સાવેંદ્રા, લામાસ કાર્લોસ (જ. 1 નવેમ્બર 1878, બ્યુએનૉસ આઇરિસ, આર્જેન્ટિના; અ. 5 મે 1959, બ્યુએનૉસ આઇરિસ) : આર્જેન્ટિનાના કાયદાશાસ્ત્રી અને 1936ના વિશ્વશાંતિના નોબેલ પારિતોષિકના વિજેતા. બોલિવિયા અને પરાગ્વે વચ્ચે 1932-35ના ગાળામાં ખેલાયેલ સશસ્ત્ર સંઘર્ષનો અંત લાવવામાં તેમની ભૂમિકા શકવર્તી નીવડી હતી. આ યુદ્ધ ‘ચાકો યુદ્ધ’ તરીકે ઇતિહાસમાં નોંધાયેલું છે.
લામાસ કાર્લોસ સાવેંદ્રા
કાયદાશાસ્ત્રનો અભ્યાસ પૂરો કર્યા બાદ તેમણે લા પ્લાટા યુનિવર્સિટીમાં તથા બ્યુએનૉસ આઇરિસ યુનિવર્સિટીમાં કાયદાશાસ્ત્રનું અધ્યાપન કર્યું હતું. 1941-43ના ગાળામાં તેમણે બ્યુએનૉસ આઇરિસ યુનિવર્સિટીના રેક્ટર તરીકે પણ સેવાઓ આપી હતી. તે પૂર્વે 1915માં આર્જેન્ટિનાના મિનિસ્ટર ઑવ્ જસ્ટિસ તથા પબ્લિક એજ્યુકેશનના મંત્રી બન્યા હતા તથા 1932-38ના ગાળામાં તેઓ તેમના દેશના વિદેશમંત્રી રહ્યા હતા. સાવેંદ્રા લામાસે તૈયાર કરેલ યુદ્ધવિરોધી સંધિના ખતપત્ર પર ઑક્ટોબર, 1933થી જૂન, 1934ના ગાળામાં અમેરિકા, ઇટાલી તથા દક્ષિણ અમેરિકાનાં 14 રાષ્ટ્રોએ સહીસિક્કા કર્યાં હતાં.
તેમણે જે અન્ય મહત્ત્વનાં પદો પર કામ કર્યું હતું તેમાં 1928માં જિનીવા ખાતેના આંતરરાષ્ટ્રીય શ્રમ કૉન્ગ્રેસ (ILC), 1936માં બ્યુએનૉસ આઇરિસ ખાતેના પાન-અમેરિકન કૉન્ફરન્સ તથા 1936માં લીગ ઑવ્ નૅશન્સ ઍસેમ્બલીના પ્રમુખ તરીકે કાર્ય કર્યું હતું.
બ્રાઝિલ, ચિલી, પેરુ, યુરેગ્વા તથા યુનાઇટેડ સ્ટેટ્સની બનેલ આંતરરાષ્ટ્રીય મધ્યસ્થતા સમિતિનું તેમણે ગઠન કરી તેના અધ્યક્ષપદે તેમણે સેવાઓ આપી હતી. આ સમિતિના પ્રયાસોથી જ 12 જૂન, 1935ના રોજ ચાકો યુદ્ધ તહકૂબ કરવાની સંધિ કરવામાં આવી હતી અને જુલાઈ, 1938માં કાયમી શાંતિ-સંધિ પર સહીસિક્કા કરવામાં આવ્યા હતા.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે