સાલવણ (શાલપર્ણી, સમેરવો) : દ્વિદળી વર્ગમાં આવેલા લેગ્યુમિનોઝી (ફેબેસી) કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Desmodium gangeticum DC. (સં. શાલપર્ણી, ત્રિપર્ણી; હિં. સરિવન, શાલપર્ણી; મ. સાલવણ, રાનગાંજા; બં. સાલપાની; તે. ગીતાનારામ; ત. પુલ્લડી; મલ. પુલ્લાટી) છે. તેની ઊભી (D. gangeti cum) અને બેઠી (D. diffusum) – એવી બે જાત થાય છે. ઊભી જાત 60 સેમી.થી 120 સેમી. ઊંચી અને ક્ષુપ પ્રકારની હોય છે. તે સમગ્ર ભારતમાં થાય છે અને હિમાલયમાં તે 1,500 મી.ની ઊંચાઈ સુધી થાય છે. તે કોંકણ, બંગાળ અને મધ્ય પ્રદેશમાં આપમેળે ઊગે છે અને બારેમાસ રહે છે. તે મોટેભાગે રસ્તાની આસપાસ, વાડમાં, નદી અને પહાડો પાસે, વૃક્ષોની નીચે અને અન્ય ઘાસની સાથે ચોમાસામાં મળે છે. તેનાં પર્ણો સાદાં એકાંતરિક હોય છે. પર્ણોની ઉપરની સપાટી શ્ર્લેષ્મી અને લીલા રંગની તથા નીચેની સપાટી આછા લાલ રંગની અને વધુ રુવાંટીવાળી હોય છે. તેનાં પુષ્પ નાનાં, આછા ઘેરા જાંબલી કે ગુલાબી રંગનાં, પતંગિયાકાર હોય છે. દલપુંજ પાંચ અસમાન દલપત્રોનો બનેલો હોય છે. પુષ્પમાં 10 પુંકેસરો અને એક સ્ત્રીકેસર હોય છે. તેનું ફળ શિંબ (legume) પ્રકારનું, કાચું હોય ત્યારે લીલા કે મિશ્ર લાલ રંગનું, પરંતુ સુકાય ત્યારે ઘેરા ભૂરા રંગનું, પાતળું, ચપટું, વાંકું અને છેડેથી પાતળું, અણીદાર હોય છે. પ્રત્યેક શિંગ પર 3થી 5 કે 8 સાંધા હોય છે અને પાસપાસેના સાંધા વચ્ચે એક બીજ હોય છે. બીજ બહુ નાનાં, ચપટાં અને એક તરફ અંદર બેસતો ખાંચો હોય છે.
આકૃતિ : (અ) સાલવણ(Desmodium gangeticum)ની શાખા, (આ) સાલવણની ફળસહિતની શાખા
તે અત્યંત પરિવર્તી (variable) હોય છે અને જંગલો અને પડતર ભૂમિ પર તેનાં વિવિધ સ્વરૂપો જોવા મળે છે.
બેઠી જાત શાકીય, 30 સેમી.થી 60 સેમી. ઊંચી અને ભૂપ્રસારી હોય છે. તેનાં પર્ણો સંયુક્ત ત્રિપર્ણી હોય છે. તેનાં પુષ્પ પતંગિયાકાર, આછાં ગુલાબી, જાંબલી કે આસમાની હોય છે. તેને ‘નાનો સમેરવો’ કે ‘ત્રિપર્ણી’ કહે છે. તે બંગાળ, બિહાર, ઓરિસા અને પશ્ચિમ ભારતમાં થાય છે. વિંધ્યમાં તે 1,200 મી.ની ઊંચાઈ સુધી જોવા મળે છે.
તેનો ચારા માટે ઉપયોગ થાય છે. તેનો લીલા ખાતર તરીકે વાપરવાનો પણ પ્રયાસ થયો છે. સણુ(Crotolaria juncea)ની તુલનામાં નાનો સમેરવો લાક્ષણિક કાળી કપાસ-મૃદામાં વધારે સુધારો કરે છે અને નાઇટ્રોજનનું પ્રમાણ મૃદામાં વધારે છે. Xanthomonas desmodii નામના બૅક્ટેરિયા દ્વારા તેને ‘પાનનાં ટપકાં’નો રોગ થાય છે. તેનાથી પર્ણ પર પીળાશ પડતાં બદામી રંગનાં ટપકાં ઉત્પન્ન થાય છે અને કેટલીક વાર વિપત્રણ (defoliation) થાય છે.
તેની ઊભી જાતનો લીલા ખાતર તરીકે અને આવરણ પાક (cover crop) તરીકે ચા અને રબરના બગીચાઓમાં ઉપયોગ કરવામાં આવે છે; પરંતુ ચાના બગીચામાં તે ઉપયોગી ગણાઈ નથી. તેના પ્રકાંડના રેસાઓ કાગળ બનાવવામાં ઉપયોગી છે. આયુર્વેદ અનુસાર સાલવણ રસમાં કડવી મધુર; ગુણમાં ગરમ, ત્રિદોષહર, મધુર, વિપાકી, ઉષ્ણવીર્ય, પચવામાં ભારે, બૃહણીય, બલ્ય અને રસાયન ગુણધર્મી વનસ્પતિ છે. તે તાવ, પ્રમેહ, હરસ, શોષ, ઝાડા, ક્ષતકાસ, ક્ષય, વિષમજ્વર (મલેરિયા), રક્તપિત્તમાં અસરકારક તથા તૃષાનાશક અને વાતદોષનાશક છે. તે વિષ, વમન (ઊલટી), શ્વાસ અને કૃમિનાશક પણ છે. સાલવણ એકલી પણ કફજ ખાંસી, કફદોષ અને ફેફસાંનાં દર્દ મટાડે છે.
વિશિષ્ટ ઔષધ : શાલિપર્ણ્યાદિક્વાથ (વાતજ્વરાધિકાર) : સાલવણ, ખરેટી (બલ્વ), કાળી દ્રાક્ષ, ગળો અને અનંતમૂળ સમાન ભાગે લઈ બનાવેલ ઉકાળો પીવાથી તીવ્ર વાતજ્વર (ઠંડીથી આવતો મલેરિયા) નાશ પામે છે.
શીઘ્ર પ્રસવ માટે : સાલવણનાં મૂળને પાણીમાં વાટીને પ્રસવ-તત્પર સ્ત્રીની નાભિ, પેઢુ અને યોનિ પર લેપ કરવાથી સ્ત્રીને ખૂબ સરળતાથી સુખ-પ્રસવ થાય છે.
વૈદ્ય બળદેવપ્રસાદ પનારા
બળદેવભાઈ પટેલ