સાલૉમૉન એરિખ (જ. 1886, બર્લિન, જર્મની; અ. આશરે 1944) : છબી-પત્રકારત્વ(‘ફોટો જર્નાલિઝમ’)નો પાયો નાંખનાર પ્રસિદ્ધ જર્મન છબીકાર.
સાલૉમૉન એરિખ
શાલેય અભ્યાસ દરમિયાન સાલૉમૉનને સુથારીકામ અને પ્રાણીશાસ્ત્ર(zoology)નો શોખ હતો. મ્યૂનિક યુનિવર્સિટીમાંથી કાયદાશાસ્ત્રનો અભ્યાસ કરી પીએચ.ડી.ની ઉપાધિ પ્રાપ્ત કર્યા પછી 1928માં તેમણે નાનકડો કૅમેરા ખરીદ્યો. એ કૅમેરાને એક બૅગમાં છુપાવીને એક ખૂન કેસના ગુપ્ત રીતે ફોટોગ્રાફ પાડીને પ્રકાશિત કર્યા અને ચકચાર મચાવી. એમાંથી તેમને ખાસ્સી કમાણી થતાં તેમણે મુક્ત વ્યવસાયી ધોરણે ફોટોગ્રાફીનો ધંધો અપનાવ્યો. ત્યારબાદ તેમણે રાષ્ટ્રનેતાઓની દૈનિક વિધિઓ, મેળાવડાઓ અને પ્રવૃત્તિઓના ફોટોગ્રાફ પાડવા શરૂ કર્યા. એ નેતાઓના થાક, આનંદ, ઘૃણા જેવા ભાવોને ફોટોગ્રાફમાં તેમણે તાદૃશ કર્યા. રાજ્યની કાર્યવહીઓમાં સાલૉમૉનની હાજરી અનિવાર્ય થઈ પડી. ફ્રાંસના પ્રિમિયર આરિસ્તિદે બ્રાંએ સાલૉમૉનની તારીફ કરતાં કહેલું, ‘સાલૉમૉનના ફોટોગ્રાફમાં મનોગત ભાવોને અંકિત થયેલા જોઈ શકાય છે. સાલૉમૉનની હાજરી વિનાની કોઈ પણ રાજકીય બેઠક (મેળાવડો) અગત્યની ગણાતી નથી.’
1929માં બ્રિટનની તથા 1930માં અમેરિકાની મુલાકાતો લઈ સાલૉમૉને ત્યાંના જાહેરજીવનની વ્યક્તિઓના ફોટોગ્રાફ લીધા. 1931માં સાલૉમૉને ‘સેલિબ્રેટેડ કૉન્ટેમ્પરરિઝ ઇન અન્ગાર્ડેડ મૉમેન્ટ્સ’ શીર્ષક હેઠળ 170થી વધુ જાણીતી વ્યક્તિઓની તસવીરોનું આલબમ પ્રકાશિત કર્યું.
બીજા વિશ્વયુદ્ધ દરમિયાન સાલૉમૉન નેધરલૅન્ડ્ઝમાં ભૂગર્ભમાં ચાલ્યા ગયા, પણ આખરે એક ડચ નાત્ઝીએ એમને પકડી પાડીને ઑશ્વીટ્ઝ કૉન્સેન્ટ્રૅશન કૅમ્પમાં મરવા માટે મોકલી આપ્યા.
અમિતાભ મડિયા