સારામાગો, જોસ (જ. 1922) : પોર્ટુગલના સાહિત્યકાર તથા વર્ષ 1998ના સાહિત્ય માટેના નોબેલ પારિતોષિકના વિજેતા. આવું સન્માન મેળવનાર તેઓ સર્વપ્રથમ પોર્ટુગીઝ સાહિત્યકાર હોવા ઉપરાંત સામ્યવાદી પક્ષના અધિકૃત સભ્યો(card holder)માંથી વર્ષ 2006 સુધી કોઈ સભ્યને આંતરરાષ્ટ્રીય ખ્યાતિનું આ પારિતોષિક મળ્યું હોય તે આ પહેલો જ દાખલો છે. સાહિત્યકાર બનવાની તેમની બાળપણની ખ્વાહિશ હોવા છતાં સાઠમા વર્ષે તેમણે સાહિત્યક્ષેત્રમાં પદાર્પણ કર્યું હતું, જોકે અપવાદ તરીકે તેઓ 25 વર્ષના હતા ત્યારે 1947માં તેમણે એક નાનકડી નવલકથા લખી હતી. વર્ષ 1998 સુધી તેમના કુલ સાહિત્યસર્જનમાં દસ નવલકથાઓ ઉપરાંત કેટલાંક કાવ્યો, નિબંધો, નાટ્યકૃતિઓ વગેરેનો સમાવેશ થયો હતો. એક સાહિત્યિક સામયિક પણ તેઓ ચલાવતા હતા. તેમની સાહિત્યિક કૃતિઓમાંથી ઘણી કૃતિઓ 30 જેટલી ભાષાઓમાં અનૂદિત થયેલી છે, જેમાં નવ નવલકથાઓ પણ છે. પોર્ટુગલ ઉપરાંત બ્રાઝિલ, સ્પેન, ઇટાલી અને જર્મનીમાં તેમની કૃતિઓએ ખૂબ લોકપ્રિયતા મેળવી છે.

જોસ સારામાગો

તેમનો જન્મ ગ્રામ-વિસ્તારના એક શ્રમિક પરિવારમાં થયો હતો. પરિવારની કારમી ગરીબીને કારણે પ્રાથમિક શાળામાંથી જ તેમણે શિક્ષણને તિલાંજલિ આપવી પડી હતી અને બાળમજૂર તરીકે ભરણપોષણ કરવું પડ્યું હતું. શરૂઆતમાં મોટરગાડીઓનું સમારકામ કરતા એક એકમમાં તેઓ કાર-મિકૅનિક તરીકે જોડાયા હતા. ત્યારબાદ લિસ્બનની એક પ્રકાશનસંસ્થામાં તેમણે કામ કર્યું હતું. લગભગ દોઢ વર્ષ સુધી તેમણે ‘દિઆરિઓ ડી નોટિસિયા’ નામના એક સમાચારપત્રના સંપાદકપદે પણ કામ કર્યું હતું. પોર્ટુગલમાં હુકમશાહ સાલાઝારની કારકિર્દી દરમિયાન લેખનસ્વાતંત્ર્યની સંપૂર્ણ ગેરહાજરી હતી, જેને કારણે જોસ સારામાગો જેવા સ્વતંત્ર મિજાજ ધરાવતા સાહિત્યકારો પોતાના વિચારો વ્યક્ત કરી શકતા ન હતા. એપ્રિલ, 1974માં દેશમાં રાજકીય ક્રાંતિ થઈ અને સાલાઝારના શાસનનું પતન થયું. ત્યારબાદ દેશમાં લેખનસ્વાતંત્ર્ય દાખલ કરવામાં આવ્યું, જેનો લાભ લઈ જોસ સારામાગોએ પણ વિવિધ પ્રકારના સાહિત્યસર્જનની શરૂઆત કરી. 1977, 1978 અને 1980માં તેમની એક પછી એક ત્રણ નવલકથાઓ પ્રસિદ્ધ થઈ; પરંતુ 1982માં જ્યારે તેમની ચોથી નવલકથા ‘બાલ્તાસાર ઍન્ડ બ્લિમુંડા’ પ્રકાશિત થઈ ત્યારે તેમને પોર્ટુગીઝ ભાષાના અગ્રણી નવલકથાકાર તરીકે વૈશ્ર્વિક સ્તર પર માન્યતા અને લોકચાહના પ્રાપ્ત થઈ. રાષ્ટ્રના ઇતિહાસના વીરરસભર્યા મહાકાવ્ય તરીકે સાહિત્યપ્રેમીઓએ તેમની આ કૃતિને ઉમળકાભેર વધાવી લીધી હતી.

માનવજીવનમાં શ્રદ્ધા, ધર્મભાવના અને સામાજિક અસ્તિત્વ સાથે સંબંધ ધરાવતા વિષયોનું પૃથક્કરણ કરતી વેળાએ સારામાગો ઘણી વાર અલૌકિક કે નિસર્ગાતીત, રૂપકાત્મક, વિરોધાભાસી અને તર્કાતીત લેખનશૈલીનો ઉપયોગ કરે છે આ વાત સાચી; પરંતુ તેમની મોટા ભાગની નવલકથાઓ રાજકીય અથવા ઐતિહાસિક પૃષ્ઠભૂમિમાં લખાયેલી છે અને લગભગ તે દરેકમાં વ્યક્તિના સ્વતંત્ર અસ્તિત્વની બાબતમાં લેખકની લાગણીઓ, ચિંતાઓ અને કરુણા વ્યક્ત કરવામાં તેમને સફળતા મળી છે.

તેમની નવલકથા ‘ધ ગૉસ્પેલ ઍકૉર્ડિંગ ટુ જિસસ ક્રાઇસ્ટ’ (1991) ઘણી વિવાદાસ્પદ બની હતી કારણ કે તેમાં એવી વિચારસરણી વ્યક્ત કરવામાં આવી છે કે ઈશ્વરે મનુષ્યરૂપી જિસસનો ઉપયોગ જાણે કે એવા ધર્મનો આવિષ્કાર કરવા માટે કર્યો છે જે ધર્મ વિશ્વમાં હિંસા અને અસહિષ્ણુતાને પ્રોત્સાહિત કરે છે. યુરોપની જુદી જુદી ભાષાઓની સાહિત્યકૃતિમાંથી સર્વોત્તમ કૃતિને પારિતોષિક એનાયત કરવાના ઇરાદાથી વર્ષ 1992ની પસંદગી સમિતિએ પોર્ટુગીઝ ભાષાની કૃતિઓમાંથી સારામાગોની આ કૃતિની ભલામણ કરી હતી, જેના પર સોશિયલ ડેમૉક્રેટિક પાર્ટીએ પોતાના વિશેષાધિકાર(veto)નો ઉપયોગ કરી પસંદગી સમિતિએ કરેલ તે પસંદગી નિરસ્ત કરી હતી. આ જ કારણસર સારામાગોને પોતાનું વતન લિસ્બન છોડવું પડ્યું હતું અને તેઓ કૅનરી ટાપુ પર રહેવા જતા રહ્યા હતા.

જોસ સારામાગોની મૂળ પોર્ટુગીઝ ભાષામાં લખેલી દસ નવલકથાઓ આ પ્રમાણે છે : ‘મૅન્યુઅલ ઑવ્ પેન્ટિન્ગ ઍન્ડ કૅલિગ્રાફી’ (1977), ‘ક્વાસી ઑબ્જેક્ટ્સ’ (1978), ‘રેઝડ ફ્રૉમ ધ ફ્લૉઅર’ (1980), ‘બાલ્તાસાર ઍન્ડ બ્લિમુન્ડા’ (1982), ‘ધી ઇયર ઑવ્ ધ ડૅશ ઑવ્ રિકાર્ડો રેઇસ’ (1984), ‘ધ સ્ટોન રૅફ્ટ’ (1986), ‘ધ હિસ્ટ્રી ઑવ્ ધ સીઝ્ ઑવ્ લિસ્બન’ (1989), ‘ધ ગૉસ્પેલ ઍકૉર્ડિંગ ટુ જિસસ ક્રાઇસ્ટ’ (1991), ‘બ્લાઇન્ડનેસ’ (1995) અને ‘ઑલ ધ નેમ્સ’ (1997).

1969થી જોસ સારામાગો પોર્ટુગલના સામ્યવાદી પક્ષના અધિકૃત સભ્ય છે, છતાં દેશના રાષ્ટ્રાધ્યક્ષ જૉર્જ સૅમ્પાઇઓએ વર્ષ 1998ના સાહિત્ય માટેના નોબેલ પારિતોષિક માટે સારામાગોની પસંદગી અંગે જાહેરમાં આનંદ વ્યક્ત કર્યો હતો, જે નોંધપાત્ર છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે