ્રોજેક્ટર ઇંગ્લૅન્ડથી આયાત કર્યું. એની મદદથી તેઓ મુંબઈના શ્રીમંતો અને પ્રતિષ્ઠિત વ્યક્તિઓને ઘેર જઈને પણ ચલચિત્રો બતાવતા. આ રીતે ચિત્રપ્રદર્શન તેમને સારી એવી કમાણી કરાવવા માંડ્યું. સાવેદાદા પણ આ કમાણીમાં વધારો થાય તે હેતુથી જ વિચારવા માંડ્યા કે જો વિદેશી ચિત્રો લોકોને આટલાં મનોરંજક લાગે છે અને ગમે છે તો આપણાં પોતાનાં જ લોકોનાં આપણે ત્યાં જ ઉતારેલાં ચિત્રો તો લોકોને ચોક્કસ ગમવાનાં જ. આ વિચારને મૂર્તિમંત કરવા તેઓ કામે લાગી ગયા.

ભારતનું પ્રથમ ‘ન્યૂઝ રીલ’ બનાવવાનો યશ પણ સાવેદાદાને મળ્યો છે. કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં એક ભારતીય વિદ્યાર્થી આર. પી. પરાંજપે(જાણીતાં નિર્માત્રી-દિગ્દર્શિકા સઈ પરાંજપેના દાદા)ને ગણિતમાં સ્પેશિયલ ડિસ્ટિન્ક્શન મળ્યું હતું. પરાંજપે ભારત પાછા ફર્યા ત્યારે તેમનું ભવ્ય સ્વાગત કરાયું હતું. આવી ઘટનાઓ એ દિવસોમાં લોકોમાં રાષ્ટ્રપ્રેમ સીંચવાનું કામ કરતી. ઈ. સ. 1901ની 7મી ડિસેમ્બરે પરાંજપેનું ભવ્ય સ્વાગત કરાયું એ ઘટનાને સાવેદાદાએ કૅમેરામાં કંડારી લીધી હતી. આમ, ભારતના પ્રથમ ન્યૂઝ રીલનું નિર્માણ થયું હતું. એ પછી તેમણે લૉર્ડ કર્ઝનના દિલ્હી દરબાર વિશે પણ એક ચિત્ર બનાવ્યું હતું.

ઈ. સ. 1903માં સાવેદાદા વિદેશમાંથી લુમિયર કૅમેરા ખરીદી લાવ્યા. 650 રૂપિયાની કિંમતના એ કૅમેરાની મદદથી તેમણે ‘અલીબાબા ઍન્ડ ફૉર્ટી થિવ્ઝ’ અને ‘અલ્લાદીન ઍન્ડ વન્ડર્ફુલ લૅમ્પ’ વગેરે ચિત્રો બનાવ્યાં. ઍપોલો બંદર પર એમ. એમ. ભાવનગરીનું આગમન અને ખોજા સમાજ દ્વારા તેમના સ્વાગતનું પણ તેમણે ચિત્ર બનાવ્યું. પછીથી કૅપિટલ થિયેટર બનેલા ગેઇટી થિયેટરમાં તેઓ ચિત્રો પ્રદર્શિત કરતા. મુંબઈ ઉપરાંત તેમણે શોલાપુર, બેલગામ, કોલ્હાપુર, મૅંગલોર અને ગોવામાં પણ ચિત્રોનું પ્રદર્શન કર્યું હતું. તેમાં ‘લાઇફ ઑફ જિસસ ક્રાઇસ્ટ’, ‘રાણી વિક્ટોરિયાની અંતિમ યાત્રા’ અને ‘રાજા એડવર્ડ સાતમાના રાજ્યાભિષેક’ અંગેનાં ચિત્રો સામેલ હતાં. તેઓ પોતાના આ વ્યવસાયનો વધુ વિકાસ કરવાની યોજનાઓ ઘડી રહ્યા હતા પણ એવી કોઈ યોજના તૈયાર કરે તે પહેલાં તેમના નાના ભાઈ રામકૃષ્ણનું અવસાન થયું હતું. આ આઘાતમાંથી તેઓ કદી બહાર આવી શક્યા નહોતા. તેને કારણે ધીમે ધીમે ચિત્રનિર્માણમાં તેમનો રસ ઓછો થતો ગયો હતો. સમય જતાં તેઓ ચિત્રનિર્માણની પ્રવૃત્તિ છોડી દઈને માત્ર એક્ઝિબિટર બની રહ્યા હતા. તેઓ ગેઇટી થિયેટરના મૅનેજર પણ બન્યા હતા. ઈ. સ. 1907માં તેઓ નિવૃત્ત થઈ ગયા હતા.

હરસુખ થાનકી