સારસ્વત, ગણેશદત્ત (જ. 10 ઑક્ટોબર 1936, બિસ્વાન, જિ. સિતાપુર, ઉત્તરપ્રદેશ) : હિંદી કવિ. તેમણે લખનૌ યુનિવર્સિટીમાંથી હિંદીમાં એમ.એ.; આગ્રા યુનિવર્સિટીમાંથી સંસ્કૃતમાં એમ.એ.; હિંદીમાં પીએચ.ડી.ની ડિગ્રી પ્રાપ્ત કરી. તેઓ સિતાપુરની પી. જી. કૉલેજમાં આર.એમ.પી. વિભાગના વડા રહ્યા. ‘માનસ ચંદન’ ત્રિમાસિકના તેઓ સંપાદક રહ્યા હતા.

તેમણે અત્યાર સુધીમાં 24 ગ્રંથો આપ્યા છે. તેમાં ‘તુલસી કી કલા’ (1987) મહાકાવ્ય અને ‘વિભીષણ’ (1986) દીર્ઘ કાવ્યકૃતિ છે. ‘વિવિધા’ (1988) કાવ્યસંગ્રહ; ‘સારસ્વત સર્વસ્વ’ (1989) ચરિત્ર અને ‘પ્રેરક વિભૂતિયૉ’ (1991) સંસ્મરણ છે. ‘હિંદી લોકસાહિત્ય’ (1981) લોકસાહિત્ય વિશેનો ગ્રંથ છે. ‘હિંદી કવિતા : કલ ઔર આજ’ (1980) અને ‘હિંદી સાહિત્ય મેં વ્યંગવિનોદ’ (1996) બંને વિવેચનગ્રંથો છે તો ‘જાગો ભૈયા’ (1996) બાલસાહિત્યનો ગ્રંથ છે. ‘ઇસ્લામ દર્શન’ (1971, 1983, 1989) ધર્મતત્ત્વજ્ઞાનનો ઉલ્લેખનીય ગ્રંથ છે.

તેમના વિવિધ સાહિત્યપ્રદાન બદલ તેમને 1991માં હિંદી સાહિત્ય સંમેલન તરફથી ‘સાહિત્ય મહોપાધ્યાય’ તથા 1994માં ગુજરાત હિંદી વિદ્યાપીઠ, અમદાવાદ તરફથી હિંદી ગરિમા સન્માન; 1995માં કલાભારતી સંસ્થાન તરફથી ‘સાહિત્યશ્રી’; 1996માં ઉત્તર પ્રદેશ હિંદી સંસ્થાન તરફથી ‘સાહિત્યભૂષણ’; માનસ વિચાર મંચ તરફથી ‘માનસરત્ન’; હિંદી સાહિત્ય સંમેલન તરફથી ‘હજારીપ્રસાદ દ્વિવેદી સન્માન’ આપવામાં આવ્યાં હતાં.

બળદેવભાઈ કનીજિયા