સાવળારામ, પી. (જ. 4 જુલાઈ 1914, યેદેનિપાણી, જિ. સાંગલી, મહારાષ્ટ્ર; અ. 21 ડિસેમ્બર 1997, થાણે, મહારાષ્ટ્ર) : મરાઠીના વિખ્યાત કવિ, ગીતકાર તથા ચલચિત્રોનાં કથા, પટકથા તથા સંવાદોના લેખક. આખું નામ સાવળારામ પાટીલ. પિતાનું નામ રાવજી, જેઓ ખેતી કરતા હતા અને માતાનું નામ હૌસા, જે ગૃહિણી હતાં. સમગ્ર શિક્ષણ કોલ્હાપુર ખાતે. રાજારામ હાઈસ્કૂલમાંથી 1939માં મૅટ્રિક થયા પછી કોલ્હાપુરની રાજારામ કૉલેજમાંથી જ 1943માં મરાઠી વિષય સાથે બી.એ. થયા અને મુંબઈ યુનિવર્સિટીની સ્નાતકની પદવી પ્રાપ્ત કરી.
પી. સાવળારામ
કૉલેજ કારકિર્દી દરમિયાન સાહિત્યસર્જનની શરૂઆત કરી. વિખ્યાત મરાઠી કવિ માધવ જૂલિયન (1894-1939) તેમના ગુરુ હતા. ‘રાજારામિયન’ નામથી પ્રકાશિત થતા કૉલેજના વાર્ષિક સામયિકના તંત્રીપદે તેમણે કામ કર્યું હતું. બી.એ.ના વર્ગમાં ભણતા ત્યારથી જ ગીતલેખન શરૂ કર્યું અને અધ્યાપકો તથા વિદ્યાર્થીઓ પાસેથી પ્રશંસા પ્રાપ્ત કરી. ધ્વનિમુદ્રિત થયેલા તેમના પ્રથમ ગીતના શબ્દો હતા ‘રાઘુ બોલે મૈનેચ્યા કાનાંત ગે’ જેની સ્વરરચના વસંત પ્રભુએ કરી હતી અને જેને નલિની મુળગાંવકરે કંઠ આપ્યો હતો. તેમણે તેમની સમગ્ર કારકિર્દી દરમિયાન આશરે 900 જેટલાં ગીતો લખ્યાં, જેમાંથી આશરે 550 જેટલાં ગીતો ધ્વનિમુદ્રિત થયાં હતાં. મરાઠીમાં આ એક વિક્રમ ગણાય છે. ધ્વનિમુદ્રિત થયેલાં ગીતોમાં ચલચિત્ર-ગીતો, મરાઠી ભાવગીતો, ભક્તિગીતો, લાવણી (મરાઠીમાં લોકગીતોનો એક પ્રકાર) તથા ભજનોનો સમાવેશ થાય છે. તેમનાં મોટાભાગનાં ગીતોની સ્વર-રચના વસંત પ્રભુએ કરી હતી. તે ઉપરાંત કેટલાંક ગીતોનું સ્વરાંકન વિખ્યાત સંગીતકાર સુધીર ફડકે, વસંત દેસાઈ, રામ કદમ, સી. રામચંદ્ર, હૃદયનાથ મંગેશકર, દત્તા ડાવજેકર, સ્નેહલ ભાટકર અને વિશ્વનાથ મોરેએ કર્યું હતું. મરાઠી સંગીતકારોમાં આ બધા જ પ્રથમ પંક્તિના સ્વરનિયોજકો ગણાયા છે. તેમનાં ગીતોને કંઠ આપનારાં પાર્શ્ર્વગાયિકાઓમાં લતા મંગેશકર (ગીતસંખ્યા આશરે 180), આશા ભોસલે (ગીતસંખ્યા આશરે 190), સુમન કલ્યાણપુર, માણિક વર્મા, ઉષા મંગેશકર, મીના મંગેશકર, મીનળ નાથ જેવી લોકપ્રિય ગાયિકાઓ તથા તલત મહમૂદ, મન્ના ડે, સુધીર ફડકે, સી. રામચંદ્ર અને હૃદયનાથ મંગેશકર જેવા દિગ્ગજ પુરુષ-ગાયકોનો સમાવેશ થાય છે. 4થી 5 મરાઠી ચલચિત્રો એવાં છે જેના માટે તેમણે સમગ્રપણે કથા, પટકથા, સંવાદ અને ગીતલેખન કર્યું હતું. તેમાં ‘ગ્યાનબા તુકારામ’, ‘પુત્ર વ્હાવા ઐસા’, ‘બાયકોચા ભાઉ’ અને ‘નંદાલય ઝાલે’નો સમાવેશ થાય છે. 1949-82ના ગાળા દરમિયાન તેમણે 35 મરાઠી ચલચિત્રો માટે ગીતરચનાઓ કરી હતી. ‘ગંગા જમુના’ શીર્ષક હેઠળ તેમણે તેમની ગીતરચનાઓનો સંગ્રહ 1984માં પ્રકાશિત કર્યો હતો. વર્ષ 1982માં તેમને ‘ગ. દિ. મા.’ (ગજાનન દિનકર માડગૂળકર) નામ ધરાવતો બહુપ્રતિષ્ઠિત મરાઠી પુરસ્કાર એનાયત થયો હતો. કર્ણપ્રિયતા અને તાલબદ્ધતા એ તેમની ગીતરચનાઓની આગવી લાક્ષણિકતા છે. પરિણામે સ્વરરચનાકારો અને શ્રોતાઓ બંને માટે તે સુગમ નીવડતી.
સમાજસેવાનાં કાર્યોમાં પણ તેઓ સક્રિય હતા. 1966-67 દરમિયાન તેઓ થાણે મ્યુનિસિપાલિટીના પ્રમુખપદે ચૂંટાયા હતા. 1967-87ના બે દાયકા દરમિયાન તેઓ મહારાષ્ટ્ર રાજ્ય પ્રસ્તુતીકરણ ચકાસણી બોર્ડ (સ્ટેજ પરફૉર્મન્સ સ્ક્રુટિની બોર્ડ)ના સભ્યપદે રહ્યા હતા. તેવી જ રીતે 1970-80ના દાયકામાં તેઓ મહારાષ્ટ્ર હાઉસિંગ બોર્ડના સભ્ય પણ હતા. વિદ્યા પ્રસારક મંડળની થાણે ખાતેની કૉલેજના વાઇસ પ્રેસિડેન્ટ તેમજ જ્ઞાનસાધના કૉલેજ, થાણેના ઉપપ્રમુખપદે તેમણે કાર્ય કર્યું હતું. થાણે ખાતે શરૂ કરવામાં આવેલી સર્વપ્રથમ કૉલેજના તેઓ સ્થાપક સભ્ય હતા.
તેમની કેટલીક ગીતરચનાઓએ મરાઠીભાષી પરિવારોમાં કાયમી સ્થાન પ્રાપ્ત કર્યું છે; જેમાં દીકરીને વળાવતી વખતે ગવાતું ‘ગંગા યમુના ડોળ્યાંત ઊભ્યા કાં, જા મુલી જા તુઝ્યા ઘરી તુ સુખી રહા’ ગીતે તો લોકપ્રિયતાનું શિખર સર કર્યું છે.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે