સાલિમ અલી (ડૉ.) (જ. 12 નવેમ્બર 1896, મુંબઈ; અ. 20 જૂન 1987, મુંબઈ) : વિશ્વવિખ્યાત ગુજરાતી પક્ષીવિદ, સંશોધક અને પર્યાવરણવિદ. તેમનું પૂરું નામ સાલિમ મોઇઝુદ્દીન અબ્દુલઅલી હતું. ખંભાતના દાઉદી વોરા કુટુંબમાં જન્મ. પાછળથી તેમનો પરિવાર મુંબઈમાં સ્થાયી થયો હતો.
12 વર્ષની વયથી ઍરગન વડે પક્ષીઓનો શિકાર કરવાનો શોખ હતો. પાછળથી તેમાંથી પક્ષીઓને ઓળખવાની અને તેમનો જીવનવ્યવહાર જાણવાની ઉત્કટ જિજ્ઞાસા જન્મી અને વિકસી.
મૅટ્રિકની પરીક્ષા પાસ કરીને ખાણઉદ્યોગ અને ઇમારતી લાકડાના વેપારમાં પડ્યા. ત્યારબાદ મ્યાનમાર ગયા. 1917માં મુંબઈ પાછા ફર્યા અને દાવર કૉલેજમાંથી ડિપ્લોમા કર્યો. પછી સેન્ટ ઝૅવિયર્સ કૉલેજમાંથી પ્રાણીશાસ્ત્ર સાથે બી.એસસી. થયા. 1923માં મુંબઈ સરકારની યોજના અનુસાર પ્રાણીશાસ્ત્રના વ્યાખ્યાતા નિમાયા. તેમની નિષ્ઠા અને રસને કારણે યુનિવર્સિટી તરફથી તેમને ડૉક્ટરેટની ડિગ્રી પ્રાપ્ત થઈ હતી.

ડૉ. સાલિમ અલી
2 વર્ષ બાદ તેઓ વિશેષ અભ્યાસાર્થે જર્મની ગયા ત્યારે તેમનાં પત્ની પણ સાથે જોડાયાં. તેઓ પણ પ્રાણીશાસ્ત્રમાં અપૂર્વ રસ ધરાવતાં હતાં. જર્મનીમાં પ્રાણીશાસ્ત્રના મ્યુઝિયમમાં ધ્રુવ પ્રદેશ તરફથી આવતાં યાયાવર પક્ષીઓનાં ઝીણવટભર્યાં અવલોકન અને ઊંડા અભ્યાસ બાદ તેઓ લંડન ગયા. ત્યાં બ્રિટિશ મ્યુઝિયમના પક્ષીવિભાગમાં 6 અઠવાડિયાંનો અનુભવ મેળવી 1930માં ભારત પાછા ફર્યા. ત્યારબાદ તેમણે બૉમ્બે નૅચરલ હિસ્ટરી સોસાયટી સમક્ષ ભારતીય પક્ષીઓ વિશે સુવ્યવસ્થિત અભ્યાસ કરવા અંગે કરેલી દરખાસ્તને મંજૂરી મળતાં પછીના 2 દાયકા દરમિયાન તેમણે અફઘાનિસ્તાનથી શરૂ કરીને કેરળ સુધીના ભારતીય ઉપખંડનું ભ્રમણ કરી પક્ષીઓ વિશે ઊંડો અભ્યાસ કર્યો.
1941માં પ્રગટ થયેલા તેમના સૌપ્રથમ પુસ્તક ‘ધ બુક ઑવ્ ઇન્ડિયન બર્ડઝ’માંના પક્ષીવિષયક અધ્યયનલક્ષી અને સંશોધનપરક પ્રદાનથી આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે મહાન પક્ષી-વૈજ્ઞાનિક તરીકે તેમની ગણના થઈ. આ પુસ્તકમાં પક્ષીઓની સુગમ ઓળખ માટે તેમનાં કદ, મુખ્ય રંગો, શરીરની વિશિષ્ટ લાક્ષણિકતાઓ (ચાંચ, પગ, પીછાં વગેરે) તથા તેમનાં રંગીન ચિત્રો દર્શાવવામાં આવ્યાં છે. આ પુસ્તકથી પ્રાકૃતિક ઇતિહાસક્ષેત્રે પક્ષીવિજ્ઞાન અને પક્ષીનિરીક્ષણમાં ઘણા લોકો રસ લેતા થયા.
આ ઉપરાંત અમેરિકન પ્રાણીવિજ્ઞાની એમ. ઢિલ્લોંના સહયોગથી તેમણે ભારત તથા પાકિસ્તાનનાં પક્ષીઓ વિશેની હૅન્ડબુક તૈયાર કરી 10 ભાગમાં પ્રકાશિત કરી. તેને આંતરરાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત થઈ. તેમના જીવનકાળ દરમિયાનના આ ક્ષેત્રનાં 50 ઉપરાંત વર્ષોના તેમના મહત્ત્વના પ્રદાન બદલ તેઓ ભારત સરકારનાં અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ચંદ્રકો, પદવીઓ અને પારિતોષિકોથી સન્માનિત થયા હતા.
1967માં તેમને બ્રિટીશ ઓર્નીથોલોજિસ્ટસ્ યુનિયનનો ગોલ્ડમેડલ એનાયત થયો. આ ગોલ્ડમેડલ મેળવનાર તેઓ પહેલા બિન બ્રિટીશ નાગરિક હતા. એ જ વર્ષે તેમને જે. પૉલ. ગૅટી વાઈલ્ડ લાઈફ કોન્ઝર્વેશન પ્રાઇઝ મળ્યું. આ પ્રાઇઝમાં મળેલાં એક લાખ અમેરિકન ડોલરનો ઉપયોગ તેમણે સાલીમ અલી નેચર કોન્ઝર્વેશન ફંડના ભંડોળ તરીકે કર્યો. 1969માં તેમને ઇન્ટનૅશનલ યુનિયન ફોર કોન્ઝર્વેશન ઑવ્ નેચર ઍન્ડ નેચરલ રિસોર્સિઝ તરફથી જોન સી. ફિલિપ્સ મેમોરિયલ મેડલ એનાયત થયો. 1973માં યુએસએસઆર એકેડેમી ઑવ્ મેડિકલ સાયન્સીઝ તરફથી પાવ્લોવ્સ્કી મેમોરિયલ ઍવૉર્ડ અનાયત થયો. એ જ વર્ષે નેધરલેન્ડઝના પ્રિન્સ બર્નહાર્ડે તેમની કમાન્ડર ઑવ્ ધ નેધરલેન્ડઝ તરીકે નવાજેશ કરી. 1958માં પદ્મભૂષણ અને 1976માં પદ્મવિભૂષણથી પણ સન્માનિત થયા હતા.
1983માં તેમની બીમારી દરમિયાન તેમણે ‘ધ ફૉલ ઑવ્ એ સ્પૅરો’ નામક મનોરંજક આત્મકથા પૂર્ણ કરી હતી. પક્ષીજગતના વધુ સંશોધનના ઉત્તેજન માટે તેમણે પોતાની સઘળી સંપત્તિ તેમજ પુરસ્કારોની રકમનું એક ટ્રસ્ટ સ્થાપીને મુંબઈની નૅચરલ હિસ્ટરી સોસાયટીને અર્પણ કર્યું. આ સંસ્થાના તેઓ દાયકાઓ સુધી મંત્રી-પ્રમુખ રહ્યા હતા.
12 નવેમ્બર, 1996ના રોજ ભારતીય ટપાલખાતાએ તેમની સ્મૃતિમાં રૂપિયા 8 અને 11ના મૂલ્યની 2 આકર્ષક ટિકિટો પ્રકાશિત કરી તેમના જીવનકાર્યને ચિરસ્મરણીય અંજલિ આપી હતી.
બળદેવભાઈ કનીજિયા