સારા જૉસેફ (શ્રીમતી) (જ. 10 ફેબ્રુઆરી 1946, ત્રિશ્શૂર, કેરળ) : મલયાળમ વાર્તાકાર, નવલકથાકાર અને નિબંધકાર. તેમને તેમની નવલકથા ‘આલાહાયુડે પેણ્મક્કળ’ બદલ 2003ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમણે કાલિકટ યુનિવર્સિટીમાંથી મલયાળમમાં એમ.એ.ની ડિગ્રી પ્રાપ્ત કરી અધ્યાપનક્ષેત્રે જોડાયાં. છેલ્લે પ્રાધ્યાપકપદેથી સેવાનિવૃત્ત થયાં. તેઓ અંગ્રેજી તથા તમિળ ભાષાની જાણકારી ધરાવે છે. તેઓ એક સમર્પિત સામાજિક કાર્યકર્તા છે અને નારીઆંદોલનો તથા માનવ-અધિકાર સુરક્ષિત ઝુંબેશમાં સહભાગી રહ્યાં છે. તેઓ કેરળ સાહિત્ય અકાદમીનાં બે વખત કાર્યકારી સભ્ય તથા 1993થી 1997 દરમિયાન મલયાળમ સાહિત્ય અકાદમી, નવી દિલ્હી અને નૅશનલ બુક ટ્રસ્ટ માટેના સલાહકાર બોર્ડનાં સભ્ય રહી ચૂક્યાં છે. કાલિકટ યુનિવર્સિટીના મલયાળમમાં અભ્યાસમંડળનાં તેઓ સભ્ય રહેલાં; વળી ભારત સરકારના માનવસંસાધન વિકાસ મંત્રાલયની સિનિયર ફેલોશિપ પણ તેમને પ્રાપ્ત થયેલી.

સારા જૉસેફ (શ્રીમતી)
તેમણે કુલ 11 ગ્રંથો આપ્યા છે. તેમાં વાર્તાસંગ્રહો, નવલકથા અને નિબંધસંગ્રહનો સમાવેશ થાય છે. ‘માનાસ્સિલે તી માતરમ્’ (1973), ‘કાડિન્તે સંગીતમ્’ (1975), ‘નિલાવુ આરિયુન્નુ’, ‘ઓડુવિલતે સૂર્યકાંતિ’ વગેરે તેમના વાર્તાસંગ્રહો છે. ‘આલાહાયુડે પેણ્મક્કળ’, ‘મટ્ટાતી’ નવલકથાઓ અને ‘રિકેપ્ચર ધ કિચન’ અને ‘ભગવદગીતાયુડે અડુક્કલયિલ’ તેમના નિબંધસંગ્રહો છે.
સાહિત્યિક પ્રદાન બદલ તેમને ચેરુકાડુ પુરસ્કાર; આરંગુ પુરસ્કાર (અબુધાબી); કથા પુરસ્કાર, નવી દિલ્હી (ત્રણ વાર) તથા ટેલિફિલ્મ માટે કેરળ સરકારનો શ્રેષ્ઠ કથા પુરસ્કાર એનાયત થયા છે. વળી કેરળ સાહિત્ય અકાદમી પુરસ્કારથી પણ તેમને સન્માનિત કરવામાં આવ્યાં છે.
તેમની પુરસ્કૃત કૃતિ ‘આલાહાયુડે પેણ્મક્કળ’ અનોખી રીતે લખાયેલી નવલકથા છે. તેમાં કેરળમાં થઈ રહેલી શહેરીકરણની પ્રક્રિયામાં ઝડપથી એક કોર ધકેલાઈ જતી ગરીબ પ્રજાનાં ધર્મસંકટ અને તર્કવિદ્યાનું સુંદર ચિત્રાંકન દર્શાવ્યું છે. આમ એક કોર ધકેલાઈ જવું, સીમાંત બનવું એટલે કે મૂલ્યો, વિશ્વાસ, સામાજિક બંધનો, પુરાણકથાઓ અને સ્થાનિક લોકસંસ્કૃતિની ભાષાકીય સમૃદ્ધિનો અસ્વીકાર કરવો એ બધું પાશવી છે. નવલકથાકાર ત્રિશ્શૂરના ખ્રિસ્તીઓની બોલીમાંની બોલચાલની વિશિષ્ટતાના પુન:સંશોધનમાં સફળ થયાં છે. સામનો કરવાના શક્તિશાળી હથિયાર તરીકે તેમણે તેનો કલાત્મક ઉપયોગ કર્યો હોવાથી આ કૃતિ મલયાળમમાં લખાયેલ ભારતીય નવલકથા સાહિત્યમાં એક ઉલ્લેખનીય પ્રદાન ગણાય છે.
બળદેવભાઈ કનીજિયા