સાવિત્રી : આધુનિક કાળના મહાન ભારતીય દાર્શનિક-યોગી-કવિ શ્રી અરવિન્દે (ઈ. સ. 1872-1950) બ્લૅન્ક વર્સમાં રચેલું અંગ્રેજી મહાકાવ્ય (epic). આ મહાકાવ્યનું ઉપશીર્ષક છે ‘a Legend and a Symbol’ (એક દંતકથા અને એક પ્રતીક). 23,813 પંક્તિઓમાં લખાયેલું આ મહાકાવ્ય અંગ્રેજી ભાષાનું સૌથી લાંબું મહાકાવ્ય છે.

સાવિત્રી ત્રણ ખંડોમાં વહેંચાયેલું છે. દરેક ખંડ પર્વોમાં અને દરેક પર્વ સર્ગોમાં વહેંચાયેલાં છે. સાવિત્રીમાં કુલ બાર પર્વો અને ઓગણપચાસ સર્ગો છે. છેલ્લો સર્ગ ઉપસંહાર રૂપે છે.

શ્રી અરવિન્દનું દર્શન છે આધ્યાત્મિક ઉત્ક્રાન્તિ. પરમાત્માએ સૌપ્રથમ તમસપ્રધાન જડપદાર્થ રૂપે પોતાનો આવિર્ભાવ કર્યો. પછી પ્રાણપ્રધાન વનસ્પતિ-પ્રાણી રૂપે અને ત્યારબાદ મન:પ્રધાન મનુષ્ય રૂપે. આ અપૂર્ણ મન:પ્રધાન ચેતના આગળ પૂર્ણ પરમાત્માનો આવિર્ભાવ અટકી જઈ શકે નહિ. તેથી હવે પછીનું પગથિયું છે પૂર્ણ અતિમનશ્ર્ચેતના ધરાવતો (અતિ)માનવ. પરમાત્મા માટેની અભીપ્સા, અસતનો ઇનકાર અને પરમાત્માને પૂર્ણ સમર્પણના ત્રિવિધ યોગ દ્વારા દિવ્ય અતિમનસ ચેતના સુધી માત્ર આરોહણ જ નથી કરવાનું; પરંતુ તે ચેતનાને નીચે મન, પ્રાણ અને શરીરમાં ઉતારી તેમને દિવ્ય બનાવવાનાં છે. તો જ માનવીની મૃત્યુ સહિતની સમસ્યાઓનો ઉકેલ આવી શકે. આ દર્શનયોગને કવિએ ‘સાવિત્રી’માં કવિતા રૂપે વાચા આપી છે.

જેના પરથી શ્રી અરવિન્દને ‘સાવિત્રી’ લખવાની પ્રેરણા મળી તે મહાભારતના વનપર્વના ‘સાવિત્રી ઉપાખ્યાન’(અધ્યાય 291થી 297)માં આવતી કથા સંક્ષેપમાં આ પ્રમાણે છે : નિ:સંતાન મદ્રરાજ અશ્વપતિએ સંતાન માટે અઢાર વર્ષ તપ-યજ્ઞ કર્યાં. પ્રસન્ન થયેલી સાવિત્રીદેવીએ પોતાની વિશિષ્ટ કૃપાથી તેને ત્યાં પોતાના જ અંશમાંથી એક પુત્રી જન્મશે એવું તેને વરદાન દીધું. પરિણામે જન્મેલી પુત્રીનું નામ તેણે સાવિત્રી પાડ્યું. યુવાન થયેલી સાવિત્રીના અતિશય તેજસ્વી વ્યક્તિત્વને કારણે કોઈ પણ રાજકુમારે તેને પરણવાની હિંમત દાખવી નહિ. વર જાતે શોધી લેવાની પિતાની આજ્ઞા અનુસાર લાંબું પરિભ્રમણ કરીને પાછી ફરેલી સાવિત્રીએ પિતાને જણાવ્યું કે વનવાસ ભોગવી રહેલા દ્યુમત્સેન રાજાના રાજકુમાર સત્યવાનની પોતે પોતાના વર તરીકે પસંદગી કરી છે. એક વર્ષ બાદ સત્યવાન મૃત્યુ પામશે એવી ત્યાં ઉપસ્થિત નારદની ભવિષ્યવાણી છતાં પોતાની પસંદગી પર અડગ સાવિત્રીનું માબાપની સંમતિથી સત્યવાન સાથે લગ્ન થાય છે. બરાબર એક વર્ષ પૂરું થતું હતું તે દિવસે યજ્ઞ માટે લાકડું કાપવા ગયેલો સત્યવાન માથું દુખવાની ફરિયાદ કરે છે, સાવિત્રી તેનું માથું પોતાના ખોળામાં લે છે, સત્યવાન ઊંઘી જાય છે, યમ આવે છે, સત્યવાનના જીવને ફાંસલામાં લઈને જવા માંડે છે. સાવિત્રી યમની પાછળ જાય છે, યમ સાથે સંવાદ કરે છે. તેની વાણીથી પ્રસન્ન થઈ યમ સત્યવાનને જીવતો કરે છે. નિયતિ અને મૃત્યુ પર વિજય મેળવી સાવિત્રી પાછી ફરે છે. સત્યવાન પિતાએ ગુમાવેલું રાજ્ય પાછું મેળવી રાજ્ય કરે છે.

‘સાવિત્રી’માં આ પૌરાણિક કથાનો અંશ (કથાંશ) કવિએ લગભગ અકબંધ રહેવા દીધો છે; પરંતુ આખીય કથાને પ્રતીકમાં રૂપાન્તરિત કરી દીધી છે. વ્યુત્પત્તિની દૃષ્ટિએ ‘સાવિત્રી’ શબ્દના મૂળમાં सू = જન્મ આપવો, નિર્માણ કરવું એ અર્થનો ધાતુ છે. આમ સાવિત્રી પૃથ્વી ઉપર નવા અતિમનસ જગતનું સર્જન કરનારી દિવ્ય શક્તિનું પ્રતીક છે. ‘સત્યવાન’નો શાબ્દિક અર્થ છે ‘સત્યવાળો’. તે પોતાનામાં દિવ્ય સત્યને ધારણ કરતા; પરંતુ અજ્ઞાનમાં સપડાયેલા માનવ-આત્માનું પ્રતીક છે. દ્યુમત્સેન, ‘પ્રકાશતી સેનાનો પતિ’ એક દિવ્ય મન છે; પરંતુ અહીં તે આંધળું બની ગયું છે. તેણે પોતાના સ્વર્ગીય રાજ્યની દૃષ્ટિ ગુમાવી છે. સંતાન માટે દીર્ઘ તપસ્યા કરતો અશ્વપતિ, ‘પ્રાણગત શક્તિનો સ્વામી’, અભીપ્સા સેવતા માનવ-આત્માનું પ્રતીક છે, જે ઉત્ક્રાંતિનાં લાખો વર્ષોથી પોતાને વિશે, જગત વિશે અને પરમાત્મા વિશે શોધ ચલાવી રહ્યો છે. તે તપસ્યા દ્વારા માનવ-ચેતનાની ગંભીરતમ ઊંડાઈઓ અને સર્વોચ્ચ ઊંચાઈઓએ પહોંચી તેની શક્યતાઓનું વિશાળ જ્ઞાન સંપાદિત કરે છે. તે અહીં પૃથ્વી ઉપર પૂર્ણતા સ્થાપવા માગે છે. સાધના આગળ વધતાં તેને વિશ્વાતીત અનુભૂતિઓ થાય છે અને તે પરમાત્માની આદ્યા સર્જયિત્રી શક્તિ મા ભગવતીની સન્મુખ થાય છે. આધ્યાત્મિક સાધનાને અંતે તે આત્માના દિવ્ય જગતમાં પ્રવેશે છે; જ્યાં છે દિવ્ય સત્ય, જ્ઞાન, શક્તિ અને ચેતના, આનંદ અને સંવાદિતા. તેને લાગે છે કે જો આ દિવ્ય સત્યને પૃથ્વી પર લાવી શકાય તો અહીં નવું દિવ્ય સર્જન થઈ શકે. મા ભગવતી તેને સીધી જ પ્રેરણા કરે છે કે અહીં પૃથ્વી ઉપર અંધકાર, દુ:ખ, તમસ અને મૃત્યુનાં બળોની સામે અને અજ્ઞાનની વચ્ચે દિવ્ય સત્યને લઈ આવવા માટે તું તારું તપ, તારી સાધના ચાલુ રાખ. તે તેને વચન આપે છે કે છેવટે પરમાત્માનો વિજય નિશ્ચિત છે; પરંતુ અશ્વપતિને લાગે છે કે જ્યાં સુધી મા ભગવતી પોતે પૃથ્વી પર અવતરણ ન કરે અથવા તો તેમનું પ્રતિનિધિત્વ કરતા તેમના અંશને માનવ-સ્વરૂપે પૃથ્વી પર ન મોકલે ત્યાં સુધી પૃથ્વી પર દિવ્ય સત્યને લાવી સ્થાપિત કરવું, માનવજીવનને દિવ્ય જીવનમાં પલટી નાખવું અશક્ય છે. માતાજી પરમ કૃપા કરી વરદાન આપે છે કે તેમની કૃપા પૃથ્વી પર માનવદેહે અવતરી આવિર્ભાવ પામશે.

