સાલેમિસ : સેરોનિક અખાતમાં, ઍથેન્સની પશ્ચિમે 16 કિમી.ના અંતરે આવેલ ગ્રીસનો ટાપુ. તેનું ક્ષેત્રફળ 95 ચોરસ કિમી. છે. ત્યાંની મોટાભાગની જમીન પર્વતાળ અને ઉચ્ચ પ્રદેશ જેવી છે. ત્યાં મોટાભાગના આલ્બેનિયનો વસે છે. તેઓ દરિયાકિનારે અને ખીણોમાં ઑલિવ, દ્રાક્ષ અને અનાજ ઉગાડે છે.
ઈ. પૂ. 480માં સાલેમિસ પાસે ગ્રીકો અને ઈરાનીઓ વચ્ચે ઐતિહાસિક દરિયાઈ લડાઈ થઈ હતી. થમૉર્પિલીની યાદગાર લડાઈ પછી ઍથેન્સવાસીઓ સાલેમિસમાં ભરાયા ત્યારે ઈરાનીઓએ સાલેમિસ પર હુમલો કર્યો. સાલેમિસની ઐતિહાસિક લડાઈમાં ગ્રીકોએ થેમિસ્ટોક્લિસની આગેવાની હેઠળ ઈરાનીઓના ઘણાખરા નૌકાકાફલાનો નાશ કરીને તેઓને સખત હાર આપી હતી.
જયકુમાર ર. શુક્લ