આમ સાવિત્રીનો જન્મ થાય છે. ક્યાં સંતાન માટે તપ કરતો પૌરાણિક કથાનો અશ્વપતિ અને ક્યાં આ મહાકાવ્યનો અશ્વપતિ ! આ અશ્વપતિનું તપ માનવ-આત્માની અચેતનથી અતિચેતનની યાત્રાનું પ્રતીક બની ગયું છે, એક વિશાળ વૈશ્ર્વિક અર્થથી સભર બની ગયું છે. અશ્વપતિનું તપ આધ્યાત્મિક ઉત્ક્રાન્તિ પામતા માનવજાતના આત્માની અગ્નિપરીક્ષાઓ છે. તેની ઉપલબ્ધિઓ દિવ્ય સત્યની પ્રાપ્તિ માટે સંઘર્ષ કરતી માનવજાતની ઉપલબ્ધિઓ છે.

પૌરાણિક કથાની સાવિત્રી માત્ર પ્રતિભાશાળી, શિક્ષિત-પ્રશિક્ષિત તેજસ્વિની યુવતી છે; જ્યારે મહાકાવ્યની સાવિત્રી પૃથ્વી પર અવતરેલી પરમાત્માની કૃપાનો આવિર્ભાવ છે. તે માનવજાતિનાં દુ:ખ અને અજ્ઞાનનો ભાર વેંઢારે છે, જેથી કરીને માનવ મૃત્યુ અને અંધકારનાં બળો પર વિજય હાંસલ કરી શકે. સત્યવાનનો જીવ લેવા આવેલા યમની સન્મુખ થઈ તે આ સિદ્ધ કરે છે. સાવિત્રી પોતાના દિવ્ય સ્વરૂપ અને સાથે સાથે પોતાના માનવ-સ્વરૂપથી પણ, સતત સભાન છે. નારદે ભાખેલી ભવિષ્યવાણીનો પ્રસંગ પણ આધ્યાત્મિકતાની ખૂબ ઊંચી ભૂમિકાએ લઈ જવામાં આવ્યો છે. તેમાં વૈશ્ર્વિક હેતુઓ અને આશયો તથા માનવજાતની નિયતિનું નિરૂપણ કરવામાં આવ્યું છે. સાવિત્રીના પાત્રમાં મા ભગવતીએ સત્યવાનને આપેલા વરદાનનો મોભો સતત જળવાયેલો દેખાય છે. પૌરાણિક કથા અને પ્રતીકકાવ્ય – બંનેમાં સાવિત્રીનો યમ સાથેનો સંવાદ છે; પરંતુ પૌરાણિક કથામાં સંવાદ રૂઢિગત અને નૈતિક-ધાર્મિક પ્રકારનો છે; પરંતુ અહીં મહાકાવ્યમાં સાવિત્રી માત્ર માનવજાતના પ્રતિનિધિ રૂપે જ નહીં, પરંતુ મા ભગવતીની દેહધારિણી કૃપા રૂપે પણ આલેખાયેલી છે. બીજી બાજુ યમની અવરોધ-વિરોધ કરતી વાણીમાં અવિદ્યા ઉપજાવી શકે તેવી બધી સૂક્ષ્મતા, મૌલિકતા, કુશળતા અને લુચ્ચાઈ છે. સમગ્ર સંવાદ કાવ્યપ્રતિભાજન્ય પ્રેરણાની બહુ ઊંચી ભૂમિકાએ ગતિ કરે છે. તેમાં વચ્ચે વચ્ચે દિવ્ય સત્યની અભિવ્યક્તિના તેજસ્વી ચમકારા અને મનની પેલે પારની ચેતનાના વીજઝબકારા દેખાય છે. આમ કવિએ એક સ્થાનિક પૌરાણિક કથાને માનવની આધ્યાત્મિક ઉત્ક્રાંતિના અર્થથી સભર એક જબરજસ્ત ચેતનાકીય હકીકતમાં પલટી નાખી છે. આ જે રૂપાન્તરકારિણી શક્તિ છે તે છે ઋષિ-કવિનું રસાયણ. મૃત્યુ પરના વિજય પછીના સાવિત્રી-સત્યવાનના જીવનના આલેખનમાં પણ કવિની મૌલિક પ્રતિભા પ્રકાશે છે. પૌરાણિક કથામાં સત્યવાન પિતાએ ગુમાવેલું રાજ્ય પાછું મેળવી વર્ષો સુધી રાજ્ય કરે છે; પરંતુ આ પ્રતીક-કાવ્યમાં તો સાવિત્રી-સત્યવાન યમના રાજ્યમાંથી ‘શાશ્વત દિવસ’ના રાજ્યમાં જાય છે જ્યાં સત્યનો સૂર્ય કદી આથમતો નથી, જ્યાં અજ્ઞાન અજ્ઞાત છે અને જ્યાં મૃત્યુને કોઈ સ્થાન નથી. આ સત્યલોકમાં રહ્યા પછી તેઓ પૃથ્વી પર પોતાનું દિવ્ય જીવનકાર્ય પાર પાડવા પાછાં આવે છે. તે કાર્ય છે નવીન અતિમાનવજાતિનું સર્જન. આમ મહાન ઋષિ-કવિના સર્જનાત્મક દર્શને પૌરાણિક કથાનું વૈશ્ર્વિક પ્રતીકમાં રૂપાન્તર સાધ્યું છે.

ઍપિકનાં – પાશ્ર્ચાત્ય મહાકાવ્યનાં મહત્ત્વનાં બધાં લક્ષણો ‘સાવિત્રી’માં સાકાર થયાં છે. ‘સાવિત્રી’માં ભાવિ માનવજાત માટેનું ઋષિ-કવિનું મહાન દર્શન છે : પરમાત્માની, મા ભગવતીની દિવ્ય અતિમનસ ચેતનાનું પૃથ્વી ઉપર અવતરણ થશે, તે સમગ્ર અપૂર્ણ માનવપ્રકૃતિનું રૂપાન્તર કરશે અને માનવજીવન દિવ્ય જીવનમાં પલટાઈ જશે. પ્રાચીન મહાકાવ્ય વસ્તુલક્ષી હતું, તેમાં ઇતિહાસ કે પુરાણ પર આધારિત કથાતત્ત્વ અનિવાર્ય મનાતું; પરંતુ પાછળથી તે આત્મલક્ષી થતું જાય છે; તેમાં કથાતત્ત્વ અનિવાર્ય રહેતું નથી. દાન્તેની ‘ડિવાઇન કૉમેડી’માં ઇતિહાસ-પુરાણ-આધારિત કોઈ કથા નથી. મિલ્ટનના ‘પેરેડાઇઝ લૉસ્ટ’માં કથા લગભગ નથી. તેમાં કવિએ પોતાની જાત વિશેના જ્ઞાનમાંથી ક્રાઇસ્ટ અને સૅતાનનાં પાત્રો સર્જ્યાં છે. ‘સાવિત્રી’માં ભલે આછી-પાતળી, પણ સાવિત્રી-સત્યવાનની ઐતિહાસિક-પૌરાણિક કથા છે. શ્રી અરવિન્દ કહે છે, ‘સાવિત્રી ઈક્ષણની (seeing), અનુભૂતિની નોંધ છે…’ આમ તે મહદંશે આત્મલક્ષી છે. મનુષ્ય અને મનુષ્યનું જગતમાં પ્રયોજન એ બધાંને ઍપિકનું વિષયવસ્તુ માનવામાં આવ્યું છે. ‘સાવિત્રી’નું વિષયવસ્તુ છે આધ્યાત્મિક ઉત્ક્રાંતિ પામતો માનવ અને તેની સમગ્ર પ્રકૃતિના દિવ્યીકરણરૂપ પ્રયોજન. ‘સાવિત્રી’માં સમસ્યા છે માનવીની અપૂર્ણતાની અને તેની પૂર્ણતા માટેની પ્યાસની, તેની તમોગ્રસ્તતા અને તેની પ્રકાશ માટેની શોધની, તેની મર્ત્યતા અને તેની અમરતા માટેની શોધની. તેનું એકમાત્ર નિરાકરણ છે મનુષ્યનો એવો આધ્યાત્મિક પુરુષાર્થ જેને મા ભગવતીની કૃપા પૃથ્વી પર અવતરીને સહાય કરતી હોય. અવતારના મહાન ભારતીય વિચારમાં કવિએ બે સાવ નવાં તત્ત્વો દાખલ કર્યાં છે : એક તો મા ભગવતી પહેલી વાર સાવિત્રીના સ્વરૂપમાં સ્ત્રી રૂપે અવતાર ધારણ કરે છે; બીજું, માનવજાતને બચાવવા માટે તે પોતાની પ્રકૃતિમાં માનવપ્રકૃતિ સાથે સંપૂર્ણ તાદાત્મ્ય અનુભવે છે. એક સર્વસ્વીકૃત વિચાર એ છે કે સર્વોચ્ચ આધ્યાત્મિક અનુભૂતિને વાણીમાં ઢાળી શકાય નહિ; પરંતુ આ મહાકાવ્યમાં ઉચ્ચતમ અને ગંભીરતમ અનુભૂતિઓને બધી ઝીણી વિગતો સાથે શબ્દબ કરવામાં આવી છે. કેવળ લંબાઈ નહિ; પરંતુ એકધારી કાવ્યપ્રેરણા અને ઉચ્ચ કક્ષાની કાવ્યાભિવ્યક્તિ કાવ્યને મહાકાવ્ય બનાવે છે. ‘સાવિત્રી’માં લંબાઈ, સતત પ્રેરણા અને ઉચ્ચ અભિવ્યક્તિ – એ ત્રણેય તત્ત્વો છે. અહીં બ્રહ્મની કાલાતીત શાશ્વતતા કાલાધીન શાશ્વતતાનું મૂળ અને આધાર છે, બંને વચ્ચે અપરિહાર્ય વિરોધ નથી.

શ્રી અરવિન્દે ‘સાવિત્રી’નું લગભગ બાર વાર સંમાર્જન કર્યું. તેઓ જેમ જેમ ઉચ્ચતર યૌગિક ચેતનામાં આરોહણ કરતા ગયા તેમ તેમ તે તે ભૂમિકાએથી તેમણે સાવિત્રીનું સંમાર્જન કર્યુ. પરિણામે સાવિત્રી બની તેમની ‘Magnum opus’ – સર્વોત્કૃષ્ટ સાહિત્યકૃતિ. Matter shall reveal the Spirit’s face – જડપદાર્થ આત્માનું મુખ પ્રકટ કરશે – એ છે ‘સાવિત્રી’માં શ્રી અરવિન્દનું આર્ષદર્શન, ‘સાવિત્રી’નો સંદેશ.

મકરન્દ બ્રહ્મા